પરિષદના વર્ચ્યુઅલ સ્પેસ કહેતાં અનોખા ઓટલા સમી ‘નોળવેલની મહેક’માં આ બેઠકમાં
યૌવનના અને કસુંબલ રંગના કવિને વંદન કરતી ‘મેઘાણી વંદના’ રજૂ થાય છે...
– સિતાંશુ યશશ્ચન્દ્ર
પરિષદના વર્ચ્યુઅલ સ્પેસ કહેતાં અનોખા ઓટલા સમી ‘નોળવેલની મહેક’માં આ બેઠકમાં યૌવનના અને કસુંબલ રંગના કવિને વંદન કરતી ‘મેઘાણી વંદના’ રજૂ થાય છે. પરિષદના યુવા સ્વર દ્વારા. આ પ્રસંગ કેટલાં બધાં સ્મરણો જગાડી જાય છે ! પરિષદના સિકંદરબાદ અધિવેશનની પહેલી બેઠકમાં નવનિર્વાચિત પ્રમુખ તરીકેની મારી વિનંતીથી મારા સ્નેહાળ સાથી અને પરિષદના કાર્યકુશળ મહામંત્રી શ્રી પ્રફુલ્લભાઈ રાવલે અને એવા જ સ્નેહાળ સાથી અને ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે છેલ્લી ત્રણેક હરોળોમાં મારી સાથે બેઠેલા, કચ્છ-સૌરાષ્ટ્રથી અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મુંબઈ સુધીના વિસ્તારોમાંથી આવેલા બહુસંખ્ય વિદ્યાર્થીઓ માટે પહેલી હરોળોમાં ખુરશીઓ મૂકાવી આપી હતી ! ને ગુજરાતના સમર્થ સર્જકો-વિવિચકો-અધ્યાપકોએ એ યુવાવર્ગની પાછળ રહેવાનો આનંદ માણ્યો હતો! એ દૃશ્ય હજી નજરમાં રમે છે. તે બાદ તો પરિષદના યુવામંચો અનેક સ્થળે રચાતા આવ્યા. સૂરતની એક અનોખી શાળા હો, પંચમહાલની એક ઉત્તમ કૉલેજ હો, અમદાવાદની સી.એન.વિદ્યાવિહાર શાળા અને ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના વિદ્યાર્થીઓ હો, એવા એવા અનેકાનેક સૂરમાં ગુંજતો ગુજરાતનો યુવા સ્વર પરિષદની અગાસીમાં અને આ અનોખા ઓટલે ભેગો થતો રહ્યો છે. એ ઉપરાંત, કાલોલથી લોસ એન્જેલીસ સુધીના, અને રાજ્યના મહાનગરો તેમ જ નાનાં ગામોમાં રચાયેલા અનેક લેખકો-ભાવકો-અધ્યાપકો-વિદ્યાર્થીઓના ‘અનુબંધો’એ પણ પરિષદનો રસવિસ્તાર કરી આપ્યો છે. એ જ રીતે, પરિષદના ગ્રંથાલયમાં, કાર્યકુશળ ગ્રંથાલયમંત્રી શ્રી પરીક્ષિતભાઈ જોષીના નિરંતર થયેલાં આયોજનોમાં યે યુવા સ્વર ગુંજતો રહ્યો છે.
આ સર્વનું સ્મરણ આજે થાય છે.
આજે હવે એ જ ઓટલે યુવા ઊર્જાના સમર્થ ઉદ્ગાતા ઝવેરચંદ મેઘાણીને પરિષદ પોતાનાં વંદન અર્પે છે એ પરિષદના મંત્રી પ્રો. સમીરભાઈ ભટ્ટ અને મધ્યસ્થ સમિતિનાં સભ્ય પ્રો. સેજલબહેન શાહની તાજપભરી ઊર્જાનું પરિણામ. ગુજરાતીભાષી એવા વિશાળ પ્રદેશમાંથી વિવિધ જાતના યુવા સ્વરોને સાંભળી, એમનું જતન કરી, એમાંથી ઉત્તમને દર પંદરે દિવસે આ બેઠકમાં અચૂક રજુ કરવા, લૉક ડાઉનના બધાયે મહિનાઓમાં એકે બેઠક ચૂક્યા વિના, એ જે તે કામ નથી.
