સ્વાગતનોંધ

એક વિચારગોષ્ઠિ : પરિષદની આ રસકસભરી માટી, યાને

સર્જકતા-ભાવકતાને પોષે એવી સંસ્થાગત ભૂમિકા વિશે

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

 

‘વેબ સાઇટમાં લખો છો અને માટીની વાત કરો છો, સીતાનસુભાઈ? સું તમેય તે?’ એવો ઠપકો હક્ક્પૂર્વક કે નાહક આપનારાઓને જવાબ તો શું આપવાનો હોય? પણ ‘વર્ચ્યુઅલ’, ‘વાસ્તવ’ અને ‘જાણવું’ એટલે શું, એવા પ્રશ્નોમાં રસ પડવા જેટલી ખુલ્લાશ જેમનામાં ગમે તે વયે આવી અને જળવાઈ હોય અને એવા ખરા અર્થમાં જે ‘યુવા’ હોય એવા સહુ સહૃદયો સાથે બેએક વાત, એ નિમિત્તે, કરવાનું મન થાય છે.

પરિષદ હો કે બીજી કોઈ પણ સાહિત્ય કે બીજી કલાઓની સંસ્થા, એની આબોહવા નરવી અને ગરવી ક્યારે અને કઈ રીતે બને? એ માટેની પહેલી શરત એ હોય એ સંસ્થાનું સંચાલન કરનારાં કોઈનાં કઠપૂતળાં ન હોય, જેમનો દોરી-સંચાર કોઈ પણ પ્રકારની સત્તા પડદા પાછળ રહીને કરતી હોય. સંસ્થાનું સંચાલન કઠપૂતળાં વડે કરવાની ગોઠવણ તો એઓ કરે અને સ્વીકારે જેમણે સાહિત્યની કોઈ પણ સંસ્થાનો ઉપયોગ, કીર્તિ માટેની એષણા કે સત્તાલાલસા (કે, ક્વચિત્, પૈસા બનાવવાની ઘેલછા) માટે, કે નાના મોટા પુરસ્કાર મેળવવા માટે કરવો હોય. સંસ્થાના મંચ પર નાચવા થનગનતાં શણગારેલાં પૂતળાં હો કે પડદા પાછળથી એમને નચાવનારા હસ્તકુશળ સત્તા-શોખીનો, બન્ને એ સાહિત્યની સંસ્થા માટે હાનિકારક પુરવાર થાય જ, પણ, એથી વધારે, ગુજરાતી ભાષાના સાહિત્ય માટે તો ઘાતક, ચેપી વાયરસ જેવાં નીવડે.

આપણી સામે બે સવાલો આવે છે : સર્જકતાને પોષે એવી સંસ્થાઓની જાળવણી કઈ રીતે કરવી, એ પહેલો સવાલ. તેમ જ, એ રીતે જળવાયેલી સાહિત્યની કોઈ પણ સંસ્થાએ સર્જકતાને હાનિકારક પરિબળોનો સામનો કરી એને પોષક પરિબળોને ઉત્તેજન આપવાનું કામ કઈ રીતે કરવું, એ બીજો પ્રશ્ન. આ બન્ને પ્રશ્નો તાકીદના બન્યાં છે.

બન્ને મળીને, આખી પ્રજાનો એક પ્રાણપ્રશ્ન આપણી સામે ખડો છે. એનો જવાબ ગુજરાતના લેખકો અને ભાવકો સાથે મળીને આપે.

લેખક, સાહિત્ય સર્જક કોણ? કશુંક રૂપકડું લાગે એવું થોકબંધ લખાણ વારેતહેવારે લખી-છપાવી જાણતો હોય, એ આપણો લેખક? આપણો સાચો અને અપૂર્ણ ન ગણાય એવો લેખક તો એ જે સર્જકતા અને ભાવકતાના વ્યાપક સંદર્ભને પૂરો જાણતો હોય અને એને નરવો રાખવા માટે પોતાનો ગમે તે લાભ જતો કરવા તૈયાર હોય. તો જ એનું સાહિત્ય પ્રાણવાન અને પ્રાણપ્રદ બને, ન કે કેવળ જથાબંધ. એવું સર્જન સહેલું નથી. ‘નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી/ ગાંધીની ગૂજરાત દોહ્યલી જીરવવી’ એવું ઉમાશંકર જોશીએ કહ્યું છે, એની વ્યંજનાઓ સમજ્યા વિના ચાલે નહીં એવા સમયમાં આપણે જીવીએ છીએ.

