મૂર્ધન્ય શિલ્પકાર રાઘવ કનેરિયા

 

વિખ્યાત શિલ્પકાર અને કળાગુરુ શ્રી રાઘવ કનેરિયા : એક અંતરંગ પરિચય

સંપાદન: - પીયૂષ ઠક્કર

 

વિખ્યાત શિલ્પકાર અને કળાગુરુ શ્રી રાઘવ કનેરિયાને પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી દ્વારા માનદ્ ડોક્ટરેટની પદવી એનાયત થવાના સમાચાર છે ત્યારે શ્રી કનેરિયા સર અને એમની કળાયાત્રા વિશે રજૂ કરીએ છીએ કેટલીક અંતરંગ વાતો, જેમાં સામેલ થયા છે એમના સમોવડિયા સન્મિત્ર કળાકાર શ્રી જ્યોતિ ભટ્ટ અને શિષ્ય–શિલ્પકાર  શ્રી રતિલાલ કાંસોદરિયા, તદુપરાંત શ્રી રાઘવ કનેરિયાની સમગ્ર કળાયાત્રાની ઝલક રજૂ કરતા ૨૦૧૫માં યોજાયેલ પુનરાવલોકન પ્રદર્શનની ટૂંકી સમીક્ષા પણ આ સાથે વાંચશો. સૌનું સ્વાગત છે.

 

શ્રી રાઘવ કનેરિયાની કળાયાત્રા–એક વર્ચ્યુઅલ પ્રદર્શની: 

રાઘવ કનેરિયા

- જ્યોતિ ભટ્ટ

 

શિલ્પકાર રાઘવ કનેરિયા, ફાઈન આર્ટસ્ ફેકલ્ટી, વડોદરા. (છબી : જ્યોતિ ભટ્ટ)
શિલ્પકાર રાઘવ કનેરિયા, ફાઈન આર્ટસ્ ફેકલ્ટી, વડોદરા. (છબી : જ્યોતિ ભટ્ટ)

શિલ્પકાર રાઘવ કનેરિયા : વિવિધ મુદ્રાઓ. (છબી : જ્યોતિ ભટ્ટ)
શિલ્પકાર રાઘવ કનેરિયા : વિવિધ મુદ્રાઓ. (છબી : જ્યોતિ ભટ્ટ)

 

કહેવાય છે કે, પતિપત્નીની જોડી સ્વર્ગમાં જ નક્કી થઇ ગયેલી હોય છે.સન્મિત્રો માટે પણ એવું જ બનતું હોવું જોઈએ તેમ મને અવારનવાર લાગ્યા કર્યું છે.સદભાગ્યે મારા સન્મિત્રોની યાદી લાંબી છે.એમાંના એક સ્વ.  બાલકૃષ્ણપટેલે કબીરજીની એક રચના કહી સંભળાવેલી,કબીરા ખડા બાજારમેં માગે સબકી ખૈર, નાં કાહુસે દોસ્તીના કાહુ સે બૈર.”મારા સન્મિત્રોની યાદીની ઉપરની હરોળમાંના એક રાઘવ કનેરિયાએ તથા મેં કબીરજીની એ રચનામાંસુધારો તો ના જ કહેવાય પરંતુ તેનાં ત્રીજાં ચરણમાં‘હમારી સબસે દોસ્તી’ એમ જરા ફેરફાર કરીને તેને અપનાવવા પ્રયત્નશીલ રહ્યા છીએ.

 

વધતી જતી વયનું એક અણગમતું લક્ષણ: વયની સાથોસાથ વિકસતી જતી વિસ્મૃતિનો પ્રભાવ પણ છે. સ્નેહી ભાઈ રમણીક ઝાપડિયાના પ્રેમાગ્રહ પ્રમાણે વિસ્મૃતિનો ધૂંધળો ચક્રવ્યૂહ ભેદીને રાઘવભાઈ સંગાથે ગાળેલા સમયના કેટલાક પ્રસંગો રજૂ કરવાનો પ્રયાસ કરું છું. આશા છે કે તેમાંથી રાઘવભાઈની છબી પણ જોઈ શકાશે જોકેતે જોવા  માટે વાચકે પ્રયત્ન પણ કરવો પડશે, કારણ કે હવે નીચે રજૂ થનાર બાબતો કાળાનુક્રમને સ્થાને પ્રસંગોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે.

 

વર્ષ ૧૯૪૯ દરમ્યાન વડોદરામાં નવી સ્થપાયેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ૧૯૫૦માં ‘ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ્’ નામથી કળાશાળા શરુ કરી.આથી ભારતમાં પ્રથમવાર કળાભ્યાસને યુનિવર્સિટી ધોરણે સ્થાન મળ્યું.૧૯૫૪માં ચાર વર્ષ પૂરાં થયાં.તે દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલી કૃતિઓનું એક મોટું પ્રદર્શન મુંબઈમાં યોજાયેલું.કદાચ આથી મળેલી ખ્યાતિને કારણે ૧૯૫૫માં પહેલાં વર્ષમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓનો એ સમૂહ (batch) વિશિષ્ટ બની રહ્યો છે. તેમાંથી ભારતને જે આગવી પ્રતિભા ધરાવતા ઉત્તમ કળાકારો પ્રાપ્ત થયા  તેમાં  રાઘવ  કનેરિયા પણ એક છે. જો કે, અત્રે તે બેચના અન્યોનો પણ નામોલ્લેખ કરવો પ્રસ્તુત છે. તેઓ છે: સર્વશ્રી હિંમતશાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર, સ્વ. નાગજી પટેલ તથાસ્વ. વિનોદરાય પટેલ. ફાઈન આર્ટસ કોલેજમાં શરૂઆતથી જ પ્રાદેશિક્તા ને સ્થાન અપાયેલું નહીં. વિખ્યાત મહારાષ્ટ્રી, બંગાળી અને તમિળ કળાકારોને શિક્ષક તરીકે સ્થાન અપાયેલું.વિદ્યાર્થીઓ પણ વિવિધ રાજ્યોમાંથી આવતા હતા.આ નવી જ શરૂ થયેલી કોલેજમાં સર્વ શ્રી માર્કંડ ભટ્ટ, નારાયણ શ્રીધર બેન્દ્રે, શંખો ચૌધુરી તથા કે.જી.સુબ્રહ્મણ્યનજેવા કળાગુરુઓ પાસે તાલીમ મળે તે માટે ઘણાં રાજ્યો પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી શિષ્યવૃત્તિ અપાવીને વડોદરા મોકલતા હતા. ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી,મારી જેમ કેટલાક એવા હતા કે જેઓ અન્ય કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાની લાયકાત જ ધરાવતા ના હતા. ઠેઠ કાશ્મીર, બંગાળ તથા તામિલનાડથી આવનાર વિદ્યાર્થીઓ પૂરી કલાભિરુચિ ધરાવતા હોય તોજઆટલે દૂર આવવાનું સાહસ કરતા.પરંતુ, રાઘવભાઈની બેચમાના આ બધા કળાકારો ગુજરાતના વતનીઓ હતા.

 

એક આડવાત યાદ આવે છે. ૧૯૫૬માં ફાઈન આર્ટસ્ કોલેજમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ પૂરો કરી ચૂકેલા બે વિદ્યાર્થીઓ સર્વ શ્રી શાંતિ દવે તથા ગુલામ રસૂલ સંતોષ મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજવા ઈચ્છતા હતા. તે માટે તેમણે ગુરુ પ્રા.નારાયણ શ્રીધર બેન્દ્રેનેમંજૂરી, સલાહ તથા આશીર્વાદ આપવા અંગે વાત કરી.બેન્દ્રે સાહેબે પ્રોત્સાહન તો આપ્યું જ પરંતુ ‘વડોદરિઆ’ કળાકારોને એક આગવી છાપ તથા નામ મળે તે માટે સમૂહ પ્રદર્શન યોજવા સલાહ આપી. ‘બરોડા ગ્રુપ’ નામથી મુંબઈ ખાતે યોજાયેલ તે પ્રદર્શન માટે બેન્દ્રેસાહેબ તથા મણિસાહેબ (કે. જી. સુબ્રહ્મણ્યન્) જેવા ધુરંધર કળાગુરુઓએ પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે પોતાની કૃતિઓ પ્રદર્શિત કરવામાં નાનપ અનુભવેલી નહીં. મને તો લાગેછે કે તેમની કૃતિઓ લોકો નિહાળવા આકર્ષાય અને પરિણામે તદ્દન, અજાણ્યા નવાન્ગતુક યુવાનોનું કામ પણ જોઈ શકે તેવો આશય પણ હશે જ. જોકે તે યુવાન કળાકારોતો છ વર્ષ અભ્યાસ કરી ‘માસ્ટરસ્’’ તથા તેની સમકક્ષ ‘પોસ્ટ-ડિપ્લોમાં’ મેળવી ચૂકેલા હતા. પરંતુ તેમનાથી પાંચ વર્ષ ‘જુનીયર’, માત્ર બીજાં વર્ષની ઉપરોક્ત બેચમાના પાંચેક વિદ્યાર્થીઓની કૃતિઓ બરોડાગ્રુપના મુંબઈમાં યોજાયેલ બીજાં પ્રદર્શનમાં સામેલ કરી હતી.ત્યાર પછી યોજાતાં રહેલાં પ્રદર્શનોમાં પણ એમની કૃતિઓ તો રહેતી જ.

 

રાઘવભાઈ અને હું, તે પહેલાં વર્ષમાં હતા ત્યારથી જ ભાઈબંધ બની રહ્યા છીએ. તે વર્ષને અંતે મારે યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ માટે એક મોટું મ્યૂરલ-ભીંતચિત્ર કરવાનું હતું.તેમાં મદદ માટે અન્ય બે સહાધ્યાઈમિત્રો ઉપરાંત રાઘવભાઈ ને પણ જોતર્યા હતા.આ કામમાંથી મળેલ પ્રતિકાત્મક મહેનતાણા ને લીધે પણ આર્થિક કારણસર અભ્યાસ ચાલુ રાખવો કે નહીં તેવી રાઘવભાઈની અવઢવ કામચલાઉ સ્તરે ઉકલી ગઈ.જોકે, ચિત્રવિભાગમાં સરસાધન ઈત્યાદીનું જે ખર્ચ થાય તે પણ ત્યારે પરવડે તેમ ન હોવાથી તેમણે શિલ્પવિભાગમાં મૂર્તિકળાને ખાસ વિષય તરીકે પસંદ કર્યો.કારણ એ કે માટી, પ્લાસ્ટર, લાકડું, પત્થર અને ધાતુ ઈત્યાદી સામગ્રી એ વિભાગ તરફથી પૂરી પાડવામાં આવતી હતી.અનેક હાડમારીઓનો સામનો કરીને, રાત દિવસ જોયા વિના કામ કરીને, રાઘવભાઈએ એ વિષયનો બાકીના ત્રણ વર્ષનો અભ્યાસક્રમ દર વર્ષે પ્રથમ ક્રમે રહી પૂર્ણકરી ડિપ્લોમા મેળવ્યો.તે વર્ષો દરમ્યાન પોતાના ઘર આંગણે પ્રેમથી ઉછેરેલા ગાય, વાછડાં તથા નંદીના સ્વરૂપ તેમની કૃતિઓમાં પ્રગટ થતાં રહેલાં.માટી, લાકડું, પત્થર તેમજ કાંસુ એમ વિવિધ માધ્યમો પર સારી પેઠે પ્રભુત્વ મેળવ્યું હતું.વિદ્યાર્થીકાળમાં કરેલી તેમની કૃતિ લલિત કલા અકાદેમી આયોજિત રાષ્ટ્રીય વાર્ષિક પ્રદર્શનીમાં પુરસ્કૃત થયેલી.

