સ્વાગતનોંધ

‘એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે’

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

‘નોળવેલ’-ના સંઘર્ષશીલ સ્થળે ગુજરાતની યુવા પેઢીનાં, એટલે કે પાંત્રીસેક વર્ષથી ઓછી વયનાં લેખકો (કિશોર-કિશોરીઓ, યુવતીઓ-યુવાનો) ઉમંગથી આવે છે, એ સહુનું પરિષદમાં સ્વાગત. એ યુવા પેઢી સાથે સંવાદ સાધવા દર પખવાડીએ ગુજરાતી સાહિત્યના કેટલાક સમર્થ, વિચારવંત અને નિસ્વાર્થ લેખકો પરિષદની આ અગાસીએ આવતા હતા, આવે છે અને આવશે, એનો અમને સહુને ભારે આનંદ છે. પરિષદ એથી ભરીભરી બને છે.

 

 

‘ક્રિટિકલ ડિસ્કોર્સ’ કોઈ પણ ‘ક્રિએટિવ સિચ્યુએશન’ માટે અનિવાર્ય છે. નિરીક્ષાશીલતા વિના સર્જનાત્મકતા ઉદ્ભવે નહીં, ઉદ્ભવે ઉપહસનીય બને. કારયિત્રી અને ભાવયિત્રી પ્રતિભાઓ વચ્ચે એક નિરીક્ષાયુક્ત સંવાદ રચવો, એ કોઈ પણ સાહિત્યજગત માટે એક પાયાનું કામ છે. બે પેઢીઓ વચ્ચે એવો સંવાદ અહીં શરૂ કરાવી આપવાનું આ કામ કરી બતાવ્યું પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહે. બન્ને પોતપોતાની રીતે મૌલિકતાભર્યાં અને સ્વકીય સાહસિકતા ધરાવતાં કવિ છે. પ્રા. સેજલ શાહ ‘પ્રબુધ્ધ જીવન’ જેવા પ્રતિષ્ઠિત સામયિકનાં નવોન્મેષી સંપાદક છે. બન્ને સાથીઓ અધ્યાપનમાં અનેક પહેલ કરનારાં પ્રાધ્યાપકો છે. નવા સ્વરોને ઓળખવા અને કેળવવા, એ એમને મનગમતું કામ છે. ‘નોળવેલની મહેક’ એટલે આ અને આવી ખેવના.

આ આવૃત્તિમાં ગુજરાતના એક ઉત્તમ વાર્તાકાર, બિપીન પટેલની યુવા સર્જકો સાથેની તાજપભરી વાતચીત શરૂ થઈ છે. ‘નોળવેલ’-ના માધ્યમથી બિપીનભાઈ સાથેનો આ સંવાદ યુવા લેખકો ભવિષ્યમાં પણ જારી રાખી શકે. મારી ઉમ્મર જો નાની હોત, હાલ, તો મને પહેલું મન બિપીન પટેલની વાર્તાઓ વાંચવાનું થાત. (નથી તો પણ થાય છે અને એ ઈચ્છાનું અમલીકરણ પણ થાય છે, એ યુવા સર્જકોને જણાવું!- અને મઝા મઝા આવે છે, ફરી ફરી એ સર્જનાત્મક લેખન વાંચતાં!)

‘યુવા સ્વર’ વિભાગમાં પરિષદને મળતી યુવા લેખકોની કેટલીક રચનાઓ તો વાકઈ સુંદર હોય છે. અભિનંદન અને આનંદ. પણ અન્ય ઘણી રચનાઓમાં એક તીખારો હોય છે પણ પેટ્યા વિનાનાં ઈંધણનો ખડકલો પણ ત્યાં હોય છે. જાતે નક્કી કરવાનું હોય છે કે પોતાની સહજ સર્જકતાનું કાળજીથી જતન કરવું છે કે ઝટ ઝટ પાંચ પંદરમાં પૂછાવાનો લ્હાવો લેવો છે?! ઉત્તમ વાચક બન્યા વિના સારા લેખક બનવા જનાર, સમયસર પોતાનું ખેતર ખેડ્યા વિના, લલણીના દિવસોમાં ખભે દાતરડું મૂકી ગામના ખેડૂતો સાથે ચાલી નીકળનાર કોઈ ગાફેલ જેવા લાગે!

