સ્વાગતનોંધ

સ્વાગત, શુભેચ્છા અને અપેક્ષા…

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

આપણે સહુ પોતપોતાનાં આયુષ્યના વિવિધ તબક્કાઓમાંથી ક્રમેક્રમે પસાર થતા હોઈએ છીએ. શૈશવથી શવાવસ્થા સુધી ! સહુનો એ પ્રવાસ તબક્કાવાર થતો હોય છે. પણ કવિ, કલાકાર, સર્જક એક ચમત્કાર કરી શકે છેઃ કવિ તો આજીવન શિશુ હોય, સાથોસાથ નિત્ય યુવા પણ હોય, વળી એની પોતાની એક પ્રૌઢી, પુખ્તતા કેળવાયેલી હોય અને વૃધ્ધત્વ અને મૃત્યુના અંતરંગ સાન્નિદ્યને યે કવિ નિર્ભયપણે માણી શકતો હોય.

કવિ આજાનબાહુ હોય, એ અખિલાઈને આલિંગન આપી શકે, શૈશવથી શવત્વ સુધીના જીવનના વિખરાટને પોતાની શબ્દરચનામાં સંભરી શકે. ‘ઘેર ઘેર પડ્યા, હજી હાથ નવ લાગ્યા’ એવા ઉચ્છિષ્ટ અન્નને પોતાના અજોડ ભિક્ષાપાત્રમાં એકત્ર કરીને એને અમૃતતુલ્ય બનાવી શકનાર કવિ જ કહી શકે કે ‘અમૃત લઈ આવ્યો અવનિનું.’

આ વિષાણુગ્રસ્ત સમયમાં અવનિનું અમૃત લઈ આવવાનું અનિવાર્ય કામ દરેક સાચા કવિએ નવેસરથી, નવી રીતે, પોતપોતાની રીતે કરવાનું છે.

તબક્કાવાર ચાલતા આયુષ્યની ગણતરીએ જે યુવા લેખકો છે, નવોદિતો છે, એ પોતાના ‘કવિ’-ત્વનું, પોતાની ‘સર્જક’-તાનું (યાં વિના કાવ્યં ન પ્રસરેત્, પ્રસૃતં વા ઉપહસનીયં સ્યાત્’, ‘જેના વિના કાવ્ય ઉદ્ભવે નહીં, અને ઉદ્ભવે તો ઉપહાસને પાત્ર બને’ – એવી અનિવાર્ય ‘કવિ-પ્રતિભા’-નું) જતન કઈ રીતે કરે?

આત્મપ્રીતિનો નશો કરનારાઓ અવનિનું અમૃત ક્યાંથી લાવી શકે? સાચા કવિની સાધના કેવી હોય એની વાત બળવંતરાય ઠાકોર પોતાની અજોડ રીતે કરે છે. ઊગતા કવિને આત્મીયતાથી સંબોધતાં ગુજરાતના એ અનોખા કવિ અને ‘કવિતા-શિક્ષક’ લખી ગયા છેઃ

‘બધા સૂર ખિલાવજે મનુજ ચિત્ત સારંગીના,’

અને

’બધાં ફલક માપજે મનુજ શક્તિ સીડી તણાં.’

- ‘નોળવેલ’ સાથે સંકળાયેલા સર્જકો ‘ઘરે’ અને ‘બાહિરે’, પોતાની અંગત ભાવ સૃષ્ટિમાં તેમ જ પોતાની આસપાસ જે છે એ બિનંગત સૃષ્ટિમાં, બન્નેમાં તળ સુધી પહોંચે, એ અપેક્ષા. કરુણ, ભયાનક, બીભત્સ સહિતના સર્વ રસોથી સંકુલ એવું  વ્યાપક જીવન જે છે એની સાથે આત્મીયતા અનુભવવી, ‘પીડ પરાયી’-ને પોતાની બનાવવી, એ કઇં જે-તે વાત નથી. પોતાના હ્રુદયની લાગણીઓના અંગત વિશ્વના ઉત્કટ અનુભવ વિના કવિતા ક્યાંથી? પણ સાથોસાથ, પોતાની આસપાસ જે અનેકોનું એક બિનંગત, બલ્કે વિવિધ અંગતતાઓથી સભર જગત છે, અને એનો જે ઇતિહાસ છે, એને અનુભવ્યા વિના કવિ પોતાની પૂર્ણતા ક્યાંથી પામે? અને એ જગતનો અનુભવ એને સમજ્યા વિના ક્યાંથી આવે?

એ સમજણ કેળવવી એટલે સમકાલીન સમાજ, એની અર્થવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, આસ્થાઓ વગેરેને નજીકથી જોઈ, સમજી, એમાં જે જીવનપોષક હોય એની સાથે અને જે જીવનવિઘાતક જણાય એની સામે, નિર્ભય-સદય-નિસ્વાર્થ-પણે ટટાર ઊભા રહેવાના કવિ-કૌવતને કેળવવું.

કવિ, સાહિત્યકાર, કલાસર્જકની આવી સંપૂર્ણ, ન કે અધૂરી, આપકેળવણી તે આ.

ગુજરાતના અજોડ કવિતા-શિક્ષકના શબ્દોમાં તમને આ વાત કહેવી હોય તો, સદા નવોદિત રહી શકતા પ્રિય કવિ! ‘બધા સૂર ખિલાવજે મનુજ ચિત્ત સારંગીના, /બધાં ફલક માપજે મનુજ શક્તિ સીડી તણાં.’

સ્વાગત અને શુભેચ્છા અને અપેક્ષા……

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૩૦ જૂન ૨૦૨૦

સ્વાગત, શુભેચ્છા અને અપેક્ષા… – સિતાંશુ યશશ્ચન્દ્ર આપણે સહુ પોતપોતાનાં આયુષ્યના વિવિધ તબક્કાઓમાંથી ક્રમેક્રમે પસાર થતા હોઈએ છીએ. શૈશવથી શવાવસ્થા ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-નિબંધ, યુવા-વિવેચના પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1. ‘યુવા સ્વર’-ની કવિતા. પાયલ ધોળકિયા, ભુજ 2. ટેરવાં ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૬ મારા કુટુંબમાં એક લગ્નપ્રસંગે હું ભાવનગર ગયેલો. લગ્નવિધિ ચાલી રહ્યો હતો ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן મેઘ જાણે બીજા કેશવ (આકાશ ઓળંગવા પ્રવૃત્ત) -વિજય પંડ્યા મેઘ જાણે બીજા કેશવ ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી નમીએ તેને, જેની છાતીએ કૌસ્તુભમણિમાં વિલસે, લક્ષ્મિમુખા, મૃગવહોણું શશીબિબ્બ સૂર્યબિંબેશું.  ૧૫૧ શોકયોને સુખ રાણા માં, ...
સંભારણાં (૩)... નિરંજન ભગતને અપાયેલ ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’નો  કાર્યક્રમ - રૂપલ મહેતા, અમદાવાદ. નિરંજન ભગતને અપાયેલ ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’નો કાર્યક્રમ, ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ ચાર ચતુર સ્ત્રીઓ   ચાર ચતુર સ્ત્રીઓ એક હતો રાજા. તેના રાજ્યના પ્રજાજનો સુખશાંતિથી રહેતા ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  નોળવેલની મહેકની  15 એપ્રિલ 2020ની આશાસ્પદ કૃતિઓ અંગે બારીન મહેતા, અમદાવાદ પ્રસ્તુત નોળવેલમાંની 13 કાવ્યરચનાઓ અને ...