મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
- જ્યોતિ ભટ્ટ
પ્રસંગ ૫
૧.
૧૯૭૮ના ઉનાળાની રજાઓ દરમ્યાન શાંતિનિકેતન જઈ તે સંસ્થાનાં મકાનોમાં બનાવાયેલાં ભીંતચિત્રોની છબીઓ લેવા મને ત્યાં બોલાવેલ. એ ચિત્રો ઉપરાંત કલાભવનમાં અને રવીન્દ્રનાથ ટાગોરનાં નિવાસસ્થાન ઉત્તરાયણમાં સંગ્રહાયેલાં તેમનાં મૌલિક ચિત્રો જોવાનો લાભ પણ મળ્યો. ત્યાં સંસ્થાકીય કામકાજ સવારના સમયે કરવાની પ્રથા છે. એથી બપોરથી સાંજ સુધી હું આજુબાજુના સ્થળો જોવાં જતો હતો. એક ગામડામાં ગાર-માટીનાં ઘરની ભીંત પર મને એક સરસ પરંતુ અન્ય કોઈ સ્થળે ન જોયેલ પ્રકારનું ચિત્ર દેખાયું. તેમાં લક્ષ્મી કે કાલિના પ્રતીક જેવાં જણાતાં ત્રણ નાનાં આકૃતિ સ્વરૂપો દોરેલાં હતાં. તેની બાજુમાં એક ફાનસ અને તેની બાજુમાં ચાવીનો એક ઝૂડો લટકાવેલ. દીવાની મેશથી ભીંત પર મોટું કાળું ધાબું પડેલું હતું. કોઈ સ્પષ્ટ અર્થસંબંધ ન હોવા છતાં મને તે ‘કોલાજ’ સમૂહ બહુ પસંદ આવ્યો. તેનીછબી પણ લીધી. જે ત્યાર પછી મને મારી છબીઓમાં વધુ પસંદ આવતી છાબીઓમાંની એક બની રહી છે.
સામાન્ય રીતે હું મારી છબીને શીર્ષક (ટાઇટલ) આપતો નથી. પરંતુ ક્યારેક અપવાદ રૂપે આપ્યાં પણ છે. આ છબીને Black-light (શામળો ઉજાસ) શીર્ષક આપ્યું છે. આ છબી તો ૧૯૭૮મા બની પરંતુ ઘણા સમય પછી, ૨૦૧૨ નાં વર્ષ દરમ્યાન મને ગાંધીજીએ કહેલું એક અંગ્રેજી વિધાન વાંચવા મળ્યું અને હવે તેને આ છબીમાં તેની નીચે લખું પણ છું. તેમણે કહેલું : In the midst of death life persists, In the midst of untruth truth persists, In the midst of darkness light persists” (મૃત્યુમાં જીવન રહેલું છે, અસત્યમાં સમાયું છે સત્ય, અંધકારમાં રહ્યો છે પ્રકાશ).
૧૯૯૦ના વર્ષમાં તાતા કંપનીએ બનાવેલ માત્ર શ્વેત-શ્યામ છબીઓ ધરાવતી ડાયરીમાં મારી જે ત્રણ છબીઓ પસંદગી પામેલી તેમાં આ એક Black-light (શામળો ઉજાસ) પણ હતી.
૨.
ભારતમાં તાતાની ઘણી કંપનીઓ છે. તેમનું મુખ્ય મથક મુંબઈમાં આવેલ તાતા હાઉસમાં (ત્યારે બોમ્બે હાઉસ) છે. તાતા હાઉસ તરફથી દર વરસે એક સુંદર ડાયરી પ્રકાશિત થતી હતી જેમાં વર્ષનાં બાવન અઠવાડિયાં દીઠ દરેક પાનાં પર કોઈ એક વિષય સાથે સંબંધિત રંગીન ચિત્રો – મુખ્યત્વે ભારતીય લઘુચિત્રો પ્રકાશિત કરાતાં હતા. તેમણે જ શરુ કરેલ સંસ્થા એન.સી.પી.એ. (નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ) માં ફોટોગ્રાફી માટે પણ એક ગેલેરી હતી. ગેલેરીના નિયામક સ્વ. પ્રફુલ્લ પટેલનાં આગ્રહથી તાતા હાઉસ તરફથી એક વર્ષે તેમની ડાયરીમાં ચિત્રોને બદલે ફોટોગ્રાફ્સ અને તે પણ માત્ર બ્લૅક એન્ડ વ્હાઈટ - સમાવવાનું નક્કી કરાયું. તે માટે મારી બે કૃતિઓ પણ પસંદ થયેલી. ડાયરી છપાઈ ગઈ પછી મને તેની બે નકલ મોકલેલી. મને એ ડાયરી બહુ ગમેલી. તેથી વધુ નકલો મેળવવા પ્રયત્ન કરેલો. ખરીદવા માટે પણ તૈયારી દર્શાવેલી પરંતુ ઉત્તર મળેલો કે “અમારી કંપનીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓને જ આ ડાયરી આપવામાં આવે છે. તે વેચવા માટે નથી.”
૩.
તે વર્ષના અંતે મારે ઓરિસ્સા જવાનું થયેલું. જતી સમયે તો થેપલાં સાથે હતાં પરંતુ રેલગાડીમાં પાછા આવતી સમયે સાથે કંઈ ખાવા માટેની સામગ્રી હતી નહિ. એક બપોરે મારી સામેની બેઠક પર બેઠેલા બે બાળકોને તેમની માએ કાગળની પ્લેટમાં નાસ્તો પીરસ્યો. મારી આંખો તે પ્લેટ તરફ જોતી રહી. બાળકોની માને થયું હશે કે હું ભૂખ્યો હોવાથી બાળકોની પ્લેટ તરફ તાકી રહ્યો હતો, આથી તેણે મને પૂછ્યું કે કઈક ખાશો ? મેં કહ્યું કે આભાર, પણ આ બાળકો નાસ્તો કરી લે પછી મને એ પ્લેટ જોઈએ છે. મને તેમાં રસ પડ્યો તેનું કારણ એ હતું કે તે પ્લેટસ્ તાતાની ફોટોગ્રાફ્સવાળી ડાયરીનાં એ પાનાં વડે બનાવાયેલી જેના પર મારી છબી છપાયેલી હતી. આ વાત મેં મુંબઈ નિવાસી મારા એક મિત્રને કહી. તેણે મને તે ડાયરીની છ–સાત નકલો લાવી આપી. તેણે કહ્યું કે, મુંબઈના ફોર્ટ વિસ્તારની ફૂટપાથ પર જોઈએ તેટલી મળે છે.
-જ્યોતિ ભટ્ટ
⇔