મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૩)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

- જ્યોતિ ભટ્ટ

પ્રસંગ ૩

 

Man Osha Chita, Orissa, 1987
Man Osha Chita, Orissa, 1987

 

"વિષ્ણુધર્મોત્તર પુરાણ"માં ભારતીય મહિલાઓએ જે ચોસઠ કળાઓમાં પ્રભુત્વ મેળવવું જરૂરી છે તેની ભલામણ કરી છે, તેમાં ભૂમિચિત્ર અને ભિત્તિચિત્રણનો સમાવેશ થાય છે. આ બે કળાઓ આજે પણ ભારતની મહિલાઓએ મુખ્યત્વે ગ્રામ-આદિવાસી વિસ્તારોમાં જાળવી રાખી છે.

મને તેમાં રસ પડ્યો તેથી વિવિધ સ્થળે જઈ તેની છબીઓ લેતો હતો ત્યારે ઓરિસ્સામાં થતાં આ પ્રકારનાં ચિત્રો અંગે થોડી માહિતી મળેલી, પરંતુ ત્યાં જવાનો અવસર મળેલ નહિ. શાંતિનિકેતનમાં યોજાયેલ એક કળાપરિસંવાદમાં ડો. દિનાનાથ પાઠીને મળવાનું બન્યું. તે ઓરિસ્સા રાજ્યના ટુરિઝમ વિભાગમાં અધિકારી હતા. તેમણે ઓરિસ્સા આવવા નિમંત્રણ આપ્યું.

1987 દરમિયાન વડોદરાની ફાઈન આર્ટસ કોલેજના ચિત્ર વિભાગના વડાપ્રાધ્યાપક ગુલામમોહમ્મદ શેખે એક વર્ષ માટે ખાસ કાર્યક્રમ યોજેલ, તેમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી પારંપરિક હસ્તકળા ક્ષેત્રે કામ કરતા બે કે ત્રણ કુશળ કળાકારોને નિમંત્રવામાં આવતા હતા.

તેઓ ચિત્ર વિભાગના વિદ્યાર્થીઓ સાથે પોતાનું પારંપરિક કામ કરતા. આથી, વિદ્યાર્થીઓને તેમની સાથે બેસીને કામ કરવાની પદ્ધતિ જોવાનો અને પૂછપરછ કરવાનો ફાયદો મળી રહેતો અને નિમંત્રિત કળાકારોની પદ્ધતિ (ટેક્નિક)માં પોતાનું કામ કરવાનો પણ મોકો મળી રહેતો.

જ્યોતિ ભટ્ટ
જ્યોતિ ભટ્ટ

ઓરિસ્સાના જગન્નાથપુરીમાં પટચિત્રની પરંપરા છે. ત્યાંથી આવેલા બે કળાકારો સાથે કામ કરતા ચિત્ર વિભાગના વિદ્યાર્થીઓને રસ પડ્યો. આથી પ્રાધ્યાપક શેખે તે વિદ્યાર્થીઓ ‘પૂરી’ જાય તેવો એક કાર્યક્રમ ઘડ્યો. ભારતીય ભીંતચિત્ર પર Ph. D. કરતી એક વિદ્યાર્થિનીને અને મને પણ ઓરિસ્સાની પારંપરિક પ્રથાના ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ માટે સાથે જવા કહ્યું. અમારી ટીમ ભુવનેશ્વર પહોંચી અને ડો. પાઠીને મળી. ત્યારે તે ભુવનેશ્વરની ફાઈન આર્ટસ  કોલેજના પ્રાચાર્ય હતા. તેમણે કોલેજમાં જ અમારી આખી ટીમ માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આપેલી.

તે સમયે વિવિધ સ્થળોએ ફરવાનું બન્યું ત્યારે ભીંત પર ખેડૂત મહિલાઓએ બનાવેલાં ભીંતચિત્રો જોવાની મારી ઘણા સમયથી અધૂરી રહેલી ઈચ્છા પૂરી થઇ. ચોખાની ફસલ લીધા પછી તે મહિલાઓ ચોખાને જ પીસી બનાવેલ પીઠા (પ્રવાહી સફેદ રંગ) દ્વારા ભીંત પર ચિત્રો બનાવે છે. અનાજ માટે પાલી, માણ જેવા કદ દર્શાવતાં વાસણનો ઉપયોગ કરવામાં આવતો. એક માણ ચોખાનું વજન આશરે વીસેક કિલો થતું હશે. આ ચિત્રો ઉડિયા ભાષામાં ‘માણ -ઓશા- ચિટા' (માણ ઉત્સવના ચિત્રો) નામે ઓળખાય છે. સામાન્ય રીતે ભીંત પર દોરાતાં ચિત્રોમાં પીંછી જેવાં સાધનનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ ચિટા બનાવવા માટે મહિલાઓ હાથનો અંગુઠો તથા પ્રથમ બે આંગળી એકઠી કરી, તેને પીઠામાં ઝબોળી, ભીંત પર તેની છાપ લે છે. આથી આંગળીની છાપમાં ત્રિકોણાકાર ગોઠવણી દેખાય છે. આ રીતે એક ત્રિકોણની નીચે બે, બેની નીચે ત્રણ એમ વધતા ક્રમે વીસેક ત્રિકોણ સુધી છાપ લે છે. આથી નાના ત્રિકોણોનો બનેલો એક મોટો ત્રિકોણ બને છે. આ રીતે બનેલા મોટા ત્રિકોણને એકમ (યુનિટ) તરીકે સૌથી ઉપરના સ્થળે બનાવે છે. પછી, જેમ ત્રણ ટપકાંનાં યુનિટને વીસ સુધી વિકસાવ્યું તે જ પ્રમાણે મોટા યુનિટને પણ પાંચ કે છ સુધી વિકસાવે છે. ગામડાનાં ઘરો નાનાં હોય છે એટલે ભીંતનું માપ બહુ ઓછું હોય છે. તેથી આશરે ચારથી છ ફૂટ ઊંચાઈના મોટા ત્રિકોણાકાર બનાવે છે. આંગળીનું દરેક ટપકું એક એક માણ ચોખાનો પ્રતીક બની જાય છે. આ રીતે બનેલા ત્રિકોણ, અનાજના ઢગલા જેવા લાગે છે. ભગવાને ઢગલાબંધ અનાજ / ચોખા આપ્યા તે માટે આ ચિત્રો દ્વારા તેનો આનંદ સાથે આભાર વ્યક્ત થાય છે.

