સંભારણાં (૧૩): ઈશાવાસ્ય ઉપનિષદ – ઉમાશંકર જોશી

સંભારણાં (૧૩) ...

 

‘ઈશાવાસ્ય ઉપનિષદ’ - ઉમાશંકર જોશી

આલોચના (ખંડ ૧, શ્લોક ૧): નિરંજન ભગત, તા.૮-એપ્રિલ-૨૦૧૫.

(અંગત રેકોર્ડિંગ)

- રૂપલ મહેતા, અમદાવાદ.

‘ઈશાવાસ્ય ઉપનિષદ’ - ઉમાશંકર જોશી

આલોચના (ખંડ ૧, શ્લોક ૧): નિરંજન ભગત, તા.૮-એપ્રિલ-૨૦૧૫. (અંગત રેકોર્ડિંગ)

 

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः ।

ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ શાંતિમંત્રથી થાય છે –તેથી પ્રસ્તુત સંભારણાંના રેકોર્ડિંગ પહેલાં શ્લોકનું ગાન ઉચિત લાગ્યું - (કોરોનાની) વર્તમાન પરિસ્થિતિ જોતાં પણ શાંતિમંત્ર દ્વારા શાંતિ પ્રસરે, એવી પ્રાર્થના....  ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

 

નોળવેલની મહેકના ૧૫ જુલાઈ ૨૦૨૦ ના સંભારણાં (૪)માંથી:

“ભગતસાહેબ સાથે એકવાર અમારે ઉમાશંકર જોશીના ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ અનુવાદ વિવરણ અંગે ચર્ચા થઈ હતી –જો ઓડિયો જળવાયો હશે, તો ક્યારેક સંભારણાંરૂપે પ્રસ્તુત કરીશ. નાનકડું, પણ અદભુત પુસ્તક. ગુજરાતીમાં ઉપનિષદ વિષયે ઉત્તમ. અમારામાંનાં ઘણાંએ ડઝનબંધ પુસ્તકો ખરીદ્યાં અને ભગતસાહેબ સાથેની તે પછીની મુલાકાતોમાં અમે તેમની સાથે રીતસર અભ્યાસ ચાલુ કરી દીધો હતો! કાશ, સમયની ઝંઝટ અને પછી તે અધૂરો રહી ગયો...”

*

પ્રસ્તુત રેકોર્ડિંગમાં ઉમાશંકર જોશીના ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ પુસ્તકના (ખંડ ૧, શ્લોક ૧) વાંચન સાથે ભગતસાહેબની આલોચના માણી હતી, તેનાં અંશ છે. વિષય ગંભીર છે, પણ રસ પડે તો ઊંડાં ઉતરી જવાય. ખેદ એ રહ્યો છે કે અમે ભગતસાહેબ સાથે પહેલા શ્લોકની આલોચના બાદ આગળ ન વધી શક્યાં. પણ ‘મળ્યું એટલું માણ્યું’ અને જેમ ઉમાશંકર જોશીએ પણ આ પુસ્તકમાં સમજાવ્યું છે તે મુજબ, ખરેખર તો ઋષિના એક જ શબ્દ –‘ઈશાવાસ્યમ’માં જ બધું કહેવાઈ ગયું છે. તે પછી શબ્દોનાં વાક્યો, વાક્યોનાં શ્લોકો, શ્લોકોનાં ખંડો.... વગેરે તો વિસ્તાર જ છે.

Philosophy એ ભગતસાહેબના પ્રિય વિષયોમાંનો એક હતો. ઉપનિષદ સાથે, તે દિવસે અમારે તે વિષયે કેટલીક બીજી પણ ચર્ચાઓ થઈ હતી, તેમાંની કેટલીક નોંધ:

સચ્ચિદાનંદ: સચ્ચિદાનંદ શબ્દમાં જે આનંદ આવે છે, તે આનંદ જુદો છે. આ આપણે ખાઈએ છીએ તે આનંદ જુદો છે, તે સચ્ચિદાનંદનો આનંદ નથી. સચ્ચિદાનંદનો આનંદ શાશ્વત છે. એને કોઈ આધારની જરૂર નથી -It comes from itself. જેમકે, જો રવિશંકર સિતાર વગાડે, તો આનંદ આવે છે પણ જો સિતાર બંધ થઈ જાય તો આનંદ જતો રહે છે. બ્રહ્મનો આનંદ એવો છે કે જો તમને દૃષ્ટિ આવી ગઈ તો એ આનંદ જતો નથી રહેતો, એ કાયમનો રહે છે...

