અભિપ્રાય

- દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન, યુ.એસ.એ.

આદરણીય સિતાંશુભાઈ, હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે. સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ વિશે અવારનવાર વાંચતી રહું છું. વચ્ચે એકાદ મહિનો વડિલભાઈની માંદગીને કારણે નિયમિત ન રહી શકાયું. હવે એ શોકમાંથી બહાર આવી સ્વસ્થ બનવા માટે પાછું પૂર્વવત વાંચવાનું ચાલુ કરી દીધું છે.

આ વખતે ઓક્ટો.ના વિવિધ વાંચનોમાં ખૂબ મઝા આવી. ઘણું નવું જાણવાનું પણ મળ્યું. તેમાંથી આપની સ્વાગત નોંધના કેટલાક ઉલ્લેખો/વાતો અમારી હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની બેઠકમાં વહેંચ્યા અને સૌને આનંદ આવ્યો તે સહજ જાણ સારું. તે કારણે જ માત્ર આજનો અહેવાલ આપને મોકલું છું. એટલે અંશે પરિષદ સાથે અનુબંધ સાધવાની ખુશી થઈ.  કુશળ હશો.

- દેવિકા રાહુલ  ધ્રુવ

 

“ત્યારબાદ આ અહેવાલ લખનાર દેવિકા ધ્રુવે સત્વશીલ સાહિત્યની સવિશેષ નવી વાતો કરી. તે માટે સરસ્વતી સન્માન પામેલ આજના ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદના પ્રમુખ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની ‘નોળવેલની મ્હેંક’ની સવિસ્તાર સમજૂતી આપી. તેનો સાર એ છે કે, કોરોના નામના સર્પની સામે પ્રજારૂપી નોળિયાએ નોળવેલ (નામની વનસ્પતિ)ની મ્હેક એટલે કે, સાહિત્યની સુગંધ ધરીને આ કપરા સમય/સંજોગ સામે ઝઝુમવાનું છે. એક નાનકડા વિષાણુ સામે વિજાણુ ધરી ખેલવાનું છે અને ઉપાધિયોગને સમાધિયોગ થકી હરાવવાનો છે. “

(ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનમાં યોજાયેલ ૨૧૩મી બેઠકઃ અહેવાલ - https://devikadhruva.wordpress.com/ )

 

 

  • શૈલા મુન્શા, યુ.એસ.એ.

 

દેવિકાબહેનના અહેવાલ માટે - સહુ સભ્યોના સાથથી ઓક્ટોબર ૨૦૨૦ ની આપણી (ઝુમ) બેઠક ઝમકદાર રહી. સાહિત્યના સથવારે આપણે ક્યાં ક્યાં ફરી આવ્યા. ગીતા, ગઝલ, લેખાં, વાર્તા, હાસ્યરસ અને છેલ્લે 'નોળવેલની મ્હેંક' માણીને સહુ છૂટા પડ્યા....

 

 

  • મૂકેશ વૈદ્ય

 

આદરણીય સિતાન્શુભાઈ,

નોળવેલની મહેંક નો સ્વાગત લેખ "ઢાંસુ" છે. બ.ક.ઠાકોર હોય પછી કોઈ સવાલ જ નથી. તમે સ્ટીવન્સની હોલ ઑફ ધ હારમોનિયમની વાત કરો છો એવી છે: મનુજ સારંગીના..

આદરણીય વિજયભાઈ, થેન્કયુ વેરી મચ. માત્ર લિંક માટે નહીં. હેમંત વિશેના સુંદર સુભાષિતો અને એનાં આસ્વાદ કરાવતાં સુંદર લેખ માટે.અભિનંદન અને આભાર.આનંદવર્ધન જેવા પ્રખર બૌદ્ધિક મીમાંસકે જેમાં ધ્વનિ  નથી એમ સ્પષ્ટપણે કહ્યું છે અને એ શ્લોક વિશે તમે પણ મૌન રહેવાનું પસંદ કરીને ભાવકો પર છોડ્યું છે.

એ પદ્ય વિશે હું ઉલટભેર પ્રતિભાવ આપતા કહીશ કે આ સુભાષિતમાં કવિ ઉત્તમ કક્ષાનું કાવ્યતત્વનું પ્રકટાવી શક્યાં છે કવિએ ઠંડીનું નામ પાડ્યા વગર એની અતિશયતાની અનુભૂતિ કરાવી છે. કોઈ પણ કવિ અન્ડરટોનમાં જે શક્યતાઓ વિસ્તારી શકે છે એ ભારપૂર્વક કરાયેલાં સૂચિતાર્થોમાં પણ નથી પ્રકટતી. અહીં વટેમાર્ગુ ઊઠી ગયો છે, એણે જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, છતાંય ટૂટીયું છોડીને ઊઠી શકતો નથી.