(તે સમયે મારો હરખ અહેવાલ જેવાં એક લખાણમાં વ્યક્ત કરેલો જે ‘કુમાર’ સામયિકના માર્ચ ૧૯૫૯ના અંકમા પ્રકાશિત થયેલ.  એ લખાણ નવેસરથી લખવાને બદલે મૂળસ્વરૂપે જ અહીં નીચે સમાવ્યું છે. )

-----------------------------------------------------------------------------------

નવોદિત શિલ્પકાર રાઘવ રામજી કનેરિયા

‘વરઘોડો વરઘોડો

રાઘવ તારો વરઘોડો રે;

અનિડા ગામનો રાઘવ કનેરીયો

(એણે) દલ્લી પાગાડ્યો ઢાંઢો

રાઘવજીનો વરઘોડો રે...’

 

વચમાં એક ક્રૂડઓઈલ ના પીપડા માથે ધ્રુબાંગ ધ્રુબાંગ તાલ દેવાતા’તા, ને ચારે બાજુ તાળીયું લેતા લેતા એના ભાઈ બંદ ગરબી ગાતા’તા. જેમ જેમ મન માં ઉમળકા આવે એને હૈયે સૂઝે એમ જોડતા જાય ને ગાતા જાય. આ બધું શરુ થયું, જ્યારે રાઘવ ઉપર દિલ્હીથી લલિત કલા અકાદમીનો પત્ર આવ્યો ત્યારે, એમાં લખેલું કે –‘અમને જણાવતા આનંદ થાય છે કે તમારા ‘નંદી’ શીર્ષક ધરાવતા શિલ્પ માટે તમને પાંચમા રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં રૂ,૧૦૦૦ નું પારિતોષિક મળ્યું છે.’

 

પહેલી જ વાર રાઘવે પોતાનાં શિલ્પો પ્રદર્શન માટે દિલ્હી તેમજ પૂના (ચોથા મુંબઈ રાજ્ય કળા પ્રદર્શન માટે ) મોકલ્યાં; અને તે બંન્ને માં એને પારિતોષિક મળ્યાં. એટલે આ સમાચારથી એના મિત્રો બધા રાચે ને નાચે જ ને? કેમકે એના મુલાયમ સ્વભાવ, સાદી રહેણીકરણી ને પરિશ્રમી જીવન ની બધા પર એવી તો ઊંડી છાપ પડી ગઈ હતી કે કનેરિયા નામ કાને પડતા જ સૌને વહાલ ઉપજતું. કંઇ પણ કામ હોય, કે મદદ ની જરૂર હોય તો એ ખડે પગે તૈયાર જ હોય. ગમે ત્યારે સાદ પાડો કે કનેરિયા જરા આવશો કે? – તો હાલો કે’તાક ને નીકળ્યા જ છે. પૂછવાની વાત જ નહિ કે ક્યાં જવું છે કે કેટલો વખત લાગશે. છતાં એનું પોતાનું કામ કોઈ દા’ડો રેઢું કે અધૂરું રહે જ નહિ. સવારે છ-સાડા છ વાગ્યામાં તો આર્ટ કોલજ માં હાજર થઇ જાય ને સાંજે બધા વિદ્યાર્થીઓ ઘરભેળા થઇ ગયા પછી યે એ તો ત્યાં ના ત્યાંજ; -- છેક મોડી રાત સુધી એનું કામ ચાલ્યા જ કરે.

 

૧૯૩૬ ની ૧૯ મી માર્ચે ગોંડળ(સૌરાષ્ટ્ર) પાસે આવેલાં અનીડા ગામમાં એમનો જન્મ. નાનપણથી જ ચીતરવાનો શોખ લાગ્યો. ત્રીજી-ચોથી ગુજરાતી માં ભણતા ત્યારે એકની સાથે બીજો એમ કાગળીયા ચોંટાડીને લાંબુ ટીપણું બનાવતા, ને પોતાના ભેરુબંધોને એની ઉપર રેલગાડી ને મોટર ને પોલીસ ને બંદૂક ને તોપ વગેરે ચીતરેલી ‘ફિલમ’ દેખાડતા.

 

બીજા ભાઈઓ તો ખેતીમાં પડી ગયા, પણ આમનો જીવ ભણવામાં લાગી ગયેલો, એટલે હાઈસ્કૂલના અભ્યાસ માટે ગોંડળ ગયા; પણ ત્યાં ચીતરવાનું કામ બંદ પડ્યું, એ કહે છે કે “મન તો બહુ થાતું’તું ચિતરવાનું; પણ હારો હાર બીકેય બહુ લાગે કે કોઈ ભાળી જાય ને કાંક ‘ધખે’ તો?” પણ જ્યારે એમના વર્ગ માં હસ્તલિખિત માસિક ‘પ્રકાશ’ એમને સોપાયું ત્યારે એ ઉતરી ગયેલી ગાડી પાછી પાટે ચડી ગઈ. એ માસિકને તેમજ શાળાના ઉત્સવો સમયે શાળાને શણગારવામાં એમની શક્તિ પૂરેપૂરી ખીલી ઉઠતી.

 

સંસ્થાના ગૃહપતિ શ્રી બાલુભાઈને એમની ઉપર પહેલેથીજ લાગણી હોઈ એમની પ્રગતિમાં ખૂબ જ રસ લેતા. એક વખત શાળામાં ‘એલીમેન્ટરી ને ઇન્ટરમીડીએટ ગ્રેડ’ ની ડ્રોઈંગ ની પરીક્ષા લેવાતી હોવાથી શાળાનાં વર્ગો બંદ હતા, ત્યારે બહારની પરસાળમાં ટલ્લા દેતા દેતા બીજા વિદ્યાર્થીઓનું કામ જોતા કનેરિયા શ્રી બાલુભાઈ ની નજરે ચડી ગયા, “અલ્યા ! તું પરીક્ષામાં કેમ નથી બેઠો ? ભલા માણસ તેં તો તારું બધું જ ગુમાવ્યું !” કનેરિયા કે’છે કે “બાલુભાઈ એ શું ગુમાવ્યાનું કીધું ઈ તો બરાબર નો સમજાણું; પણ ઈ અંદર ઉતરી ગ્યું, ને પછી તો સંગ્રામજી હાઈસ્કૂલ નાં ડ્રોઈંગ ક્લાસ માં બરાબરનો જાવા માંડ્યો”.

 

એસ.એસ.સી. પણ ડ્રોઈંગ વિષય લઈને પસાર કર્યા પછી તે વડોદરાના મ.સ. વિશ્વવિદ્યાલય ના લલિતકલા વિભાગમાં ૧૯૫૫ માં દાખલ થયા ને દરેક વર્ષે પ્રથમ કક્ષાએ ઉતિર્ણ થઈને અત્યારે શિલ્પ વિભાગમાં ડિપ્લોમા કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. દરેકેદરેક વીષય ( લાઈફ સ્ટડી, પોટ્રેટ કોમ્પોઝીશન, ડ્રોઈંગ) તેમજ પ્રત્યેક પદ્ધતિ ( વૂડ કાર્વિંગ, બ્રોન્ઝ, રીલીફ વગેરે ) પર એમને અજબ ફાવટ આવી ગઈ છે; છતાં ખેડૂત માં-બાપ નું સંતાન એટલે નાનપણથીજ જેની સાથે ગોઠિયા જેવી માયા બંધાઈ ગયેલી એ ગાય-ભેંશ-ઢાંઢા ને બકરાં-લાવારાં-પંખીડાં વગેરે એમનો વહાલો વિષય બની રહ્યા છે.

 

(સૌજન્ય : કુમાર, માર્ચ ૧૯૫૯)

 

 

ડિપ્લોમા પછી ૧૯૬૦ થી ૧૯૬૨ દરમ્યાન તેમને ભારત સરકારની સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ મળેલી. તેનો હેતું વિવિધ કળાક્ષેત્રે કાર્યરત યુવાન કળાકારોને તેમના વિષયના નિષ્ણાત ગુરુઓ પાસે તાલીમ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો.૧૯૫૦નાં દાયકામાં આરંભાયેલી આ શિષ્યવૃત્તિ સદભાગ્યે સરકારી સ્તરે અનેક ઉથલપાથલ થતી રહી હોવાં છતાં અપાતી રહી છે.રાઘવભાઈએ પહેલી વખત આર્થિક સમસ્યાઓને કોરાણે ધકેલી એ શિષ્યવૃત્તિનો પૂરેપૂરો સદુપયોગ કર્યો.

 

