સ્વાગતનોંધ

પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે...

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

 

પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે.

 

15 એપ્રિલ 2020ને દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ચ્યુઅલ સ્પેસમાં પોતાનો પહેલો કાર્યક્રમ રજૂ કર્યો, એ એકલદોકલ પ્રસ્તુતિ નહોતી. દૃઢસંકલ્પ એવી એક ટીમે એ પહેલી પ્રસ્તુતિ બાદ, દર પંદરમે દિવસે એ કાર્યક્રમની નવી બેઠક, એ જ વર્ચ્યુઅલ સ્પેસમાં, પરિષદની એ અલૌકિક અગાસીમાં યોજવાનું ચાલુ રાખ્યું અને ગુજરાતનાં નાનાં ગામોથી આરંભી, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સૂરત, મુંબઈ, લંડન, લોસ એંજેલસ, હ્યુસ્ટન (ટેક્સસ) અને સિડની સુધીનાં વિવિધ ‘ગુજરાતો’માં વસતા રસિકજનો જોડાતાં ગયાં.

 

આજે ‘નોળવેલની મહેક’ની આ સોળમી સળંગ અને નિયમિત પાક્ષિકી બેઠક ‘પરિષદની અલૌકિક અગાસી’માં મળે છે. વર્ચ્યુઅલ સ્પેસમાં સાહિત્ય અને અન્ય કલાઓના રસિકજનોની સભા મળે, એ બેઠકોમાં સાહિત્ય અને વિવિધ કલાઓની નિયમિત રજૂઆત થાય, એ પરિષદ માટે એક પહેલ છે. આવતી કાલે લખાનારા પરિષદના પ્રમાણિક ઇતિહાસોમાં આ પહેલની નોંધ લેવાશે. આ બન્યું તે ‘નોળવેલ’નું નિરંતર જતન કરનારી પરિષદની એક અનોખી ટીમની શક્તિ વડે. વર્ચ્યુઅલ સ્પેસમાં પરિષદે માંડેલાં આ પહેલાં પગલાંનો ઐતિહાસિક મહિમા વખત જતાં પૂરો સમજાશે. પરિષદ-પ્રમુખ તરીકે એ પહેલને શક્ય બનાવનાર નાની પણ મજબૂત ટીમનો આભાર માનું છું.

 

 

‘નોળવેલ’-નું આઠ આઠ મહિનાઓથી જતન કરનાર, પરિષદને એના આ નવા માધ્યમમાં લઈ જનાર નાની પણ કાર્યક્ષમ, ખંતીલી અને કલ્પનાશીલ, દ્રઢસંકલ્પ અને ઉષ્માભરી ટીમને સ્નેહવંદન.

 

 

શ્રીમતી રૂપલ બહેન મહેતાના દૄઢસંકલ્પ અને કાર્યકુશળ નેતૃત્વ વિના પરિષદની આ પહેલ એના આરંભથી જ આગળ વધી શકી ન હોત. અનેક વર્ષોથી પરિષદની વેબસાઈટનું અને એની આર્કાઈવલ સામગ્રીનું કુશળ સંચાલન અને જતન કરનારાં, પરિષદનાં ટ્રસ્ટી અને વર્ચ્યુઅલ સ્પેસમાં થયેલા આ નવપ્રસ્થાનનાં અમારાં અગ્રણી રૂપલ બહેનનું દૃઢસંકલ્પ, ખંતીલું અને કલ્પનાશીલ નેતૃત્વ પરિષદની આ પહેલને વણથંભ અને આકર્ષક રાખે છે. એમની ‘સંભારણાં’ શ્રેણી, જેમાં રા.વિ. પાઠક અને ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત,  લાભશંકર ઠાકર અને રઘુવીર ચૌધરી, અને ગુજરાતી સાહિત્યનાં અન્ય ઉત્તુંગ શિખરો સમાં સર્જકોને જોઈ-સાંભળી, આ નવા વર્ચ્યુઅલ સ્પેસમાં મળી શકાય છે.

પ્રો. સમીર ભટ્ટ અને પ્રો. સેજલ શાહ, ગુજરાતની નવી પેઢીનાં બે તેજસ્વી કવિ-સંપાદક-વિવેચક, એમણે ગુજરાતના યુવા સ્વરને પરિષદના આ અભિનવ મંચ પર, આજ આઠ મહિનાથી, દર મહિને બે વાર, ઉમંગથી અને વિવિધ રીતે લાવવાનું કામ પાર પાડ્યું છે. સેજલબહેન અને સમીરભાઈએ દેશવિદેશે વસતાં ગુજરાતીભાષી કિશોર-કિશોરીઓને, યુવક-યુવતીઓને પરિષદના આ અભિનવ મંચ સાથે, એકવીસમી સદીના આ નવા માધ્યમ વડે, એ રીતે સાંકળ્યાં છે, એ પરિષદની એક વિશેષ ઉપલબ્ધિ છે.