તમે નોંધ્યું છે તેમ વાચ્યવિશેષાર્થો જ છે પણ એ વાચ્યવિશેષાર્થો ઠંડીની અતિશયતાનો નામ પાડ્યાં વગર ખ્યાલ આપે જ છે પણ અન્ય શક્યતાઓ માટે અવકાશ ખૂલ્લો રહે છે.

અભિનંદન.

સસ્નેહાદર

- મૂકેશ વૈદ્ય.

 

 

  • ડૉ અશોક ભાઈ કામદાર, મુંબઈ.

પૂ.સિતાન્શુભાઈ,

આમંત્રણ માટે ખૂબ ખૂબ આભાર.એક સૂત્રધાર તરીકે તમારા નેજા હેઠળ,ઉચ્ચ પ્રકારના સાહિત્યનો આસ્વાદ કરાવો છો તેને માટે અભિનંદન.

'ગમતુ રે અલ્યા ગુન્જે ન ભરીએ, ને ગમતાંનો કરીએ ગુલાલ'એજ રીતે તમે નિઃસ્વાર્થભાવે 'લ્હાણી'કરી ઉત્સવની ઉજવણી કરો છો. ૩૬ પકવાન પીરસો છો.

- ડૉ અશોક ભાઈ કામદાર, મુંબઈ.

 

 

  • હેમંત શાહ

“નોળવેલની મહેંક”માં રુપલબેનનાં ખજાનામાંથી નિરંજન ભગત કરાવેલ (વ્યાખ્યાન કહેવાય? ) આસ્વાદ નાં ઘ્વનિમુદ્રણ આપવામાં આવે છે એ અમૂલ્ય વારસો માણવાનો લ્હાવો વ્હેંચીને અમને સમૃઘ્ધ કરવાનો ઉપક્રમ ખૂબ ખૂબ અભિનંદનીય છે. આભાર.

યુવાસ્વર પણ એક બહુ આવશ્યક પ્રદાન છે, ગુજરાતી ભાષા ૨૧ મી સદીમાં પણ પરભાષાનાં આક્રમણ સામે ટકશે અને સમૃઘ્ધ થતી રહેશે તેની આવશ્યક કોલબેલ જાણે કે વાગતી રહે છે.

- હેમંત શાહ

 

 

  • રસીલા કડીયા

નોળવેલની મહેકના બધા જ વિભાગોને હું સારી પેઠે માણું છું. આ વખતે એટલે કે તા.૧૫-૧૦-૨૦૨૦ ના અંકમાં મને વિશેષ ગમ્યું તે છે:

* ઈન્દુ જોશીની દાદાગીરીનો રસપ્રદ પત્ર તો કહેવું પડે! પત્રલેખાણનો મનેય શોખ પણ આ સમયે પત્ર વાંચનાર અને લખનાર ક્યાં? એટલે જ પત્ર વાંચીને જ એની સાથે બેનપણાં કરવાનું મન થયું. સંપર્કસૂત્ર આપશો?

* ઈશાન શાહે અમેરિકન આદિવાસીઓના સાહિત્ય-સંસ્કૃતિનું ઝીટકલા -એ કરેલ સંશોધન બાબતે આપેલો માહિતીપ્રદ લેખ.

* વિજયભાઈના સુભાષિતો તો ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા ન હોય તેવા અખૂટ રસપ્રદ છે. ભણવામાં તો આવું આવ્યું જ નહતું, અને આપણી પહોંચ અભ્યાસક્રમ પૂરતી જ! જોકે એ બધુંસારી પેઠે માણેલું. એ.જી.ભટ્ટના એલ.ડી.માં લેકચર ભરી, જી.કે.ભટ્ટના (લેકચર) ગુજરાત કોલેજમાં ભરવા માટે દોડતા પણ, ભણતરની એ રહી ગયેલી ખોટ આ વિભાગથી પૂરી થાય છે.

* યુવાસ્વરમાં ડો.સોનેજી, મીરાં જોશીના કાવ્યો તથા હાઈકુ ગમ્યા.

* જ્યોતિભાઈની છબીઓ જોવી ગમે જ, વળી એની સાથે જોડાયેલા પ્રસંગોનું આલેખન દિલચષ્પ હોય છે. છબીની રોનક વધારે છે.

* 'સંભારણા'ના વિષયો અને વક્તા બંને અફલાતૂન પણ એનું પૂયર રેકોર્ડિંગ મારા કાન સુધી સાંભળી શકાતું નથી કે તેનું લખાણ ઝીણા અક્ષરો થકી વાંચવા માટે આંખોની ક્ષમતા નથી. જોકે નિરંજનભાઈની બુધવારની અનેક બેઠકોમાં ઉપસ્થિત રહેવાનું બન્યું છે પણ એમને વારંવાર સાંભળવા ગમે જ.

- રસીલા કડીયા, તા.૨૫-૧૦-૨૦૨૦.