ફાઈનઆર્ટ્સ કોલેજ ની એક આગવી લાક્ષણિકતા એ હતી કે ચાર દીવાલની અંદરજ નિયત કરેલ અભ્યાસક્રમને જ વળગી રહેવાને બદલે આજુબાજુના વાતાવરણતેમજ દૃશ્યકળા સાથે સંકળાયેલ અન્ય કળાઓનો સમન્વય થાય તથા વિદ્યાર્થીઓ તેમાં રસ લેતા થાય તે માટે આગ્રહ રખાતો હતો. આ કારણે તેમજ વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓમાં મદદરૂપ થવા એક નાનું ભંડોળ એકઠું કરવા નાટકો પણ ભજવેલા.આ નાટકોની મુખ્ય ખાસિયત એ હતી કે તેમાં અભિનયપટુતા ને સ્થાને નાટક ના દૃશ્યસ્વરૂપ-રંગમંચ પરિસર અને વેશભૂષા ઈ.  ને વધુ મહત્વ અપાતું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનુંતાશેર દેશ તેમજ સત્યજીત રાયના પિતા સુકુમાર રાયનુંહજબરલ અમે તે વર્ષોમાં ભજવેલાં.તાશેર દેશમાં એક સમુહનૃત્ય કરવાનું હતું.શાંતિનિકેતનનાવિદ્યાર્થીઓની જેમ નૃત્ય ના કરી શકવા ને કારણે અમે કાઠીયાવાડી ગરબી કરવાનું પસંદ કર્યું.રાઘવભાઈ, હિંમત ભાઈ, વિનોદ શાહ, નરેન્દ્ર પટેલ ઈ.સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આ સરળ હતું.નાટક ભજવ્યા પછીથોડા જ દિવસ પછી બધા વિદ્યાર્થીઓ સાંચી તથા ખજુરાહો સ્ટડીટૂર માટે ગયા. ધીમી પેસેન્જર ટ્રેન તથા સ્પેશિયલ બોગીમાં પ્રવાસ દરમ્યાન કલાકો પસાર કરવા ગરબીનાં ગીતો ગાવાનું બન્યું વળી, જંકશન સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા બેસી રહેવાને બદલે વિદ્યાર્થીઓ ગરબી કરવા લાગ્યા. આમ નાટક સમયે માત્ર પાંચ-છ વિદ્યાર્થીઓએ ગરબી કરેલી તેને સ્થાને ખજુરાહોના એ પ્રવાસ દરમ્યાન તેમાં જોડાયેલા ૮૦ જેટલા વિદ્યાર્થીઓ ગરબા-ગરબીમાં માહેર થઇ ગયા.આના પરિણામે ફાઈન આર્ટસ કોલેજમાં ગરબાને કાયમી સ્થાન મળ્યું.બહુંઓછાં લોકો એ જાણતા હશે કે તે સમયે, ૧૯૫૮ થી ૧૯૬૧ દરમ્યાન, માત્ર મોટી ઉંમરની મહિલાઓ જ શહેર ની પોળોમાં ત્રણ તાળીના ગરબા કરતી હતી જેમાં મુખ્યત્વે માતાજીના ગરબા ગવાતા હતા. યુવાન મહિલાઓ તેમાં ખાસ રસ લેતી નહિ.કેટલાક પછાત જાતિના ગણાતા વિસ્તારોની મહિલાઓ તથા પુરુષો સાથે મળીને ગરબા કરતા ખરા.પરંતુ ઉજળિયાત કહેવાતા ઉપલા વર્ગના લોકો તેમાં રસ લેતા નહિ બલકે એની પ્રત્યે એક પ્રકાર નો ઘૃણાભાવ સેવતા.

 

ફાઈન આર્ટસ્ નાં વિદ્યાર્થીઓમાં ગરબા પ્રત્યે રસ વધવા લાગ્યો.ગરબા ઉપરાંત દાંડિયારાસ પણ ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ માનીતા બની ગયેલા.ખાસ કોઈ પણ કારણ કે પ્રસંગ વિના જ સાંજે નવરાશની પળોમાં ગરબા તથા રાસ શરૂ થઇ જતા.પરિણામે રાઘવભાઈ એમના કેટલાક સાથીમિત્રોને સૌરાષ્ટ્રમાં આવેલ તેમના ગામ ‘અનિડા’ લઇ ગયા.ખેતીકામ તથા અન્ય કામમાં વ્યસ્ત ગામલોકોએ ત્રણેક રાત્રે, સમય કાઢીને ત્યાં પ્રચલિત રાસ, ગરબી–ગરબાના તેમ જ કાન-ગોપી ની વઢછડ ઈ. પ્રકારો નાચી દેખાડ્યા.દિવસ દરમ્યાન નવરા બેસી ન રહેતા અમેગામ-ચોરાની ભીંત ઉપર ચિત્રો બનાવ્યાં હતાં. એ માટે ગામ લોકોએ કરી આપેલ કામચલાવ વ્યવસ્થાએ અમને અચંબિત કરી દીધેલ. અમને ત્યાં જોવા મળેલા અને પછી ત્યાંથી ઈમ્પોર્ટ કરાયેલા ગરબા-ગરબીનાં અસલ ઠેકા (સ્ટેપ્સ) તેમજ ગીતોનાં શબ્દો ફાઈન આર્ટસ કોલેજમાં પણ અપનાવાયા. આજે જેને ‘દોઢિયું’ કહે છે અને ગુજરાતના સીમાડા પાર કરી જ્યાં જ્યાં ગુજરાતીઓ જઈને વસ્યા છે ત્યાં લોકપ્રિય બની ગયેલ તે સ્ટેપ્સ રાઘવભાઈએ ગુજરાતી યુવાનોને આપેલી સુંદર ભેટ છે.

 

અભ્યાસકાળનાં શરૂઆતના વર્ષો દરમ્યાન અમે જુદા વિષયો તેમ જ જુદા વર્ગોમા હતા.પરંતુ જમવા માટેરાઘવભાઈ, હિંમત શાહ તથા હું - યુનીવર્સીટીની હોસ્ટેલના રસોડે હંમેશ સાથે જતા હતા. આથી અમારી મિત્રતા ઘનિષ્ઠ થતી ગઈ અને પછી ૧૯૬૪ સૂધી – પાંચ  વર્ષ - સાથે રહેવાનું પણ બન્યું. જો કે તે સમય દરમ્યાન રાઘવભાઈએ મુંબઈ રહીને ‘મુકુંદ સ્ટીલ એન્ડ આઈરન કંપની’નાં કારખાનામાં દોઢેક વર્ષ કામ કરી ઘણાં મૂર્તિશિલ્પો બનાવ્યાં.તેમાંના જે બહું મોટાં હતાં તે તો કારખાનામાં જ રહ્યા હોવાથી જળવાયાં હશે.

 

૧૯૬૧  દરમ્યાન સ્વ. જગદીશ સ્વામીનાથન, સ્વ. જેરામ પટેલ, શ્રી ગુલામમોહમ્મદ શેખ અને (ત્યારે યુવાન) અન્ય સાત કળાકારોએ સ્થાપેલા ‘ગ્રુપ ૧૮૯૦’ ના ૧૨ સભ્યોમાંથી ૧૧ તો ચિત્રકાર હતા. માત્ર રાઘવભાઈ જ મૂર્તિકાર-શિલ્પી હતા.‘ગ્રુપ ૧૮૯૦’નું પ્રથમ પ્રદર્શન રવીન્દ્ર ભવન, દિલ્લીમાં લલિત કલા અકાદેમીની ગેલેરીમાં યોજાયેલું જેનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કરેલું.તેને માટે મુંબઈથી લોખંડના વજનદાર મૂર્તિશિલ્પો પહોંચાડવાનું સાહસ તો રાઘવભાઈએ કર્યું.પરંતુ, પાછાં લઇ જવાનાંઆકરાં ખર્ચની વ્યવસ્થા થઇ શકી નહિ તેથી એક મિત્રના બગીચામાં જ છોડી આવ્યા. તેમાનું એક શિલ્પ ગયાં વર્ષે ‘દિલ્લી આર્ટ  ગેલેરી’ આયોજિત એક પ્રદર્શનમાં જોવા મળેલ.  અન્ય શિલ્પોના ઠામઠેકાણાં તેમ જ હાલહવાલ અંગે કશી જ જાણ નથી.

 

ફાઈન આર્ટસ કોલેજ એક નાના મકાનમાં શરૂ થઇ હતી.એ પહેલાં તે મકાન પ્રખ્યાત સાહિત્યકાર રમણલાલ વ. દેસાઈનું નિવાસસ્થાન હતું. ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ.તેની સાથોસાથજુદા જુદા વિષયોને અનુરૂપ વિશાળ સ્ટુડીઓ પણ બનાવાયા.શિલ્પ અને ચિત્રવિભાગના સ્ટુડીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ જાતે જ ખોદકામ અને ચણતર કરીને એક સુંદર કમળ તલાવડી (લિલી પોન્ડ) પણ બનાવી હતી.તેના ચણતરકામ સમયે તળ મજબૂત કરવા ટિપણી અને ગરબા તો ખરા જ.

 

૧૯૬૧માં ફાઈન આર્ટસમાં પહેલી વાર એક ‘મેળા’નું આયોજન થયું.ત્યાર પછી ઘણા સમય સુધી ‘ફાઈન આર્ટસ ફેર’ નામથી વરસોવરસ એ મેળો યોજાતો રહ્યો. જો કે,‘આનંદ બજાર’ નામથી યોજાતા મેળાઓ ગુજરાતમાં તો ૧૯૪૦ના દાયકાથી થવા લાગેલા. મારું માનવું છે કે કદાચ શાંતિનિકેતન અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓએ એની શરૂઆત કરી હશે.પરંતુ અગાઉ જેનો ઉલ્લેખ થઇ ગયો છે તે, તાશેર દેશ (પત્તાનો પ્રદેશ) નાટક ની જેમ ફાઈન આર્ટસ્ ફેર પણ તેના આરંભથી જ અનોખા પ્રકારનો મેળો બની રહ્યો હતો.આમ તો, આ મેળાનો એક ઉદ્દેશ્ય તાશેર દેશ ભજવાયું તેના હેતુની જેમ જ –જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડવી તેવો પણ હતો. એક સમયે ‘પૂઅર બોય્સ ફંડ’ નામથી શરૂ કરાયેલ તે પ્રવૃત્તિને – સ્ટુડંટ્સ વેલ્ફેર ફંડ – એમ નવા સુયોગ્ય નામથી પુનર્જીવિત કરાઈ. પણ આર્થિક ભંડોળ એકઠું કરવું એટલો જ માત્ર તેનો ઉદ્દેશ ન હતો. મુખ્ય હેતુ તો આમ જનતાને કળાભિમુખ કરવાનો હતો.ગરબાની જેમ જ તે મેળો પણ ‘ફાઈન આર્ટસ’ નું એક આગવું આકર્ષણ બની રહેલો.

 

મેળામાં પ્રેક્ષકો સાથે તેમનાં બાળકો પણ આવતાં હોવાથી તેમને રસ પડે તેવી પ્રવૃત્તિઓ તેમ જ કળાત્મક ચીજ-વસ્તુઓને ઘણું મહત્વ અપાતું હતું.આ હેતુથી રાઘવભાઈએ લિલી પોન્ડમાં ફરી શકે તથા પોતે તેમજ એક બાળક બેસી શકે એવી નાનકડી હોડી બનાવી હતી.હોડી ગબડી ના જાય, બાળક ડૂબી ના જાય તેની જવાબદારી તેમણે પોતે જ લીધેલી.નાના બાળકો માટે એ હોડી મોટું આકર્ષણ બની ગયેલ.મણિસાહેબ, રાઘવભાઈ તેમજ અન્ય કેટલાક શિક્ષકોએ બનાવેલા ટેરાકોટાનાં રમકડાંની માંગ પણ બહુ મોટી હતી. ખરેખર તો તેને રમકડાને બદલે લઘુશિલ્પ જ કહેવાં જોઈએ, કેમકે બાળકોને રમવા માટે આપવા કોઈ માંબાપ તૈયાર જ ના થાય. એ ‘રમકડાઓ’ તો અનેક કળાસંગ્રહોમાં કાયમી સ્થાન મેળવી ચુક્યાં છે પરંતુ આ મેળામાં ખરીદી શકાય તેવી વસ્તુઓ જ બનાવવા ને બદલે લોકો જોઇને જ આનંદ મેળવી શકે તેવા મોટા – બખડજન્તર પણ રાઘવભાઈ અને તેમના બે મિત્રો ફિરોઝ કાટપિટીયા અને વિનોદરાય પટેલ બનાવતા હતા. પંદરવીસ ફૂટ ઊંચા, વિવિધ રંગબેરંગી પદાર્થોથી શણગારાયેલ અને ચિત્ર-વિચિત્ર અવાજ તેમજ હલન-ચલન કરતી એ રચનાઓ પણ મેળાની એક આગવી વિશિષ્ટતા હતી.રાઘવભાઈ શરૂ કરે તે કામ બે ત્રણ વર્ષ પછી અન્ય લોકો સંભાળી લેતા.અને ફરી તે કોઈ નવી વસ્તુ બનાવી બધાને સાસ્ચર્ય આનંદ આપે તેવું કાંઇક રજૂ કરતા.એક સમયે તેમણે વિવિધ પ્રાણીઓ બનાવેલાં.લોખંડના સળિયા, વાંસની પટ્ટીઓ, રંગીન કપડા જેવી વસ્તુઓ વાપરીને બેપગાં હાથી, હરણ, ઝીરાફ ઈત્યાદી પ્રાણીઓ પણ બનાવેલાં.

