સ્વાગતનોંધ

સ્વાગત, સહુ સહ્રુદયોનું…

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

અનેક સ્થળેથી, જુદી જુદી વયના સર્જકો અને સહ્રુદયો પરિષદની આ ખરેખરી ખુલ્લાશ ધરાવતી અગાસીમાં એક લગનીપૂર્વક આવતા જાય છે. સ્વાગત.

પ્રદેશ પ્રમાણે જોતાં કચ્છથી કેલિફોર્નિયા સુધીના વિશાળ વિસ્તારમાંથી અને વયજૂથની ગણતરી કરતાં પાંચેક પેઢીને આવરી લેતા સમયપટમાંથી એઓ અહીં આવે છે. અંદરની આંખ ઉઘાડીને જરા આ જુઓ તો દેખાશે કે આ અગાસીમાં યે હાથશાળે વણેલા કાપડની જાજમ ભાવસારભાઈ કાળજીથી બિછાવે અને હાથે સીવેલો ચંદરવો રશ્મિકાન્તભાઈ રસ લઈને બાંધે છે. એ માટે પહેલાં તો પહોળા પનાનું મજબૂત કાપડ જોઈએ. જાતમહેનતની શાળ પર સાહિત્ય પરિષદ માટેની પ્રીતિએ કરી જરૂરી કાપડ વણી લેવાની મહેનત બીજા પાંચ–સાત પરિષદ-સાથીઓએ સ્નેહથી કરી છે. સામો સવાલ એ નથી કે એ સાથીઓનાં નામ શાં છે, સત્તાસ્થાન શાં છે. સવાલ એ છે કે એ વણાટમાં જે ધાગા વપરાયા છે, એ શેના છે? – ‘કાહે કા તાના કાહે કી ભરની? કૌન તાર સે બીની ચદરિયા?’ અને એ સવાલ તો છે જ લા-જવાબ!

તો હવે કોઈને સવાલ થાય કે પરિષદની આ નવી અગાસી છે શું? શા માટે ત્યાં આવ્યા કરે છે આ સહુ? કેવળ સાહિત્ય પદાર્થના સહવાસમાં? કોરોનાના કપરા સમયમાં, આ તે શું છે?

બંધુ, ચોતરફ તમારી જોતી નજર દોડાવો તો દેખાય કે કોરોનાના કપરા સમયમાં ચારે તરફ જે પ્રસર્યો છે એ પેલો વિષાણુ તો છે જ પણ સાથે જ ફેલાયો છે એક અફાટ ભયનો અગ્નિ. એ ભયાગ્નિની મેલી સાધના કરનારાઓ ભોળે મુખડે આપણી વચ્ચે ફરતા નથી, એવું ભલે નથી. પણ એ આગને ઓલવવી, એ આપણું, સાહિત્ય સાથે સંકળાયેલાંઓનું કામ છે. કોરોના વિષાણુ સામેની ઔષધિ હવે ઝાઝા વિલંબ વિના મળે, એ સહુની શુભેચ્છા. પણ આ ભય-વિષનું શમન કઈ રીતે થાય એ જાણવાની શક્તિ તો આપે કેવળ પેલી નાચિકેત વિદ્યા, અવરનામે આ સાહિત્ય વિદ્યા. સરકાર એક વિષાણુ, કોરોનાના પ્રતિકાર માટે તૈયારીઓ કરે. સાહિત્ય આ બીજા વિષાણુ, ભયના પ્રસાર સામે લડત આપે.

‘દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમ્ અશેષ જન્તોઃ’, એમ ‘દુર્ગા સપ્તશતી’નો ભક્તકવિ દેવી દુર્ગાને કહે છે. આપણી દેવી વાગ્દેવી. એ યે ભયહરા. (એનું છલના-રૂપ ભયકારી હોઈ શકે, એનું સાચું રૂપ ભયહરા જ હોય.) એ વાણી, મંત્રોની નહીં માનવોની વાણી, જો બોલતાં અને સાંભળતાં આવડે તો એ નિર્ભય બનાવે, બોલનાર સાંભળનાર બન્નેને નિર્ભય બનાવે. જે કોઈ અહીં પરિષદના આ ખુલ્લા સ્થળે આવે છે એ આવી માનવવાણીને સાંભળવા અને બોલવા માટેના અરમાનથી  આવે છે. અન્યો વાણીના અન્ય છલના-રૂપોની શવ-સાધના માટે અન્યત્ર ભલે જાય.