મેઘાણી વંદનાની આ બેઠકમાં પ્રયોગશીલ શિક્ષક અને કવિએ મેઘાણીને ઉદ્દેશીને લખેલો એક તરોતાજા પત્ર આવી પહોંચ્યો છે – ઇન્દુ જોષીનો મેઘાણીને પત્ર. કવિ અતિવાસ્તવે અહીં પધારવાના છે, તે હાથોહાથ એમને એ પહોંચાડીશું! વાંચવાની આપણેને સહુને છૂટ છે. સાથે જ સત્યાગ્રહના ઇતિહાસના એક મહાપર્વ સમા બારડોલીથી મિલિન્દભાઈ પારેખ અને સપનભાઈ પાઠકે મેઘાણીએ વાસ્તવવાદની પીઠિકાએથી રૂમાની કવિઓને આપેલા ઠપકાના કાવ્યનો પાઠ કરતો વીડિયો મોકલ્યો છે.
બારડોલી થી મિલિન્દ ભાઈ અને સપનભાઈ મેઘાણીની કવિતાનો પાઠ કરી ને મોકલે, એ વાત ઇતિહાસ રસિયાઓ માટે કેવી રોમાંચક બને! બંનેનું સ્વાગત.
જ્યોત સે જ્યોત જલે - જેવી એક નાનકડી પણ સમજે તેને મન મોટી વાત તે આ બેઠકમાં ઈશાન શાહની હાજરી! અમેરિકામાં જન્મેલો ઈશાન ગુજરાતી ભાષા જાણે, સમજે બોલે છે તે એમનાં માં ની કાળજીથી. પણ ઈશાન અમેરિકાના આદિવાસીઓની લુપ્ત થવાને આરે આવેલી સંસ્કૃતિ વિશે સંશોધન ની શરૂઆત કરે છે, ( શાળાનો વિદ્યાર્થી છે એ હજી) એ તો એની પોતીકી લાગણીનું પરિણામ. મેઘાણી વિશે જાણવા લાગ્યો, ( પરિષદના કેલિફોર્નિયા અનુબંધ ના અગ્રણીઓ, ડૉ વિક્રમ ભાઈ - ડૉ અંજના બહેન કામદાર અને શ્રી વિજય ભાઈ ભટ્ટના માધ્યમથી અને માતૃ મુખે). એ પ્રક્રિયાનું પરિણામ આજે અપલોડ થતા ઈશાન ના લેખમાં. પરિષદ ના અનુબંધો, કાલોલ થી લોસ એન્જેલસ સુધી વિસ્તરતા, કેવું વ્યાપક કામ કરી બતાવે છે, એ જોવા ચાહનાર આથી આનંદ પામશે. એ " સ્નેહી અંશ" ને આનંદ આવશે . .
વલસાડ થી નિલેશ ભાઈ " કસુંબી નો રંગ"માં પોતાની સ્વર ઝબોળે ત્યારે એમને પ્રિય એવા અવધૂત મકરંદ દવે નાં સ્મરણ પણ એમાં ભળે. સ્વાગત.
સોમૈયા કોલેજના વિદ્યાર્થીઓએ તો એમનાં અનોખાં આચાર્યાના પ્રોત્સાહન વડે મેઘાણીને એક વિશિષ્ટ વંદના મુંબઈથી મોકલી છે. અને એ જ મુંબઈથી મારાં સમ વયસ્ક બહેન પ્રફુલ્લાબહેન, " ચારણ કન્યા" ગીતને પોતાના ઉમંગ નો રંગ લગાડે, ત્યારે એક નવું પરિમાણ ઊઘડે.
પ્રફુલ્લાબહેન લલિતભાઈ શાહ મુંબઇમાં રહેતાં જીવનના નવમા દશકને શોભતું કરતાં ગૃહિણી છે. "લેખક" નથી. એ આ બેઠકમાં પધાર્યાં, એ એક અર્થ સભર વાત છે. પરિષદ આ "નોળવેલ" સાથે ક્યાં ક્યાં પહોંચે છે, એ જોતાં સહુને એક સાત્વિક સંતોષ થાય.