 

રાઘવભાઈને ૧૯૬૫ માં કોમનવેલ્થ શિષ્યવૃત્તિ મળી અને તેની હેઠળ તેમણે ઇંગ્લેન્ડની વિખ્યાત રોયલ કોલેજમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી. ત્યાર પછી ઇન્ગ્લેંડમાં જ કળાશાળામાં શિક્ષકની નોકરી તો મળી જ પરંતુ અગાઉના વર્ષો દરમ્યાન મળેલી તકોની પળે-પળનો ઉપયોગ કરી હાડમારીઓ વેઠીને કામ કરેલ. પરિણામે શરીર પર ક્ષય રોગે પણ આક્રમણ કર્યું. આથી તેમણે અમુક સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું.ત્યાનું વાતાવરણ ઉપરાંત સી.ટી. સ્કેનર્સ જેવાં બીહામણાં યંત્રો સાથે એકલા જ રહેવાના અનુભવને તેમણે દોઢસો જેટલાં પૃષ્ઠોનાં બહુરંગી હસ્તલિખિત તથા હસ્તચિત્રિત  પુસ્તકમાં એક કાલ્પનિક વાર્તા સ્વરૂપે આલેખેલો. પ્રાચીન ઈજીપ્તની કળાના ઈતિહાસ અને આજના વિજ્ઞાન તેમજ ટેકનોલોજીનાં સમન્વય પર આધારિત તે વાર્તાની મૂળ હસ્તપ્રત ભોપાલના ભારતભવનના રૂપંકર મ્યૂઝીયમના સંગ્રહમાં પ્રકાશિત થવાની રાહ જોતી કેદ થયેલી હાલતમાં પડી રહી છે.

 

૧૯૬૦ના દાયકા દરમ્યાન ઈગ્લેન્ડમાં જ સ્થાયી થઇ વસવાની સંભાવના વધવા લાગેલી.પરંતુ મિત્રોતેમજ ગુરુ પ્રા.શંખો ચૌધુરીના આગ્રહ તથા વતનપ્રેમ ને વશ થઇ રાઘવભાઈ ભારત પાછા આવી ગયા અને પોતાની માતૃસંસ્થામાં જ અધ્યાપન કાર્ય શરૂ કર્યું.ફાઈન આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓમાંથી ઘણાને પરદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળી હતી અને મળ્યાકરે છે.દૂધમાં મેળવણ (જામણ) ભળે એથી તે દૂધ મટી દહીં બની જાય છે.આવી જ અસર પરદેશ જઈ પાછા આવેલા, નવા બનેલા શિક્ષકો બાબતે પણ જોવા મળી છે.અહીં શરૂ થયેલ શિક્ષણપ્રથાનું મૂળ સત્વ જળવાઈ રહ્યું અને તેમ છતાં તેમાં ઉમેરાતા રહેલ સમયોચિત નાવિન્યને કારણે તે વાસી પણ બની નહીં.

 

નવા શિક્ષક બનેલા રાઘવભાઈએ વિદ્યાર્થીઓની અવલોકનશક્તિ તીવ્ર બને તે માટે આરંભેલ એક ઉપાય ત્યાર પછી પ્રથા બની જઈ આ વર્ષે, ૨૦૧૮ માં અર્ધ શતાબ્દી પાર કરી જશે. વિદ્યાર્થીઓને રાઘવભાઈ  કોલેજના પ્રાંગણમાં કે ખૂણે-ખાંચરે પડેલી કોઈ નાનકડી, અર્થહીન લાગતી, તૂટેલી ફૂટેલી ચીજ-વસ્તુ શોધી લાવવા મોકલતા. પછી તેને ૩૦ x ૨૨ ઇંચ માપના પૂરા ડ્રોઈંગ પેપર ઉપર પેન્સિલથી દોરવા કહેતા. વાંકો વળી ગયેલ અને કટાઈ ગયેલ સ્ક્રૂ કે બાટલી પરનું પ્લાસ્ટીકનાં ખૂણેથી તૂટેલ ઢાંકણા જેવી, નજીવી લાગતી વસ્તુને તેના ત્રણેય પરિમાણો સ્પષ્ટ રીતે આભાસિત થાય તેમ દોરતા. આ દોરવા વિદ્યાર્થીઓને પૂરા પાંચ – છ કલાક લાગતા.આટલો સમય સતત નિરીક્ષણ કરવાને કારણે વસ્તુના દરેક પ્રકારના દૃશ્ય લક્ષણો જોઈ-પારખવાની તેમની શક્તિ કેળવાતી તથા આપોઆપ વધી જતી હતી.

 

અમારા અભ્યાસકાળ દરમ્યાન મને છબીકળાનો ચસ્કો લાગી ગયેલો અને રાઘવભાઈ પણ તેમાં પૂરો રસ લેતા હતા. ઇંગ્લેન્ડ નિવાસ દરમ્યાન સારો કેમેરા વસાવી શક્યા અને પછી પૂરા વીસ વર્ષ અમે બંને ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા આંધ્ર પ્રદેશનાં ગ્રામ આદિવાસી વિસ્તારોમાં લૂપ્ત થતા લોકકળા પ્રકારોનું કેમેરા વડે દસ્તાવેજીકરણ કરતા રહ્યા. ટાંચી સરસામગ્રી તથા કોઈ પણ પ્રકારની આર્થિક સહાય વિના આદરેલ આ કામમાં વેઠવી પડેલી હાડમારીઓની યાદી અત્રે પ્રસ્તુત નથી.પરંતુ એકબીજાનો સથવારો અમારા કામ માટે અમૂલ્ય પૂરક બળ બની રહ્યા હતા.અમારા બંનેમાંથી કોઈને પણ છબિકળાની તાલીમ લેવાની તક મળેલી ન હતી.પરંતુ કિશોર પારેખ, રઘુ રાય અને ભૂપેન્દ્ર કારીયા જેવા છબીકાર મિત્રો સાથે ફરવાની તક અમે જવા દેતા નહીં. એકલવ્યની યાદ અપાવે તેવી રીતે રાઘવભાઈએ છબિકળા પર સારું એવું પ્રભુત્વ મેળવ્યું અને જાપાનમાં નીકોન કેમેરા કંપની આયોજિત આંતરરાષ્ટ્રીય છબિસ્પર્ધામાં પુરસ્કાર અને યુનેસ્કો દ્વારા આયોજિત એશિયા, ઓસ્ટ્રેલીયા અને પેસિફિક દેશોની વાર્ષિક છબિસ્પર્ધામાં ‘ગ્રાંડ-પ્રી’  પ્રથમ પુરસ્કાર મેળવ્યો. એમણે મેળવેલાં સન્માનો તથા પુરસ્કારોની યાદી ઘણી લાંબી છે.આ પુસ્તકમાં અન્ય સ્થળે તેને યોગ્ય સ્થાન અપાયું જ હશે તેની મને ખાત્રી છે.જોકે, આજના સમયમાં જરૂરી બનતી જતી, પોતાની જાતને લોકોની નજર સમક્ષ રાખ્યા કરવા પોતાનું ઢમ ઢમ વગાડતા રહેવાની કળા રાઘવભાઈ હાંસલ કરી શક્યા નથી.એ અવકાશ પુરવામાં ભાઈ શ્રી રમણીક ઝાપડિયાએ હામ ભીડી પહેલ કરી છે.

 

ઉંમર સાથે સંકળાયેલ શારીરિક કારણોસર વિવિધ સ્થળોએ છબીઓ  લેવા માટે ભટકવાનું ઓછું કરવું પડ્યું તેમ જ કૌટુંબિક જવાબદારીઓને લીધે રાઘવ ભાઈનો  વસવાટ પણ અમેરિકા અને ભારત વચ્ચે વહેંચાઇ ગયો છે. ફાઈન આર્ટસમાં ગરબા શરૂ થયા ત્યારે એક લોક ગીત ખૂબ ગવાતું હતું:

 

કુંજલડી રે સંદેશો અમારલો, જઈ વાલમજીને કેજો જીરે,

સામી કંઠારના અમે પંખીલડાં, ઉડી ઉડી કાંઠે આવ્યા જીરે...

 

વય તો ક્યારનીયે ૮૦ વટાવી ચૂકી હોવાંછતાં યાયાવર પંખીની જેમ સામાં કાંઠાઅમેરિકાથી ઉડીને રાઘવભાઈ જ્યારે ભારત આવે છે ને પછી ફરીથી વિદ્યાર્થી અવતાર ધારણ કરી, વહેલી સવારથી મધ્યરાત્રી સુધી શિલ્પ રચનામાં લાગ્યા રહે છે.

 

તા.ક. : સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ દરમ્યાન રાઘવભાઈએ લોખંડના ટૂકડાઓને વેલ્ડીંગ વડે જોડી–જોડીને તેમાં પ્રાણી, પંખી તથા માનવાકૃતીઓની યાદ  અપાવતા, અર્ધઅમૂર્તસ્વરૂપો બનાવ્યાં. કળામર્મજ્ઞ શ્રી વિનાયક પુરોહિતે તેમના કામના આ તબક્કાથી પ્રભાવિત થઈને મુંબઈનાં એક વિખ્યાત ‘મુકુંદ સ્ટીલ એન્ડ આઈરન કંપની’ – કારખાનામાં કામ કરવાની વ્યવસ્થા કરાવી આપી હશે એમ મારું માનવું છે. ત્યાર પછી ઇંગ્લેન્ડ નિવાસ દરમ્યાન એમની કાર્યશૈલીમાં ફરીથી એક નવો ફાંટો ઉમેરાયો. એક કહેવત છે કે : હળદરના ગાંઠિયેગાંધી ના થવાય.પરંતુ હળદર અને આદુંના ગાંઠિયામાં રાઘવભાઈને આઠ દસ વરસ કામ કરવા માટે પ્રેરણાદાયક સ્વરૂપોનો ખજાનો મળી ગયેલો. જોકે, આજકાલ બહુ જોવા મળતાં, જોનારની આંખ છેતરાઈ જાય તેવાં તાદૃશ્ય સ્વરૂપો બનાવવામાં રાઘવભાઈને જરાયે રસ ન હતો. તેમને તો તે સ્વરૂપોમાં રહેલા મૂળભૂત બંધારણ-સંબંધો (structures) નો તાગ મેળવવામાં રસ હતો. તે માટે પહેલાતો લોખંડના જાડાં પતરાંને કાપી કૂપીને પછી તેની કિનારોને જોડીને નળાકાર, શંકુ તથા દડા જેવાં મૂળભૂત (basic) ઘાટ આપ્યા. પછી  તે ઘાટના એકમોને એકમેક સાથે જોડીને વિશાળ છતાંયે નાજૂક લાગતાં લયબદ્ધ શિલ્પો સર્જ્યા. આકારો તથા તેના સમન્વયથી બનેલાં તે સ્વરૂપો જોતાં પ્રેક્ષક સૌન્દર્ય તેમ જ વિસ્મયનાં ભાવથી ભીંજાઈ જતા.