ભયનો આ અગ્નિ શમે કઈ રીતે, એ સમજવાનો યત્ન દરેકે જાતે કરવાનો હોય અને અરસપરસ એ સમજણ અંગે વાત કરવાની હોય. કોઈ કહેતાં કોઈના યે, એક કે બીજા ‘મંગલ શબ્દ’ના યે, પરાવલંબી થવાનું ન પરવડે. પરાયત્તપણે નહીં, સ્વાયત્તપણે જે જીવતાં શીખી હોય એજ પ્રજા આવા કારમા સમયમાં ટકી શકે. તો પોતાને પૂછીએ કે ભયાગ્નિને ઓલવવાનાં આપણાં સ્વાયત્ત સાધનો કયાં? સાધનોની માલીકી સાધનો વાપરનારની હોય, કોઈ બીજાની નહીં. આજે બધી સરકારો પણ સમજી શકી છે કે પ્રજાની શક્તિ વિના કોરોનાના વિષાણુને કાબૂમાં લાવવાનું શક્ય નથી. સ્વાયત્તતા એ કોઈ મોજશોખ નથી, જીવનને ટકાવવાની પાયાની શરત છે, એ આ મહામારીએ સહુને સમજાવ્યું છે. પ્રજાના બાહ્ય જીવન માટે જે સાચું છે, એ પ્રજાના આંતર જીવન માટે તો ઘણું વધારે આવશ્યક હોય. આશા રાખીએ કે પરિષદ સ્વાયત્તતાનો આગ્રહ જે રાખે છે એનો મર્મ સરકાર, મંત્રીઓ અને સચિવો, તેમ જ વાગ્વ્યાપારીઓ સમજશે અને એ મુજબ વર્તવાની હિમ્મત કેળવશે.

તો ગમે તેવા ભયાગ્નિને બુઝાવવાનાં, નિર્ભયતાને કાયમ કરવાનાં સાચાં સાધનો કયાં?

જીવનમાત્રનાં મૂળિયાંને જે સીંચે, સાચવે, લીલાં રાખે છે એ જળ કયાં? એ તો આનંદ અને અનુકંપાનાં અમૃત જેવાં જળ. આનંદ અને અનુકંપા અવિનાભાવિ સંબંધે પરસ્પર સંકળાયાં છે. અનુકંપા વિનાનો આનંદ તો ભયાગ્નિથી યે ભૂંડો બને. એ તો નરી સુખેચ્છા કે એષણા, ન કે આનંદ. અને, સાથોસાથ, જે આનંદપર્યવસાયી નથી એ અનુકંપા શેની? આપતાં આનંદ આનંદ થાય એ જ સાચું આપવું. સાચે જ, આનંદ અને અનુકંપા અવિનાભાવિ સંબંધે પરસ્પર સંકળાયાં છે. અનુકંપાશૂન્ય આનંદ અને નિરાનંદ અનુકંપા સત્યરૂપે સંભવે નહીં.

પરિષદની આ ખુલ્લી અગાસીમાં આનંદ અને અનુકંપાના મજબૂત તાણાવાણાથી વણાયેલી, પહોળા પટની જાજમ બિછાવી છે અને ઉપર એવો ચંદરવો તાણ્યો છે. સહુનું અહીં સ્વાગત !

