સંભારણાં (૧૧): ૮૬ મે – કાવ્યસંગ્રહ વિમોચન

સંભારણાં (૧૧)...

 

૮૬ મે - કાવ્યસંગ્રહ વિમોચન,

તા.૨૯-૮-૨૦૧૨, સ્થળ: સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત, અમદાવાદ.

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

૮૬ મે - કાવ્યસંગ્રહ વિમોચન:

તા.૨૯-૮-૨૦૧૨, સ્થળ: સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત, અમદાવાદ.

જ્યારે વાચકને કવિની સહી કરેલું પુસ્તક મળે, ત્યારે વાચકને કેવો આનંદ થાય છે! અને તે પણ જ્યારે કવિ પ્રેમપૂર્વક હાથોહાથ વાચકને આપે, તો તેનું મૂલ્ય ખરા વાચકને મન કોઈ ઝવેરાતથી ઓછું નથી હોતું. હવે જો કોઈ તે પુસ્તક વાંચવા માટે માંગે, અને તે આપવાની વાચક આનાકાની કરે, તો તે એવું કેમ કરે છે, તે દરેકને નથી સમજાતું. લાગણીની વાત સમજવી અઘરી છે.

 

આવી જ વાત આ પુસ્તક – ૮૬ મે – અને પ્રસંગની છે. આ સાથે જે ચિત્ર છે, તે જ મારું સંભારણું છે.

 

ભગતસાહેબનો ૮૬ મો જન્મદિવસ તો મે મહિનામાં જ ઉજવાઈ ગયો હતો, ‘હજી તો બીજાં ૧૪ વર્ષ બાકી છે....’ અને પછી તેઓ જિજીવિષા શબ્દની ચર્ચા કરતા. જિજીવિષા એટલે જીવવાની ઈચ્છા એટલું જ નહીં, જિજીવિષા એટલે નિષ્કામ કર્મ કરતાં કરતાં વધારે જીવવાની ઈચ્છા રાખવી –એ ઉપનિષદનો અર્થ છે અને તે તેમણે તેમના ‘પંચાશીમે’ કાવ્યમાં પણ મઢ્યો છે –જે ’૮૬ મે’ કાવ્યસંગ્રહનો ભાગ છે.

 

તા.૨૯-ઑગસ્ટ-૨૦૧૨ના રોજ, રાત્રે આઠ વાગ્યે, અમદાવાદની સ્પોર્ટસ ક્લબ ઑફ ગુજરાત ખાતે નિરંજન ભગતના કાવ્યસંગ્રહ – ‘૮૬ મે’ નો વિમોચન પ્રસંગ ઉજવાયો હતો. તે પ્રસંગ પહેલાં જ, ભગતસાહેબ બધાંને માટે આમંત્રણ-કાર્ડ લઈ આવ્યા હતા, દરેકે દરેકને નામ બોલીને હાથમાં આપતા હતા –બેશક તે ભાવભીનું આમંત્રણ હતું. આ જાહેર કાર્યક્રમ નહતો. It was for invitees only.

 

હૉલમાં એક મોટું ટેબલ ગોઠવ્યું હતું અને સામે ઘણી બધી ખુરશીઓ હતી –સમય થતાં તે બધી જ ભરાઈ ગઈ અને કેટલાંકે ઊભા પણ રહેવું પડ્યું હશે!

ગોઠવણી થતી હતી ત્યારે (ટેવ મુજબ) મેં પૂછ્યું, ‘રેકોર્ડ તો થવાનું જ હશે ને...’ ‘ના ?’ ના –સાંભળીને મને આશ્ચર્ય થયું! હવે શું કરવું –ભગતસાહેબના પુસ્તકનું વિમોચન –ઐતિહાસિક પ્રસંગ કહેવાય અને રેકોર્ડિંગ નહીં? હંમેશ મુજબ મોબાઈલ તો હતો જ –પણ ઘરમાં મોબાઈલ પર રેકોર્ડ કરો અને public function માં રેકોર્ડ કરો, એમાં આસમાન-જમીનનો ફેર છે –બેટરી પણ ઓછી છે, માઈક સામે મૂકીએ અને દરમિયાન કોઈનો ફોન આવશે તો? વધુ વિચારવાનો સમય જ ક્યાં હતો –સાહેબ તો ખુરશી પર ગોઠવાઈ ગયા હતા અને માઈકનું ટેસ્ટીંગ પણ થઈ ચૂક્યું હતું. વધારે વિચાર્યા વગર ‘સાઉન્ડ રેકોર્ડ’ ચાલુ કરી દઈને ટેબલ પર ડિવાઈસ મૂક્યું... જ્યારે વક્તવ્ય સમાપ્ત થયા પછી તેને ઊંચક્યું, ત્યારે નિરાશ મનમાં તો એમ જ હતું કે બેટરી ‘ડેડ’ થઈ ગઈ હશે એટલે રેકોર્ડિંગ blank જ મળશે... પરંતુ ના -તેમ નહતું.

 

અને તેથી જ આ સંભારણું અહીં પ્રસ્તુત કરતાં મને સંતોષ થાય છે –જાહેર કાર્યક્રમ ન હોવાથી અનેક હાજર રહી નહીં શક્યા હોય. વળી આ પ્રકાશનનું વિમોચન તેમને માટે અંતિમ હતું. આ કાર્યક્રમમાં તેમણે તેમના કાવ્યોને સમજાવ્યા છે –તેની ભૂમિકા વિષે કહ્યું છે, કેવા પ્રસંગે, કેવી પ્રેરણાથી તેમણે એ કાવ્યો રચ્યાં છે, તે વિસ્તારથી સમજાવ્યું છે.

 

આજના વિકટ સમયમાં પણ માનવીને દૃઢ અને positive બનાવે તેવી તેમની favourite પંક્તિઓ હજીય મારા મનમાં ગુંજે છે:

“તેં મને પૂછ્યું હતુંને: ‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’

હું માનવ, આજે તને કહું હવે અવકાશને માનવતાથી મઢીશ હું.”

 

આશા છે કે રસિકો કાવ્યો, તેની ભૂમિકા અને સમજૂતી અને કાવ્યપઠનને માણી શકશે...

 

- રૂપલ મહેતા

૩૧ ઑક્ટોબર ૨૦૨૦.

(નોળવેલની મહેક)

 

Direct Link: https://youtu.be/ImzGHnCuVIs

નોંધ: પ્રસ્તુત ઓડિયોની ગુણવત્તા બને તેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ Headphones કે earphones ની જરૂર પડે. સંદર્ભ ફોટા -રજૂઆત  સમજૂતી માટે છે. કોપીરાઈટ યથાતથ. સાભાર.