સંભારણાં (૧૨): સાહિત્યિક ગોષ્ઠિ : અખો

સંભારણાં (૧૨)...

 

સાહિત્યિક ગોષ્ઠિ : અખો

નિરંજન ભગત, તા.૧૫-૪-૨૦૧૫.

(અંગત રેકોર્ડિંગ)

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

સાહિત્યિક ગોષ્ઠિ : અખો

નિરંજન ભગત, તા.૧૫-૪-૨૦૧૫. (અંગત રેકોર્ડિંગ)

ભારતનાં સંતકવિઓ:

ભગતસાહેબ સાથે એક ચર્ચા અમારે ઘણી વાર થતી, કે ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવાં મહાન વિદ્યાસ્થાનો હોવા છતાં, આટલી મોટી સંખ્યાનો જનસમુદાય અભણ શા માટે રહ્યો. શિક્ષણની વાત પરથી અમે ઈતિહાસમાં ઉતરી જતાં – દલીલો પણ ઘણી થતી! તે દરમિયાન તેમના એક વિધાનમાં અમને જિજ્ઞાસા થઈ - કે તે યુગમાં જ્ઞાન અને સંસ્કૃત ભાષા, માત્ર વિદ્વાનો અને પંડિતો માટે જ હતી, મોટાભાગનો જનસમુદાય તેનાથી વંચિત હતો.

ભગતસાહેબે અમને કહ્યું કે જ્ઞાનમાં ભક્તિ ઉમેરીને તેને જનસમુદાય સુધી પહોંચાડવામાં ભારતનાં સંતોએ જબરદસ્ત કામ કર્યું છે. જડ, મૂઢ અને નાસીપાસ થયેલી પ્રજાને બેઠી કરવામાં સંતકવિઓનો ફાળો અમૂલ્ય છે – અને તેમાંય એકલદોકલ કવિ દ્વારા નહીં, આવી ‘ભક્તિ’ ની movement આ સમગ્ર દેશમાં  થયેલી છે.

ઐતિહાસિક ઘટનાક્રમ જણાવતા તેમણે કહ્યું કે લગભગ સાતમી સદીમાં દક્ષિણભારતમાં સંતકવિઓએ કેટલાંક પદો રચ્યાં. એ વાંચીને કેટલાંક વિદ્વાનોએ તેમાંનો ભાવ systematise કરવાનો પ્રયત્ન કર્યો. એમાંથી શંકરાચાર્ય થયા, માધવાચાર્ય થયા, રામાનુજાચાર્ય થયા, અને વલ્લભાચાર્ય થયા. આ બધાં આચાર્યો, પેલાં સંતોની કવિતાઓને કારણે થયા.

આ બધું દક્ષિણ ભારતમાં ચાલતું હતું. તેમાંથી બે આચાર્યો ઉત્તરમાં આવ્યા – વલ્લભાચાર્ય ગુજરાતમાં આવ્યા, અને રામાનંદ નામના સંત ઉત્તરમાં આવ્યા. તે સંતોએ પ્રાદેશિક ભાષામાં, લોકોની માતૃભાષામાં લખ્યું -સંસ્કૃતમાં નહીં. ત્યાં સુધી ‘ગીતગોવિંદ,’ ‘ગંગાલહરી’ એ બધું તો સંસ્કૃતમાં હતું –પ્રાદેશિક ભાષામાં કોઈ લખતું નહતું.

આમ, ૧૪મી સદીથી ૧૭મી સદીનો જે ૩૦૦ વર્ષનો ગાળો છે, ત્યારે આ બધું થયેલું છે. ભારતની પ્રજા આના પર જીવી છે અને તેથી જ સંતો આટલા બધા popular છે. ગામડે ગામડે આ બધું ગવાતું - ગુજરાતનાં એકે એક ગામમાં ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા...’ વગેરે ગવાતું, એકે એક માણસ એ કાવ્યો ગાતો –તે માટે તેને મંદિરમાં જવાની જરૂર પણ નહતી.

ભગતસાહેબ પાસેથી આ બધું જાણ્યા પછી અમારા મનમાં સંતકવિઓ પ્રત્યેનો આદરભાવ ખૂબ વધી ગયો.

તે ઉપરથી ‘અખો’ વિશે વાત કરવાનું નક્કી થયું. તે દિવસે (૧૫-એપ્રિલ-૨૦૧૫) અમે ‘અખા’ વિષે જે જાણ્યું, તે આ ક્લીપમાં પ્રસ્તુત છે.

અખાના છપ્પા એટલે કટાક્ષ તો ખરો, પણ અખાનું તત્ત્વજ્ઞાન તો અદભુત છે. આશા છે કે સૌને રસ પડે.

 

નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે,

રૂપલ મહેતા

૧૫-૧૧-૨૦૨૦.

(નોળવેલની મહેક)

 

Direct Link: https://youtu.be/5j5tdj9aupk

 

નોંધ: Headphones કે Earphones પહેરવાથી ઓડિયોની સ્પષ્ટતા વધારે સારી મળશે. –આભાર.

 

નોંધ: પ્રસ્તુત ઓડિયોની ગુણવત્તા બને તેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ Headphones કે earphones ની જરૂર પડે. સંદર્ભ ફોટા -રજૂઆત  સમજૂતી માટે છે. કોપીરાઈટ યથાતથ. સાભાર.