‘જૂનું નર્મગદ્ય’ અને ‘સરકારી નર્મગદ્ય’ – એવો તફાવત ઓગણીસમી સદીની ગુજરાતી પ્રજાએ પકડી બતાવ્યો હતો. દોરીસંચાર કરનારા ચેટ્ફીલ્ડ જેવા સત્તાપ્રમતને અને એમના કઠપૂતળા જેવા એક નમાલા લેખક-સંપાદકને ઓગણીસમી સદીની ગુજરાતી પ્રજાએ કેવા ઓળખી કાઢ્યા હતા, એની વાત જાણવા-સમજવા જેવી છે. ઓગણીસમી સદીનું કૌવત એક્વીસમી સદી ખોઈ ન બેસે, એ આપણે જોવાનું.

સાહિત્યના બે આવશ્યક અનુબંધો હોય છે : અંગત અને વ્યાપક. સાહિત્યનો સંબંધ વ્યક્તિના આંતર-જીવન સાથે જેવો પ્રગાઢ હોય એવો જ પ્રજાના વ્યાપક જીવન સાથે પણ જળવાય, ત્યારે પ્રજા અને વ્યક્તિની સાચી ‘યુવા-ચેતના’નું જતન થાય. ભક્તિ સંદર્ભે અખાએ લખ્યું છે : ‘ભાઈ, ભક્તિ રૂપી પંખિણી, જેને જ્ઞાન-વૈરાગ્ય બેઉ પાંખ છે’. સાહિત્ય-સર્જકતા પણ બે પાંખે ઊડે છે : વ્યક્તિના આંતર-જીવનનો અંગત અનુભવ, એ એની એક પાંખ. સમકાલીન પ્રજાજીવન અંગેની ઊંડી સમજણ અને એ માટેની નર્મદ અને ઉમાશંકરની હતી એવી નિર્ભય અને સક્રિય ખેવના, એ સાહિત્ય-સર્જકતાની બીજી પાંખ. લાંબું અંતર કાપનારી સાચી સર્જકતા એ બે પાંખે ઊડે. બાકી શહામૃગ જેમ ઠેકાઠેક અને લાતાલાત કરનારાં પંખી પણ હોય.

સાહિત્યની સર્જકતા વિષેના અને સાહિત્યની સંસ્થાઓ વિશેના આવા પ્રાણપ્રશ્નો અંગે આપણે સહુ સાથે મળીને, નિસ્વાર્થ, નિર્ભય અને સક્રિય બનીને વિચારીએ, એ આપણી આ કોરોના કાળમાં, આ વર્ચ્યુઅલ છતાં રિઅલ સ્પેસમાં, પરસ્પર શુભેચ્છા!

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ જૂન ૨૦૨૦

એક વિચારગોષ્ઠિ : પરિષદની આ રસકસભરી માટી, યાને સર્જકતા-ભાવકતાને પોષે એવી સંસ્થાગત ભૂમિકા વિશે – સિતાંશુ યશશ્ચન્દ્ર ‘વેબ સાઇટમાં લખો ...
યુવાસ્વર: આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ. -પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ. ‘યુવા સ્વર’ દ્વારા મોકલેલા ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૫ ૧. ૧૯૭૮ના ઉનાળાની રજાઓ દરમ્યાન શાંતિનિકેતન જઈ તે સંસ્થાનાં મકાનોમાં બનાવાયેલાં ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן વાદળોની ગર્જનાઓથી જર્જરિત થતી દિશાઓમાં -વિજય પંડ્યા હે પર્જન્ય અમારી તરફ બૂમ પાડ, ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી ગજે ગંડથળ ઘસતાં મદમલીન બની કરંજડાળ લહી પિયરથી ફરતાં જાણ્યું વ્યાધવધૂએ પતિનું મરણ. ૧૨૧ સૂકયો ...
સંભારણાં (૨)... કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત - રૂપલ મહેતા, અમદાવાદ. કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત... ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ ચકલીનાં મિત્રો અને હાથી   ચકલીનાં મિત્રો અને હાથી કોઈ એક વનપ્રદેશમાં તમાલવૃક્ષ ઉપર માળો ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  Hima and Vipul Yajnik Priya Sitanshubhai, नोलवेलनी महेक is an outstanding literary feat in this terrible ...