સ્વાગતનોંધ

સ્વાગત અને વિદાયની વચ્ચેના પ્રહરે પાંચ ઘૂંટ અમ્રુત-પ્રાશન....

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર.
સિતાંશુ યશશ્ચન્દ્ર.

 

‘નોળવેલની મહેક’ની અંતિમ પાંચ બેઠકો આજના આ સહૃદય-મિલનથી શરુ થાય છે. નિરંતર અને નિયમિતપણે, પંદરમી એપ્રિલ, 2020થી, શરુ થયેલી આ પાક્ષિકી બેઠકો, પરિષદના પાંચ નિસ્વાર્થ, નિર્ભય, શક્તિમંત અને દ્રઢસંકલ્પ સાથીઓ, આદરણીય રૂપલ મહેતા, પ્રા. સમીર ભટ્ટ, પ્રા. સેજલ શાહ, શ્રી વસંત જોષી અને કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કરની નિષ્ઠાભરી અને નિયમિત જહેમતનું પરિણામ છે. ‘ન કે ના’વ્યાં માર્ગે વિષ, વિશમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ . . .’. એટલે એ પાંચ સાથીઓને નિસ્વાર્થ, નિર્ભય, શક્તિમંત અને દ્રઢસંકલ્પ કહ્યા. નિસ્વાર્થ પરિષદપ્રીતિ એટલે શું એનું એક નેત્રદીપક ઉદાહરણ એમણે કાર્યાન્વિતપણે પૂરું પાડ્યું છે. આનંદ, આનંદ.

 

*

 

આ અંતિમ પાંચ બેઠકોમાંની દરેક બેઠકમાં એક વિશિષ્ટ કલાક્રુતિ અને એના સર્જક પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની નેમ છે. ગુજરાતના યુવા (અને અન્ય) સાહિત્યકારોને (લેખકો અને વાચકોને) આજના વ્યાપક કલાવિશ્વની ઊંડાણ ભરી સર્જકતાનો સંદર્ભ પ્રાપ્ત થાય, એ હેતુ છે. આ બેઠકમાં ગુજરાતના એક ભારતખ્યાત શિલ્પી, શ્રી રાઘવજી કનેરિયા પર એવું ફોકસ છે. એ કામ પાર પાડી આપ્યું છે કવિ-ચિત્રકાર પ્રા. પીયૂષ ઠક્કરે.

 

*

 

આજથી ડિસેમ્બર 2020 સુધીની આ પાંચ વિશિષ્ટ પ્રસ્તુતિઓને ‘પંચામ્રુત’ એવું નામ આપીએ તો એ વિદાય-પ્રસંગને વળોટીને આપણા આ સહિયારા કામને એક રીતે કાયમી બનાવવાની આપણી સહિયારી અભિલાષા વ્યક્ત કરે.

*

આદરણીય રૂપલ બહેન મહેતા તો આ સમગ્ર વેબ પ્રસ્તુતિનાં દ્રષ્ટિપૂર્ણ અને દ્રઢસંકલ્પ સ્થપતિ છે. એ ઉપરાંત, ‘નોળવેલની મહેક’ની દરેક આવ્રુત્તિમાં પ્રગટ થતાં એમનાં ‘સંભારણાં’, દૃષ્ય, શ્રાવ્ય અને લિખિત એવી ઐતિહાસિક સામગ્રી તરીકે જ નહીં, કેટલાયે દશકોથી રચાતા આવતા ગુજરાતી સાહિત્યવિચાર અંગે પણ મહત્ત્વનું દસ્તાવેજી પ્રદાન છે. ડિસેમ્બર 2020 પછી પરિષદના એક મહત્ત્વના પ્રકલ્પ બલ્કે અભિયાન રૂપે એ કામ વિકાસ પામે, એ શુભેચ્છા. પરિષદના ભૂતકાળમાં જે ઉત્તમ, સુદૃઢ અને દર્શન-વિશદ છે એને પરિષદના ભવિષ્ય સાથે જોડતું અભિયાન એ બનશે. રૂપલ બહેનને એ ભાવભરી વિનંતી અને પરિષદને સવિનય તાકીદ.

 

*

 

મ.સ. યુનિવર્સિટીની વિખ્યાત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના અનેક પારિતોષિકપ્રાપ્ત સ્નાતક અને સર્જકતાભર્યા અધ્યાપક, એવા પ્રા. પીયૂષ ઠક્કર, ભારત અને વિશ્વના કલાજગત સાથે પરિષદને જે સૂઝબૂઝ અને સુંદરતાથી જોડી આપે છે, એનો સહુને આનંદ છે. ‘નોળવેલ’માં એમની કલાદૃષ્ટિ અને ભારતના અગ્રની કલાકારો સાથેના એમના સ્નેહસંબંધોની મહેક માણવા મળી છે. પરિષદમાં એમનાં એ કાર્ય થતાં રહે, એ અપેક્ષા અને શુભેચ્છા.