મને ફ્રેકટાલ જીઓમેટ્રી અંગે વધુ સમજ નથી તેમ છતાં, માણ - ઓશા - ચિટા માં ફ્રેકટાલ જીઓમેટ્રી પણ હોય તેવું લાગતું રહ્યું છે. કોઈ ગણિતજ્ઞ આ અંગે રિસર્ચ (સંશોધન) કરે, તો વધુ પ્રકાશ પડી શકે.

ડો. પાઠીની ઓળખાણ ત્યાર પછી મિત્રતામાં ફેરવાઈ ગઈ. અને “માણ - ઓશા – ચિટા” ઉપરાંત લક્ષ્મીપૂજા સ્વરૂપે કરાતી રંગોળી, એ બંને બનતાં જોવા મળે તે માટે મને ફરીથી ભુવનેશ્વર આવવા નિમંત્રણ પણ આપ્યું. તેને સ્વીકારીને ફરી ત્યાં ગયો. એક રજાના દિવસે તેમની કળાશાળાના જ વિદ્યાર્થીઓ સાથે સમુદ્ર તટે ગોઠવેલી પિકનિકમાં જવાની તક પણ મળી. વિદ્યાર્થીઓ જ્યારે રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે હું નવરો બેઠો હતો. તેથી દૂર દેખાતા એક ગામમાં ગયો. ત્યાં જે “માણ - ઓશા – ચિટા” જોવા મળ્યા, તેટલા સુંદર, મોટા તથા જટિલ ચિટા મેં ત્યાર સુધી જોયા ન હતા. તેની છબીઓ લેતાં લેતાં હું એક નાની ઝુંપડી જેવા ઘર પાસે પહોંચ્યો. તેના દરવાજાની વચોવચ એક વૃદ્ધ મહિલા બેઠેલી હતી અને દરવાજાની બંને બાજુ નાનાં-નાનાં ચિત્રો પણ હતાં. તે ચિત્રો કદાચ તે વૃદ્ધ મહિલાએ બનાવ્યાં હશે અને તે ચિત્રોને મેં પસંદ કર્યાં તથા છબી પણ લીધી. તેથી તે ખૂબ રાજી થઇ હોઈ તેવું તેના ચહેરાના ભાવ પરથી લાગ્યું. મને સત્યજીત રાયના પ્રથમ પરંતુ વિશ્વ-વિખ્યાત બની ગયેલ ચલચિત્ર "પાથેર પાંચાલી*" ના એક પાત્ર "પિશી મોશાઈ"ની યાદ આવી ગઈ. આ છબી મને ખૂબ ગમી અને જાપાનમાં યુનેસ્કો દ્વારા દર વર્ષે યોજાતી છબી સ્પર્ધામાં - મને પેલી વૃદ્ધ મહિલાના આશીર્વાદ ફળ્યા હોય તેમ - પ્રથમ પારિતોષિક ( Grand PRIX) મળ્યું.

 

  • મધુરેન સમાપયેન

*પાથેર પાંચાલી

ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગની એક જાહેરાતમાં અભિનેતા બચ્ચનજી કહેતા હતા, "કચ્છ નહિ દેખા તો કુચ્છ નહિ દેખા," આવું જ પાથેર પાંચાલી માટે કહી શકાય.

પાથેર પાંચાલી જોઈ હોય તેમના માટે જમ્યા પછી "મધુરેન સમાપયેન" અને જોઈ ન હોય તેઓ માટે 'appetizer' બની રહેશે એમ માણવા જેવું, 'Pather Panchali: A Living Resonance' - 'યુ ટયૂબ' પર ઉપલબ્ધ છે.

-જ્યોતિ ભટ્ટ