 

ભારતભરમાં અને દેશવિદેશે સુખ્યાત અને સમાદરપ્રાપ્ત ચિત્રકાર-ફોટોગ્રાફર પ્રો. જ્યોતિ ભટ્ટની ‘એક ફોટોગ્રાફરની રોજનીશી’ જો પરિષદના આ અભિનવ માધ્યમ પર મૂકી શકાઈ તો એનો યશ કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કરને છેઃ પીયૂષભાઈએ જ એ અનોખી, નિખાલસ અને સમસંવેદનોથી દીપતી ‘ડાયરી’ પરિષદને મેળવી આપી. એટલું જ નહીં, પ્રો. જ્યોતિભાઈની સંમતિથી એનું કાળજીપૂર્વક, સંપાદન જ નહીં, જરૂર પડી ત્યાં વીગતો, સમયાનુક્રમ, આદિ પરત્વે સંમાર્જન પણ કરી આપ્યું. એ રીતે પરિષદની આ પહેલને પીયૂષભાઈએ વધારે અર્થવતી બનાવી.

આકાશવાણી, રાજકોટના કેન્દ્ર નિયામક અને કવિ વસંત જોષીએ વિવિધ રીતે સહુને, નેપથ્યે રહીને, સહાય કર્યા કરી. ‘મેધાણી સ્મરણ’ વાળી બેઠક વસંત જોષીનું પ્રદાન છે.

આ બેઠકોની શરૂઆતથી, એકે પાક્ષિકી પાડ્યા વિના, પોતાની રસભરી વિદ્વત્તાથી સંસ્ક્રુત સાહિત્યની મુક્તક માધુરી સહુને પ્રસન્ન પ્રસન્ન કરી દેનાર, વિખ્યાત વિદ્વાન પ્રો. વિજયભાઈ પંડ્યાને ‘નોળવેલ’ ટીમના માનાર્હ સભ્ય ગણીએ (અને એમના લેખોને સત્વર, કાળજીથી ટાઈપ કરી આપનાર શ્રી ગુણવંતભાઈ ગોધાને પણ), તો ‘તમને નથી ને કાંઈ વાન્ધો’, મહાનુભાવો?!

*

છેલ્લે, ‘પંચામૃત; પરિષદ પોતાના આ નવા માધ્યમમાં એકત્ર થયેલા રસિકજનોને એક ઉપહાર રૂપે, વિષપ્રતિકારક આ નોળવેલની મહેકની સાથોસાથ આ છેલ્લી પાંચ બેઠકોમાં ‘પંચામૃત’ પ્રસ્તુત કરે છે. ગુજરાતનાં પાંચ વિશ્વવિખ્યાત કલાકારો (શિલ્પ, નૃત્ય, સંગીત, ચિત્ર, અને સિનેમા, એ પાંચ કલાઓના કલાકારો) વિશે ગુજરાતના આજના પાંચ અગ્રણી કલાકારો વાત કરે, પોતાના સમર્થ પુરોગામીઓની કલાક્રુતિઓ આ નવા માધ્યમ દ્વારા રજૂ કરે, એવો ઉપક્રમ આ વિદાય વેળાએ હાથ ધર્યો છે. ભારતખ્યાત શિલ્પી રાઘવજી કનેરીયા વિશે એવા જ સમર્થ ચિત્રકાર જ્યોતિ ભટ્ટ અને ઉત્તમ શિલ્પી રતિલાલ કાંસોદરિયા (અમદાવાદમાં અખો અને દલપતરામ, બન્નેનાં શક્તિશાળી શિલ્પો બનાવનાર કલાકાર) લેખો લખે અને કનેરીયાજીનાં શિલ્પોની છબીઓ એ સાથે ‘નોળવેલ’-ના વર્ચ્યુઅલ સ્પેસમાં સહુ સમક્ષ મૂકાય, એ આખું આયોજન કરી એને પાર પાડનાર કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્ક્રર અને એક સૌષ્ઠવયુક્ત વેબ-આર્કિટેક્ચર દ્વારા એને પરિષદનાં વર્ચ્યુઅલ પ્રાંગણે મૂકી આપનાર વેબ-કલાકાર રૂપલ મહેતા, એ બે સાથીઓ વિના અમે સહુ શું કરી શક્યા હોત?