પ્રાર્થના: સિમોન વેલ નામના -Simone Weil (French philosopher -Lady) ફ્રેન્ચ ફિલોસોફરના ઘણાં પુસ્તકો એમ.જે. લાઈબ્રેરીમાં છે. એમણે કહ્યું હતું કે Perfect attention is the perfect prayer. આજુબાજુ ડાફોળિયા મારતાં હો તો એને prayer ન કહેવાય! એકાગ્ર થઈ જવાનું ને જાતને પણ ભૂલી જવાનું....

આશ્રમ: બાલકૃષ્ણ બોરકર (ગોવા, કોંકણી કવિ) કવિએ ઉમાશંકરને કહ્યું, ‘ઉમાશંકરભાઈ હું બધાં આશ્રમોમાં ગયો છું –અરવિંદના આશ્રમમાં, રમણ મહર્ષિના, રામકૃષ્ણના આશ્રમમાં તથા ગાંધીજીના આશ્રમમાં પણ ગયો છું. પણ ગૃહસ્થાશ્રમ જેવો એકેય આશ્રમ નહીં!...

Self: આ બધી વાત છેવટે સેલ્ફ પર આવીને ઊભી રહે છે. તમારે તમારા જીવનનું કંઈ કરવું છે કે પછી છો ત્યાં જ રહેવું છે. કરવું હોય તો કરો, નહીં તો એવા ને એવા રહો –કોઈ compulsion નથી કે તમારે progress કરવો, ને develop થવું....

 

ટિપ્પણી:

“.. વાતાવરણ સંસ્કૃત અને સૂક્ષ્મ ધર્મતત્ત્વનું હોવા છતાં, પૂરા ગુજરાતી શબ્દોના પ્રયોગોથી કૃતિ સાચી ગુજરાતી, આપણી બની જાય છે.” -વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

“...ટાગોરના વિવેચનથી જેમ કાલિદાસ ધન્ય થયા તેમ ઉમાશંકરના અર્થઘટનથી ઈશાવાસ્યના ઋષિ ધન્ય થઈ ગયા છે.” ચંપકલાલ વ્યાસ

“... આ વિવરણ પ્રગટ કરું છું તેની પાછળ એક મુખ્ય આશય ઋષિની ચાવી અભ્યાસીઓ સુધી પહોંચાડવાનો તો છે જ, પણ આ સાહસ હું ન કરત, જો મને પોતાને ઈશાવાસ્યમની મૂળ વાતમાં ઈતબાર ન હોત. આ વિશ્વમાં સર્વ કંઈ પરસ્પર સંબંધિત છે, એક તત્ત્વથી ધબકે છે – એમ માનવું અને અનુભવવા મથવું મને ગમે છે. માનવજાતિને માટે આવી આધ્યાત્મપ્રતીતિ મોટું સંબલ બની રહે...” – ઉમાશંકર જોશી (પ્રસ્તાવના)

“ઈશાવાસ્ય ઉપનિષદ પર શંકરાચાર્યે લખ્યું, તે પછી એક હજાર વર્ષ પછી, ઉમાશંકરે આ commentary કરી છે –અને તે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. આવી commentary બીજે ક્યાંય કોઈએ નથી કરી, બીજાંઓએ માત્ર અનુવાદો જ કર્યાં છે. ઉમાશંકરે અત્યંત ચીવટ સાથે, વર્ષોવર્ષ સતત મથીને બહુ જ વ્યવસ્થિત કામ કર્યું છે.” –નિરંજન ભગત.

 

એક ગુજરાતીભાષી તરીકે આ ગૌરવ કેટલું મોટું છે!

 

રૂપલ મહેતા

૩૦ નવેમ્બર ૨૦૨૦

(નોળવેલની મહેક)

 

Direct Link: https://youtu.be/mxlbwDyf50Y

 

 

નોંધ: પ્રસ્તુત ઓડિયોની ગુણવત્તા બને તેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ Headphones કે earphones ની જરૂર પડે. સંદર્ભ ફોટા -રજૂઆત  સમજૂતી માટે છે. કોપીરાઈટ યથાતથ. સાભાર.