 

શિલ્પો બનાવવાનું તેમજ કોલેજમાં શિક્ષણ કાર્ય પણ કરવાનું તો હતું જ. સાથોસાથ ગ્રામ અને આદિવાસી સ્તરે લૂપ્ત થતી જતી ‘લોકકળાઓ’નું છબિસ્વરૂપે દસ્તાવેજીકરણ કરવામાં પણ રસ વધવા લાગ્યો. પરિણામે લોકકળાઓમાં જોવાં મળતાં સાદાં છતાં સશક્ત તેમજ આભૂષિત સ્વરૂપો પ્રત્યે પણ આકર્ષણ અને રસ વધુ પડવા લાગ્યો. કુંભારે ઘડેલાં માટલાંઓને અર્ધેથી તોડીને તેમાં હનુમાનજીની મૂર્તિ બનાવેલીતથા ખેતર કે ભેરુજીની શિલા પર ચોપડેલ તેલ અને સિંદૂર જેવો એમાં રંગ લગાડેલો.અને ઉપર વૈષ્ણવ સંપ્રદાયમાં જોવાં મળતાં શ્રીનાથજીનાં સ્વરૂપોમાં લગાડાતી કોડી (એનેમલ) ચડાવેલી આંખો ચોડેલી. આવાં સ્વરૂપોની અંદરની બાજુએ કાળાં ડીબાંગ અંધારિયા ખોખાંમાં લટકાવેલાં શિલ્પો પણ બનાવ્યાં હતાં. તે શિલ્પો પ્રેક્ષકને લોકસ્તરે જોવાં મળતાં સ્વરૂપોની યાદ આપતો સમાન્તર પરંતુ  તદ્દન નવો જ અનુભવ કરાવતાં હતાં: સાથોસાથ તેવાં પારંપારિક સ્વરૂપો બનાવનારાઓને તે માટે પ્રેરણા આપતી શ્રદ્ધાને પણ મૂર્તિમંત કરતાં હતાં. પાનખર સમયે પાકટ પાંદડાં ખસી જઈને નવી કૂંપળોને ખીલવા મારગ કરી આપે તેમ આ તબક્કો પણ હવે પછી નવું રૂપ ધારણ કરવાનો જ હતો.

 

જો કે, પરિસ્થિતિ પણ બદલાવા લાગી હતી.યુનિવસિર્ટીનાં શિક્ષણકાર્યમાંથી નિવૃત્ત થયા પછી પરિવારજનો સાથે અમેરિકામાં નિવાસ દરમ્યાન ભારતમાં સહેલાઈથી મળતી સવલતોનાં અભાવે કાગળ પર રેખાંકનો કરવાનું આદર્યું. અમેરિકા નિવાસ દરમ્યાન રાઘવભાઈએ વતનમાં જોયેલ ભરતકામનાં સ્વરૂપો તેમજ રાજસ્થાનમાં જોયેલ માંડણાં-સ્વરૂપોની દૃશ્યભાષાનો ઉપયોગ કરીને દર્પણ પ્રતિબિંબ-સિમેટ્રી પર આધારિત સુંદર રેખાકૃતિઓ બનાવી. તેમાં મુખ્યત્વે સફેદ ભોંય પર કાળી બારીક રેખાઓની જટિલ ગૂંથણીમાં વિવિધ આકૃતિઓ પણ સમાયેલી રહેતી હતી.આ કામ તેમને માટે નવું જ હતું તેમ કહેવું કે નહીં?મારા મનમાં આ અંગે જરા અવઢવ છે.

 

વિદ્યાર્થીકાળે ‘અભ્યાસયાત્રાઓ’ (સ્ટડી ટૂર) દરમ્યાન બદામી, સાંચી તથા ખજુરાહો જેવાં સ્થળોએ ઢગલાબંધ રેખાંકનો કરેલાં.વળી, વડોદરા આવતા પહેલા અનિડામાં જોયેલ, પશુઓ તથા માનવીઓને વિવિધ બીમારીઓના રામબાણ ઈલાજ તરીકે ચપકાવાતા ડામની પ્રક્રિયાથી પણ તે વાકેફ હતા.સંભવ છે કે તેમને તેનો જાત અનુભવ પણ હશે.ફાઈન આર્ટસ ફેર સમયે શાહી અને કલમને સ્થાને ગરમ –ધગધગાવેલ સોયા કે ચપ્પું જેવાં ઓજારને કાગળ પર લગાડી ઉપજતા આછા ઘેરા ડાઘ પાડીને સર્જેલ આકૃતિઓ ધરાવતા કાર્ડઝ બનાવેલા.અને પછી, તે રીતે જ મોટાં રેખાંકનો (ડાઘાન્કનો) પણ બનાવેલા.

 

ઋતુચક્રમાં દર વરસે એક ઋતુનું પુનરાવર્તન થતું રહે છે.તે પ્રમાણે ફરીથી રાઘવભાઈએ કાંસુ (બ્રોન્ઝ) ઢાળીને શિલ્પો બનાવવાનો નિર્ણય કર્યો.વિદ્યાર્થી કાળ દરમ્યાન બનાવેલ પરંતુ આર્થિક સમસ્યાને લીધે પ્લાસ્ટરનાં તબક્કે જ અટકાવી દીધેલી રચનાઓને કાંસ્ય સ્વરૂપ આપ્યાં. સાથોસાથ, માતાને ખોળે રમતા રમતા જોયેલાં તેમ જ છબિ દ્વારા દસ્તાવેજીકરણ માટે કરેલા પ્રવાસો સમયે નિરખેલાં અનેક ગણેશ તેમજ વિવિધ દેવદેવીઓના અને પશુપંખીઓનાં ઘાટ – સ્વરૂપોની છાયાં ધરાવતાં શિલ્પો પણ સર્જ્યાં. એક સુભાષિતમાં કહેવાયું છે કે : દરેક વૃક્ષમાં બીજ અને દરેક બીજમાં વૃક્ષ સમાયેલાં હોય છે. રાઘવભાઈ પાસે તાલીમ લીધેલા યુવાન શિલ્પીઓ હવે આજના યુગની તાસીર પ્રમાણે નવી વિકસિત ટેકનોલોજીથી માહિતગાર જ નહિ પણ માહેર બની તેનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે.તેમની થોડી મદદ તેમજ ક્યારેક થોડું માર્ગદર્શન પણ મળી શકે છે. આનો લાભ લઇ વડોદરાના એક કારખાનામાં તેમણે સ્ટેનલેસ સ્ટીલની જાડી પ્લેટ ને લેઝર ટેકનોલોજીના ઉપયોગ વડે જરૂરી આકારે કાપી, એવાં જ ‘હાઈ-ટેક’ યંત્રો વડે વાળી, દબાવીને જોઈતા ઘાટ આપ્યા. આ શિલ્પોનું મુખ્ય વિષય-વસ્તુ તો એ જ હતું: વાછડી અને નંદી, જેનાથી એંમણે પોતાની કારકિર્દી આરંભેલી. પરંતુ, સ્વરૂપો એવાં હતાં કે જે પહેલા કદી બનાવી શકાયા હોત નહીં.

(એપ્રિલ ૨૦૧૮)

 

સાભાર – સૌજન્ય :

૧. કુમાર માસિક, અમદાવાદ : માર્ચ ૧૯૫૯માં પ્રકાશિત લેખ માટે

૨. શ્રી રમણીક ઝાપડિયા, અધ્યક્ષ, કલાપ્રતિષ્ઠાન, સુરત

૩. છબીઓ માટે : શ્રી અનિલ રેલિયા (The Indian Portrait XI : Jyoti Bhatt’s Photographs of His Contemporaries)

 

સદા પ્રેરક, પૂરક સમર્થ શિલ્પકાર ગુરુવર્ય શ્રી રાઘવ કનેરિયા

– રતિલાલ કાંસોદરિયા

 

ગુરુવર્ય શ્રી રાઘવ કનેરિયા સાથે લેખક
ગુરુવર્ય શ્રી રાઘવ કનેરિયા સાથે લેખક

 

આપણી ગર્વિલી ગુજરાતની ભૂમિના આંરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિલ્પકાર, વડોદરા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના શિલ્પ વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર, આ જ સંસ્થામાં ભણી ગયેલા અનેક વિદ્યાર્થીઓના હ્રદયમાં એક પ્રેરક આદર્શ ગુરુવર્ય જાણીતા તમામ લોકો વચ્ચે ખૂબ જ ઉચેરા આદરપાત્રને લાયક માનુષને જ્યારે પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી તરફથી માનદ્ પદવી ડોક્ટરેટ આપવામાં આવી છે ત્યારે સાહેબશ્રીને જાણનારા સૌ કોઈના દીલમાં એક સૂરે બોલાઈ જવાય છે કે યોગ્ય વ્યક્તિનું સન્માન થયું છે. અને તે પણ એક નામી સંસ્થા તરફથી.

