મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
- જ્યોતિ ભટ્ટ
પ્રસંગ ૧૩
મારા બચપણથી જ મિત્ર બની ગયેલ સ્વર્ગસ્થ કિશોર પારેખ¹ (1930-1982) ભારતના એક ઉત્તમ છબી–પત્રકાર હતા. પરંતુ તે ઉપરાંત વિવિધ પ્રકારની છબીકળામાં પણ માહેર હતા. એક સમયે મને તેમનો સંદેશ મળ્યો કે, “એક કાપડની મીલ માટે કેલેન્ડર બનાવવાનું છે. કેલેન્ડર માટે ફોટોગ્રાફી કરવા માંડુ જવાનું છે. તમને (રાઘવ કનેરીયા અને મને) રસ હોય તો માંડુ આવી જાઓ, મજા આવશે’’. એમણે જણાવેલ સમયે અમે પણ માંડુ પહોંચી ગયા. માંડુ એક ઊંચી પણ વિશાળ ટેકરી પર આવેલું પુરાણું ગામ છે. ત્યાં 14મી સદીમાં બનેલાં અફઘાન સ્થાપત્યનાં ઘણાં ખંડેરો બચ્યાં છે. ફેશન ફોટોગ્રાફીમાં મોડેલની બેકગ્રાઉન્ડ જો સુંદર છતાં વિસ્મય પમાડે તેવી હોય તો છબી વધુ અસરકારક નીવડે તેવું કિશોર પારેખ માનતા હતા.
એક સવારે અમે બધા કોઈ સારું સ્થળ શોધવા નીકળ્યા. એક દીવાલ પાસે આવેલ સ્થળ પસંદ પડ્યું. ત્યાં આજુબાજુ બકરા ચરાવતા નાના બાળકો પણ હતાં. દસ બાર ફૂટ ઊંચા એક ઓટલા પર એક મોડેલને ઉભી રાખીને કિશોર પારેખ તેની છબીઓ લેતા હતા. તે જોઈ બકરીવાળા બાળકો પેલી ઊંચી દીવાલ પર ચડીને તે કુતુહલથી જોવાં લાગ્યાં. આને લીધે આખું ચિત્ર વધુ વિસ્મય પમાડે એવું બની રહ્યું. મારી પાસે પણ કેમેરા તો હતો જ તેથી મને પણ એક પહેલા કદી ન લીધેલ વિષયની છબી લેવાનો મોકો મળી ગયો.
¹ ભારતમાં કિશોર પારેખ એક જ એવા છબીકાર હતા જેમની રણભૂમિ પર જઈ લીધેલી છબીઓ પ્રકાશિત થઈ હોય. ઈ.સ. 1962માં ચીન સાથેના અને 1965માં પાકીસ્તાન સાથેના યુદ્ધની તેમની છબીઓ ભારતીય પત્રકારત્વમાં આગવું સ્થાન ધરાવે છે. 1971 દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન નિર્વાસિતોની છાવણીઓની છબીઓ લેતા લેતા સરહદ પાર કરી લશ્કરની વિવિધ કાર્યવાહીઓની અને ઢાકામાં વિજેતા અને પરાજિત દળોના વડાઓએ દસ્તાવેજો પર દસ્તખત કર્યા તેવા અનેક પ્રેક્ષકોનું લોહી થીજાવી દે તેવા પ્રસંગોની પણ – છબીઓ લીધેલી.
•
•
નોંધ : The Indian Portrait નામે પ્રતિષ્ઠિત ચિત્રપ્રદર્શનશ્રેણી અંતર્ગત શ્રેણીના નિયોજક અને કળાસંગ્રાહક શ્રી અનિલ રેલિયાએ શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલી કળાકારમિત્રો–સ્વજનોની છબીઓનું ‘The Indian Portrait – XI’, નામે એક પ્રદર્શન અમદાવાદની ગૂફા, અમદાવાદ ખાતે તા. ૩–૮ માર્ચ ૨૦૨૦ દરમિયાન નિયોજિત કર્યું હતું. પ્રદર્શનમાં મૂકાયેલી છબીઓને તેમજ એ છબીઓના સંદર્ભોને આવરી લેતું એક સરસ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. આ પ્રદર્શનશ્રેણી વિશે વધુ જાણવા માટે તેમજ આ પુસ્તક (ઈ–કેટેલોગ) જોવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરશો :
- શ્રી જ્યોતિ ભટ્ટ (ઈમેઈલ): [email protected]
⇔