નોળવેલની મહેક વિસ્તર્યા કરો...
‘નોળવેલ’નાં મૂળિયાં ક્યાં ક્યાં પહોંચ્યાં છે, એ જોઈ શકાશે. મેઘાણીના આ કાવ્ય સાથે ઉમાશંકરનું એક કાવ્ય વાંચવા જેવું છે. ‘કહો છો કે થાક્યા કવન સુણી કૂંળાં કુસુમનાં’- એ શબ્દોથી શરુ થતું એ કાવ્ય જે કોઈ યુવામિત્ર, બન્ને કાવ્યો પર પોતાની આસ્વાદ નોંધ સાથે, બલ્કે ક્રિટિકલ નોટ સાથે મોકલે, તો આવતી બેઠકમાં એ વાંચીશું. ‘નોળવેલ’ અને પરિષદ સ્વયં મુક્ત, તર્કસંગત અને સારાસાર વિવેકી ચર્ચાનું સ્વચ્છ મોકળું સ્થળ છે.
મધ્યસ્થ સમિતિના સભ્ય અને આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામકશ્રી વસંતભાઈ જોષીની દૃષ્ટિભરી કુશળતાને કારણે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, શ્રી પિનાકીભાઈ નાનકભાઈ મેઘાણીનો મહમૂલો સહયોગ પરિષદને, એની આ ‘નોળવેલ’ને મળ્યો છેઃ રાષ્ટ્રીય શાયરના પોતાના અવાજમાં એમની ક્રુતિઓના પાઠનો લ્હાવો યુવા લેખકોને, તેમ જ સહુ સહ્રુદયોને મળે, એ રીતે. પ્રિય પિનાકીભાઈનો અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’નો હૃદયપૂર્વક આભાર.
•
આ બેઠકની અનેરી શોભા તો આ સમયનાં ‘સંભારણાં’ છે! આમે, સહૃદયોના પ્રતિભાવો દર્શાવે છે તેમ, રૂપલબહેનનાં આ ‘સંભારણાં’ આ ‘નોળવેલ’-ની દેશદેશાવર પહોંચતી મહેક બની ગયાં છે. આ ‘સંભારણાં’ પરિષદને અને ‘નોળવેલ’ને એમણે કરેલું એક મૂલ્યવાન અર્પણ બન્યું છે. તેમાં યે આ બેઠકમાં રજૂ થતાં ‘સંભારણાં’ તો અનેરાં અને ભર્યાંભર્યાં છે! એમાં ગુજરાતના બે મહાન લેખકો, ઝવેરચંદ મેઘાણી અને બળવંતરાય ઠાકોર બન્ને, જાણે એક સાથે, પરિષદના આ સભાગારમાં પધારે છે, આર્કાઈઝના અંતરિયાળ વિસ્તારમાંથી નીકળીને! બન્નેને આ રીતે સાથે આવતા જોઈને એક ‘સાક્ષરલોક-કથા’ યાદ આવે છેઃ મુંબઈ યુનિવર્સિટીનાં સુપ્રતિષ્ઠિત ‘ઠક્કર વિસનજી વ્યાખ્યાનો’માં મેઘાણીજીએ, ‘લોકસાહિત્યનું સમાલોચન’ એ શીર્ષક હેઠળ ઈ. 1946માં વ્યાખ્યાનો આપ્યાં હતાં. પેલી સાક્ષરલોક-કથા એ અંગેની છે! કહે છે કે મેઘાણીને સાંભળવા માટે 1946ના એ દિવસોએ મુંબઈ યુનિવર્સિટીનો કોન્વોકેશન હૉલ હકડેઠઠ ભરાયો હતો. બહાર લૉન-બગીચાઓમાં બાકીના શ્રોતાઓ ઉભરાયેલા. અંદર પહેલી હરોળમાં બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બિરાજેલા. મેઘાણીજી, વ્યાખ્યાનના એક તબક્કે, પોતાની વક્તા માટેની ખુરશી છોડી, ત્યાં સામેના ટેબલ ઉપર ચડી બેઠેલા, કહે છે, અને લોકસાહિત્યનાં કથા ગીતો, ઉદાહરણ રૂપે, વિવેચનની સામગ્રી રૂપે, લલકારવા માંડેલા. એ વિરલ સમય સંધિએ, જેમ પ્રાચીન કાળે નર્મદાનાં નીરમાં બેઠેલો કોઈ ગજરાજ ઊભો થઈને કાંઠે જવા નીકળે એમ, એ ભર્યાભર્યા હૉલની પહેલી હરોળની ખુરસીમાંથી ઊભા થઈ બળવંતા બ.ક.ઠાકોર હૉલના દરવાજા તરફ ધીમી ગતિએ જવા લાગ્યા. ત્યાં હાજર રહેલાઓના કહેવા મુજબ, ‘આને ભાષણ કરવા બોલાવ્યો છે કે ગીતો ગાવા?’ એવું પોતાના ઘનઘોર અવાજે બોલતા બોલતા! – કથા જ હશે, કદાચ, પણ કેવી રસભરી. અને અર્થયુક્ત.
