અભિપ્રાય

નોળવેલની મહેકની  15 એપ્રિલ 2020ની આશાસ્પદ કૃતિઓ અંગે

 

  • બારીન મહેતા, અમદાવાદ

પ્રસ્તુત નોળવેલમાંની 13 કાવ્યરચનાઓ અને બે વાર્તાઓમાંથી પસાર થતાં એમ લાગ્યું કે આ નવસર્જકો કંઈક કરવાની મથામણને સર્જનનો ઘાટ આપી શક્યા છે અને સંભવ છે કે અવનવું સર્જવાની એમની ક્ષમતા આમ જ સર્જતા સર્જતાં વધારે ખીલી ઊઠે અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ પણ કરી રહે.

 

આમ છતાં અહી કેટલીક કૃતિઓના સંદર્ભ સાથે વાત રજૂ કરતાં એ પણ સ્પષ્ટ કરી લઉં કે જે કૃતિઓ અંગે મારી રજૂઆત કરું છું એને અહીં પ્રસ્તુત રચનાઓમાંથી પ્રતીકાત્મક અર્થમાં મૂકું છુ. એમ કરવાથી એવું સૂચવવાનો ઈરાદો છે કે આ પ્રકારના નવોન્મેષ કેમ જરૂરી છે આપણા સાહિત્ય માટે.

 

બારડોલીના સપન પાઠકની શાર્દુલવિક્રીડિતમાં રજૂ થયેલી કૃતિ ‘અંકુરણ’ જે રીતે વિકસે અને વિલસે છે એ જોતાં કવિની વસ્તુ અને એની અભિવ્યક્તિ ઉપરની સાહજિક સર્જક-પકડ ધ્યાનાર્હ બની રહે છે. કૃતિનો ઉપાડ ‘છે’ ક્રિયાપદથી થયો હોવાથી એ ભાવકને એમાં અંતર્નિહિત વર્તમાનથી અળગો થવા દેતી નથી. આમ તો સળંગ 14 પંક્તિઓ મૂકવામાં આવી છે, પણ સોનેટના સ્વરૂપ લેખે એ પેટ્રાકશાયી સોનેટ છે, એટલે કે પહેલા ખંડમાં 6 અને બીજા ખંડમાં 8 પંક્તિઓ છે. પ્રથમ 6 પંક્તિમાં ભીષણ ગ્રીષ્મનું નિરૂપણ કવિ ‘આંખોથી પણ ના વહે જળ’, અને ‘અંગાર હૈયે ઝરે’ દ્વારા વ્યક્ત કરે છે.

 

પછીની 8 પંક્તિમાં ‘દેખું શ્યામળ વાદળો ઉમટતાં, દૂર કેં આભમાં’ ભણી આંગળી ચીંધી કવિ આપણને છંદના લયબદ્ધ તાલમાં ‘મૂર્છિત થયેલ વિશ્વફલકે, ચૈતન્ય વ્યાપી વળે’ ‘વરસતાં પીયુષના પાનથી’ એમ વ્યક્ત કરી, આપણને લઈ જાય છે જ્યાં પશુ, પંખી ઉપવને ‘આનંદથી મ્હાલતા –જાણે કે નવકારિકા વિહરતી, એવી નદીઓ વહે’ –ત્યા! અને જેવા તેરમી પંક્તિ ગ્રહીને આગળ વધીએ ત્યારે કંઈક એવો સાક્ષાત કરાવતી અંતિમ પંક્તિ આવે કે આપણને એક એવા વર્તમાનનું દર્શન કરાવે કે જે સમગ્ર કૃતિને જુદા જ પરિમાણમાં મૂકી આપેઃ ‘તો શાને નવ થાય અંકુરણ ત્યાં, સૂકી હૃદે ભોમ પે?’

