મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૧)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

 

- જ્યોતિ ભટ્ટ

 

પ્રસંગ ૧૧

Double Self Portrait, 1969-83
Double Self Portrait, 1969-83

 

વડોદરાની ફાઈન આર્ટસ કોલેજમાં ચિત્ર વિભાગ અને શિલ્પ વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ એક જ મકાનમાં કામ કરતા હતા. આથી, શિલ્પ વિભાગમાં પણ હું વારંવાર જતો હતો. એક સમયે ત્યાં ભોંયની ફર્શ પર પડેલો એક રૂમાલ જોવા મળ્યો જેની પર કરચલીઓ હતી છતાં, એક માનવ ચહેરો પણ નજરે ચઢ્યો. જેનો મેં ફોટો લીધો.

 

મને કેટલાક લોકો પૂછતાં રહ્યા છે કે, મેં ચમત્કાર જેવું પરિણામ લાવવા શું તરકીબ વાપરેલી. સંભવ છે કે, શિલ્પ વિભાગના કોઈ વિદ્યાર્થીએ પ્લાસ્ટર કે અન્ય માધ્યમોમાં ચહેરો બનાવ્યો હશે અને પછી તેની ઉપર રંગ વડે કામ કરીને તેલ કે વાર્નિશ લગાડ્યો હશે. એ સ્તર (કોટીંગ) સુકાય તે દરમિયાન તેની ઉપર ધૂળ ન લાગે તે માટે રૂમાલ ઢાંક્યો હશે. રૂમાલમાં તે સ્તર ચોંટી જવાથી રૂમાલ કડક બની ગયો હોવાથી ચહેરાની આકૃતિ રૂમાલમાં પણ જળવાઈ ગઈ હશે. એ રૂમાલ મને અનાયાસ મળી ગયો હતો.

 

સદ્ભાગ્યે તે દિવસે કોઈ કારણસર હું મારો કેમેરા સાથે લઇ ગયેલો. એથી એ રૂમાલની છબી લેવાનું શક્ય બન્યું. ત્યારબાદ દસ-બાર વર્ષ પછી જયારે ‘ડિપ્ટિચ' પ્રકારની છાપ હું બનાવવા લાગ્યો ત્યારે આ રૂમાલી ચહેરાની છબી હાથમાં આવી. તેની સાથે જોડીદાર તરીકે બીજી છબી માટે બે વિકલ્પ પસંદ પડ્યા. એક : મારો પોતાનો ‘સેલ્ફ પોર્ટ્રેટ' અને બીજો : રૂમાલી ચહેરાની જ બીજી છબી જે બાજુથી (પ્રોફાઈલ) લીધેલી તે. જો કે, પહેલો વિકલ્પ જરા વધુ પડતો બોલકો તેમજ પ્રિટેન્શીયસ બની જતો લાગ્યો. એથી બીજા પર પસંદગી ઉતારી. આ છાપ મારા છબીકાર મિત્ર રધુ રાયે જોઈ ત્યારે, તેણે સૂચન કર્યું કે, સફેદ બોર્ડર વચ્ચે બે છૂટા છૂટા ચહેરાને બદલે સફેદની જગ્યાએ બોર્ડર પણ કાળી કરી નાખવી. મેં તેમ કર્યું અને છબી વધુ સારી બની ગઈ એવું પણ લાગ્યું. ત્યારપછી જયારે જયારે આ છબી છાપી ત્યારે તે રઘુ રાયના સૂચન પ્રમાણે જ છાપી કે, છાપતો રહ્યો છું.

 

ત્યારપછી, ભારત ભવન, ભોપાલમાં યોજાયેલ એક શિબિર દરમિયાન મેં એક એચિંગ બનાવેલ ત્યારે આ છબીને આધારે મેં તેના દેખાતા ચહેરાને બદલીને મારો પોતાનો ચહેરો દેખાડવા પ્રયત્ન કરેલો. જેથી, છબી સમયે જે એક વિકલ્પ પડતો મૂક્યાનો મનમાં થોડો રંજ હતો તે પણ અનાયાસે મનમાંથી દૂર થઇ ગયો.

 

- શ્રી જ્યોતિ ભટ્ટ (ઈમેઈલ): [email protected]