‘સંભારણા’નો સંજીવનકારી ચમત્કાર એ છે કે ‘નોળવેલ’ની આજની બેઠકમાં પરિષદને આંગણે મેઘાણી અને ઠાકોર, બન્ને પધારે છે, આર્કાઈવ્સના પાતાળલોકમાંથી બહાર આવીને. પણ એટલું જ નથી. રૂપલબહેન એ સાથે આજે અહીં લઈ આવ્યાં છે 20મી સપ્ટેમ્બર, 193૦નો ‘નવજીવન’-નો મહા-ઐતિહાસિક અંક (‘તંત્રીઃ મોહનદાસ કરમચંદ ગાંધી’ એમ છાપેલો!) 1930 વિના 1946-47 ક્યાંથી? આપણા સહુ માટે, વિશેષ તો આજના યુવાન લેખકો-ભાવકો-વિદ્યાર્થીઓ માટે આ યે એક સોગાદ છે. કેમ કે ‘નવજીવન’ના એ અંકમાં છે એક લેખઃ ‘દરિયા ઉપરથી’. લેખના લેખક મહાદેવભાઈ દેસાઈ! લેખનું ઉપશીર્ષકઃ ‘છેલ્લો કટોરો’! વિષય, ગોળમેજી પરિષદમાં ભગ લેવા જતા ગાંધીજીની સમુદ્ર સફર! સફરનામું લખ્યું છે ગાંધીના યે જે અંતરંગ મહાદેવ, એમણે!
આ અમૃતમય પ્રસાદ બદલ હ્રુદયપૂર્વક આભાર, રૂપલ બહેન.
મધ્યસ્થ સમિતિના સભ્ય પ્રો. પીયૂષભાઈ ઠક્કર જે ઉપહાર પરિષદની આ ‘નોળવેલ’ માટે, અ દરેક બેઠકમાં લાવ્યા છે, એ પણ એવો જ દૂર સુદૂર, દેશ પરદેશ પહોંચતી મહેક સમો છેઃ વિશ્વખ્યાત ચિત્રકાર છબીકાર શ્રી જ્યોતિ ભટ્ટની ડાયરીનાં સહજ સૌંદર્ય છલકતાં કેટલાંક વધારે પાનાં.
એવી જ શોભા, સંસ્ક્રુત સાહિત્યની, શ્રી વિજયભાઈ પંડ્યા પ્રસ્તુત કરે છે. આજે એમણે પ્રસ્તુત કર્યું છે એક વધારે ઋતુની શોભાનું સંસ્ક્રુત સાહિત્ય.
સહુનું સ્વાગત.
•
‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ
સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].
સેજલ શાહ : [email protected]
સમીર ભટ્ટ : [email protected]
•
સહાયક ટીમનો આભાર:
સેજલ શાહ
સમીર ભટ્ટ
વસંત જોશી
પીયૂષ ઠક્કર
રૂપલ મહેતા
અનુક્રમ:
નોળવેલની મહેકઃ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦
સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.