 

તો વાત આ છે. ગ્રીષ્મથી તપ્ત સૂકીભઠ ધરા પર વરસતાં પીયુષના પાનથી નવપલ્લવિત થઈ ઊઠતી ધરા નિમિત્તે વાત હૃદેભોમની અંકુરિત થવાની શક્યતાને કવિ અંતિમ પંક્તિમાં જ સ્ફૂટ કરે છે અને એ પણ કેવી ઋજુતાથી! આને આપણે શું કહીશું, નાટ્યાત્મક, કાવ્યાત્મક, સંવેદનાત્મક કે ભાવાત્મક? જરા ધ્યાનથી બીજા વાચને આપણને જાણ થાય છે કે કવિએ તો અંતિમ પંક્તિને લગતાં સંકેત તો આપણને પ્રથમ ખંડમાં જ ‘આંખોથી પણ ના વહે જળ’, અને ‘અંગાર હૈયે ઝરે’ દ્વારા આપી ચૂક્યા છે –કદાચ કવિની પણ જાણ બહાર કૃતિનું પોતાનું જ આ આગવાપણું છે!

 

ભરત ખૈનીની કટાક્ષ કવિતા ‘તુઝુકજહાંગીરી યાને દાસ્તાંજહાઁગીરની’ માં સમગ્ર રચનાનું પોત એવી રીતે બંધાયું છે કે ‘આંખ નથી ખોલતા’થી આરંભાતી ચતુર્ભાષીય આ કટાક્ષિકા આપણને એક મર્માળુ સ્મિત આપી જાય છે. ગાઈ શકાય એવું આ ગીત અગેયતાથી આલેખાયું છે. એના બોલકા કથાવસ્તુની કંઈક આવી જ માંગ લાગે છે કારણ કે કુલ ત્રણ કડીમાં અલકાતી, મલકાતી આ રચનામાં જહાંગીરનો દબદબો આંખ ના ખોલવાના મનસૂબા સાથે મજાની ગુફતેગો કરતાં કરતાં હોજે કુતુબ પર જહાંગીરનું જે શિલ્પ કોતરે છે તે સાચે જ આસ્વાદનો વિષય છે. એમાંનો નર્યો વ્યંગ રચના પૂરી કર્યા પછી પણ આપણને છોડતો નથી. એ વાંચવાની જે મજા છે એ લેવા માટે એમાં પ્રવેશવાની અનુમતિ લેવાની જરૂર નથી, સર્જકે આપણા સહુ માટે એને અહીં મૂકી છે...

 

આ ઉપરાંત અમદાવાદના અક્ષય દવેની કૃતિ ‘ઊંઘ’, યોગિની ચાવડા, નિલેશ સાટિયા અને નરેશ સોલંકીની રચનાઓ પણ આવકાર્ય અને નોંધપાત્ર છે.

 

અન્ય કાવ્યો વિશે વાત કરવાનું મન છે પણ બે વારતા અંગે પણ લખવાનું વિશેષ કારણ હોવાથી એ વિશે થોડીક વાતો અહીં રજૂ કરું છુઃ એમાંની પ્રથમ તે ભાવનગરના અલ્પા વિરાશની વારતા તુરી. આ વારતા એક તૂરીય આબોહવામા વીંટળયેલ તુરીના, વારતાકથકના અંતરંગમાં જીવંત તુરી સાથેના વાસ્તવિક તુરીના સ્મૃતિજન્ય સંબંધના ગુંફનની રજૂઆત છે. કથનવર્ણનામક આ વારતા આરંભથી એક મદ્ધમ ગતિથી ચાલતી ઘોડાગાડીની જેમ ચાલે છે. આપણે સતત અંદર બેઠે બેઠે આ કે તે કે પેલી બારીમાંથી આ સંબંઘ અને તુરીને કથક જેમ શોધીએ છીએ અને એક રહસ્યમયતાનો પણ અનુભવ કરીએ છીએ. આ માટે વાર્તાકારે જે ભાષા સહજપણે પ્રયોજી છે અથવા એમ કહીએ કે એમની સર્જકતાએ જે રીતે એને મૂકી આપી છે એ આપણને તુરીમાં રસ લેતા તો કરે જ છે પણ જે તૂરીય આબેહવામાં એ આપણને અવગાહન કરાવે છે એ રોમાંચક હોવા સાથે તુષ્ટિપ્રદ છે. એનાં એક કરતા વધારે ઉદાહરણો ટાંકી શકાય. પણ એ કરતાં માત્ર અઢી પાનાની આ વાર્તા જાતે વાંચીને એ તૂરીય આબોહવામાં વિચરતી તુરીને મળવાનો અનુભવ વધારે સંતર્પક નીવડશે. વાર્તાકારને એના સહજ ગદ્ય માટે અને આબોહવા નિર્માણ કરતી શૈલી માટે અભિનંદન ઘટે છે.

