મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૭)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

- જ્યોતિ ભટ્ટ

પ્રસંગ ૭

 

Three Girls, Kachchh, 1979
Three Girls, Kachchh, 1979

 

નોળવેલની મહેક : ૩૦ એપ્રિલ ૨૦૨૦ના અંકમાં મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો પૈકીના પ્રસંગ : ૨–માં જેમની વાત કરી છે તે, ગુલબેગ ભાઈની પુત્રી અને પુત્ર બન્નેનાં લગ્ન એક સાથે ૧૯૭૯માં યોજાયેલ, ત્યારે તેમના સગાસંબંધીઓ તો ખરા જ પરંતુ 'શ્રુજન' ની સાથોસાથ મને અને મારા બે છબીકાર મિત્રો (સ્વ.) કિશોર પારેખ અને રાઘવ કનેરીયાને પણ નિમંત્રણ મળેલ. અમે આ લ્હાવો જતો કરીએ એ શક્ય જ ન હતું.

 

લગ્ન સાથે સંકળાયેલ વિધિઓ ચાલી રહી હતી. આ જોવા કુતૂહલવશ ત્યારે, તે ગામમાં ચામડાનું કામ કરતા એક કુટુંબની ત્રણ નાની છોકરીઓ પણ આવેલી અને એક બાજુ જરા દૂર આવેલ ભીંત પાસે ઉભેલી. આ દૃશ્ય મારી નજરે ચઢી ગયું.

 

૨૦૦૧ દરમિયાન આવેલ ભયંકર ભૂકંપને લીધે કચ્છનાં ઘણાં ગામો નાશ પામ્યાં ત્યાર પછી કચ્છમાં ઘણા નવા ઉદ્યોગો શરુ કરાયા છે. અને કચ્છ ઘણું બદલાઈ પણ ગયું છે. જોકે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે શિયાળામાં રણોત્સવ મેળાઓ અને કાર્યક્રમો યોજાવા લાગ્યા છે. તે માટે ભારતીય સિનેમા જગતના સુપરસ્ટાર ‘અમિતાભ બચ્ચન' ટેલિવિઝન તથા સિનેમાઘરોના પરદા પર કહેતા રહે છે કે, “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા''.

 

ચાલીસેક વર્ષ પહેલાની આ છબીમાંની મુગ્ધા બાલિકાઓની યાદ આજે પણ એવી ને એવી જ મારી આંખો સામે તરવર્યા કરે છે. અમિતાભ બચ્ચનની જેમ મને પણ કહેવાનું મન થાય છે કે : “અગર આપને યહ લડકીઓકો દેખા તો સારા કચ્છ દેખ લિયા”

.

 

-જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ: [email protected]