અને, હા, ઉપર અઘરા શબ્દોમાં લખેલી આખી વાત બે જ સાદા અને સરળ શબ્દોમાં સાંભળવી છે? તે ચાલો ગુજરાતીના આદ્ય વિવેચક નવલરામ પંડ્યા પાસે. આનંદ અને અનુકંપા જે વાણીમાં એકાકાર થાય એ માનવવાણી તે સાહિત્ય. એને જાણવા માણવાના કામને, એટલે કે આસ્વાદમૂલક સાહિત્ય વિવેચનને નવલરામ ‘આનંદની ઉજાણી’ કહેતા. પોતાને મળેલો સાહિત્યના આસ્વાદનો આનંદને સહુ સાથે વહેંચવો, એ જ આનંદની ઉજાણી. આજના કોરોનાના કપરા સમયના સંદર્ભમાં એ જ પરિષદના પ્રાંગણે ઊગેલી આ નોળવેલની મહેક. એ કરવા, એ લેવા સહુનું સ્વાગત.

પરિષદની આ વર્ચ્યુઅલ બલ્કે વિશેષ વાસ્તવિક સભામાં, પરિષદની આ અનોખી અગાસીમાં આપણે આજે ફરી, ચોથી વાર ભેગા થઈએ છીએ. આ સ્થળે સાહિત્ય અને બીજી કલાઓની ઉત્તમ કૃતિઓની પ્રસ્તુતિ જેમ થાય છે, તેમ ગુજરાતી સાહિત્યના સાવ નવા યુવા સ્વરોની રજુઆત પણ થાય છે. બન્ને પરસ્પર સંકળાયેલાં છે. કઈ રીતે તે જોઈએ.

અહીં રજૂ થતી ભારતીય સાહિત્યની અને બીજી કલાઓની કાલજયી કૃતિઓમાં અલબત્ત ગુજરાતના કેટલાક ઉત્તમોત્તમ સર્જકો, કલાકારો સામેલ છે : ભાયાણીસાહેબ અને ઉમાશંકર જોશીએ આ પ્રતીયમાન બેઠકોનો પ્રારંભ કરાવી આપ્યો હતો. શિરીષભાઈ પંચાલની પરિણત પ્રજ્ઞાના પક્વ ફળ સમા ‘ભારતીય કથાસાહિત્ય’ના પાંચ ગ્રંથોમાંથી ચયન કરીને આપણું અદ્ભુત કથાસાહિત્ય અહીં દરેક બેઠકમાં રજૂ થાય છે. તો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાંથી ઉત્તમ લઘુ કૃતિઓ રાજેન્દ્ર નાણાવટી અને વિજય પંડ્યાની કમનીય કલમે, એ બન્ને રસજ્ઞોના વિશાળ વાચનના પરિપાક રૂપે, અહીં દરેક અંકે પ્રસ્તુત કરાય છે. દરેક બેઠકમાં ભારતીય કથાસાહિત્ય અને ગાથાસાહિત્ય મૂકી શકાયાં છે એ  યુયુત્સુ પંચાલને આભારી છે. યુયુત્સુ સ્વયં એક રસજ્ઞ વેબ ડિઝાઈનર અને પ્રકાશક છે. સંસ્કૃત મુક્તકો અને સુભાષિતોનાં રત્ન વિવધ ભંડારોમાંથી વીણી, એની સુગ્રથિત રત્નમાળા બનાવી વિજયભાઈ દર વખતે લખીને મોકલે છે. મહાત્મા ગાંધી અને કવિવર ટાગોરની એકસાથે યાદ અપાવે એવા એમના હાથે લખેલા લખાણને ટાઈપ કરવાનું કામ જે-તે નથી હોતું! એ કામ કેવળ પરિષદ્પ્રીતિથી, આકાશવાણીના સિનિયર કેન્દ્રનિયામક સાહેબ, સુકવિ વસંત જોષી, મોડી સાંજે નિયમિતપણે કરી આપે છે.  ભારતભરમાં, બલ્કે દેશવિદેશે જેમનું નામ એક અગ્રણી ચિત્રકાર-ફોટોકલાકાર તરીકે સાદર લેવાય છે એવા  જ્યોતિ ભટ્ટની છબીકલાની કૃતિઓ અને ખાસ તો એમની આજ સુધી અપ્રગટ રહેલી નોંધપોથી, વાસરિકા કે ડાયરીના અંશો ‘નોળવેલ’-માં દર બેઠકે રજૂ કરી શકાય છે, એ પરિષદ માટે ગૌરવની ઘટના છે. પરિષદને એ અંગે પહેલું સૂચન પીયૂષ ઠક્કરે કર્યું હતું. પીયૂષ પોતાની પેઢીના એક ઉત્તમ કવિ-ચિત્રકાર છે. દર પંદર દિવસે જ્યોતિભાઈએ પાડેલો એક કલાપૂર્ણ ફોટોગ્રાફ અને એમની ડાયરીમાંથી એક યાદગાર અંશ પસંદ કરી, ગોઠવી, મોકલવાનું કામ સ્નેહથી પીયૂષ ઠક્કર કરી આપે છે.

