સંભારણાં (૪): ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન કાર્યક્રમ

સંભારણાં (૪)...

 

ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન

તા.૨૧ જુલાઈ ૨૦૦૦

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

તા.૨૧ જુલાઈ ૨૦૦૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયેલ ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન કાર્યક્રમ

૨૧ મી જુલાઈ ૧૯૧૯... ૨૧ મી જુલાઈ ૨૦૦૦... ૨૧ મી જુલાઈ ૨૦૨૦...

 

ભગતસાહેબ સાથે એકવાર અમારે ઉમાશંકર જોશીના ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ અનુવાદ વિવરણ અંગે ચર્ચા થઈ હતી –જો ઓડિયો જળવાયો હશે, તો ક્યારેક સંભારણાંરૂપે પ્રસ્તુત કરીશ. નાનકડું , પણ અદભુત પુસ્તક. ગુજરાતીમાં ઉપનિષદ વિષયે ઉત્તમ. અમારામાંનાં ઘણાંએ ડઝનબંધ પુસ્તકો ખરીદ્યાં અને ભગતસાહેબ સાથેની તે પછીની મુલાકાતોમાં અમે તેમની સાથે રીતસર અભ્યાસ ચાલુ કરી દીધો હતો! કાશ, સમયની ઝંઝટ અને પછી તે અધૂરો રહી ગયો...

તા.૨૧ જુલાઈ ૨૦૦૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક હૉલ ખાતે ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન હરિકૃષ્ણભાઈ પાઠકે કર્યું હતું. સ્વાગત પ્રવચન પ્રકાશભાઈ ન. શાહે કર્યું હતું અને સ્વાધ્યાયપીઠની ભૂમિકા રઘુવીરભાઈ ચૌધરીએ બાંધી હતી. અતિથિવિશેષ હતા, બળવંતભાઈ પારેખ અને વિશેષ અતિથિ હતા, બાલકૃષ્ણભાઈ મહેતા. આપણાં કવિ મહાનુભાવોના પ્રવચનો અને કૃતિપઠનથી અમે સૌ શ્રોતાઓ ‘ઉમાશંકરમય’ બની ગયાં હતાં!

 

નિરંજન ભગત રેડિયો ઉપર પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં ઉમાશંકરને પ્રશ્નો પૂછે છે
નિરંજન ભગત રેડિયો ઉપર પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં ઉમાશંકરને પ્રશ્નો પૂછે છે

ઉદઘાટન કરતાં ભગતસાહેબે કહ્યું, “ઉમાશંકર માત્ર ગુજરાતની સીમામાં સીમિત નથી. એ ગુજરાતી ભાષાના ભારતીય કવિ છે. આમેય એમની જીવનદ્રષ્ટિ જ એવી હતી. માત્ર ગુજરાતના જ નહિ, તેઓ આખાય ભારતના હતા. કોઈ પણ કવિ (જો તે સાચો કવિ હોય તો) માત્ર ગુજરાતનો કે ભારતનો નથી હોતો. તે જગતનો હોય છે. હવે સમય એવો આવ્યો છે કે આપણું સાહિત્ય ભારતની સીમાની પાર પણ જશે....”

સાહિત્યરસિક શ્રેષ્ઠી બળવંતભાઈ પારેખે સારસ્વત કવિશ્રી ઉમાશંકર જોશીની સ્મૃતિ જળવાઈ રહે એવા ઉમદા ઉદ્દેશ્યથી ગુજરાતી સાહિત્ય પરિષદને સ્વાધ્યાયપીઠ અંગે દાન થકી જ્યોત પ્રગટાવી, અને ઉમાશંકર જોશીની નેવુંમી જન્મજયંતી પ્રસંગે પ્રસ્તુત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની માહિતી  પરબ, ઓગસ્ટ ૨૦૦૦ ના અંકમાંથી વાંચી શકાશે.

આ સંભારણાં સાથે આજે ઉમાશંકર જોશીને આ માધ્યમ (ડિજિટલ મીડિયા) થકી, ભારતમાં અને સીમા પાર પહોંચાડવાનો પ્રયત્ન આપણે કરીએ. સંભારણારૂપે જે ઓડિયો જળવાઈ છે, તેના કેટલાંક અંશ આ વીડિયોમાં પ્રસ્તુત છે.

૨૧મી જુલાઈ ૧૯૧૧થી ૨૧મી જુલાઈ ૨૦૦૦... અને હવે ૨૧મી જુલાઈ ૨૦૨૦થી આ સ્મૃતિ સદા માટે સચવાઈ રહે, તેવી આશા સાથે,

આપણે ઉજવીએ – ઉમાશંકર જોશીની જન્મજયંતી, અહીં ‘નોળવેલની મહેક’ની આ વર્ચ્યુયલ સ્પેસ પર.

 

- રૂપલ મહેતા.

૧૫ જુલાઈ ૨૦૨૦

જો આ વીડિયોના કોઈ વિશેષ વિભાગને સાંભળવો હોય, તો નીચેની સીધી લીન્કનો ઉપયોગ કરી શકાશે:

 

 

કાર્યક્રમ:

ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન કાર્યક્રમ.

સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, તા.૨૧ જુલાઈ ૨૦૦૦.

 

કોઈ વિશેષ વિભાગની સીધી (Direct) લીન્ક: 

વક્તા:
નિરંજન ભગત
વક્તા:
બળવંતભાઈ પારેખ
વક્તા:
બાલકૃષ્ણભાઈ મહેતા
વક્તા:
માધવ રામાનુજ
વક્તા:
મહેન્દ્ર મેઘાણી
વક્તા:
ભોળાભાઈ પટેલ
વક્તા:
લાભશંકર ઠાકર

 

કાર્યક્રમની લીન્ક - Link: https://youtu.be/ysvUCdijJOU