સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

ગોરંભાતો મેઘ નિશીથે,  

નિદાઘનો અંત આણે.

 

-વિજય પંડ્યા

 

Megh Malhar Raga, ca. 1670 Malwa, Central India
Megh Malhar Raga, ca. 1670 Malwa, Central India

 

એવું કહેવાય છે કે મરણ સંસારની સર્વ અસમાનતાઓ-(શું રાજા કે રંક, શું ગરીબ કે તવંગર)ને દૂર કરી સર્વને એક સમાન બનાવી દેનારું (a great leveller) એક મહાન તત્ત્વ છે. તો મને પ્રેમતત્ત્વ વિશે એવું લાગે છે કે તે સર્વ અવસ્થાઓને એક સપાટીએ- એક કક્ષાએ લાવી દે છે અને તેમાં શું નિદાઘ કે શું શિશિર, શું કંટકછાયો પંથ કે શું ફૂલોની સેજ, શું કોરોનાકાળ કે શું કરુણાવર્ષા એ સર્વમાં કોઈ ભેદ રહેવા દેતું નથી.

બળબળતા નિદાઘમાં પણ પ્રેમના પ્રભાવને નીરૂપતું આ પદ્ય જુઓ:

निदाघतीव्रसंताप शून्यरथ्यान्तरस्थयोः

अन्योन्यालापसुखिनोर्युनोश्चन्द्रायते रविः ןן

(સુભાષિતાવલિ, ૧૬૯૩, અજ્ઞાતકરર્તૃક)

 

અનુવાદ : નિદાઘકાળના તીવ્ર તાપને કારણે નિર્જન બનેલી શેરીઓમાં રહેલા એકબીજા સાથે વાતો કરવામાં સુખ અનુભવતા જુવાનિયાઓ માટે સૂર્ય ચંદ્ર બની જાય છે.

અહીં પ્રેમીયુગલ માટે નિદાઘમાં અવસ્થાન્તર આવી સૂર્ય શીતળ ચંદ્રમા બની જાય છે એ તેમના પ્રેમનો પ્રભાવ છે.

        અહીંયાં સંસ્કૃતના મહાકવિ શ્રીહર્ષનું સુભાષિત (નિદાઘ સાથે સંબંધ ભલે ન ધરાવતું હોય પણ, great leveller પ્રેમનો અસંદિગ્ધ ઉલ્લેખ કરે છે) સ્મરણે ચઢશે જેનો ભાવાર્થ આ પ્રમાણે છે. મહાકવિ શ્રીહર્ષ કહે છે:

“કવિતાની કોમળ શય્યા હોય કે તર્કની કાંટાળી પથારી હોય, પણ સરસ્વતી મારી સાથે સમાન રીતે લીલા આચરે છે. સ્ત્રીઓને જો મનગમતો પિયુ હોય તો, શય્યા કોમળ હોય કે કાંટાળા દર્ભની હોય, (નિદાઘનો સૂર્ય હોય કે શરદનો ચંદ્ર) પણ રતિક્રીડા સરખો જ આનંદ આપે છે.”

સંસ્કૃત કવિ, આપણે અગાઉ નોંધ્યું તેમ, પ્રકૃતિને માનવસૃષ્ટિથી પૃથક જોતો નથી અને એટલે, પ્રકૃતિના વર્ણનમાં માનવસૃષ્ટિ સહજ રીતે આવી જતી હોય છે. તેથી પ્રકૃતિ-માનવજીવનમાં રહેલું ઔપમ્ય વણી લેવાનું સંસ્કૃત કવિ માટે સ્વાભાવિક બની જતું હોય છે. ગ્રીષ્મના વર્ણનમાં કેવી સરળ રીતે મનુષ્યજીવનની ઉપમાઓ ગૂંથી લેવામાં આવી છે.

तप्ता मही विरहिणामिव चित्तव्रुत्ति

स्त्रुष्णाध्वगेषु क्रुपणेष्विव व्रुध्धिमेति ן

सूर्यः करैर्दहति दुर्वचनैः खलो नु

छाया सतीव न च मुंचति पादमूलम् ןן

                                             (શાઙગૅધરપધ્ધતિ, ૩૮૨૪, અજ્ઞાતકર્તૃક)

 

અનુવાદ : વિરહીઓની ચિત્તવૃત્તિ સમી પૃથ્વી તપ્ત છે; પ્રવાસીઓ અને કૃપણોની તૃષ્ણાની જેમ તરસ પણ વધતી જાય છે; દુર્જનનાં દુષ્ટ વચનોની જેમ સૂર્ય કિરણોથી બાળે છે. છાયા સતી સ્ત્રીની જેમ પાદમૂળને છોડતી નથી !