આ બધી, વિવિધ પ્રકારની, મલ્ટિ-કન્ટેન્ટ, મલ્ટિ-જેનર અને મલ્ટી-ફોર્મ સામગ્રીમાંથી ઘાટ પામેલું આ સુગ્રથિત વેબ પેઇજ આપની પાસે આવે છે. એનું કૌશલ્યયુક્ત અને સૌંદર્યભર્યું સ્થાપત્ય રચવું, એ કામ વેબ ડિઝાઈનની ખરી આવડત, સૌંદર્ય માટેની ઉંડી આંતરસૂઝ અને નિસ્વાર્થ લગનીનું કામ છે. એ આખી સ્થાપત્ય-રચના કેવળ પરિષદ-પ્રીતિથી કરે છે પરિષદનાં ટ્રસ્ટી અને વેબ સાઈટનાં રચયિતા રૂપલ મહેતા. આ અંકથી એમનું એક વિશેષ પ્રદાન અહીં રજૂ થશે : કવિવર, સંસ્કૃતિમીમાંસક નિરંજન ભગતની સાથે થયેલા સંવાદો, એમના કાવ્યપાઠ આદિની ધ્વનિમુદ્રિત તેમ જ વીડિયો સામગ્રી જળવાઈ શકી છે. આ ‘નોળવેલ’માં યુવા ચેતના સામે જેમ અન્ય ઉત્તમ સામગ્રી (જ્યોતિ ભટ્ટ્ની ડાયરી, શિરીષ પંચાલનું ભારતીય કથાચયન વગેરે) સંજીવની રૂપે રજૂ થાય છે, એમ આ અંકથી રૂપલ મહેતાના આયોજન વડે નિરંજન ભગતની આ ‘આર્કાઈવલ’ સામગ્રી, સુગ્રથિત રૂપે, પ્રસ્તુત થશે.

 

–  ભારતીય સાહિત્ય અને બીજી કળાઓનું જે ઉત્તમ છે, એમાંનું બને તેટલું આ સર્વ અહીં આ રીતે રજૂ થતું રહે છે. પણ એ શા માટે રજૂ કરાતું રહે છે, એ વિશે થોડીક વાત કરીએ.

કેમ કે આ બધું જે અહીં રજૂ થાય છે એનો એક ઉદ્દેશ નવી પેઢીના સર્જકો અને ભાવકો પોતાની રીતે ચેતોવિસ્તાર કરી શકે, એવું વાતાવરણ સર્જવાનો છે. આ સર્વ આપણી સંસ્કૃતિની નોળવેલો છે. ‘નવલ બલે ઉદ્યત કરી નવ ઉન્મેષ મહીં આકર્ષે’ એમ કવિવર રાજેન્દ્ર શાહ કહે છે અને ‘ન કે ના’વ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ સહુ ય સંજીવન થયાં / બન્યાં કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,’ એમ કવિવર ઉમાશંકર કહે છે. એ જ ‘નોળવેલ’.

