સંભારણાં (૧): નિરંજન ભગત

સંભારણાં (૧)...

સર્જક: નિરંજન ભગત

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

A Friendly Evening with Niranjan Bhagat...

મે મહિનો આવે, અને અમારે માટે તહેવાર આવે! કારણ કે ૧૮ મી મે (નિરંજન ભગતનો જન્મદિન)એ શું કરવું છે, તેની યોજના ઘડાવા માંડે.

જોકે આમ તો દર બુધવાર અમારે માટે ‘સાહેબ-વાર’ બની જતો. અમારા બુધવાર-વર્તુળ માટે લગભગ વીસેક વર્ષ સુધી બુધવાર અનોખો રહ્યો. અમે વારાફરતી એકબીજાના ઘરે મળતા, સૌ કોઈ અવનવી વાનગી (pot-luck) કરીને લઈ આવે. વાનગીના રસ સાથે સાહિત્ય, કળા, શિક્ષણ, કેવાં જાતજાતના રસો ભળતાં. ભગત સાહેબ સાથે ચર્ચાઓનું તદ્દન open platform, મોકળું વાતાવરણ, જેમાં અમારામાંનું કોઈ પણ, તેમના પર પ્રશ્નોની ઝડી વરસાવી શકે, દલીલ કરી શકે અને સાહેબને defy કરી શકે –પડકારી શકે. પહેલાં તો ભગતસાહેબ તટસ્થ રહીને સમજાવે, પણ કેટલીકવાર જ્યારે ઉશ્કેરાય, ત્યારે તેમનું ‘હેવમોર’*-વાળું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે –અને પછી... પછી તેમની સચોટ દલીલો દ્વારા સામેવાળાને હંફાવે.. હરાવે.. પંપાળે.. ઠંડો પાડે અને પછી પ્રેમથી, વિસ્તારપૂર્વક સમજાવે. જાણેકે “તારી વાત હું કબૂલ કરું છું, પણ મારી વાત આ છે..” કહીને એવો મુખ્ય મુદ્દો આગળ ધરે કે ચર્ચામાં કદીય નિષ્ફળ જાય જ નહીં! મોડી રાત સુધી ચાલતી એ દલીલબાજીઓનું વાતાવરણ ગરમ, પણ એટલું તો સ્વસ્થ હતું કે કોઈનાય મનદુ:ખનો ક્યારેય પ્રશ્ન નહતો રહેતો. ઊલ્ટાનું અમે સૌ રાહ જોતાં કે ક્યારે બુધવાર આવે અને સાહેબને મળીએ.

દરેક બુધવાર unique હતા. ક્યારેક ચર્ચા, ક્યારેક પઠન, ક્યારેક વાંચન, ક્યારેક કવિતાઓનું રસપાન, કે અનુભવો, કોઈ સર્જક વિષે, ક્યારેક ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ભાષા, સંસ્કૃતિ, સમાજના મુદ્દાઓ – આવું ઘણું બધું ચાલતું. એક વિષય પરથી બીજા વિષય પર –જાણેકે વેબસર્ફિંગ – અને એક સર્જકના સાહિત્ય પરથી તેના સંદર્ભે બીજા સર્જકની વાત પર jump કરીને સમજાવવાની તેમની રીત અદભુત હતી. તેઓ જીવતું જાગતું Google હતા, બધું તેમના સ્મરણમાં, કંઠસ્થ હતું. કેટલીક વાર અમે તેમને કોઈ ખાસ વિષય અથવા સર્જક પર સમજાવવાનું અગાઉથી કહેતા અને આમ હવે પછી આવતા ‘બુધવાર’ માટે તડપતા.

ભોજન તો તેમના માટે માત્ર બહાનું હતું –વાતો અને વાંચનમાં ભગત સાહેબની થાળી પીરસાયેલી ઠંડી થઈ ગઈ હોય, પણ તે ગરમ ન કરાવે. ઠંડી થાળીમાંથી પણ ચાર વસ્તુઓ કાઢી નાંખે – બેત્રણ જ રાખે, “હું આમ જ ટેવાયેલો છું...”

