અવિસ્મરણીય રસજ્ઞ વિદ્વાન
ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબની કલમે
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી
વર્ષા ઋતુનાં આલેખનોના અનુવાદ
-ડૉ. હરિવલ્લભ ભાયાણી
જો કે બની શકે એ વર્ષા ઋતુ રૌદ્ર અને ભયાનક...
1.
મૃગયા
જો ! રૌદ્ર વર્ષાઋતુ-રાજ ધાયો
હસ્તે મહા ઈંદ્રધનુ ઊઠાયો
ને સદ્ય વિદ્યુત્-શર તીક્ષ્ણ સાંધ્યું
ક્રંદંત અભ્ર-હરણું પડ્યું મર્મવીંધ્યું.
(કવિઃ કોદણ્ડ.) (ગ્રંથઃ સ્વયંભૂછંદ).
* *
2.
કોણ નભને
વીજરૂપી હેમના ચાબૂકથી ફટકારતું?
ભીતરેથી વેદનાના શા ઊઠે ગર્જન-બરાડા!
(કવિઃ વાલ્મીકિ.) (ગ્રંથઃ રામાયણ.)
* *
3.
હાથવેંતમાં વ્યોમ લાવતા,
વામણી કરતા સર્વ દિશા;
ને ડુબાડતા ક્ષણ ઘનગર્જનમાં
જલધારાનો અવિરત શોર
‘અણડૂબ્યું કો બાકી રહ્યું સ્થળ? – ‘
ઝળહળ વીજનયન વિસ્ફારી
આખી ધરાને જોઈ વળે
આ રાત્રીભર વરસંતા મેઘો.’
(કવિઃ પાણિની) (ગ્રંથઃ સુભાષિત રત્ન કોશ)
અને
* *
કેતકી-પરાગ કેરી અંગ અંગ ચોળી ભસ્મ,
નીલ અભ્ર-કેશ પર હિલોળતી બલાક્પંક્તિ-ખોપરી નિબધ્ધ,
સ્ફુરંત વીજ કેતુએ સજેલ ઇંદ્રચાપ-ખંડ-દંડ ધારી
આવતો, વિયોગિનીને ડારતો,
શું ઘોર વર્ષાઋતુ અધોરી !
(કવિઃ નરસિંહ) (ગ્રંથઃ સુભાષિત રત્ન કોશ)
* *
તે છતાં, થઈ નિર્ભય….
* *
મેઘમાળ ભીતરથી વછૂટ્યા,
કેવડિયે મઘમઘતા
કમળ શીતળ આ સુખદ વાયરા
કોઈ પીઓ, કોઈ પીઓ!
(કવિ; વાલ્મીકિ.) (ગ્રંથ; રામાયણ.)
⇔