ભારતીય પરંપરામાંથી જે ઉત્તમ છે, એનો આસ્વાદ સહુને કપરા સમયમાં સહાય કરે, એ સૂચવતી ‘નળકથા’ કોઈને અજાણી નથી. બીજાં યે અનેક દૃષ્ટાંતો છે. વળી, ક્ષમતા તો બીજ જેવી છે. જો ફણગાય નહીં તો કરમાય. એને કઈ રીતે પોષવી? આજના એલિયટ હો કે ગઈ કાલના મમ્મટ -- ક્ષમતાને પરંપરામાંથી પોષણ કઈ રીતે મળે, એની મીમાંસા સહુ વિચારવંતો કરતા આવ્યા છે. એનું ‘ફિઝિક્સ’ ન હોય, ‘કેમિસ્ટ્રી’ હોય, કોઈ કહેશે ‘અલ્કેમી’ હોય! આપણે કહીએ કે આપ-કેળવણી એ સાચો માર્ગ. એ માટેની આબોહવા રચવા પરિષદ આ ‘નોળવેલ’ જેવા પ્રયત્નો કરે છે. ‘કાવ્યજ્ઞ શિક્ષયા’ નિરંતર આગળ વધતો ‘અભ્યાસ’ અને ‘લોકકાવ્યશાસ્ત્રદિ’ દ્વારા કેળવાતી ‘નિપુણતા’ વિના યુવા સર્જકની ‘શક્તિ’ જરૂરી જતન પામે નહીં. જતન ભલે માળી કરે, ઊગવાનું તો અંદરથી બીજે પોતે જ હોય.

‘પ્રતિભાબીજની [એવી] માવજત’ કરવાનું કામ પરિષદ આ અગાસીમાં કરતી આવી છે. તો યુવા સર્જકોને આ કૃતિઓ પડકારે, ઉત્તેજે અને પોતે છે ત્યાંથી પ્રવાસે કે પરિભ્રમણે નીકળી પડવાની તાલાવેલી એમનાં મનમાં જગાડે, એ શુભેચ્છા. ‘ઘરને ત્યજીને જનારને / મળતી વિશ્વ તણી વિશાળતા. // પછવાડે અડવા થનારને / ભરખે ઘર કેરી શૂન્યતા.’ – આ શબ્દો કોના છે, કહેશો યુવા મિત્રો?

એવા જતનના ભાગ રૂપે, ૧૫ / ૪ / ૨૦૨૦-ના પહેલા નોળવેલ મિલનમાં રજૂ થયેલી કેટલીક યુવા સર્જકોની કૃતિઓ વિશે થોડીક વાત કરું?

૧૫ એપ્રિલ, ૨૦૨૦ને દિવસે પરિષદની આ આબોહવામાં ‘નોળવેલની મહેક’ની પહેલી લહર આવી હતી. છએક સપ્તાહ એ રચનાઓને મનમાં રમવા દઈ, આજે એમાંની કેટલીક કૃતિઓ વિશે થોડીક વાત કરું. એ બેઠકમાં છેક ભદ્રાડાથી આપણી આ અગાસીમાં મનુ વી. ઠાકોર ‘મનન’ આવ્યા હતા. (અગાઉ જ્ઞાનસત્રના ‘યુવામંચ’ પર એમની કૃતિ રજૂ થઈ હતી.) એમની રચનાનો આરંભ છેઃ ‘ઝીણું ઝીણું રે ઝળહળતું / જીવણ અંતરતમના અંધારાને અજવાળું આવરતું.’ – આજે, વાચક, એ જ તો વાત છે : અંધારાં અને અજવાળાંની. એ વાત આજે વિશેષપણે કરવાનું યુવા સર્જકોને મન થાય છે. એ વાત, અલબત્ત, એ એક જ રીતે, ‘મનન’ની જ રીતે નહીં, અનેક રીતે થઈ શકે. ભાવનગરથી આકાશ વાળા પોતાની એક નાટયકૃતિ લઈને એ જ દિવસે આપણી વર્ચ્યુઅલ અગાસીએ આવ્યા હતા. નાટકનું નામ છેઃ ‘કોરોના અને ઘર.’ એમાં એ વાત નવી રીતે ‘ઝીણી ઝીણી ઝળહળે’ છે. એ નાટક બહારથી જુઓ તો કોરોના વિશે છે, પણ અંદર જઈને જુઓ તો ઘર વિશે છે. મહામારીના સમયમાં માતા-પિતા  પ્રેમથી કહે છે, પોલિસ દંડૂકાથી કહે છે કે ‘ઘરમાં રહેવું’. નનકો, નાનકડો છોકરો, પૂછે છે : ‘પણ, પપ્પા, ઘર એટલે શું?’ નનકો તો પૂછી બેઠો આ સવાલ, એક સાદો પણ અઘરો સવાલ. એ સાંભળી, આ નાટ્યકૃતિમાં, નનકાની માં “મીના (રડવા જેવી થઈ જાય છે).” અને નનકાનાય પિતાને પૂછે છે : ‘હવે શું જવાબ આપશો?’ પિતા ઇન્દુભાઈનો જવાબ આપણા યુવા લેખક આકાશની શક્તિને, રંગભૂમિની વાણી કેવી હોય એ અંગેની એની સૂઝને સૂચવે છે. નનકાના પિતા કોઈ રેડીમેઇડ ઉત્તર નથી આપતા. એ કહે છે : ‘હું પણ એ જ વિચાર કરું છું.’ --- હું પણ, મિત્રો. તમે? આપણે સહુ નનકાને સવાલો કરવા દઈએ . . .