 

*

 

વસંત જોષીનું ‘આકાશવાણી’ને જે પ્રદાન છે, એનું મૂલ્યાંકન તો તજજ્ઞો કરશે. બોલાયેલા શબ્દ દ્વારા સાહિત્યની પ્રસ્તુતિ કરવાની, શ્રુતિનો ઉપયોગ કરીને સાહિત્યના પ્રયોગો કરવાની સાધના એમના દ્વારા ગુજરાતમાં કેળવાય અને પરિષદની કાર્યશાળાઓમાં એમનો સહયોગ મળતો રહે, એ શુભેચ્છા.

 

*

 

પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ તો ગુજરાતના યુવા સ્વરના પરિષદ સાથેના અનુબંધને દ્રઢ અને વ્યાપક બનાવનાર સેતુ-નિર્માતાઓ છે. ઉત્તમ અને અર્થપૂર્ણ પરિસંવાદો અને અન્ય કાર્યક્રમો પોતાની કૉલેજોમાં યોજવા, એ એમની દશકોની સિધ્ધિ છે. પ્રો. સેજલ બહેનનું સામયિક-સંપાદક તરીકેનું તાજેતરનું કામ જાગૃત વાચકોનું અને સારાસાર-વિવેકી વિચારકોનું ધ્યાન વ્યાપકપણે ખેંચનારું બન્યું છે. ‘નોળવેલ’ની આ આવ્રુત્તિમાં જે વીડિયો પ્રસ્તુતિઓ છે, તે તો યુવાચેતનાની તણખાતા તેજના સ્ફુલ્લિગો સમી છે. એ પ્રતિભાબીજોની માવજત પરિષદમાં આ બન્ને કવિ-સંપાદક-વિવેચક-અધ્યાપકોની વિરલ શક્તિ વડે થતી રહે એ શુભેચ્છા.

 

*

 

ગુજરાતી પ્રજાની આ અને અન્ય નોળવેલ કદી કરમાઓ નહીં, વિષધરો સામેના સંઘર્ષમાં એની સંજીવની દ્રઢસંકલ્પ પરિષદ-સ્નેહીઓને હમેશાં મળતી રહો. બળવંતરાય ઠાકોરે કહ્યું છે તેમ, ‘ટકાવો કિલ્લાના મુઠીભર હઠીલા જણ થકી’ સદા થતા રહો !

 

સમા, વડોદરા.

ઑક્ટોબર ૩૧, ૨૦૨૦.

 

 

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦

સ્વાગત અને વિદાયની વચ્ચેના પ્રહરે પાંચ ઘૂંટ અમ્રુત-પ્રાશન.... – સિતાંશુ યશશ્ચન્દ્ર ‘નોળવેલની મહેક’ની અંતિમ પાંચ બેઠકો આજના આ સહૃદય-મિલનથી શરુ ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: વિડીયો પ્રસ્તુતિ પ્રકાર:વિડીયો પ્રસ્તુતિ કૃતિ પ્રસ્તુતકર્તા 1.લેખિનીના શિલ્પીકાર – મીનળ દીક્ષિત જીજ્ઞા જોશી https://youtu.be/1LTsii3nxlQ 2. કૌમુદી મુનશી ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૪ 1953ના ઉનાળાના વેકેશન દરમિયાન રાજસ્થાનમાં આવેલી ‘વનસ્થલી વિદ્યાપીઠ' માં ભીંતચિત્ર શીખવા ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן પિયુ ગયો પરદેશ? હું છું ને શિશિરવાત -વિજય પંડ્યા પતિ પ્રવાસે ગયો હોય ...
વિખ્યાત શિલ્પકાર અને કળાગુરુ શ્રી રાઘવ કનેરિયા : એક અંતરંગ પરિચય સંપાદન: - પીયૂષ ઠક્કર વિખ્યાત શિલ્પકાર અને કળાગુરુ શ્રી ...
સંભારણાં (૧૧)... ૮૬ મે - કાવ્યસંગ્રહ વિમોચન, તા.૨૯-૮-૨૦૧૨, સ્થળ: સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત, અમદાવાદ. - રૂપલ મહેતા, અમદાવાદ. ૮૬ મે ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  - દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન, યુ.એસ.એ. આદરણીય સિતાંશુભાઈ, હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે. સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ વિશે અવારનવાર ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.