મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૨)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

 

- જ્યોતિ ભટ્ટ

 

પ્રસંગ ૧૨

 

શ્રીમતી મોના દેવી, વડોદરા, 1959નો ગાળો
શ્રીમતી મોના દેવી, વડોદરા, 1959નો ગાળો

 

1957 દરમિયાન હું એક કેમેરાની ખરીદી કરી શકેલો તેમાં '120' સંજ્ઞાથી ઓળખાતી ફિલ્મ ઉપયોગમાં લેવાતી અને સમ ચોરસ છબી બનતી. જોકે કેમેરાથી બનેલી છબી અને ચિત્રકારે બનાવેલ ચિત્ર એ બે વચ્ચે રહેલા સૂક્ષ્મ પરંતુ મહત્વના તફાવત અંગે મને તે સમયે કશો જ ખ્યાલ ન હતો. તેથી હું મારા ચિત્રો બનાવવા માટે જે માપદંડો ધ્યાનમાં લેતો હતો તે જ છબી માટે પણ લેતો હતો. વળી ત્યારે  ભાગ્યે જ કોઈ ચિત્ર સમચોરસ ચોકઠામાં બનાવેલું તેથી આ કેમેરાની છબીમાં સમ-ચોરસ ચોકઠામાં સમાતી આકૃતિઓનું સુંદર આયોજન કેમ કરવું તે મુખ્ય ધ્યેય બની રહેલ.

 

1959માં મને ફાઇન આર્ટ કોલેજ ના ચિત્ર વિભાગમાં શિક્ષક તરીકે નોકરી મળી. તે પછી મેં વહેલી તકે એક કાંડા-ઘડિયાળ ખરીદી જેથી સમય બરાબર સાચવી શકું. તે પછી એક જૂની (સેકન્ડ હેન્ડ) સાઇકલ પણ વસાવી અને ત્રીજે તબક્કે એક નવો પરંતુ સારો જાપાનીઝ કેમેરા પણ ખરીદી લીધો. વડોદરાના અભ્યાસકાળના આરંભથી જ મારા ગુરુજનોના ઘરે આવવા જવાનું બન્યા જ કર્યું  હતું તેથી તેમના કુટુંબીજનો સાથે પણ સારો સંબંધ થઇ ગયો હતો. બલકે તેઓ બધા મારી સાથે હું તેમનો કુટુંબી જ હોઉં તેમ વર્તતા હતા. આથી મારા નવા કેમેરાનો ઉપયોગ કરવા તેઓ બધા જાણે કે મારા મોડેલ્સ  હોય  તેમ હું ગમે ત્યારે તેઓને ત્યાં પહોંચી જતો. તે સમયે ચિત્રકારો તથા છબીકારોમાં અમુક વિષયો વધુ પ્રચલિત હતા જેમ કે માં અને બાળક, પ્રસાધન વગેરે.

 

મારા ગુરુ પ્રાધ્યાપક નારાયણ શ્રીધર બેન્દ્રે સાહેબના પત્ની શ્રીમતી મોના દેવી દક્ષિણ ભારતીય (તામિલિયન) હતાં. મને હંમેશ એવું લાગતું રહ્યું છે કે, બેન્દ્રે સાહેબના કોઈ ખાસ વ્યક્તિના પોટ્રૅઈટ કે સ્થળના લેન્ડસ્કેપ સિવાયના મોટા ભાગના ચિત્રોમાં તેમણે દોરેલા નારી પાત્રોમાં તેમણે મોનાદેવી ને જ આલેખેલાં.

 

સ્નાન કર્યા પછી કેશ સંમાર્જન કરતી નારી એ ભારતીય કલાકારોનો માનીતો વિષય હતો. પ્રાચીન મંદિરમાં પણ આ વિષયની મૂર્તિઓ કંડારાયેલી જોવા મળે છે. એક સમયે હું બેન્દ્રે સાહેબના ઘરે ગયો ત્યારે મોનાદેવી પોતાના વાળ ઓળી રહ્યા હતા. મારી પાસે કેમેરા હતો તેથી મેં તેમની છબીઓ લેવા ઈચ્છા દર્શાવી. તેમણે કશીજ આના-કાની વિના મંજુર રાખી.

 

મારા કેમેરાના વ્યૂ ફાઈન્ડરમાં દેખાતી આકૃતિની વિગત સ્પષ્ટ છે કે નહિ તે તપાસવા વ્યૂ ફાઈન્ડર સાથે જ એક મેગ્નિફાઈંગ ગ્લાસ પણ આપેલો હતો જેનો ઉપયોગ હું હંમેશા કરતો હતો.  આથી તે સમયે લીધેલી મારી છબીઓમાં  બધી જ આકૃતિઓ ખૂબ સ્પષ્ટ બની રહેતી હતી વળી, આ કેમેરાથી લીધેલી છબીઓની નેગેટિવ્સ પણ મોટી (6/6 સેન્ટિમીટર) બનતી તેનો લાભ અહીં આપેલ છબીની જેમ મોટી પ્રિન્ટ બનાવતી સમયે મળતો.

 

 

નોંધ : The Indian Portrait નામે પ્રતિષ્ઠિત ચિત્રપ્રદર્શનશ્રેણી અંતર્ગત શ્રેણીના નિયોજક અને કળાસંગ્રાહક શ્રી અનિલ રેલિયાએ શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલી કળાકારમિત્રો–સ્વજનોની છબીઓનું ‘The Indian Portrait – XI’, નામે એક પ્રદર્શન અમદાવાદની ગૂફા, અમદાવાદ ખાતે તા. ૩–૮ માર્ચ ૨૦૨૦ દરમિયાન નિયોજિત કર્યું હતું. પ્રદર્શનમાં મૂકાયેલી છબીઓને તેમજ એ છબીઓના સંદર્ભોને આવરી લેતું એક સરસ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. આ પ્રદર્શનશ્રેણી વિશે વધુ જાણવા માટે તેમજ આ પુસ્તક (ઈ–કેટેલોગ)  જોવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરશો :

http://www.theindianportrait.com/the-indian-portrait-11-jyoti-bhatts-photographs-of-his-contemporaries/

 

શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલ અન્ય છબીઓ :

વિદ્યાર્થીઓ સમક્ષ 
ચિત્ર કરી બતાવતા 
પ્રા. બેન્દ્રે
વિદ્યાર્થીઓ સમક્ષ ચિત્ર કરી બતાવતા પ્રા. બેન્દ્રે
વિદ્યાર્થીઓ સમક્ષ ચિત્ર કરી બતાવતા પ્રા. બેન્દ્રે
વિદ્યાર્થીઓ સમક્ષ ચિત્ર કરી બતાવતા પ્રા. બેન્દ્રે
અધ્યાપક નિવાસમાં પ્રા. બેન્દ્રે, વડોદરા, ૧૯૫૮
અધ્યાપક નિવાસમાં પ્રા. બેન્દ્રે, વડોદરા, ૧૯૫૮
પ્રા. બેન્દ્રેના દીકરી કુ. રાણી બેન્દ્રે
પ્રા. બેન્દ્રેના દીકરી કુ. રાણી બેન્દ્રે

- શ્રી જ્યોતિ ભટ્ટ (ઈમેઈલ): jotu72@gmail.com