સાચું કહું તો ભગતસાહેબ અમારે માટે ‘નિરંજન ભગત’ કરતાં મિત્ર વધારે હતા, સ્વજન હતા. અમારા સૌને ત્યાં માંદાની ખબર પૂછવા પણ આવે, ઘરમાં લગ્ન-પ્રસંગ હોય કે અવસાન-પ્રસંગ હોય, તેમની હાજરી સમયસર, અચૂકપણે હોય.

બહુ વર્ષો પહેલાંની વાત છે –એકવાર ભગતસાહેબને મારે ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમમાંથી લઈ અને અમારે ઘરે લઈ આવવાના હતા. કાર્યક્રમ પૂરો થાય તેની રાહ જોઈને હું બેસી રહી. તે પછી હું તેમની પાસે ગઈ અને કહ્યું કે ‘સાહેબ, કાર લઈ આવી છું..’ “ચાલો...” કહીને તેઓ ઊભા થયા અને અમે કાર સુધી પહોંચ્યા, ત્યાં સુધીમાં તો તેમના કેટલાંય ચાહકોનું ટોળું તેમને ઘેરી વળ્યું, લાંબી લાઈન હતી -કોઈએ પ્રશ્નો પૂછયાં, કોઈએ પોતાની ઓળખાણ આપી, કોઈ પગે પડ્યું, કોઈ તેમની લગોલગ ચાલવા લાગ્યું.. બધાંની સાથે તેમણે સ્મિતથી પ્રેમપૂર્વક જોયું, જવાબ આપ્યો. આવું મેં પહેલીવાર જોયું હતું, તેથી કારમાં બેઠા પછી મેં કહ્યું, ‘અરે સાહેબ તમે તો celebrity છો!’ તેમણે તરત કહ્યું, ‘પણ મહાન નથી, આમ કંઈ પગે પડાય...?’ માત્ર વિનમ્રતા, તેમની સાદાઈમાંથી ડોકાતી હતી.

રેકોર્ડિંગ શા માટે –

કેટલાંક બુધવારે એવું થતું કે ભોજન અને મહેમાનોની તહેનાતમાં હું ભગતસાહેબ સાથે બેસી નહતી શકતી અને ચર્ચાઓમાં ભાગ નહતી લઈ શકતી, જેનો મને ખેદ રહેતો. પણ જ્યારે મોબાઈલમાં વોઈસ-રેકોર્ડિંગ સુલભ થવા લાગ્યું, ત્યારે મેં સાહેબને પૂછ્યું, ‘સાહેબ તમને વાંધો ન હોય, તો આ મોબાઈલ પર વોઈસ-રેકોર્ડ કરું, કે જેથી હું પછીથી સાંભળી શકું?’ તેમની મંજૂરીથી જે કંઈ રેકોર્ડ થયું અને જે કંઈ સચવાયું, તેમાંનું અંશત: સંભારણાંરૂપે અહીં પ્રસ્તુત કરું છું –આશા છે કે ભગતસાહેબ સાથે અમે જે માણ્યું, તે આપ સૌને પણ પસંદ પડે.

- રૂપલ મહેતા, અમદાવાદ.

મે ૨૦૨૦.

 

*ઘણાં વર્ષો પહેલાં નિરંજન ભગત તથા અન્ય લેખકો, મિત્રો, વગેરે સૌ ટાઉનહોલ પાસેની 'હેવમોર' રેસ્ટોરેન્ટમાં નિયમિતપણે જતા. ત્યાં જાતજાતની સાહિત્યગોષ્ઠિ થતી, ઉગ્ર ચર્ચાઓ થતી, તેમજ ઉદાત્ત વિચારોની આપ-લે થતી - કદાચ તેમાંથી ઉત્તમ કૃતિઓ જન્મતી.