સંભારણાં (૨): કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત

સંભારણાં (૨)...

 

કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત...

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, કવિલોકની સુવર્ણજયંતી મહોત્સવ નિમિત્તેના, કવિલોકના આદ્યસ્થાપક આદરણીય રાજેન્દ્ર શાહ સાથેના એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મારા માટે સંસ્મરણ બની ગયું.

સામાન્ય રીતે, વ્યસ્તતાને લીધે પરિષદના દરેક કાર્યક્રમોમાં હું હાજર નથી રહી શકતી –પરંતુ, બુધવાર, તા.૧૩-૨-૨૦૦૮ની વાત કરીએ. કાર્યક્રમની પૂર્વભૂમિકા તો ભગતસાહેબે અમારા માટે અગાઉથી બાંધી જ દીધી હતી, કે માત્ર કવિતાને વરેલું કવિલોક દ્વિમાસિક, ૧૯૫૭થી શરૂ થયેલું અને તેનો પ્રથમ અંક મુંબઈથી પ્રકાશિત થયો હતો. પ્રથમ અંકના પ્રથમ કાવ્યની શરૂઆત નિરંજન ભગતના કાવ્યથી થઈ હતી.

મેં કવિ રાજેન્દ્ર શાહને માનપૂર્વક વાંચ્યા તો ઘણા હતા, પણ કદી સાંભળ્યા નહતા. હવે વધતી જતી ઉંમરને કારણે તેઓ બહાર પણ જતા નહતા. કદાચ તેમને મળવાની તક ફરી ન પણ આવે –એવા વિચારમાં મારા અન્ય રસનો –ટેકનોલોજીનો- વિચાર ભળ્યો... કે આ નવું ડિજીટલ વોઈસ રેકોર્ડર તાજેતરમાં ખરીદ્યું છે, તેને અજમાવી જોઉં -સાથે કેમેરા પણ લીધો. હજી (૨૦૦૮ માં) મોબાઈલ ફોનમાં આ બધી સવલત નહતી.

કાર્યક્રમ બીજા માળે હતો. ત્યારે પરિષદમાં લીફ્ટ પણ નહતી. ચિંતા થઈ કે ૯૫ વર્ષના કવિ દાદરા ચઢી શકશે? જોકે તેમણે કદાચ ધારેલું જ હશે -ધીમે ધીમે તેઓ અન્ય સૌ સાથે, કોઈનીય મદદ વિના, ઉપરના માળે આવતા હતા.

રાજેન્દ્ર શાહ શાલ ઓઢીને આવ્યા હતા –આ જાજરમાન કવિને જોતાની સાથે જ વંદન કરવાનું મન થઈ જાય! કાર્યક્રમ જેવો હતો, તેવો જ આ રજૂઆતમાં કંડારાયેલો છે, માત્ર કાવ્યપઠન પૂરેપૂરું નથી લઈ શકાયું –તે ફરી કોઈવાર લઈ શકાય. ભગતસાહેબે કવિવરની ઓળખાણ કરાવી હતી, તેથી ફોટા, ઓડિયો વગેરે લેવાનું સરળ બન્યું.

કાર્યક્રમ પૂરો થયો અને લેવાયેલાં ફોટા, ઓડિયો વગેરે – વિસરાયેલી કોઈ સ્મૃતિની જેમ, કમ્પ્યૂટરના કોઈક ખૂણામાં સંઘરાઈને ક્યાંક જઈ બેઠાં..... તે આજ દિન સુધી સચવાયાં! એ ખૂણામાંથી એ બધું બહાર લાવીને અહીં નોળવેલના અંક સુધી લાવવાની પ્રેરણા માટેનું શ્રેય, હું શ્રી સિતાંશુભાઈને આપું છું. એ વગર આ બધાં સંભારણાં પણ પાણીના પરપોટાંની જેમ કમ્પ્યૂટરની ડિસ્ક પરથી ક્યાંક ઊડી ગયાં હોત...

આભાર, સિતાંશુભાઈ, અમારા સૌ તરફથી!

- રૂપલ મહેતા, અમદાવાદ.

જૂન ૨૦૨૦.

કાર્યક્રમ: કવિલોક - સુવર્ણજયંતી મહોત્સવ. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, તા. ૧૩-૨-૨૦૦૮. મંચ પર: શ્રી ધીરુ પરીખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત

Link: https://youtu.be/lz_O_bLIKdk