 

બીજ વારતા છે, સંજય પટેલની દીકરીનું ઘર. આ વારતા ગ્રામીણ અને શહેરી જીવનના એવા મિશ્ર વ્યવહારને સાંકળે છે, જે વારતાના નાયિકા નાથીબાના જીવનમૂલયને હચમચાવી નાખે છે. મૂળ વાત લગ્ન માટે દીકરા દીકરીના જે સાટાપાટા થાય એને લગતા રીવાજની, પણ એમાં થતા નવા વ્યવહારમાં જે સોદાબાજી પેઠી અને એણે જે મૂલ્ય હાનિ કરી એથી નાથીબાને જે વસમું વાગ્યું એનુ નિરૂપણ કરતી આ વારતા બોલીગત લાક્ષણિકતા અને વર્તનગત વ્યવહારમાં નવ જમાનામાં થતાં ઘસારા અને હ્રાસને કૌટુંબિક સંદર્ભમાં સાંકળે છે અને આવશ્યક ઘટનામાં સંડોવાતા પાત્રોના વાણી-વર્તનનાં લાઘવભર્યા કથન દ્વારા વાર્તાને ઘાટ આપવાની પ્રક્રિયા વડે નાથીબાના અંતરંગે અને એમના વસવસાને એવી રીતે મૂકી આપે છે કે પોતાના દીકરાના ઘરમાં, હોવા છતાં એ દીકરાની દીકરીના ઘરમાં હોવાનું અનુભવે છે. સીધા સાદા ગદ્યમાં નાથીબાના મનોજગતને સરસ ઉઠાવ આપતી આ વારતા પ્રમાણમાં સફળ રીતે લક્ષ્યને તાકે છે.

- બારીન મહેતા, અમદાવાદ

 

  • કિરીટ શાહ – સંવિત્તી, મુંબઈ.

 

આદરણીય સિતાંશુભાઈ,

 

'નોળવેલની મહેક' સાહિત્ય જગતનો એક ઉત્તમ ઉપક્રમ.

 

- આજે ઊગી એક સાહિત્યીક સવાર.

 

- આ ઊઘાડ લાંબો ટકશે એ આપનો દ્ઢ સંકલ્પ છે અને અમારો વિશ્વાસ છે.

 

  • કિરીટ શાહ – સંવિત્તી, મુંબઈ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • પ્રવીણ પંડ્યા, ભોપાલ

 

ખૂબ અર્થપૂર્ણ ઉઘડેલી આંખને આંજી નાખે એવું નહીં,  પણ દ્રષ્ટિ પર ચડેલા મેલને માંજે એવું આયોજન.

તમને અને સહુ મિત્રોને ‌અભિનંદન

- પ્રવીણ પંડ્યા, ભોપાલ

 

  • તરુ કજારિયા, મુંબઈ.

 

આવો અલભ્ય સાહિત્ય-સંગ કરાવવા બદલ ખુબ ખુબ આભાર.

-  તરુ કજારિયા, મુંબઈ.