ચારે પંક્તિઓમાં ગ્રીષ્મની ઘટનાઓને માનવજીવનના પ્રસંગો સાથે સરખાવવામાં આવી છે તે સ્પષ્ટ છે.

        એક અન્ય સુભાષિતમાં સૂર્ય આકાશમાં જેમ ચઢતો જાય તેમ છાયાને પણ ક્યાંક છાંયડા માટે વૃક્ષ નીચે જવું પડે, એમ વર્ણવી એક પ્રાકૃતિક ઘટનાનું મનોગમ્ય ચમત્કૃતિભર્યું નિરૂપણ કર્યું છે.

दुःसहसंतापभयात्सम्प्रति मध्यस्थिते दिवसनाथे

छायामिव वान्छन्ति छायापि गता तरुतलानि ןן

(સુભાષિતાવલિ, ૧૬૯૯, અવંતિવર્માને નામે)

 

અનુવાદ : અસહ્ય એવા તાપથી હવે, દિવસનો નાથ સૂર્ય આકાશમાં બરાબર મધ્યમાં આવતાં, છાંયડો જાણે ઈચ્છતી હોય તેમ છાયા પણ વૃક્ષ નીચે પહોંચી ગઈ છે !

કવિ પ્રકૃતિના વર્ણનને માનવસંદર્ભના સૂત્રમાં તો પરોવે છે. બળબળતા નિદાઘને સર્વથા મિટાવવો તો દુષ્કર છે. પણ જ્યાં તે એટલે નિદાઘની ગરમી હોય ત્યાં તેની જગ્યાએ બીજું કશું-ન્યાયની પરિભાષામાં કહીએ તો પ્રતિયોગીને-વિરુદ્ધનું મૂકી દઈએ તો ? પણ એમ થતાં નિદાધ પોતાનું ચિહ્ન મૂકી જ દે છે. આપણે અહીં પ્રસ્તુત મનોરમ પદ્ય જોઈએ :

तोयोत्तीर्णा श्रयति कबरी शेखरं सप्तलानां

शैत्यं सिंचत्युपरि कुचयोः पाटलाकण्ठदाम ן

कान्तं कर्णावभिनिविशते कोमलाग्रं शिरीषं

स्त्रीणामंगे विभजति तपस्तत्र तत्रात्मचिह्नम् ןן

(શ્રીધરદાસકૃત સદુક્તિકર્ણામૃત, રાધાવલ્લભ ત્રિપાઠીની હિંદી અનુવાદ સાથેની આવૃત્તિ,

સહિત્ય અકાદેમી, દિલ્લી, ૨૦૦૭, પૃ. ૪૧૮, મધુરશીલના નામે.)

 

અનુવાદ : પાણીમાંથી બહાર નીકળતાં શીતલતા કેશપાશનો આશ્રય લે છે; સપ્તપર્ણનાં પુષ્પોના મુકુટ પર તો પાટલપુષ્પોની માળા ઉરોજ પર શૈત્ય સિંચે છે; કોમળ પાંખડીઓનું રમણીય (શીતલ) શિરીષ બન્ને કર્ણ પર શોભે છે. આમ સ્ત્રીઓના અંગેઅંગમાં ગ્રીષ્મ પોતાનાં ચિન્હોને અંકિત કરતો જાય છે !

સદ્યસ્નાતા અને વિવિધકુસુમમંડિત સ્ત્રીનાં અંગેઅંગમાં ઉષ્ણતાને હાંકી કાઢી શીતળતા વ્યાપી રહી છે, અને આ રીતે મધુર પમરાટ પસરાવતી નારીની જેમ આ પદ્ય પણ વ્યંજનાની ફોરમ ફેલાવી રહી છે !

તો બીજા એક પદ્યમાં ધોમધખતા ગ્રીષ્મમાં શીતળતાને ક્યાં શોધવી ? કવિએ આ પદ્યમાં નીરૂપેલી એક અનુપમ કવિતાની વ્યાપ્ત શીતળતાને આપણે અનુભવી રહ્યા છીએ.

अपां मूले लीनं क्षणपरिचितं चंदनरसे

म्रुणालीहारादौ क्रुतलघुपदं चन्द्रमसि च ן

मुहूर्तं विश्रान्तं सरसकदलीकाननतले

प्रियाकण्ठाश्लेषे निवसति परं शैत्यमधुना ןן

(સુભાષિતરત્નકોષ, ૨૦૧, અજ્ઞાતકર્તૃક.)

