• વિનાયક રાવલ, કલાવિમર્શ, એપ્રિલ-જુલાઈ ૨૦૨૦
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટતા નોળવેલની મહેકના યુવાસ્વરો..
કોરોનાની મહામારીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ નોળવેલની મહેક જેવા કાર્યક્રમ દ્વારા તેર યુવાસ્વરો જ્યારે પ્રસ્તુત કરે છે ત્યારે એના નવનવોન્મેષશાલી પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર અભિનંદનના અધિકારી બને છે. આ તેર યુવાસ્વરોમાં પ્રિયંકા ધંધુકીયા, આકાશ રાઠોડ અને ઊર્વિકા પટેલ આસ્વાદકો-વિવેચકો છે. પ્રિયંકા અને આકાશ કાવ્યાસ્વાદ કરાવે છે તો ઉર્વિકા વાર્તાનો આસ્વાદ કરાવે છે. બાકીના દસ યુવાસ્વરોમાં આઠ ગીતરચના છે. ત્રણ ગઝલ છે અને એક નાટક છે. આકાશાવાળાનું નાટક ‘કોરોના અને ઘર’ સાંપ્રત સ્થિતિનું બયાન સંવાદો દ્વારા કરાવે છે પરંતુ એમાં નાટક બનવાની ક્ષમતા ઓછી છે. નાટક માટેની વસ્તુસંકલના પાંખી છે પરંતુ કથાનકમાં નાટ્યતત્ત્વ જરૂર છે. ફરીથી એના પર કામ કરવું ઘટે. મનુ ઠાકોરની ગીત રચના ‘ઝીણું ઝીણું રે ઝળહળતું' માં ધ્રુવપંક્તિ અને બીજી કેટલીક પંક્તિઓમાં લયહિલ્લોળ છે. મનોજ સોલંકીના ગીતમાં ‘ચૂલો’ અને ‘ઝૂલો' સારી રીતે રજૂ થવાને કારણે મુખડું આકર્ષક બન્યું છે. પરબત નાયીની ત્રણ રચનાઓમાં મુક્તક અને બે ગીત ધ્યાનાર્હ છે. જયેશ રાષ્ટ્રકૂટના ગીતની ધ્રુવપંક્તિ ‘જીવ’ પારેવા નામે તું પરબીડિયું લખ’ સારી છે. બ્રિજેશની ગીત રચના ‘ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું?' જુદા પ્રકારની ગીત રચના છે. મિશીકાના ગીતમાં વરસાદ' જેવું પ્રકૃતિતત્ત્વ છે પરંતુ આ સઘળી ગીત રચનાઓમાં સાદ્યંત લયવિધાનની ઓછપ છે. ગીતની સરખામણીમાં ગઝલ ઓછી કેમ? આવો સવાલ અચૂક થાય. ગીત અને ગઝલ બંનેમાં પરંપરાનું નિર્વહણ છે. ચાર્લી રચના થોડીક હટકે છે. ગઝલ રચનાઓમાં છંદ-રદીફ-કાફીયામાં ક્યાંક ક્યાંક સ્ખલન છે.
આ યુવાસ્વરો એકદમ આશાસ્પદ છે. સિતાંશુભાઈ, આ પ્રકારની કામગીરી લગાતાર ચાલવા-ચલાવવાથી જ એક આગવું-નરવું-નવું આસમાન નિર્માણ કરી શકાશે. આસ્વાદકોને પણ વધાઈ. ત્રણે રચનાઓ સશક્ત છે..બ્રેવો !!
- આ પ્રકારની નોળવેલની મહેંકના પાંચ અધ્યાય રજૂ થઈ ચૂક્યા છે. ભાવકોએ પરિષદની વેબસાઈટ ઉપર જઈ એનો આસ્વાદ લેવો.
- વિનાયક રાવલ
કલાવિમર્શ, એપ્રિલ-જુલાઈ ૨૦૨૦.
વિશિષ્ટપૂર્તિ. નેત્ર-યજ્ઞ
- સરયૂ પરીખ
ભાવનગરમાં શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા શરૂ થયેલ નેત્ર-યજ્ઞની અસંખ્ય વાતો અને ચક્ષુદાનની ઘટનાઓ માનવતાને એક મુઠ્ઠી ઊંચે લઈ જાય છે. આજે કલાકાર જ્યોતિભાઈ માનભાઈ ભટ્ટનો લેખ (મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો-૯) આદરભાવપૂર્વક રજુ કરું છું.
સરયૂ પરીખ
‘દાવડાનું આંગણું’ વેબસાઈટ પરથી
લેખ: નેત્ર-યજ્ઞઃ મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો – જ્યોતિ ભટ્ટ. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રકાશિત (નોળવેલની મહેકઃ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦.)
*
- કલ્પના દેસાઈ
સ્નેહી જ્યોતિભાઈ,
કુશળ હશો. નેત્ર-યજ્ઞની માહિતી અને ફોટા ગમ્યા. નાની બહેનની યાદો અને સરયૂબહેને આપેલી અંજલિ હૃદયસ્પર્શી રહ્યાં. આ શ્રેણી ખૂબ સરસ રહી છે. ખૂબ આભાર.
-કલ્પના દેસાઈનાં સુમિરન.
*
- જ્યોતિ ભટ્ટનો પ્રતિભાવ
એક લોકગીત - કદાચ લગ્ન ગીતમાં ગવાયું છે :
“દાદાને ઘેર આંબલો એનો પડછાયો પરદેશ...”
એ પ્રમાણે તમારી નોળવેલનો રેલો પરદેશ - અમેરીકા જઈ ‘દાવડાના આંગણે’ પહોંચ્યો છે. આ સાથે ફોરવાર્ડ કરેલ લખાણ વાંચવું ગમશે એવી આશા છે. બધા મજામાં હશો.
- જ્યોતિ