 

(નોળવેલની મહેકમાં યુવા-સ્વર વિભાગ હેઠળ અનેક રચનાઓ આવતી હોય છે, તેમાં યુવા સર્જકોને સિતાંશુભાઈ સતત માર્ગદર્શન આપતા હોય છે, તે પૈકી એવા જ યુવા-સર્જક સંજય એ. પરમારે પોતાની રચના મોકલાવી ત્યારે મેલ પર સંવાદ થયો, તે પણ બહુ સહજ અને નિખાલસ. આવી સંવાદ કાર્યશાળા એ જ આ ‘યુવા-સ્વર’ની સૌથી મોટી ઉપલબ્ધિ.  સંજયભાઈના પ્રતિભાવમાં રસ પડશે, કારણ આ એક યુવા સર્જકનો સહજ પણ ધ્યાન દઈ સાંભળવા જેવો પ્રતિભાવ છે. -સં.)

 

  • સંજય લુહાર, સુરેન્દ્રનગર.

ગુજરાત સમાચાર, ૩૦ જૂન ૨૦

નમસ્તે,

મારી દરેક રચના ઈમેઈલ કર્યા પછી આપનો સુંદર પ્રતિભાવ આવે છે, એ વાંચીને આનંદ થાય છે.આપની આત્મીયતા, પ્રેમ અને લાગણી બદલ દિલથી વંદન.

હાલ હું સુરેન્દ્રનગર જીલ્લા પાસેના જોરાવરનગર ગામમાં રહુ છું, અને વાંકાનેર ખાતે પી.જી.વી.સી.એલ. કંપનીમાં કલાર્કે તરીકે ફરજ બજાવું છું. વાંચન પ્રત્યે લગાવ મને લગભગ  છેલ્લાં ૬ વર્ષથી છે.  સાહિત્યમાં પણ વિશેષ મને પદ્ય સાહિત્યનું વાંચન ખાસ ગમે છે. પદ્ય સાહિત્યનું વાંચન કરતાં કરતાં ધીમે ધીમે કલ્પનાઓ અને કલમ પણ દોડવા લાગી, અને હું ક્યારે લખવા માંડ્યો એ ખબર જ ના પડી...

સાહિત્યિક વાંચન, તેનો અભ્યાસ અને અનુભવી વડીલો સાથે સાહિત્યિક ચર્ચાને લીધે સાચાં અને સારા સાહિત્યની સમજ કેળવી શક્યો છું. વાંચનના શોખના કારણે ધીમે ધીમે મારા ઘરે પદ્ય પુસ્તકોની લાઈબ્રેરી બનતી જાય છે. અને દર મહિને સાહિત્યિક સામયિકો તો ખરા જ.

હા, એક વાત સ્વીકારું છુ કે હું કોમ્પ્યુટર સાયન્સ,આઈ.ટી.નો વિદ્યાર્થી અને કોમર્સમાં મારું કાર્યક્ષેત્ર હોવાથી હજુ હું કવિતાઓમાં જોડણી અને વ્યાકરણની એક/બે ભૂલ કરી નાખું છુ, પણ ભાષામાં ભૂલો ન થાય એ માટે પ્રયત્ન ચાલુ છે.

નોળવેલની મહેકમાં કાવ્ય મોકલવા ગમે છે, કારણકે હું એમ માનું છું કે ગુજરાતી સાહિત્ય પરિષદ થકી, મારી કવિતા સાચા અને સારા વાચકો સુધી પહોંચે., અંગત વાત કહું તો મેં સારા માં સારી અછાંદસ કવિતાઓ સોશિયલ મીડિયા ઉપર મૂકી ને વેડફી દીધેલી છે., એ ભૂલ હવે મારે બીજી વાર નહિ કરવી.

હાલ હું, મારી મને બહુ જ ગમતી એક અછાંદસ કવિતા,  ગુજરાતી સાહિત્ય પરિષદની, અદ્યતન અગાસી, "નોળવેલની મહેક" માટે મોકલું છું,

  • સંજય લુહાર, સુરેન્દ્રનગર.

 

 

 

 

 

આપના અભિપ્રાય આવકાર્ય: 

સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