મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
- જ્યોતિ ભટ્ટ
પ્રસંગ ૧૫
હિલ કોરબા
ભારત સરકારની એક યોજના હતી કે દરેક રાજ્યમાં સરકારે એક મોટું સંસ્કાર-કેન્દ્ર બનાવવું. મધ્ય પ્રદેશમાં જ્યારે અર્જુન સિંહ મુખ્ય પ્રધાન હતા ત્યારે હિન્દી કવિ અશોક વાજપેયી સંસ્કૃતિ મંત્રી હતા. તેમણે સંસ્કાર-કેન્દ્ર બનાવવા અર્જુન સિંહને મનાવ્યા અને પરિણામે 1981માં ભારત ભવનનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કર્યું. ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતનું પોલિટિકલ કેપિટલ દિલ્લી છે પણ કલ્ચરલ કેપિટલ હવે ભોપાલ છે. આપણા એક બહુ સારા સ્થપતિ ચાર્લ્સ કોરિયાએ ભારત ભવનની ડિઝાઇન કરેલી. એમાં રૂપંકર કળાઓ (visual art ) માટે મ્યુઝિયમની સગવડ પણ કરેલી. મ્યુઝિયમમાં રૂપંકર વિભાગના નિયામક ચિત્રકાર જગદીશ સ્વામીનાથને સાંપ્રત શહેરી કળા અને ગ્રામ-આદિવાસી કળાને બે વિભાગમાં વહેંચી નાખેલ.
સ્વામીનાથન ગ્રામ-આદિવાસી કળાસ્વરૂપોને ethnic માનતા નહોતા, તેમના માટે તે પણ ગ્રામ-આદિવાસી સાંપ્રત ભારતીય કળા જ હતી. ગ્રામ-આદિવાસી વિભાગ માટે ભારત ભવનનું બાંધકામ શરુ થયું ત્યારથી જ મ્યુઝિયમ માટે કળાકૃતિઓ એકઠી કરવાનું આરંભી દીધું હતું. આ પ્રવૃત્તિ ઉદ્ઘાટન પછી પણ ચાલુ રાખેલ. 1982-83 દરમિયાન મેં વડોદરા યુનિવર્સિટીમાંથી સબાટિકલ રજા મેળવેલી, આથી હું ભારત ભવન માટે કલાકૃતિઓ એકઠી કરતા યુવાન કલાકારોની ટોળકી સાથે મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં ફરવાની તક લઇ શક્યો. 1983માં મધ્ય પ્રદેશમાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલ ડુંગરાળ પ્રદેશમાં જવાનું બન્યું, તે સમયે સ્વામીનાથન પણ સાથે આવેલા. ત્યાં રહેતા આદિવાસીઓ કોરબા ભીલ નામે ઓળખાય છે. અમે જે સ્થળે પહોંચ્યા તે હટાણાનું ગામ હતું. યોગાનુયોગે તે હટાણાનો દિવસ પણ હતો, તેથી મોટી સંખ્યામાં હિલ કોરબાઓ પણ ત્યાં આવેલા. ત્યાં એકઠાં થયેલ લોકોમાંથી ત્રણ-ચાર લોકોને પૂછ્યું કે અમે કાગળ આપીએ તો તેની ઉપર ચિત્રો બનાવી આપશો ? તેઓએ હા કહી તેથી તેમને અમે જ્યાં ઉતારો કરેલો તે મકાનમાં લઇ ગયા અને કાગળ તેમજ સ્કેચપેન આપ્યા.
કોરબા આદિવાસીઓમાં ભીંત કે જમીન પર આકૃતિ સ્વરૂપો બનાવવાની કોઈ પ્રથા નથી. આથી ચિત્ર અંગે તેમને કોઈ કલ્પના જ ન હતી. પરંતુ અમે જેમને કાગળ આપેલા તેઓએ દુકાનદારને કોઈ ચોપડામાં હિસાબ લખતા કે પોલિસ અમલદારોને તેમના ચોપડામાં કંઈક લખતા જોયા હશે. આના પરિણામે તે બધાએ કાગળ ઉપર કંઈક લખવાનું શરુ કર્યું. જોકે , તેમને અક્ષર જ્ઞાન તો હતું જ નહિ પરંતુ નાના બાળકના હાથમાં કાગળ અને કલમ આવી જાય ત્યારે તે કંઈક લખવા પ્રયત્ન કરે છે, તે જ પ્રમાણે આ પુખ્ત આદિવાસીઓએ પણ લખ્યું. લખવા માટે ડાબેથી જમણે લખવા જેવી પ્રથા છે તે પણ તેઓ જાણતા ન હતા. આથી, કાગળ પર આડા - અવળા - ઉભા - ત્રાંસા એમ અક્ષરો જેવા દેખાતા આકારો દોર્યા. દરેક વ્યક્તિને મહેનતાણા સ્વરૂપે સો (100) રૂપિયા ચૂકવાયેલા.
આ વાત એ આદિવાસીઓમાં ફેલાઈ ચુકી, તેઓએ ધાર્યું કે સરકારે બધાને પૈસા આપવા માટે અમને ત્યાં મોકલ્યા હતા. આથી બીજે દિવસે 700,800 જેટલા લોકોનું ટોળું અમારા ઉતારા પાસે એકઠું થયું. તેમને અમારો હેતુ સમજાવી શકાય તે અમારા માટે અસંભવ હતું, આથી અમારી ગાડીમાં ઉતારાના પાછલે બારણેથી સરસામાન ભરી અમારે ચોરની માફક ત્યાંથી ભાગી છૂટવું પડેલું.
આ ચિત્રોમાં જોવા મળતા સ્વરૂપોથી મને વિખ્યાત યુરોપિયન કળાકાર "પોલ ક્લે" ની કૃતિઓ યાદ આવી. સ્વામીનાથન તો તેમાં જોવાં મળેલાં અનોખાં અમૂર્ત સ્વરૂપોથી કેટલા પ્રભાવિત થયેલા કે, ભારત ભવન પાછા પહોંચી તરત જ ‘જાદુઈ લિપિ' શીર્ષક હેઠળ એક નાની પુસ્તિકા લખી નાખી.