‘યુવા સ્વર’ તો પરિષદની ઊગતા લેખકો માટેની કાર્યશાળા છે. ‘નોળવેલ’ની દરેક આવ્રુત્તિમાં, દર પખવાડીએ, ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ સર્જક એ કાર્યશાળામાં જોડાશે અને યુવા સર્જકો સાથે એ પ્રકારનો નાતો જોડશે. વાત લેખનની આવડત કે ફાવટ કેળવવાની નથી – ઠાલી, નામનાના મોહથી કેળવેલી ફાવટ તો સર્જક માટે આત્મ-વિઘાતક બને. મૂળ વાત તો સર્જનાત્મક લેખક હોવું એટલે શું; ગુજરાતી ભાષાના એક સર્જક હોવું, નરસિંહ, નર્મદ, ગોવર્ધનરામ, ગાંધી, ઉમાશંકર, નિરંજન ભગત અને લાભશંકર ઠાકરના વારસદાર તરીકે, અનુજ તરીકે, અને સાથોસાથ પોતીકી રીતે, પોતાના આજના સમયની સભાનતા સાથે જીવવું એટલે શું, એ વિશે મંથન કરવાની વાત છે.

સાહિત્યની સંસ્થાઓ પોતાના લોકશાહી બંધારણ મુજબ ચાલે, સરકારી અફસરો અને મંત્રીઓના નિર્ણય વડે નીમાયેલા પ્રમુખ અને સત્તામંડળો વડે નહીં, એવું કયો સાચો, નીડર અને સ્વાર્થમુક્ત લેખક ન માને અને એ મુજબ ન વર્તે? બિપીન પટેલની એ પરત્વે વિશેષતા એ છે કે એમણે સ્વાયત્તતા ખોઈ બેઠેલી, સરકારે નીમેલા પ્રમુખ વડે ચલાવાતી ‘ગુજરાત સાહિત્ય એકેડેમી’ દ્વારા એમને આપવા નિર્ધારેલા એક મોટા અને મોંઘા પુરસ્કારનો, સર્જનાત્મક કથાસાહિત્ય માટેના પ્રથમ પુરસ્કારનો અસ્વીકાર કર્યો, હજી થોડાક મહિનાઓ પહેલાં. લેખક હોવું એટલે શું, પોતાના સમય સાથે, સમાજ સાથે, સત્તાના વિવિધ પરિબળો સાથે એક સાચો અને સમર્થ લેખક કઈ રીતે સંકળાય, એનો વિચાર આજના યુવા સર્જકો કરે, એ વિનંતી અને અપેક્ષા.

અને એવા આ ‘નોળવેલ’-ના વિચારવંત વિસ્તારમાં સહુનું સ્વાગત.

‘સંભારણાં’-ની નદી તો જે નવાં નવાં નીર, પોષક અને આહ્લાદક, લાવતી જાય છે, એ તો દરેક આવ્રુત્તિમાં જોઈએ-સાંભળીએ છીએ, ત્યારે માણી (અને માની) શકાય છે! એ ‘સંભારણાં’-નાં રચનાર અને રજૂ કરનાર આદરણીય રૂપલબહેન મહેતાનો આભાર, એમને અભિનંદન. નવાઈ તો એ લાગે કે સંસ્થાઓ પોતાના મહત્ત્વના પ્રસંગોનું ઓડિઓ-વીડિઓ રેકોર્ડિંગ કરવાનું ચૂકી જાય ત્યારે એક વ્યક્તિ પોતાની પહેલ અને લગનીથી, કુશળતા અને ચોંપથી એ કામ સંભાળી શકે. રૂપલબહેનની આ પ્રસ્તુતિઓનાં બે પરિમાણ છેઃ ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક અને આર્કાઈવલ મહત્ત્વ ધરાવતી સામગ્રીની જાળવણી અને રસપ્રદ રજૂઆત, એ પહેલું પરિમાણ. બીજું પરિમાણ, એ પ્રસ્તુતિઓ દ્વારા ગુજરાતી સાહિત્ય અને સર્જકતા અંગેના મહત્ત્વના પ્રશ્નો, ચર્ચાઓ, નિવેદનો અને ઉહાપોહને આજના સંદર્ભે ફરી વહેતાં મૂકવાં, એ. એ ઉપરાન્ત દરેક આવ્રુત્તિની સમગ્ર ડિઝાઈન અને વેબ-પ્રસ્તુતિના ‘આર્કિટેક્ટ’ પણ રૂપલબહેન છે. એમનો સાદર આભાર.