 

અનુવાદ : શીતળતા જળપ્રવાહને તળિયે લીન, ચંદનરસમાં ક્ષણ માટે પરિચિત શૈત્ય, કમળની દાંડી, હાર વગેરેમાં અને ચંદ્રમાં ઉતાવળે થોડીવાર રોકાઈ રસભર્યા કદલીવનમાં નીચે ભોંય પર થોડો વિશ્રામ કરી, હવે પ્રિયાના કંઠાલિંગનમાં ઉત્કટ શૈત્ય વસે છે.

ગ્રીષ્મમાં વહેતો જળપ્રવાહ સપાટી પર કકોષ્ણ(હૂંફાળો), અને નીચે આપણાં ચરણોને ઠંડક પહોંચાડે છે. ચંદનરસનો લેપ ગાત્રોને લગાવીએ ત્યારે થોડી વાર શીતળતાનો અનુભવ થાય છે પણ શરીરની ઉષ્ણતા તે ઠંડકને ઊરાડી દેતી હોય છે. તાજી ઊખાડેલી કમળની દાંડીઓ, હાર, ચંદ્ર વગેરે શીતળતાનો અનુભવ કરાવે ખરાં, પણ તે ઘડીભર ! લચી પડતી કેળની લૂમોવાળા કદલીવનની ભોંય પર શીતળતા થોડીવાર વિશ્રામ ફરમાવે ! પણ આ સર્વ અનુભવો અલ્પકાલીન. છેવટે, એ ક્ષણિક શીતળતાઓનો અનુભવ લીધા પછી, ટાઢક તો પ્રિયાના કંઠાલિંગનમાં વળે છે.

ભરઉનાળામાં , આ પદ્ય જાણે શીતળતાનો અનુભવ કરાવે છે !

સંસ્કૃત સાહિત્યની અલંકૃત પરંપરાનું, માનવસંદર્ભથી હર્યુંભર્યું એક પદ્ય જોઈ, આપણે આ નિદાધકાલ વિશેનો લેખ પૂરો કરીએ.

बाले मालेयमुच्चैर्न भवति गगनव्यापिनी  नीरदानां

किं त्वं पक्ष्मान्तवान्तैर्मलिनयसि मुधा वक्त्रमश्रुप्रवाहैः ן

एषा प्रोद्व्रुत्तमत्तद्विपकटकषण क्षुण्ण विंध्योपलाभा

दावाग्नेः संप्रव्रुत्ता मलिनयति दिशां मण्डलधूम्रलेखा ןן

(સુભાષિતાવલિ, ૧૭૧૬, ધારાકદમ્બના નામે)

 

અનુવાદ : હે બાલા, આ ઊંચે આકાશમાં વ્યાપેલી મેઘમાળા નથી; તો પછી, પાંપણના છેડેથી અંદરનાં આંસુના પ્રવાહથી તું શા માટે તારા મુખને વ્યર્થ મલિન કરે છે ? આ તો છાકેલા મત્ત હાથીઓના ગંડસ્થળોના ઘસાવાથી ખોદાયેલા વિન્ધ્યના ખડકોમાંથી ઉત્પન્ન થયેલા દાવાગ્નિની ધૂમ્રસેરનું વર્તુળ દિશાને શ્યામ બનાવે છે.

પદ્યનો રચનાબંધ અર્થની સંદિગ્ધતા નિષ્પન્ન કરી, આ મેઘમાલા નથી, પણ દાવાગ્નિની ધૂમ્રરેખા છે એવી કાવ્યશાસ્ત્રની પરંપરામાં અપહ્નુતિ અલંકારની અપૂર્વ અભિવ્યક્તિનું સૌન્દર્ય સાધે છે.

આવા બળબળતા નિદાઘનો અંત ક્યારે ? કવિઓના પણ કવિ વાલ્મીકિ નિદાઘના અંતનો સંકેત આ રીતે આપે છે.

યુદ્ધકાંડમાં યુદ્ધ કરતા વાનરોની ગર્જનાઓનો તુમુલ નિનાદ થયો. કેવો નિનાદ ?

નિદાઘના અંતે મધરાતે ગોરંભાતા મેઘોના ગડગડાટ સમો.

ततस्तु भीमस्तुमुलो निनादो

बभूव शाखाम्रुगयूथपानाम् ן

क्षये निदाघस्य यथा घनानां

नादः सुभीमो नदतां निशीथे ןן

(વાલ્મીકિ–રામાયણ, યુદ્ધકાંડ ૪૦-૬૪)

 

ગોરંભાતો મેઘ નિશીથે,

નિદાઘનો અંત આણે.

 

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