ગુજરાતી ફિલ્મ કલાનાં શિખરો સમી ક્રુતિઓમાંથી ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ એ ત્રણ પર ધ્યાન કેંદ્રિત કરી, ગુજરાતી સિનેમાનો વ્યાપક પરિપ્રેક્ષ્ય રજુ કરી એક સમૃધ્ધ પ્રસ્તુતિ કરી આપી સિનેમા-કલા-મીમાંસક પ્રો. જાવેદ ખત્રીએ.

આ બેઠકમાં ત્રીજું અમૃતપ્રાશનઃ નૃત્યકલાનું. વિશ્વભરમાં જેમની પ્રશિષ્ટ નૃત્ય પ્રસ્તુતિઓનું સન્માન થયું છે એવાં શ્રીમતી મૃણલિની સારાભાઈની સંસિધ્ધિઓ વિશે સ્વયં અગ્રણી નૃત્યકલાકાર અને નૃત્યગુરુ છે એવાં પ્રો. પારુલ શાહ દ્વારા તૈયાર કરાયેલો એક ઉત્કૃષ્ટ વિડીઓ ‘નોળવેલ’ના આ અંકમાં રજુ થાય છે.

આ પછી, ભારતીય સંગીતકલાના અવિસ્મરણીય દાયક અને ગુરુ પંડિત ઓમકારનાથ ઠાકુરની કલાને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું અમારું નિમંત્રણ ગુજરાતના આજના ઉત્તમ, સર્જનશીલ સંગીતકારોમાં અગ્રણી એવા અમર ભટ્ટ સ્વીકારે, એ પરિષદ માટે ગૌરવનું કારણ છે. પંડિત ઓમકારનાથ અંગેની, અમર ભટ્ટ દ્વારા થનારી પ્રસ્તુતિ તે પરિષદના આ મંચ પર ચોથું અમૃતપ્રાશન.

પંચામૃતમાં પાંચમું અમૃત તો ચિત્રકલાનું, તે યે ગુજરાતના કલાગુરુ, ઉત્તમ ચિત્રકાર શ્રી રવિશંકર રાવળની કલાનો આસ્વાદ કરાવશે આજના એક અનોખા ચિત્રકાર અને વડોદરાની મ.સ. યુનિવર્સિટીની વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના તેજસ્વી વિદ્યાર્થી (સ્નાતકોત્તર કક્ષાએ ત્રણ સુવર્ણ ચંદ્રકો અને વિદ્યાર્થીઓ માટે મહામૂલો એવો નસરીન મોહમેદી એવોર્ડ મેળવનારા) કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કર.

*

‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ’ એવી કવિવરની પંક્તિઓને યાદ કરીએ. આજના આ કોરોના કાળમાં અને વિવિધ, આંતર્બાહ્ય વિષના આ સમયગાળામાં, પરિષદની આ નોળવેલની વિષશામક મહેક લઈ, આપણા ગુજરાતના વિવિધ કલાઓનાં પંચામૃતનું પ્રાશન કરી, સર્જકતાનું પર્વ રચીએ.

 

૩૦ નવેમ્બર, ૨૦૨૦.

 

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૩૦ નવેમ્બર ૨૦૨૦

પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે... – સિતાંશુ યશશ્ચન્દ્ર પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે. 15 એપ્રિલ 2020ને ...
•યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: વિડીયો ઈન્ટરવ્યુ પરિષદના આગામી પ્રમુખ પ્રકાશ ન. શાહ સાથેની મુલાકાત - ડો. મિલિન્દ પારેખ, બારડોલી આ વખતે ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૬ ભારત ભવનમાં ચાર વિભાગો છે. દૃશ્યકળા માટે ‘રૂપંકર', ભારતીય કવિતા માટે ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן સીત્કાર શિખવતા પ્રોફેસર શિશિરકુમાર -વિજય પંડ્યા સીત્કારં શિક્ષયતિ, વ્રણતિ અધરં, તનોતિ રોમાગ્યમ્ નગરિક: ...
મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શનઃ એક વિડિયો પ્રસ્તુતિ - પ્રો. પારુલ શાહ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, અને શ્રીમતી અંજલિ મેમોરિયલ કમિટી, વડોદરા પ્રસ્તુત ...
સંભારણાં (૧૩) ... ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ - ઉમાશંકર જોશી આલોચના (ખંડ ૧, શ્લોક ૧): નિરંજન ભગત, તા.૮-એપ્રિલ-૨૦૧૫. (અંગત રેકોર્ડિંગ) - રૂપલ ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  માનનીય  શ્રી સિતાંશુભાઈ, નમસ્તે. આજે એક નવી મઝાની વાત કરવી છે. પરિષદ જ્યારે યુવાવર્ગના સર્જન અને ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.