સ્વાગતનોંધ

પરિષદનાં દ્વાર કોરોના કાળમાં પણ ખુલ્લાં છે – પ્રતીયમાન પ્રાંગણે સહુનું સ્વાગત

- સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

કોરોના વિષાણુના આક્રમણના આ અજંપાભર્યા સમયમાં પણ પરિષદની ‘નોળવેલ’નો આ વર્ચ્યુઅલ વિસ્તાર સહુ માટે એકઠા મળવાની એક મોકળી જગ્યા બની શક્યો છે. લોક ડાઉનના સમયમાં પણ પરિષદનું આ ખુલ્લાપણું જાળવી શકાયું છે. એ હકીકત આપણા મૂલગામી સહિયારાપણાનું સૂચન કરે છે. સાહિત્યમાંથી કપરા કાળમાં પણ શાંતિ જ નહીં, અખૂટ શક્તિ મળે છે, એ આવા કોઈ પણ ભાવક-સર્જક મિલનનું પ્રેરક બળ હોય છે.

 

ગુજરાતી સાહિત્યના કેટકેટલા યુવાસ્વરો ક્યાં ક્યાંથી અને કેવી આત્મીયતાથી અહીં આવી પહોંચ્યા છે! પરિષદ રોમહર્ષ અનુભવે છે. કચ્છથી કેલિફોર્નિયા સુધીના, વલસાડથી વેમ્બલી સુધીના, મુંબઈ-અમદાવાદ-વડોદરા-ભાવનગરથી સિહોર -ઉગામેડી-મોટા કોઠાસણા સુધીના, અને એથી યે વધારે જગ્યાઓના એક વિશાળ ગુજરાતમાંથી અનેક યુવા-સર્જકો અને પ્રોઢિયુક્ત ભાવકો-લેખકો અહીં એકત્ર થયા છે. પરિષદની આ ખુલ્લી જગ્યા યુવાચેતનાની મિલનભૂમિ છે, તાલીમશાળા છે, એક વિશાળ કલાજગતની સાહસસફર પર નીકળી પડવાનું પ્રસ્થાનદ્વાર પણ છે.

 

યુવાસ્વરોને માણવા અને મૂલવવા માટે ગુજરાતના કેટલાક ઉત્તમ ભાવક-સર્જક-વિવેચક-સંપાદકોએ સમય ફાળવ્યો છે. વાત્સલ્ય અને વિવેચનનાં તાણાવાણા વણી બનાવેલું વસ્ત્ર પરિષદની આ પાઠશાળામાં આવેલી યુવાચેતનાને ખભે સહુએ મૂક્યું છે. પરિષદ સહુનો આભાર માને છે.

ભારતીય સાહિત્યની સર્જક પરંપરામાંથી કેટલીક ઉત્તમ ક્રુતિઓ અહીં ધારાપ્રવાહે વહે છે, એ પરિષદની મોટી પ્રાપ્તિ છે. એને માણવા માટે, એ કલાવીથિઓમાં સમય ગાળવા માટે ગુજરાતમાંથી જ નહીં, દેશવિદેશેથી રસિકજનો પરિષદની આ ‘અભિનવ અગાસી’માં આવે છે. લંડન, લોસ એન્જેલસ, કલકત્તા, મુંબઈ, અને આખા ગુજરાતમાંથી પરિષદના આ લોક ડાઉનના સમયમાં પણ ખુલ્લા રહેલા પ્રતીયમાન પ્રદેશમાં આવનારા સ્વજનોનું ખુલ્લે દિલે સ્વાગત….

મોટાં – નાનાં શહેરોથી દૂર રહેતા ગુજરાતી કુટુંબોમાંથી સર્જકતાનું સ્પંદન ધરાવતા તળપદા યુવાસ્વરો પરિષદને આ નવીન આંગણે આવ્યા છે, એમનું હાર્દિક સ્વાગત. તળના જીવનનો સઘન અનુભવ એમની કલમ દ્વારા સહુને થઈ શકે. પોતાના વાસ્તવની એમની તાજપભરી મીમાંસાની પણ અપેક્ષા છે.

