મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૪)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

- જ્યોતિ ભટ્ટ

પ્રસંગ ૪

 

Tribal wall Decoration, 1987
Tribal wall Decoration, 1987

(સ્વ.) રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમણે સૂચવેલ ઇન્ડિયા ફેસ્ટિવલના ભાગ તરીકે જાપાનમાં પણ ભારતીય આદિવાસી કળાને કેન્દ્રસ્થાને રાખી એક ફેસ્ટિવલ (ઉત્સવ) થયેલો. તેને માટે ભારત ભવનના રૂપંકર વિભાગના વડા (સ્વ.) જગદીશ સ્વામિનાથનને પણ જવાબદારી સોંપાઈ હતી. તેના અનુસંધાને ગુજરાતમાંથી કલાકૃતિઓ એકઠી કરવા ભારત ભવનના બે કાર્યકરોને મોકલેલ. તેમને માર્ગદર્શન આપવા તેમજ જરૂરી ફોટોગ્રાફી પણ કરવાની જવાબદારી મને સોંપાયેલી.

 

દક્ષિણ ગુજરાતના વસાવા આદિવાસીઓ દિવાળી સમયે પોતાના ઘરની બહાર ભીંત ઉપર જે ચિત્રો બનાવે છે, તે ભારતમાં અન્ય કોઈ સ્થળે જોવા મળતા નથી તેથી ત્યાં જવાનું નક્કી કર્યું.

 

કળાના ઇતિહાસમાં સૌથી પુરાણી કૃતિઓ સ્પેનમાં આવેલી વીસ હજાર વર્ષ પહેલાની ‘અલ્તામીરા' ગુફાઓમાં મળે છે. તેમાં હાથના પંજાની છાપ પણ મળે છે. શહેરમાં સુદ્ધા, લગ્નપ્રસંગે, કન્યા–વિદાય સમયે કન્યા અને વરરાજા બંને, ઘરના દરવાજા પાસેની ભીંત પર કંકુ વડે બંને હથેળીઓની છાપ લેતા હોય છે. પરંતુ ‘અલ્તામીરા’માં આવી છાપ ઉપરાંત તેનાથી અવળી એટલે કે હથેળીનો આકાર છૂટી ગયો હોય પણ તેની આજુબાજુ રંગ હોય જેને પરિણામે હથેળીનો  આકાર નજરે ચઢે, તેવાં ચિત્રો જોવાં મળે છે. લગભગ આવાં જ પ્રાચીન ચિત્રો ઑસ્ટ્રલિયામાં પણ થયાં છે. નવાઈ કહેવાય એવી બાબત એ છે કે, વસાવા આદિવાસીઓનાં ચિત્રોમાં આજે પણ આ લાક્ષણિકતા જળવાઈ રહી છે. આ ચિત્રો દોરવા માટે તેઓ જુવારના લોટને પાણીમાં મેળવી દૂધ જેવું પ્રહાવી બનાવે છે. પછી ભીંત પર હાથનો પંજો મૂકી પ્રવાહી પોતાના મોમાં ભરી જોરથી હવા સાથે ફૂંકે છે, તેથી તે ખૂબ ઝીણા ઝીણા છાંટા સ્વરૂપે દીવાલ પર છંટાઈ જાય છે. હાથ ખસેડી લેતા પંજાની આકૃતિ દેખાવા લાગે છે. આજ પ્રમાણે પોતાની ઘરવખરીની અને તેમની પ્રિય કેટલીક વસ્તુઓ જેવી કે દાતરડું, સાંબેલું, કુહાડી તથા રસોઈ માટે વપરાતા સાધનોની પણ અવળી છાપ ભીંત પર લે છે.

 

અમે ગયા ત્યારે દિવાળીને બદલે ઉનાળો હતો તેથી કોઈ ભીંત પર ચિત્રો જોવા મળ્યાં નહિ. આથી અમે એક વ્યક્તિને ખાસ અમારા માટે નવું ચિત્ર બનાવી આપવા વિનંતી કરી. જે તેણે માન્ય પણ રાખી.

 

અહીં રજૂ કરેલ છબી, ચિત્ર બની ગયા પછી તરત જ લીધેલી, તેથી ચિત્ર બનાવવા માટે વપરાયેલાં સાધનો પણ છબીમાં જોવા મળે છે અને એમાં અમારા નખરા જોવા ત્યાં ઓટલે બેસેલી એક નાની છોકરી પણ સમાવી શક્યો છું.

 

-જ્યોતિ ભટ્ટ