મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
- જ્યોતિ ભટ્ટ
પ્રસંગ ૧૪
1953ના ઉનાળાના વેકેશન દરમિયાન રાજસ્થાનમાં આવેલી ‘વનસ્થલી વિદ્યાપીઠ' માં ભીંતચિત્ર શીખવા માટેનો કાર્યક્રમ યોજાયેલ. તેમાં મારા બે સહાધ્યાયી મિત્રો સાથે હું પણ ગયેલો. ‘વનસ્થલી' એક ખૂબ નાનું ગામડું છે. ત્યાં મહિલાઓનાં શિક્ષણ માટે એક સંસ્થા છે. તેના ચિત્રકલા વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયેલ. હું ત્યાં હતો તે દરમિયાન એ ગામમાં એક લગ્ન પ્રસંગે, એક ઘરમાં થોડાં માંડણા (રંગોળી) જોવાં મળેલ. પરંતુ રાજસ્થાનનાં ઘણાં ગામોમાં ભીંત પર પણ ચિત્રો દોરવાની પ્રથા છે. તે તો મને ઠેઠ 1972માં દિવાળીના વેકેશનમાં ફરીથી ‘વનસ્થલી' ગયો ત્યારે જ જોવા મળ્યું.
1972માં ત્યાં ફરીથી જવાનું બનેલું ત્યારે એક સ્થળે રાત્રે બસની રાહ જોતો ઊભો હતો. ત્યારે નજીકના એક ઘરના ઓટલે કોડિયાના ઝાખાં અજવાળે એક પુરુષ માંડણું દોરી રહ્યો હતો. માંડણાં તેમજ ભીંતચિત્રો જેવાં ગૃહ - સુશોભન કાર્ય ફક્ત સ્ત્રીઓનાં જ છે, તેવી માન્યતા માત્ર રાજસ્થાનમાં જ નહિ પરંતુ આખા ભારતમાં પણ જોવા મળે છે, એ હું જાણતો હતો તેથી મેં તેને પૂછ્યું કે, “તે માંડણું કેમ દોરે છે?” તેના ઉત્તર દ્વારા મને જાણવા મળ્યું કે, “રાજસ્થાનમાં માંડણાનું મહત્વ ઘણું છે, ત્યાનાં લોકો માને છે કે, દીકરી કુંવારી રહે તો વાંધો નહિ, પરંતુ આંગણું કુંવારું રહે તે ન ચાલે.”
મેં ફરીથી પૂછ્યું કે, “તો પછી તમારી પત્નીએ કેમ માંડણાં બનાવ્યાં નથી? તેણે કહ્યું કે, “તેની પત્ની સુવાવડ કરવા પિયર ગયેલી હતી અને ગામના લોકો મને (પુરુષને) આ કામ કરતો જુએ તો મશ્કરી કરે અને મજાક ઉડાવે આથી રાતનો સમય પસંદ કરવો પડયો છે.”
ત્યાર પછી, 1989 સુધી છ - સાત વખત મારા છબીકાર મિત્ર કનેરીયા (રાઘવ કનેરીયા) અને હું દિવાળી સમયે રાજસ્થાનનાં ગામોમાં ફર્યા અને છબીઓ લીધેલ. અમે એક ધર્મશાળામાં રહેતા અને સાઇકલ ભાડે કરીને જેટલું ફરાય તેટલું ફરતા. મુખ્ય રસ્તાઓ પરથી કોઈ ગામ દેખાય ત્યાં પહોંચી જતા. આ પ્રમાણે એક ગામમાં જોવા મળ્યું કે, તાજી જ બનાવેલ એક માંડણા પર કુતરા કે બકરી ચાલીને બગાડે નહિ, તે માટે તેની પર ખાટલો રાખી એક વૃદ્ધ મહિલા તેનું ધ્યાન રાખવા સુતેલી હતી.
•