મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૬)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

- જ્યોતિ ભટ્ટ

પ્રસંગ ૬

 

Saurashtra, 1967
Saurashtra, 1967

મારા કુટુંબમાં એક લગ્નપ્રસંગે હું ભાવનગર ગયેલો. લગ્નવિધિ ચાલી રહ્યો હતો ત્યારે મારુ ધ્યાન પ્રવેશદ્વાર તરફ ગયું. ત્યાં એક નાની પોલિયોને લીધે લંગડી બનેલી બાળકી ઉભી ઉભી લગ્નવિધિ કુતૂહલપૂર્વક જોઈ રહી હતી. આ બાળકીની છબી લેવા કેમેરા આંખ પાસે લાવ્યો ત્યારે ધ્યાન ગયું કે, બાળકીની પાછળ રસ્તા ઉપર કેટલાક બાળકો રમી રહ્યા હતા. આથી છબીમાં દોડતો કિશોર પણ સમાય એની રાહ જોઈને જયારે એ દેખાણું ત્યારે જ કેમરાની ચાપ દબાવી.

1978 દરમિયાન આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીના ભાગ તરીકે ભારત સરકારની The Director of Advertising & Visual Publicity (D. A. V. P.)  દ્વારા બાળક સાથે સંકળાયેલ એક મોટી છબી સ્પર્ધા અને પ્રદર્શન આયોજાયેલ. એ સ્પર્ધાના પ્રથમ પુરસ્કાર માટે પાંચ છબીઓ શોર્ટલિસ્ટ કરાયેલી. પરંતુ તેમાંથી એક પણ કાઢી શકાય એમ ન હોવાથી પુરસ્કારની રકમ પાંચેય છબીકારો વચ્ચે વહેંચી દેવામાં આવી. પેલી લંગડી બાળકીની મેં લીધેલી છબી પણ આ પાંચમાની એક હતી. સ્પર્ધા માટે આવેલી છબીઓમાંથી પસંદ કરાયેલી છબીઓ પ્રદર્શિત કરાયેલી. તે માટે D. A. V. P. – એ બધી પસંદ કરાયેલી છબીઓની મૂળ નેગેટિવ મંગાવી મોટા માપના એન્લાર્જમેન્ટસ તૈયાર કર્યા હતા. દિલ્હીના ‘કોનોટ-પ્લેસ’ નજીકના એક મેદાન પર કામચલાઉ આર્ટગેલેરી બનાવી, ત્યાં બધી છબીઓ પ્રદર્શિત કરાયેલી. પ્રદર્શનમાં મુકેલી એક વિઝિટર્સ રિમાર્ક માટેની નોંધપોથીમાં કોઈએ લખેલું કે, “ખૂબ ખૂબ અભિનંદન ! આ પ્રદર્શન એ સાબિત કરે છે કે, ભારત સરકાર પણ જો અને જયારે ધારે ત્યારે આવું સુંદર કામ કરવા સક્ષમ છે.”

મારા મિત્ર સ્વર્ગસ્થ કિશોર પારેખે મને એક સમયે કહેલું કે, ''હું સુંદર મુખાકૃતિ ધરાવતી વ્યક્તિની છબી લઉ છું. ત્યારે લોકો મારી છબીને જ સુંદર માની લેતા હોય છે." આથી મને થયું કે, મારી છબીમાં જે બાળકી દેખાય છે, તેના ચહેરા પર દેખાતી તેની કરુણ અને લાચાર પરિસ્થિતિ જણાવતો ભાવ સ્પર્ધાના નિર્ણાયકોને સ્પર્શી નહિ ગયો હોય? અને મને એમ પણ થયું કે, આ છબીને પુરસ્કાર અપાવવામાં તે બાળકીનો હિસ્સો ખરો કે નહિ? સદ્ભાગ્યે આ છબી મેં મારા કાકાના ઘરે લીધેલી. જાહેરાત કે, વ્યવસાય ધોરણે છબીઓ લેતી વેળા મોડેલિંગ ની તગડી ‘ફી’ ચૂકવવી પડતી હોય છે. પરંતુ કેન્ડીડ પ્રકારની છબીઓ લેનાર છબીકારે આવી ‘ફી' ચૂકવવી પડતી નથી. વળી, હંમેશા કે દરેક વખતે એ શક્ય પણ હોતું નથી.

તેથી મેં મારા કાકાને એ છોકરી અંગે તપાસ કરવા કહ્યું અને જાણવા મળ્યું કે, એ બાળકીના પિતાનું એક કારખાનામાં અકસ્માત થવાથી અવસાન થયેલું અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. આથી એ પુરસ્કારની મને મળેલી રકમ તે છોકરીને પહોંચાડવાનું શક્ય પણ બન્યું.

 

-જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ: [email protected]