 

હું એક સાહેબશ્રીના શિષ્ય હોવાના નાતે સતત ૧૨ વરસ સાથે ગુજાર્યા હોવાના નાતે એવાં કેટકેટલાં પ્રેરક, પૂરક અને પ્રસંશાને યોગ્ય પ્રસંગોની હારમાળાંઓ મનોભૂમિ પર સ્થાપિત થયેલી છે. સાહેબશ્રીનું નામ લેવાય એટલે તેને જાણનારાઓ સૌ કોઈ ચોક્કસપણે એક જેવું જ બોલવા માંડે – સાહેબશ્રી એટલે અલ્પભાષી, કલાકારોના વૃંદો વચ્ચે અલ્પવાસી, પોતાના પસંદગીના કાર્યના સંપૂર્ણ પિયાસી, પોતાને પ્રાપ્ત થતા કેવડાં અને કેટલાંય સન્માન પ્રાપ્તિ પછી  સ્વમુખે ક્યાંય પણ ઢંઢેરો પીટવામાં નિરાસી. કોઈપણ હક્કના લાભની લાઇનમાં પણ ના ઊભા રહેવા રાજી. કલાસંસ્થાના સર્વ જોડે હળવા–મળવામાં આખેઆખુ અસ્તિત્વ સસ્મિત હોય. તેમની સાદગી અને તાજગી સૌ કોઈને પ્રેરનારી. ખભે હંમેશા ખાદી બગલથેલો. ક્યારેક એમની છાતી પર કેમેરો ઝુલતો દેખાય, તેમના બન્ને હાથના આંગળાઓ પણ કશુંક સર્જન કરવા સળવળાટ કરતા જણાય. પોતાના વિદ્યાર્થીઓ વચ્ચે હોય તો તે ટૂંકાક્ષરી જુસ્સો ચડાવતા જણાય. સાહેબશ્રીના સંસર્ગમાં પ્રથમ વખત આવનાર પણ નિર્દેશો પામીને કામે લાગી જ જાય. વિદ્યાર્થીઓમાં પણ ક્રમશ: બોલવાનું અલ્પ થવા માંડે. ગુરુશ્રીના છત્રમાં પાંગરતો છાત્ર પણ ગમે તેવી સિદ્ધિ પ્રાપ્તિ પછી ઢંઢેરામાં નિરસ જ હોય. વિદ્યાર્થી અથાગ મહેનત કરતો જણાય તોય કશુ નથી થઈ રહ્યાનો ભાવ અનુભવે. આકાશના તારા તોડી જમીન પર લાવવાની વાત સૌમાં સાહેબજી પહેલેથી જ વણી દેતા. સાહેબ પોતે કોલેજ અવર્સ પછી મોટાભાગે એક અલાયદા શિલ્પ–સ્ટૂડિયોમાં એકલા એકલા સર્જન મથામણોમાં સંપૂર્ણ ગળાડૂબ રહેતા. આને જોઈને વિદ્યાર્થી આલમમાં કામ કરવાની વૃતિ પ્રબળ બની રહેતી.

 

સાહેબશ્રીના કાર્યને જોવા જાણવા ઈચ્છતા વિધાર્થીઓ એક જૂથ થઈને કાર્યશાલામાં પ્રવેશતા છતાં સાહેબજીની સામધિ વિક્ષેપ પામતી નહીં. સૌ મૌનથી ગુરુજીની સર્જનપ્રક્રિયા માણતા રહે. કોઈક સંજોગોમાં સર–જીનું ધ્યાન આવા ટોળાં પર જાય તો નાનકડું સ્મિત ચહેરા પર ફરકે અને ફરી સમાધિસ્થ થઈ જાય. ક્યારેક કોઈના નામનો સાચો ઉચ્ચાર પણ કરવો અઘરો હોય. ત્રુટક ત્રુટક કશુ કેહવામાં તેઓ અમુક ચોક્કસ એકશનો કરીને પોતાની વાત કન્વે કરાવતા. ઘણા પ્રસંગોમાં વિદ્યાર્થી સાહેબજીની સ્થિતિ પામીને ત્રુટક શબ્દોમાં વિદ્યાર્થી પોતાના શબ્દો ઉમેરીને વાક્ય પૂર્ણ કરાવતા અને તેને અનુસરતા રહેતા.

 

સાહેબની કોલેજ સવારે રોજ આઠ વાગ્યા પહેલાં ૧૦થી ૧૫ મિનિટ વહેલા આવવાની ટેવ અને કોલેજ પૂર્ણ થયે ઘેર પાછા જવાનો કોઈ સમય નક્કી નહીં. સાહેબજીના કોલેજ પ્રવેશ પહેલાં સૌ વિદ્યાર્થીઓ પોત–પોતાના સ્ટૂડિયોમાં કામે લાગી જાય. ગુરુવર્યશ્રી ચોમેર નજર ફેરવતા, વૃક્ષો, પક્ષીઓ, કલાકૃતિઓને મનભર નિરીક્ષણ કરતા કરતા આઠ વાગ્યામાં સ્ટૂડિયોનાં પગથિયાં ચડતાં જ હોય. ભલે ઠંડી હોય, વરસતો વરસાદ હોય પણ કાંડાની ઘડિયાળના આદેશની અવગણના લગરિક પણ ના કરે. તેમના મસ્ટર પરની હાજરી બાદ સાહેબ દરેક શિલ્પ–સ્ટુડિયોની ગતિવિધિ જાણી લેતા. પાણીના નળ, શિલ્પસર્જનની માટી, સળિયા, સાધનોને વ્યવસ્થિત ના રાખનારાઓને સમજ આપે. સોફ્ટબોર્ડ પરના ડીસ્પ્લે કરેલા સ્કેચીઝ કે ડ્રોઈંગમાં સંપૂર્ણ ખૂપીને માણે, સારા કાર્યના સર્જકને (વિદ્યાર્થીને) ‘સરસ’ શબ્દથી નવાઝે અથવા જરૂરી સૂચન કરવાની ટેવ. સૌ કોઈ સાહેબની રીમાર્કસની રાહ જોતા.

 

ખાસ કરીને એમ. એ. સ્ક્લ્પચરના પાંચમાં તથા છઠ્ઠા વર્ષના સ્ટુડિયોમાં પ્રવેશતા ત્યારે મૌન ભાવે સૌને દૂરથી નિહાળે અને પછી એક પછી એકને જાણે. જરૂર પૂરતું બોલે અને કાર્ય માટેનો આવશ્યક જુસ્સો પૂરી દે. દરેક પાસે કામ માગે. સાતત્યપૂર્ણ કામ ન કરનારાના કારણો પૂછે અને તેને દૂર કરાવી કાર્ય માટે જોડી દે. આવા પ્રકારના સાહેબજીના વલણથી સૌ કોઈ સંતુષ્ટ થતા. કેટલીક વખત સાહેબજી અમુક વિદ્યાર્થીના કામને વધારે સમય જુએ અને તેમના પોતાના સંતોષ પછી મોટેથી સહજપણે ત્રણ જુદા જુદા શબ્દો બોલતા, ‘સરસ’, ‘Good’, ‘Nice’. આવા શબ્દો ભાગ્યે જ સ્ટુડિયોના વાતાવરણમાં રેલાતા. જેમના માટે બોલાયા હોય તેમનું ભાગ્ય ખુલી ગયું સમજાતું. તે દિવસે એ ભાઈ સાહેબ પાસે ડિપાર્ટમેન્ટમાં સૌ કોઈ પાર્ટી માગતા. ઘણા ઉત્સાહી અને નાણાની સગવડતાવાળા સૌને મોજ કરાવી દે તેવી પાર્ટી પણ આપતા. વાંરવાર જે માન માટે આવા ઉત્તમ શબ્દો સાહેબજી દ્વારા બોલાતા તેમને અમુક ક્લાસ મેઈડ ઈર્ષાવશ ‘સાહેબજી’ શબ્દથી સંબોધતા. આવા તેજસ્વી વિદ્યાર્થીના ગણ્યાગાઠ્યા નામો પછી સાહેબજી ભૂલથી પણ બીજા વિદ્યાર્થીના સંબોધનમાં બોલાઈ જવાતા. આ પછી વિદ્યાર્થીઓ આવા ભાઈઓને ચીડવવા સાહેબના સંબોધનવાળું નામ લઈને બોલાવે, આમ મજા ખાતર મજા કરતા.

 

વિદ્યાર્થી આલમમાં એક હરિફાઈ જેવો જુસ્સો પ્રવર્તતો. હર કોઈ ઈચ્છતા કે સાહેબના ખાસ પ્રેરક શબ્દો પોતાને પણ મળે. જાણે કોઈના બીરૂદને કાયમી ન રહેવા દેવાના પ્રયાસરૂપે કામની ગુણવત્તાઓ ઉત્તરોત્તર સુધરતી રહેતી. બી. એ. સ્કલ્પચરના અમુક વિદ્યાર્થીઓ ખાસ નવું શીખવાના બહાને ટહેલતા. આવા સંજોગોમાં વધારે કામ કરીને ગુરુપ્યારા થવાના નુસ્ખા સૌ કોઈ પોતાના જુનિયર્સને શીખવતા.

 

સાહેબજીને હસતા જોવા માટે અમુક લોકો દસ વાગ્યે ટી–ટાઈમની રીસેસમાં ટી–ક્લબ પાસે ઊભા રહેતા. આવા ટાણે સૌ પ્રોફેસર્સ કશીક નવી જોક્સ, ઘટના કે મસ્તી જોગ વાતો બહારથી આપલે થવા માંડતી અને સાવ હળવા મૂડમાં આવીને વાતોના શબ્દો ઓછા અને હાસ્યની છોળો વધારે રહેતી. આવું જોનારા વિદ્યાર્થીઓને પણ મોજમાં લાવી દેતા.

 

કોલેજ આખું વર્ષ વિવિધ રૂપમાં ધમધમતી હોય. બહારના નામી કલાકારો, ઈતિહાસવિદો, કલાચાહકોની આવનજાવન વધુ તાજગી પ્રેરક બની રહેતી. બહારથી કે શહેરમાંથી પધારેલ આર્ટ કલેકટર્સ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જાનદાર ઘટના બનતી. ખાસ પ્રસંગોમાં શિલ્પના સ્ટૂડિયોમાં હોશિયાર વિદ્યાર્થીઓના વર્કસ સાહેબજી જોડે આવીને ઈન્ટ્રો કરાવે, આવા સમયે જ જે તે વિદ્યાર્થીને ખબર પડતી કે , ગુરૂજીના મનમાં તેનું સાચું સ્થાન શું છે. સાહેબ ખૂબ રસ લઈને આવી રીતે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના વર્કસ આવેલ બાયર્સને સારી કિમંતમાં વેચાતા અપાવીને અર્થિક પગભર કરાવતા. આથી મારા જેવા વિદ્યાર્થી ખૂબ જ વેગવંત કામ કરે. આ સાથે સાહેબજી થોડા જ દિવસોમાં આર્થિક રીતે મજબુત થયેલાઓ માટે નજીકના ભવિષ્યમાની નામી કલા હરિફાઈની જાણ લાવતા અને તેમાં ભાગ લેવા પ્રેરતા જેથી ફરી નવા નાણાં આવવાની તક ઊભી થાય તદુપરાંત બહારની દુનિયાની તાજી હવાથી વાકેફ થાય. આવા કેટકેટલા આયોજનો જે ભણતરની રીધમને ખોરવે નહીં તે પ્રકારે વિદ્યાર્થીઓ વચ્ચે મૂકતા રહેતા.

