અભિપ્રાય

અહેવાલ:

ફરી વિષાણુ સામેની વીજાણુની લડત માટે નોળવેલની મહેક

(‘પરબ’ નવેમ્બર ૨૦૨૦)

- અભિજિત વ્યાસ

 

લાંબી ચાલેલી આ વિષાણુ સામે વીજાણુની લડતમાં ફરી ફરી નોળવેલની મહેક લેતા રહેવી જોઈશે. આ મહેક જ આપણને વિષાણુની સામે લડવાની શક્તિ પૂરી પાડશે. ૩૧ જુલાઈ અને ૧૫ ઓગસ્ટના વેબ અંકમાં પસાર થતાં મારું ચિત્તતંત્ર ફરી મહેકવા લાગ્યું. પરિષદપ્રમુખ લખે છે, “ ‘નોળવેલ’ -ના સંઘર્ષશીલ સ્થળે ગુજરાતી યુવા પેઢીનાં, એટલે કે પાંત્રીસેક વર્ષથી ઓછી વયના લેખકો (કિશોર-કિશોરીઓ, યુવતીઓ-યુવાનો) ઉમંગથી આવે છે, એ સહુનું પરિષદમાં સ્વાગત. એ યુવા પેઢી સાથે સંવાદ સાધવા દર પખવાડિયે ગુજરાતી સાહિત્યના કેટલાક સમર્થ, વિચારવંત અને નિસ્વાર્થ લેખકો પરિષદની આ અગાસીએ આવતા હતા, આવે છે અને આવશે, એનો અમને સહુને ભારે આનંદ છે. પરિષદ એથી ભરી ભરી છે.”

‘નોળવેલની મહેક’નો એક મહત્ત્વનો વિભાગ ‘સંભારણાં’ છે. જેમાં પરિષદના આર્કાઇવ્સમાંથી જૂનાં ધ્વનિમુદ્રણોને રજૂ કરવામાં આવે છે. રવીન્દ્રભવનના ઉપક્રમે નિરંજન ભગત સાથેની પ્રશ્નોત્તરી (૩૧ જુલાઈ), ભોળાભાઈ પટેલ જોડેની વાતચીત (૧૫ ઓગસ્ટ), ‘સંભારણાં'-૮માં રામનારાયણ વિ. પાઠક અને ‘સંભારણા'-૯માં બળવંતરાય ઠાકોર વિશે સાંભળવા મળે છે. તો સંભારણાં-૧૦માં શેક્સપિયરના કિંગ લીયર વિશે નિરંજન ભગતને સાંભળીએ છીએ. આમાંનાં કેટલાંક ધ્વનિમુદ્રણો અત્યંત જૂનાં છે તેથી તેની ધ્વનિ ક્વૉલિટી નબળી છે. અલબત્ત આ ધ્વનિમુદ્રણને સુધારવાનો પ્રયત્ન પણ થયો છે. ‘સંભારણાં’ના કારણે જ જૂનાં પ્રવચનોને આપણે ફરી ફરી સાંભળી શકીશું.

‘મારા ફોટોગ્રાફી સાથેના પ્રસંગો’માં પ્રસિદ્ધ ફોટોગ્રાફર જ્યોતિ ભટ્ટનાં આત્મકથાત્મક વૃત્તાંતો, એમણે ઝડપેલી તસ્વીરોના સંદર્ભે વાંચવા મળે છે. આ પ્રસંગો-૮ (૩૧ જુલાઈ)માં ૧૯૭૪માં શાંતિનિકેતનની યાત્રાએ ગયેલા, ત્યારની હાવડા (કલકત્તા) સ્ટેશન પર લીધેલી તસવીર જેવા મળે છે. આ તસવીરના કારણે એમને જર્મનીમાં યોજાતા 'ફોટોકિના’માં જવાનો અવસર મળે છે. પ્રસંગ-૯માં (૧૫ ઑગસ્ટ) આંખના ઑપરેશનના કૅમ્પની બે તસવીરો જોવા મળે છે. આ બન્ને તસવીરોની પરફેક્ટનેસ સરસ છે. પણ વધુ તો દસ્તાવેજી છે. પ્રસંગ-૧૦માં (૩૧ ઓગસ્ટ) – સેલ્ફ પૉર્ટેટ’ (૧૯૭૭) તથા જયોતિભાઈએ પોતાની સ્વયં લીધેલી તસવીરો ‘સેલ્ફ પૉર્ટેટ' (૧૯૬૭) જોવા મળે છે. પ્રસંગ-૧૧ (૧૫ સપ્ટેમ્બર) ડબલ સેલ્ફ પૉર્ટેટસ  (૧૯૬૯-૯૩) માં રૂમાલમાં જોવા મળતી માનવચહેરાની આકૃતિની ભાત અત્યંત સુંદર છે. પ્રસંગ-૧૨ (૩૦ સપ્ટેમ્બર)માં

ચિત્રકાર બેન્દ્રેનાં પત્ની મોનાદેવીનું એક સરસ પૉર્ટેટ બહુ સુંદર જોવા મળે છે. શ્વેત શ્યામ તસવીરોની જે મજા છે એનું આ તસવીરો ઉદાહરણ છે. આ પ્રસંગના સંદર્ભમાં ચિત્રકાર અને ફોટોગ્રાફર જ્યોતિ ભટ્ટનું એક નિરીક્ષણ મને નોંધવું ગમે તે ‘સ્નાન કર્યા પછી કેશ સમાર્જન કરતી નારી એ ભારતીય કલાકારોનો માનીતો વિષય હતો. પ્રાચીન મંદિરોમાં પણ આ વિષયની મૂર્તિઓ કંડારાયેલી જોવા મળે છે.’ અને પ્રસંગ-૧૩ ( ૧૫ ઓક્ટોબર)ના અંકમાં માંડુના પરિવેશ સાથેનો ફોટો જોવા મળે છે. તો જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખને વિશે પણ વાંચવા મળે છે. અહીં એક વાત નથી ગમતી તે બધા ફોટાઓ અત્યંત નાની સાઇઝના જોવા મળે છે તેને બદલે જો મોટો હોય તો તેની વધુ મજા આવે.

આ ઉપરાંત ‘સંસ્કૃત - સુભાષિત – સ્યન્દિકા'માં વિજય પંડ્યાના લેખો અને તેમાં ખાસ જે રીતે ચિત્રોને મૂકીને રજૂ કરવામાં આવે છે એ અત્યંત મનભાવન છે. તો ‘યુવા સ્વર’માં કેટલા બધા નવા સર્જકોને મળવાનું થાય છે ! આ બધા માટે ‘વિષાણુ’ સામે વીજાણુ થી લડતા લડતા ‘નોળવેલની મહેક’ની સમગ્ર ટીમ - સેજલ શાહ, સમીર ભટ્ટ, વસંત જોશી, પીયૂષ ઠક્કર અને રૂપલ મહેતા અભિનંદનનાં અધિકારી છે.

 

(‘પરબ’ નવેમ્બર ૨૦૨૦)

*