પરબતકુમાર નાયી લગભગ સ્વગત કહે છે : ‘બાગને મ્હેંકાવવામાં આપણે કાચા પડ્યા.’ ત્રણે યુવાસ્વરો સરવે કાને સાંભળીએ. ત્રણે રાગિણીઓ તો સાવ અલગ છે, પણ ત્રણેમાં જે એક સૂર સમાન સંભળાય છે, એ સાંભળવાની ફુરસદ અને આવડત આપણે સહુ મેળવીએ, કેળવીએ.

– પરિષદનું એ જ તો એક પાયાનું કામ છે. શબ્દના અને સત્તાના દુરુપયોગથી, અતિ-ઉપયોગથી, બન્નેના કોલાહલથી સહુને કાને જાણે એક ધાક બેસી ગઈ છે, એક જાતની બહેરાશ આવી ગઈ છે. સાહિત્યનું, ગુજરાતી સાહિત્ય પરિષદનું કામ રાજા-પ્રજા બન્નેના કાનની બહેરાશ દૂર થાય, સાંભળવાની શક્તિ પાછી આવે, એ માટે પ્રયત્નો કરતા રહેવાનું છે.

૧૫ એપ્રિલ, ૨૦૨૦ની એ પહેલી બેઠકમાં રજૂ થયેલા ચોથા યુવાસ્વરની વાતથી ‘સ્વાગત’નો આ વિભાગ સમાપ્ત કરું. બ્રિજેશ પંચાલ જે સવાલ કરે છે એ વિશે કવિતાની અને જીવનની વ્યંજકતાથી બેખબર મહાનુભાવો તો તડૂકી ઊઠવાના કે અરે જગત આખામાં લોકો કોરોનાથી મરી રહ્યા છે ત્યારે તમને આવા સવાલો કરવાનું મન થાય છે? ખબડદાડ! કેમ કે બ્રિજેશ આ સમયે પણ સવાલ કરે છેઃ “ચાર્લી ચેપ્લિન હોવું એટલે શુ?” – અરે, છોકરા! (પેલા મહાનુભાવો તડૂકશે) આ સમયે એક કોમેડિયન થવા અંગે સવાલ? હટાવો એને અહીંથી. – જરા ધીરા પડો, મહાનુભાવ. એ સવાલ અને એનો કરનારો આ અગાસીમાં રહેશે. આપ આપનું વિચારો. વિચારો કે મૃત્યુની આંખમાં આંખ નાખીને પણ કવિતા કેવા સવાલ કરી શકે? સાંભળો, આ યુવાસ્વર કઈ રીતે કવિતા કરે છે. એ તો ચાર્લી ચેપ્લિનને સવાલ કરે છે : ‘તેં તો જીવનના દરેક રંગ જોયા છે ને, તો કહે, / - ટ્રેજેડી એટલે શું? / - કોમેડી એટલે શું?’--- ઘર એટલે શું?’ એમ પૂછે આકાશ વાળાના નાટકનો નનકો. એ યાદ આવ્યું, વાચક? બ્રિજેશ પંચાલ આ નાટ્યાત્મક કવિતામાં પૂછે  : ‘ચાર્લી તું બોલને … ચાર્લી ચેપ્લિન, હોવું એટલે શું? રડીને હસાવે એ? કે હસીને રડાવે એ?