જ્યોતિભાઈ ભટ્ટ જેવા વિશ્વવિખ્યાત ચિત્રકાર-ફોટોગ્રાફરની ડાયરી પરિષદના મંચ માટે મેળવી આપવી, ‘નોળવેલ’-માં દર પખવાડિયે એ ડાયરીમાંથી પસંદ કરેલો એક અંશ, એની સાથે જતા ફોટોગ્રાફ સાથે જોડી, પ્રસ્તુતિ માટે મોકલવો, એ કેવળ સ્નેહ અને સજ્જતાનું કામ છે. એ માટે ગુજરાતના એક અનોખા કવિ-ચિત્રકાર અને વડોદરાની વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ગોલ્ડ મેડલિસ્ટ સ્નાતકોત્તર વિદ્યાર્થી (એક નહીં, એ વર્ષના બંને સુવર્ણ ચંદ્રકો અને મ સ યુનિવર્સિટીનો પ્રતિષ્ઠિત નસરીન મોહમદી એવોર્ડ પ્રાપ્ત કરનાર) અને હવે પ્રાધ્યાપક એવા પીયૂષ ઠક્કરનો આભાર.

પ્રોફેસર વિજયભાઈ પંડ્યાનું સ્થાન સંસ્કૃત સાહિત્યના ભારતભરના ઉત્તમ રસજ્ઞ વિદ્વાનોમાં શોભે છે. સંસ્કૃત સાહિત્યના     વિશાળ રત્નભંડારમાંથી વીણી વીણીને ઉત્તમોત્તમ સામગ્રી, ઋતુઋતુનાં કાવ્યો, પોતાની સૌંદર્યમર્મજ્ઞ નોંધ સાથે પરિષદના સહુ સાથીઓ સમક્ષ પ્રસ્તુત કરે છે. એમના સ્નેહભાવનું પરિષદ હૄદયપૂર્વક સ્વાગત કરે છે.

‘એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે’ મિત્રો! ‘જય જય ગરવી ગુજરાત!”

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : sitanshuy@gmail.com.

સેજલ શાહ : sejalshah702@gmail.com

સમીર ભટ્ટ : sameer.p.bhatt13@gmail.com

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૩૧ જુલાઈ ૨૦૨૦

‘એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે’ – સિતાંશુ યશશ્ચન્દ્ર ‘નોળવેલ’-ના સંઘર્ષશીલ સ્થળે ગુજરાતની યુવા પેઢીનાં, એટલે કે ...
વધુ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-સંવાદ, યુવા-વિવેચના પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1. જીવણ ઝાંપો ઝાલો મનીષ શિયાળ shiyalmanish1996@gmail.comm 2. ફાજલ ...
વધુ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૮ 1955માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમી સ્થપાઈ તે જ વર્ષથી ત્યાં રાષ્ટ્રીય ...
વધુ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן -વિજય પંડ્યા ઔર ભી દુ:ખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા સંસ્કૃત સાહિત્ય ...
વધુ...
સંભારણાં (૫)... રવીન્દ્રભવન: રવીન્દ્ર-સાહિત્ય, રવીન્દ્ર-વિચાર વિષયે શ્રી નિરંજન ભગત સાથે પ્રશ્નોત્તરી તા.૪-૧૦-૨૦૧૭, ગુજરાતી સાહિત્ય પરિષદ. - રૂપલ મહેતા, અમદાવાદ. રવીન્દ્રભવન: ...
વધુ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  ⇔ આપના અભિપ્રાય આવકાર્ય:  સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ ...
વધુ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.