 

ભારત બહાર રહેતા, ડાયસ્પોરિક ગુજરાતી પરિવારોની નવી પેઢી ગુજરાતી ભાષા સાથે કઈ રીતે જોડાય, એ પણ એક પ્રશ્ન છે. જો એ કિશોર-કિશોરીઓ ગુજરાતી ભાષા સાથે જોડાય તો ગુજરાતી ભાષાને એઓ એક નવું જ પરિમાણ આપી શકેઃ અમેરિકી, યુરોપીય, આફ્રિકી કે અન્ય સંસ્ક્રુતિઓના સંદર્ભનું પરિમાણ. એવો એક લેખ, ઈશાન શાહનો, એક નવી દિશા ચીંધે છેઃ અમેરિકી શાળાઓમાં અંગ્રેજીથી ઇતર ભાષાઓ માટે નિષેધાત્મક પરિસ્થિતિ હોય, છતાં માતા-પિતાની મદદથી, વિદેશમાં જન્મેલો એક કિશોર પણ માતૃભાષા ગુજરાતી શીખી શકે છે, એ વાત તો છે જ. પણ વિશેષ વાત એ કે ડાયસ્પોરાની નવી પેઢી જો ગુજરાતી ભાષા સાથે જોડાય તો એ પેઢી દ્વારા ગુજરાતી ભાષા વિદ્યાના અને સંસ્ક્રુતિમીમાંસાના નવા જ વિસ્તારો સાથે જોડાઈ શકે. ‘નોળવેલ’નો આ વિસ્તાર આવી અનેક ખુલ્લાશ મેળવતો જાય છે.

 

આવું ખુલ્લાપણું શક્ય બન્યું એ તો પરિષદની કારોબારી અને મધ્યસ્થ સભાનાં કેટલાક કર્મઠ સભ્યોના પરિષદપ્રીતિભર્યા પરિશ્રમને આધારે. અત્યાર સુધી જે સહ્રુદય સભ્યો આ મહેનતકશ મજૂરમંડળમાં ખંડસમયના સાથી રહ્યાં છે એમને પૂર્ણકાલીન પરિશ્રમી બનવા વિનંતી !

‘નોળવેલ’નું જતન કરવામાં સહાય થાય એવાં સર્વ સૂચનોનું સ્વાગત.

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : sitanshuy@gmail.com.

સેજલ શાહ : sejalshah702@gmail.com

સમીર ભટ્ટ : sameer.p.bhatt13@gmail.com

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ મે ૨૦૨૦

પરિષદનાં દ્વાર કોરોના કાળમાં પણ ખુલ્લાં છે – પ્રતીયમાન પ્રાંગણે સહુનું સ્વાગત - સિતાંશુ યશશ્ચન્દ્ર કોરોના વિષાણુના આક્રમણના આ અજંપાભર્યા ...
વધુ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-સંશોધન, યુવા-કાવ્ય, યુવા-નિબંધ, યુવા-વાર્તા પ્રકાર કૃતિ સર્જક સંપર્ક સંશોધન માછલીની મથામણ અને આદિવાસી જાતિની આપદા ઇશાન શાહ, કેલિફોર્નિયા, ...
વધુ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૩ "વિષ્ણુધર્મોત્તર પુરાણ"માં ભારતીય મહિલાઓએ જે ચોસઠ કળાઓમાં પ્રભુત્વ મેળવવું જરૂરી છે ...
વધુ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן નિદાઘે “અજગરનાં સ્વેદજળને પીવે કાચિંડો...” -વિજય પંડ્યા  કોઈ કવિએ કહ્યું છે કે પોતે ...
વધુ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી હૃદયજાણતલ સાથે વણપૂરયામ પણ એવાં સુખવે છે કાર્યો, જેવાં ન ઈતર સાથે પૂરાં કરેલાંયે.  ૬૧ ...
વધુ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા એક સમયે ધૌમ્ય નામના ઋષિ થઈ ગયા. તેમના ...
વધુ...
રિણાવર - ચન્દ્રકાન્ત ટોપીવાળા રિણાવર રેલતા આવોને રુમઝુમ વહાણમાં           ઊંચે તાકીને ઊભા ખડકો, ટેકરા           એને વાદળ વિહોણા તડકા ...
વધુ...
નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં (૩૦ એપ્રિલ ૨૦૨૦) વિષે અભિપ્રાય:  રમણીક સોમેશ્વર. ‘નોળવેલની મહેક’ એ કોરોનાના કપરા કાળમાં ‘ગુજરાતી સાહિત્ય ...
વધુ...