રાગિણીઓ અનેક છે. ઘણી ગાયકીમાં સૂર તૂટે છે, કે ખૂટે છે. (બીજા કેટલાક, બીજી જગ્યાઓએ જઈ પહોંચી વળી મુશાયરા અને બીજું જે મળે તે ‘લૂટે’ છે!) – જે હો એ. સઘળું સરવે કાને સાંભળવા માટે અહીં સહુનું સ્વાગત.

અને યુવા લેખકોને એક વિનંતી : કોશેટામાં પૂરાઈ રહેશો તો પતંગ બનીને, અથવા ઈંડામાં પૂરાઈ રહેશો તો પંખી બનીને વિશાળ આકાશમાં વિવિધ રીતે પોતપોતાની પાંખે ક્યારે ય ઊડી નહીં શકો. સલામતીના પહાડની પરાયત્ત બખોલમાં પડ્યા રહેશો તો ઝરણ બની ખુલ્લામાં ઝરવું, કઠોર પથ્થરો સાથે અથડાવું, તે છતાં કલકલ ગીત ગાવાં અને છેવટ એ અણીયાળા પાણાઓને સુંવાળી, સોનેરી રેતીમાં પલટી આપવા એટલે શું એ ક્યારે ય અનુભવી નહીં શકો.

આજનો યુવા સર્જક જાણીતો નહીં, જાણનાર બને અને આપણી સર્વ સાહિત્ય સંસ્થાઓ પરાયત્ત નહીં સ્વાયત્ત બને શુભેચ્છા.

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૩૧ મે ૨૦૨૦

સ્વાગત, સહુ સહ્રુદયોનું… – સિતાંશુ યશશ્ચન્દ્ર અનેક સ્થળેથી, જુદી જુદી વયના સર્જકો અને સહ્રુદયો પરિષદની આ ખરેખરી ખુલ્લાશ ધરાવતી અગાસીમાં ...
યુવાસ્વર: અનુક્રમ યુવા-કલા: નીરખીએ નવી નજરથી.. લઘુફિલ્મ: 'લાલચુડી' ચિત્રો: પલાશ અંકુર જાદવની પીંછીએ... યુવા-કાવ્ય ચાર હાઈકુ: લૉક ડાઉન - ગુરુદેવ ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૪ (સ્વ.) રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમણે સૂચવેલ ઇન્ડિયા ફેસ્ટિવલના ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן ગોરંભાતો મેઘ નિશીથે,   નિદાઘનો અંત આણે. -વિજય પંડ્યા એવું કહેવાય છે કે ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી સ્વામીપણું સંતાડે, કોપેલીને દાસ સામા વિનવે પ્રિય તે મહિલાઓના, શેષ તો બિચારા સ્વામીઓ. ૯૧ ત્યારે ...
સંભારણાં (૧)... સર્જક: નિરંજન ભગત - રૂપલ મહેતા, અમદાવાદ. A Friendly Evening with Niranjan Bhagat... મે મહિનો આવે, અને અમારે ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ જાતકની કથાઓ કટઠહારી જાતક પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા મોટો ઉત્સવ મનાવતો એક ઉદ્યાનમાં ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  પદ્મનાભ કે જોષી Respected Sitanshubhai, It was a great pleasure to receive Gujarati Sahitya Parishad in ...