 

૧૯૮૪થી ૧૯૯૦ના ગાળા દરમિયાન ઓલ્ટનેટીવ વર્ષે ફાઈન આર્ટસ ફેર થતાં જેમાં સમગ્ર કોલેજ દિવસ રાત ધમધમતી થઈ જતી. ચારેય બાજુએ વિદ્યાર્થીઓ વચ્ચે પોતપોતાના ગુરુજનો કાર્યમાં જોડાયેલાં રહેતાં. તેઓના બપોરના ભોજન પણ પોતપોતાનની જોડે લાવેલ ટીફીન દ્વારા કરતા. સર્વત્ર એક પ્રકારે નવીનત્તમ વાતાવરણ અને વિસ્મયપ્રેરક કલાત્મક ગતિવિધિઓ કલાસંસ્થાના કલેવરને બદલી નાખતી. અમારા સાહેબજીઓ પણ પોતાની જેમાં મહારથ હોય તેવા કાર્યો ગમતા વિદ્યાર્થીઓના મિશ્ર ટોળા સાથે માંડી પડતા. લોકોને ગમતા અને કલાના સર્જકોને કરવા સહેલા પડે તેવા કામોના ગંજ ખડકાવા માંડતા. વિદ્યાર્થીઓ પોતપોતાના રીતે આગલા વર્ષોના ફાઈન આર્ટસ ફેરની સરખામણીઓ કરીને પ્રથમ વખત અનુભવવા જઈ રહેલાં વિદ્યાર્થીઓને માટે તે કેટકેટલું નવીન શીખવાની વિશાળ સુવર્ણ તકો સમાન બાબતો બની જતી. ફેરની તારીખ નજીક જેમ જેમ આવતી તેમ તેમ સીનિયર વિદ્યાર્થીઓ અને ગુરુજનો વચ્ચેના માનસિક ફાસલાઓ દૂર થઈ જતા. ગુરુજનો પણ વિધાર્થીઓ જોડે સમાન ઉમરના હોય તેમ વર્તવા માંડતા. આવી નજદીકી સૌને માટે ખૂબ હૂંફાળી લાગતી. ગુરુજનોને વિદ્યાર્થીઓમાં છુપાતેલ ટેલેન્ટ નજરમાં આવતી જેનો વિકાસ કોલેજના ભવિષ્યના બાકી વર્ષો દરમિયાન કરવાની તક ઝડપી લેતા. આ મામલે રાઘવજી સાહેબ ખૂબ તક ઝડપુ ગણાતા. સાહેબ પોતાના રૂટીન સર્જનકાર્યોથી હટીને કોઈ નવું જ કરવા ટેવાયેલા. આનાથી ફેરના અંતે કયા ડીપાર્ટમેન્ટે આવક કેટલી થઈ તેની સરખામણીએ શિલ્પ વિભાગની આવક ઘણી બડુકી રહેતી. આવા ઉત્સાહવર્ધક આંકડાઓ ફેરમાં જેમણે વધુ મહેનત કરેલ હોય તેને રાજીના રેડ  કરી દેતા. આમાંથી અમો ખૂબ નવું શીખતા. લોકો આવું ખરીદીને કોલેજને ખૂબીદાર નજરથી જોવા ટેવાતા. અમારા ડીપાર્ટમેન્ટના સર્વ ગુરુજનોમાં જાણે ફેર પછી નવા ઝોમનો પ્રવેશ થયેલો સ્પષ્ટ દેખાતો.

આ પ્રકારે અનેક પ્રસંગો સંસ્થાના પટ્ટલ પર રચાતા રહેવાથી ભણતા વિધાર્થીઓ મલ્ટી ડાઈમેન્શનલ ટલેન્ટેડ બની શકે છે તે એક રૂડુ સ્મરણ સાહેબજોગ રજૂ કરું છું. ત્યારે મારા મનમાં નવરાત્રીનો ઉજાસ અને કોલેજના આંગણાના ગરબાઓની રમઝટ–માં સાહેબજી વચ્ચે ગાયકવૃંદ વચ્ચે કાઈક નવલા જ મૂડમાં મહાલાતા જણાતા. અન્ય ગુરૂજનો અને દર વર્ષે આવતા રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ નવરાત્રીની મજામાંથી જ ભૂતકાળમાં ગાતા –વગાડતા અને ગરબા લેતા શીખ્યા હોય તેઓની આનંદસભર તાશીર જ કાંઈક માણવા જેવી હોય. આવી રમઝટમાં સાહેબજી પોતાના ગામ અનીડાની ધરતી પરથી નાનપણમાં  શીખી લાવેલ તાલ  તામાશા ( સારા અર્થમાં) વિખેરવાની તક જતી કરતા નહીં. આ મહાપર્વ પણ અમારા ગુરુજીઓને તાજામાજા કરી દેતું. વિદ્યાર્થીઓ તો મોજની છોળોમાં નહાઈ લેતા!

 

મને મારા મારા એમ. એ. છેલ્લાં વર્ષને પૂર્ણ કરીને હું બહારની દુનિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો તે વેળાએ માનનીય કનેરિયા સાહેબ, માનનીય જ્યોતિભાઈ, માનનીય વિનોદ શાહ સાહેબ અને અન્ય ત્રણ પ્રોફેસરોની મને નવા સત્રથી ટીચીંગમાં જોડાવાની માંગણી કરેલ ત્યારે મારા માટે ન વિચારેલ સાંપડતી તકને સ્વીકારવા થોડો સમય માંગેલ તે મને મળ્યો ત્યારબાદ મેં મારા સાહેબજી કનેરિયા સરને જાણવેલ કે હું આપણી મહાન સંસ્થાની સેવા કરવા રાજી છું. અને આ પછી મારું ઘડતર પણ પ્રથમ સ્થાને સાહેબજી દ્વારા જ થયેલ. તેમનો મારો ક્ષોભ ભર્યો તબક્કો, સાહેબ જોડે વહીવટ કરવાની મારી વૃત્તિમાં ગુણોતરીય સુધારો સાહેબજીના કાબેલિયતભર્યા વ્યવહારોથી સંભવી શકેલ. તેમનું એક વાક્ય મને વિદ્યાર્થી મટીને અધ્યાપક બનવા પૂરતું હતું. તે હતું, હવેથી આપણા બૂટના નંબર એક સમાન છે. તેથી ક્ષોભ અને શિષ્યપણાના ભાવમાંથી થોડા મુક્ત થઈ જાવ. આમાં પણ મજા આવશે.

 

ત્રણ વર્ષ સતત ટીચીંગ આસિસ્ટેન્ટમાં જોડાઈને માતૃસંસ્થાના માહોલમાં એક ટીચર થઈને સેવા કરવાના અવસરે મને એ પછી બાકીના અમદાવાદ ખાતેના શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં એક લેકચરર અને ત્યારબાદ ઈન્ચાર્જ પ્રિન્સિપાલની ૧૧ વર્ષ જેવી લાંબી સેવામાં આ અંતરમને નિવાસેલ આ દરેક ગુણોએ મને હંમેશા પ્રેરણા અને પથપ્રદર્શન પૂરું પાડયું છે. જ્યારે પણ હું મારા સમર્થ ગુરુને યાદ કરીને કામે લાગ્યો છું ત્યારે સાચે જ કોઈ અદૃશ્ય સવારીનો કાફલો મને માર્ગદર્શન અને આવશ્યક જુસ્સો પૂરો પાડતો જણાય છે. મને પણ કેવડાં અને કેટલાં પણ ઈનામઅકરામોમાં ગુરુસમાન સ્થિતપ્રજ્ઞ રહેવા પ્રેર્યો છે. સાહેબજીની દૃષ્ટિએ આપણું કામ એ જ આપણું ઈનામ છે. ક્યારેક કશીક ચૂકથી હું નવા રસ્તાઓ અખ્ત્યાર કરવા જાઉં છું ત્યારે આપોઆપ ગુરુ ચિંધ્યા નિવડેલા શ્રેષ્ઠ માર્ગોની યાદો મારા મનને પ્રસાદીની જેમ મળી જાય છે. ભલે હું સંપૂર્ણપણે ગુરુના માર્ગનું અનુસરણ ના કરી શકું છતાં તેનું સ્મરણ પણ મને ઘણાં પ્રસંગોમાં મને રોકાઈ જવા કહે છે. જે રોકાણ આગળ આવતી ખાઈમાં પડતો અટકાવે છે. આવા સમર્થ ગુરુને પાછું કાઈપણ આપવું હોય તો શું આપી શકાય જે એક પ્રેરક પ્રશ્ન સમાન છે. પ્રભુના ચરણમાં માત્ર પ્રાર્થના જ કે, પ્રભુ અમારા ગુરુ તેના શેષ જીવનમાં તેને જીવનભર મૌનપણે વાવેલા અઢળક પાકને લણીને–માણીને–જોઈને કુદરત રચિત ઘટમાળને આધિન થાય પણ તેમના આદર્શો મારા જેવા અનેકોમાં જીવંત રહે તેના સર્વ સર્જનોમાં સામર્થ્ય સદા સમય સાથે ચાલતું રહે.

 

એક સમર્થ ગુરૂને મારા જેવા કેટકેટલા શિષ્યો પાસે સ્મરણોનું ભાથું હશે જે ભવિષ્યમાં એક બુકના રૂપે પ્રગટશે તો પણ આવનારા સમયમાં ઘણાબધા નવા શિષ્યોને ગુરૂદક્ષિણા વગર જ્ઞાન પ્રાપ્ત થતુ રહેશે.

 

 

 

ભારતના મૂર્ધન્ય શિલ્પકાર રાઘવ કનેરિયા વિશે થોડીક વાત

- પીયૂષ ઠક્કર

 

શિલ્પકાર રાઘવ કનેરિયા એટલે ઓછાં બોલું, શાંત અને સાદાઈભર્યું વ્યક્તિત્વ. ગોંડલ પાસે આવેલા અનિડા ગામથી આરંભાયેલ કળાસફરનું એક સફળ અને રોચક વૃતાંત. તાજેતરમાં જ રેડ અર્થ આર્ટ ગેલેરી, વડોદરા ખાતે ડિસેમ્બર ૧૦થી ૨૦, ૨૦૧૫ વચ્ચે, લગભગ બત્રીસ વર્ષના અંતરાલ પછી રાઘવ કનેરિયાના ચિત્રો અને શિલ્પોનું ભવ્ય કળાપ્રદર્શન આયોજિત થયું હતું. એ નિમિત્તે અહીં આ લેખમાં એ પ્રદર્શન વિશે અને શિલ્પકાર રાઘવ કનેરિયા વિશે થોડીક વાત. (લેખમાં ઉલ્લેખ પામી છે તે તેમજ અન્ય કળાકૃતિઓ માટે નોળવેલની મહેકના આ જ વિભાગમાં સુજ્ઞ વાચકોને વર્ચ્યુઅલ પ્રસ્તુતિ જોવા વિનંતી. )

.

