સંભારણાં (૧૦): Shakespeare’s King Lear

સંભારણાં (૧૦)...

 

Shakespeare’s King Lear:

એક બુધવારની સાંજ, ભગતસાહેબ (નિરંજન ભગત) સાથે - જૂન, ૨૦૧૭.

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

Shakespeare’s King Lear:

એક બુધવારની સાંજ, ભગતસાહેબ (નિરંજન ભગત) સાથે - જૂન, ૨૦૧૭. (અંગત રેકોર્ડિંગ)

ભગતસાહેબ અને અમે સૌ કુટુંબીજનો અને મિત્રો, કેટલાંક વર્ષોથી દર બુધવારે સાંજે, ભોજન સમયે મળતાં. બુધવારની મૈત્રીપૂર્ણ સાંજની અમે આતુરતાથી રાહ જોતાં, જેમાં વિવિધ વિષયો, અનુભવો, સમસ્યાઓ વગેરેની ચર્ચાઓ, વિચારોની આપ-લે થતી રહેતી. સાહેબ સાથે મારાં અનુભવો વર્ષ ૧૯૯૫ની આસપાસ શરૂ થયાં.

ક્યારેક અમે ચર્ચાનો વિષય પહેલેથી નક્કી કરતાં, અને ત્યારે અમારી આતુરતા વધી જતી. તે દરમિયાન ‘શેક્સપિયર’ના નાટકોની વાત નીકળેલી અને તેમણે અમને કહ્યું હતું કે શેક્સપિયરનાં નાટકો સત્તરમી સદીમાં ભજવાયાં હોવા છતાં આજે પણ તેનું સાહિત્ય એટલું જ પ્રસ્તુત છે કારણ કે સદીઓ વીતવા છતાં માનવીનાં જીવનમાં હજી એ જ emotions ભજવાય છે, એ જ relationships, ઈર્ષ્યા, વેર-ઝેર, પ્રેમ-પ્રકરણો, સુખ-દુખ, લાલચ વગેરેના નાટક ચાલે છે –માત્ર પાત્રો બદલાયાં કરે છે. હજી પણ વિશ્વભરનાં સ્કૉલર –Scholars- તેના વિવેચનમાં ઊંડા ઉતરે છે. અને ત્યારે અમે નક્કી કર્યું હતું કે સાહેબ પાસેથી ‘શેક્સપિયર’ના પ્રખ્યાત નાટકો વારાફરતી, શ્રેણીબધ્ધ રીતે સાંભળવા. જોકે વર્ષ ૧૯૯૮-પછીના સમયમાં એવાં એકાદ-બે sessions શરૂ તો કર્યાં, પણ કોઈને કોઈ કારણસર આખી શ્રેણીની ચર્ચા ઠેલવાઈ.

 

તેમની પાસેથી શેક્સપિયર અને ગ્રીક ટ્રેજેડી વગેરે સાંભળવાનાં હવે તો માત્ર સંભારણાં જ રહ્યાં છે – તે વર્ષોમાં કોઈ ચર્ચાનું રેકોર્ડિંગ કરવું હોય તો તે સ્ટુડિયો વગર થાય જ નહીં. સમય બદલાતો ગયો – મોબાઈલ ફોન પર રેકોર્ડિંગ કરી શકાવા લાગ્યું –હા ચોક્કસ, મોબાઈલ-રેકોર્ડિંગ, સ્ટુડિયો quality ન હોય પણ મારાં જેવાં માટે આશીર્વાદરૂપ રહેતું કે ચર્ચાના સમયે કોઈ કારણ આવી જાય તો પણ પછીથી (રેકોર્ડેડ) ચર્ચા સાંભળી શકાતી. -આનો ઉલ્લેખ આગળના કોઈ સંભારણાંમાં કર્યો છે.

 

૨૦૧૦ના દાયકામાં અમને શેક્સપિયરને સાંભળવાનાં અભરખાં ફરીથી જાગ્યાં! ભગતસાહેબના ગુરુ, પ્રોફેસર એસ.આર.ભટ્ટ એટલે શેક્સપિયરના નાટકોના વાચન-મનન, ચિંતન અને અનુભવની સમૃધ્ધ લાઈબ્રેરી - જેવા ગુરુ, એવાજ એમના શિષ્ય! ૧૯૬૦-૭૦નાં દાયકાનાં સેન્ટ-ઝેવીયર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓ હજી યાદ કરે છે કે જ્યારે ભગતસાહેબ શેક્સપિયર ભણાવે, ત્યારે આખો વર્ગ જાણે મંત્રમુગ્ધ બની જતો –એવું આ પ્રસ્તુત, નાનકડી ક્લીપ સાંભળવાથી પણ લાગશે.

 

જોકે ભગતસાહેબે શેક્સપિયર વિષે કંઈ કહ્યું હોય, તેવું બહુ ક્યાંય ન મળ્યું –કે કદાચ હાથમાં ન આવ્યું. તેમના લખાણો ઊથલાવાથી ‘સ્વાધ્યાયલેખ-૨’માં પ્રો.ભટ્ટના ગ્રંથ પરનું લખાણ મળ્યું, જેમાં તેમણે લખ્યું છે કે ‘ગુજરાતી ભાષામાં શેક્સપિયર પર માર્મિક વિવેચન નથી એવું મહેણું હવે પછી કોઈ મારી શકશે નહી.’ –ત્યાં ઉમેરવાનું મન થાય છે કે ગુજરાતી ભાષામાં શેક્સપિયર પર ભગતસાહેબ પાસેથી કંઈ સાંભળ્યું નથી એવું મહેણું પણ હવે આ સંભારણાં(૧૦) પછી કોઈ મારી શકશે નહીં...!

 

વર્ષ ૨૦૧૭માં માહિતી મળી કે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભગતસાહેબ શેક્સપિયરના ‘કિંગ લિયર’ નાટક વિષે વક્તવ્ય આપવાના છે. એ મોટો લ્હાવો ચૂકી જવાયો. તેથી એ પછીનાં અઠવાડિયાઓમાં કોઈક બુધવારે, તેમની પાસેથી શેક્સપિયરના ‘કિંગ લિયર’ નાટક વિષે જાણવું, એવી અમારી સૌની ઈચ્છા હતી. આ નાનકડી ક્લીપ તેનું પરિણામ છે.

 

- તો આવો આપણે ગુજરાતીના કવિ-વિવેચક, અંગ્રેજીના પ્રોફેસર, બંગાળી-ફ્રેન્ચ-સ્પેનીશ-ના અનુવાદક, પાસે -વર્ચ્યુયલ રીતે, Virtually- દેશ-વિદેશમાં બેસીએ અને જૂન-૨૦૧૭ના અમદાવાદમાં, દક્ષિણ ભારતીય ભોજન સંગાથે થયેલી અંગ્રેજ મહાકવિ શેક્સપિયર વિષેની ચર્ચા સાંભળીએ – Truly Global!

 

સ્વાગત છે આપનું, બુધવારની એક સાંજમાં.

- રૂપલ મહેતા

૧૫ ઑક્ટોબર ૨૦૨૦.

(નોળવેલની મહેક)

 

Direct Link: https://youtu.be/ImzGHnCuVIs

નોંધ: પ્રસ્તુત ઓડિયોની ગુણવત્તા બને તેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ Headphones કે earphones ની જરૂર પડે. સંદર્ભ ફોટા -રજૂઆત  સમજૂતી માટે છે. કોપીરાઈટ યથાતથ. સાભાર.