તારીખ ૧૯ માર્ચ ૧૯૩૬ના રોજ અનિડા ગામે એમનો જન્મ. ગોંડલની સગરામજી હાઈસ્કૂલમાં શાળાકીય ભણતર. વધુ અભ્યાસ અર્થે વડોદરા આવ્યા. ૧૯૫૯માં વડોદરાની વિખ્યાત ફાઈન આર્ટસ ફેકલ્ટીમાંથી એમણે શિલ્પકળામાં પ્રથમ ક્રમે ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ પછી વધુ અભ્યાસ હેતુ લંડનની સુખ્યાત રૉયલ કોલેજ ઓફ આર્ટમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં બે વર્ષનો શિલ્પકળામાં સઘન અભ્યાસ પણ કર્યો. એ ગાળામાં વાલ્ધમસ્ટો સ્કૂલ ઓફ આર્ટના શિલ્પકળાના વિભાગમાં અધ્યાપનકાર્ય પણ કર્યું. ભારત પરત ફર્યા પછી ૧૯૭૦થી ૧૯૯૬ સૂધી ફાઈન આર્ટસ ફેકલ્ટી, વડોદરામાં શિલ્પકળાના અધ્યાપક તરીકે સેવાઓ આપી. એક સજગ શિલ્પકાર, છબીકાર અને સમર્પિત શિક્ષક તરીકેની એમની તેજસ્વી કારકીર્દી કળાજગતમાં નોખી તરી આવે  છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકના ગ્રામ પરિવેશના છબીકાર લેખે એમનું નામ સુખ્યાત છે. શિલ્પકાર લેખે શિલ્પકળાના વિવિધ માધ્યમો જેમકે ટેરાકોટા, કાંસુ, પિત્તળ, સ્ટીલ, લોખંડ અને મિક્સ મિડિયામાં રચાયેલાં શિલ્પો સવિશેષ  ઉલ્લેખનીય છે.

દેશ–વિદેશમાં એમની કળાકૃતિઓના પ્રદર્શન યોજાયા છે. તેમજ એમને અનેક માન–અકરામ પણ મળ્યા છે. જાપાન, ઈંગ્લેન્ડ અને ભારતના અનેક પુરસ્કારો દ્વારા એમની કળા પોંખાઈ છે.

.

એક કળાકારની સમયના દીર્ઘ ફલક પર રચાયેલી કળાકૃતિઓ એક સાથે જોવા મળતા કળાકારની પસંદગી અને નાપસંદગીનો હિસાબ મળતો હોય છે. કળાકારના સર્જનાત્મક સાહસો અને દુસાહસો તેમજ એના પક્ષપાતોનો પણ અંદાજ મળાતો હોય છે. રાઘવ કનેરિયાના પ્રસ્તુત કળાપ્રદર્શનમાં રેખાંકનો, શિલ્પો, અર્ધમૂર્ત શિલ્પો મૂકવામાં આવ્યાં હતાં.  મુખ્યત્વે ૧૯૫૬થી તે ૨૦૧૫ સૂધીની કળાકૃતિઓ આ પ્રદર્શનમાં હતી. એ નિમિત્તે કળારસિકોને કળાકારની ૬ દાયકાની ઉજવળ કળાસફરનો સળંગ આલેખ મેળવવાની તક મળી હતી.  જ્યારે કળાના વિદ્યાર્થીને અહીં એક સર્જકના ઉત્કર્ષને સમજવાનો મહામૂલો અવસર સાંપડ્યો હતો. પ્રદર્શનમાં મુકાયેલી કળાકૃતિઓનો થોડોક પરિચય મેળવીએ :

 

 

  • રેખાંકન:

સામાન્ય રીતે કળાકારોના રેખાંકનો જોવા મળતા નથી. મોટેભાગે સંપૂર્ણ કળાકૃતિઓ જ પ્રદર્શનમાં મૂકાતી હોય છે. જોકે અહીં રાઘવ કનેરિયાએ ૧૯૫૭ની સાલની આસપાસ ખેડેલા અજંતા – ઈલોરાના પ્રવાસના વિવિધ રેખાંકનો પણ જોવાં મળ્યાં હતાં. વિવિધ રેખાઓ દ્વારા એક યુવાન કળાકારની શિલ્પોને અને રેખાંકનની કળાને સમજવાની મથામણ જોઈ શકાઈ હતી. તીવ્ર આવેગ સાથે વિવિધ માધ્યમોમાં અંકાયેલી આ રેખાઓમાં શિલ્પોની જીવંતતાને પામી શકાતી હતી. આ પ્રદર્શનનું અન્ય આકર્ષણ હતું કળાકારના શિલ્પો માટે રચાયેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રો. સ્ટીલ જેવાં માધ્યમમાં ભૌમિતિક આકારોને બહેલાવીને રચેલાં અમૂર્ત શિલ્પો માટેની સર્જનપ્રક્રિયા આ ચિત્રોમાં જોઈ શકાતી હતી.

  • અર્ધમૂર્ત શિલ્પો/ ચિત્રો:

ચહેરા/ મહોરા. હા, ચહેરાથી પ્રેરિત મહોરા એ શિલ્પોનો વિષય હતો. વર્ષ ૧૯૮૧માં રચાયેલાં આ પિત્તળના મહોરામાં માનવ ચહેરાના તરલ ભાવો–મનસ્થિતિઓને ઉભારવામાં આવી હતી. આ શિલ્પો જોતાં મોંહે–જો–દડોનું ‘સાધુ–રાજા’(priest king)નું શિલ્પ યાદ આવી શકે છે. કળાકાર પણ સમયના ભ્રામક બંધનો ઠેકીને આપણને ક્યાંનો ક્યાં પ્રવાસે લઈ શકે છે એનું એ એક ઉદાહરણ. આ જ મહોરાઓની વાત કાગળ પર પણ કળાકારે રચી છે. જેમાં કાગળને સહેજ બાળીને અને પડછે સોનેરી વરખનો કાગળ ઉપયોગમાં લઈને કળાકારે કાગળમાં શિલ્પના પરિમાણ સાંકળ્યું ને વિસ્તાર્યું હતું.

  • માનવઆકારના શિલ્પો અને ગાયવાછરડાંના શિલ્પોની વાત:

મુક્તપણે રચાયેલાં કેટલાંક સ્ત્રી–શિલ્પોમાં દેહની માંસલતા અને માધ્યમની લવચિકતાનો અનુભવ મળે છે. રાઘવ કનેરિયાએ જોકે માનવઆકારોના આ રસ્તે જવાના બદલે ગાય અને વાછરડાંની લીલામય સૃષ્ટિને આલેખવાનું વધું પસંદ પડ્યું છે. એકાધિક માધ્યમો અને શૈલીઓ અજમાવી–બહેલાવીને એમણે ગાય–વાછરડાંના શિલ્પો રચ્યાં છે. એમને પ્રિય એવા વાછરડાંની વિધવિધ મુદ્રાઓએ અને વિવિધ માધ્યમોમાં એના આવિષ્કારોએ આકર્ષણ જન્માવ્યું હતું. એમાં લોકશૈલીના શિલ્પો છે તો વાસ્તવદર્શી શિલ્પો પણ છે તો જેને આપણે કાલ્પનિક કહી શકીએ એવાં શિલ્પો પણ છે. તેઓ ભલેને શૈલી બદલતા રહ્યા હોય પણ પ્રત્યેકમાં ગાયનું ઋત ઉર્જાથી લસલસતું જોઈ શકાય છે.

  • શ્રી ગણેશના ચિત્રો અને શિલ્પો:

અંતે આરંભ જેવી અહીં વાત થઈ છે. ગણેશને આપણે આરંભે યાદ કરીએ છીએ. પણ આ લેખમાં એનું અંતે સ્મરણ કરીશું. રાઘવ કનેરિયાએ શ્રી ગણેશના ચિત્રો અને શિલ્પો રચ્યાં છે. જોકે આ રચનાઓમાં લોકશૈલીનો સર્જનાત્મક વિનિયોગ થયો છે.  ભાતચિત્રોની રૂએ સુરુચિપૂર્ણ અને અર્થસભર આ ચિત્રોમાં શ્રી ગણેશ અને રિદ્ધિ–સિદ્ધિના આલેખો કળાકાર રાઘવ કનેરિયાના અન્ય પાંસાઓ ઉજાગર કરે છે.

 

  • કળાકારની વાત:

ગાય/ વાછરડાના શિલ્પો વિશે:

એક તો ખેડૂત પરિવારમાંથી આવું છું. નાનપણથી, બાળપણથી જ ગાય, ભેંસ, બળદ, વાછરડાંની જોડે જ ઉછર્યો છું.  અને એની જોડે એટલો બધો લગાવ છે. એટલે એને જ જુદી જુદી રીતે એક્ષપ્રેસ કરવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે ક્લાસિકલ મ્યુઝિસિયન હોય છે, તો એ મ્યુઝિક શીખ્યા ત્યારથી તે પોતે ગાઈ શકે ત્યાર સૂધી, દાખલા તરીકે એક દરબારી રાગ ગાય, એ હજારો વાર દરબારી રાગ ગાય, એનો એ જ. જેવી રીતે હું વાછરડા ને બુલ બનાવું છું એવી રીતે. પણ એ દરબારી રાગ એ જેટલા વખત ગાય એટલા વખત એ રાગ જુદો જ હોય. તો એવી રીતે મારા કામની અંદર એ રાગનો એનો એ જ આલાપ ગાઉ છું પણ એ જુદી જુદી રીતે એને વ્યક્ત કરું છું. એટલે જોનારને લાગે કે આ રીપીટેશન કરે છે પણ જે ખરેખર જોનાર હોય એ એની અંદરની જે ખૂબી છે, એની અંદરની જે સટલ્ટી છે તે પારખી શકે.

રાઘવ કનેરિયાના પ્રિય કળાકારો :

જ્યાકોમો માન્ઝોની (૧૯૦૮–૧૯૯૧) [Giacomo Manzù, pseudonym of Giacomo Manzoni, was an Italian sculptor]કરીને ઈટાલિયન સ્કલ્પટર છે અને મારીનો મારીની (૧૯૦૧–૧૯૮૦) [Marino Marini 27 February 1901 – 6 August 1980) was an Italian sculptor] – એ લોકોનું કામ માને ગમે છે.  એમાંથી પ્રેરણાં લઈને મૈં મારાંથી જેટલું એની અંદર મારાપણું ઉમેરી શકું એ ઉમેરીને કામ કરું છું. બાકી આપણી ફોક આર્ટની પણ પ્રેરણા લઈને કરું છું.

વડોદરામાં ત્રણ દાયકાથી વધુ સમયના અંતરાલે રાઘવ કનેરિયાની કળાકૃતિઓનું વૈવિધ્યસભર કળાપ્રદર્શન ગુજરાત તેમજ વડોદરાના કળારસિકો માટે એક યાદગાર નજરાણું બની રહેશે. રેડ અર્થ આર્ટ ગેલેરી, વડોદરાને આ માટે અભિનંદન આપવા ઘટે. અસ્તુ.

 

(લેખનું સૌજન્ય : અંતરંગ (શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, વડોદરાનું ત્રૈમાસિક, જાન્યુઆરી ૨૦૧૬)

 

 

- પીયૂષ ઠક્કર,

બળવંત પારેખ સેન્ટર, સી–૩૦૨ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ, રેલ્વે સ્ટેશનની પાછળ, ફરામજી રોડ, વડોદરા ૩૯૦ ૦૦૭. ગુજરાત. મો. ૯૭૨૬૦૬૮૪૪૭.