સંભારણાં (૧૪): રવીન્દ્રનાથકૃત ચિત્રાંગદા – નિરંજન ભગત

સંભારણાં (૧૪) ...

 

રવીન્દ્રનાથકૃત ચિત્રાંગદા

- નિરંજન ભગત

તા.૨૫-૧૦-૨૦૧૭.

(અંગત રેકોર્ડિંગ)

- રૂપલ મહેતા, અમદાવાદ.

રવીન્દ્રનાથકૃત ચિત્રાંગદા - નિરંજન ભગત, તા.૨૫-૧૦-૨૦૧૭. (અંગત રેકોર્ડિંગ)

 

પ્રસ્તુત રેકોર્ડિંગ તા.૨૫-૧૦-૨૦૧૭ ના દિવસે લીધેલું છે -એટલે કે ભગતસાહેબના અવસાનના માત્ર ત્રણ મહિના પહેલાં...

 

ચિત્રાંગદા વિષે તો નિરંજન ભગતે ઘણી વાર લખ્યું /કહ્યું છે પરંતુ આ રેકોર્ડિંગમાં ભગતસાહેબે, વાતવાતમાં પોતાની અંગત (અંતિમ..?) ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમને 'Chitrangada -a Greek Play...' પર એક લેખ લખવો હતો અને કલકત્તામાં છપાવવો હતો. તે વિશેના પોતાના મંતવ્યો તેમણે અમારી સાથેની આ વાતચીતમાં વ્યક્ત કર્યાં હતાં. ટાગોર-અભ્યાસીઓને કદાચ આ ઉપર મનન કરવું ગમશે.

 

નીચેની લીન્ક ઉપરનું સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રકાશિત ચિત્રાંગદા પરનું અંગ્રેજી વક્તવ્ય માણવું પણ ગમશે:  http://www.nbmt.in/chitrangada/

 

કેટલાંક વર્ષો પહેલાં ભગતસાહેબે પરિષદમાં ચિત્રાંગદા પર વક્તવ્ય આપ્યું હતું, તેનું દૃશ્ય-શ્રાવ્ય તો નથી, પણ 'પરબ'ના જૂના અંકમાંથી લીધેલો આ અહેવાલ જીવંત છે.

 

·

પરબ, અહેવાલ:

ચિત્રાંગદા - નિરંજન ભગત અને ઉત્સુક શ્રોતાગણ

 

ટાગોર પ્રત્યે પક્ષપાત અને એમની પ્રિય કૃતિ, એટલે વક્તવ્ય માટે પૂછતાં જ તરત 'હા' મળી એનો ઉલ્લેખ કર્યો. અને ક.લા.સ્વાધ્યાયમંદિરે કાર્યક્રમની જવાબદારી સ્વીકારી એનો આનંદ વ્યક્ત કરી, ચિત્રાંગદા શી રીતે રચાયું એની થોડીક પૂર્વભૂમિકા બાંધી. માઈક સોંપી દીધું નિરંજન ભગતને.

નિરંજન ભગતે એ સૂત્ર-દોર ઉપાડી લઈને રવીન્દ્રનાથ ટાગોરે 'મહાભારતના ૧૩ શ્લોકમાં વર્ણવાયેલા અર્જુન-ચિત્રાંગદાના નર્યા શુષ્ક પ્રસંગમાંથી કેવી કલાત્મક નાટ્યકૃતિ બનાવી છે તેની વાત કરી. શાકુંતલ વિષે જર્મન કવિ ગ્યુઈથેના ઉદગારો - 'તમારે વસંતઋતુમાં કુસુમો અને શિશિર ઋતુનાં ફળ જોઈએ? પૃથ્વી અને સ્વર્ગ એક પૂરા નામમાં સંમિશ્રિત થયાં હોય તે તમારે જોઈએ? - શકુંતલા હું તારો નામોચ્ચાર કરું છું અને એ તમામ એક સાથે કહેવાઈ જાય છે. ચિત્રાંગદા માટે પણ આ ઉદગારો લાગુ પડે છે વળી, તેમણે કુમારસંભવનાં પાર્વતી અને ચિત્રાંગદાને જોડાજોડ  મૂકી આપ્યાં. પાર્વતી અને ચિત્રાંગદા બંનેને મદન-વસંતની મદદથી રૂપલાવણ્ય મળે છે પણ છેવટે તો બંને ઝંખે છે પ્રેમનો વિજય.

પરંતુ ચિત્રાંગદા માટે આ બધું એટલું સરળ નથી બનતું. અપવાદ રૂપે પોતે પુત્રી તરીકે જન્મી ઉછેર થયો પુત્રવત. વનમાં અર્જુનનો અચાનક ભેટો થવાથી એનું નારીત્વ સભાન થાય છે એટલે બીજે દિવસે નારીવેશ લઈ પ્રેમનિવેદન કરવા ગઈ તો અર્જુન તરફથી જવાબ મળ્યો, 'મેં તો બ્રહ્મચારીવ્રત ધારણ કરેલું છે, પરિયોગ્ય નથી હું વરાંગને.' -પોતે નારી થઈ પુરુષનું મન જીતી ન શકી તેની ચિત્રાંગદાને ભારે ચોટ લાગી. મદન-વસંત પાસેથી ઉછીનું રૂપલાવણ્ય માંગ્યું અને પછી તો એમાં લપેટાયેલા અર્જુનની શબ્દ-શાસ્ત્રથી જે વળે કરી છે!

નિરંજન ભગત કૃતિનું પઠન કરતાં જાય અને અર્જુનને લબડધક્કે લેતા જાય. પહેલું, બીજું, નવમું અને આગિયારમું -એમ ચાર દૃશ્યો આખાં વાંચ્યાં અને વચ્ચે વચ્ચેનાં દૃશ્યોમાંથી થોડું થોડું વાંચ્યું. થોડા ટૂકડા બંગાળીમાંથી પણ વાંચ્યા. છેલ્લે છદ્મવેશી રૂપને વટાવીને સાચા પ્રેમનો વિજય થાય છે ત્યારે નિરંજન ભગતે કહ્યું, 'ચિત્રાંગદા એ રૂપ-અરૂપ નહીં પરંતુ સ્વરૂપને પામવાની વ્યથાની કથા છે.'

વળી, તેમણે ટાગોરના બહુધા વિદિત ચિંતનને દોહરાવ્યું - 'વૈરાગી સાધને મુક્તિ, શે આમાર નોથ -ચિત્રાંગદા એનું દ્યોતક છે. આ સુધામય, મધુમય સંસારની વચ્ચે રહીને મુક્તિ મેળવવાની છે. આ સંસાર ક્ષણભંગુર છે મિથ્યા છે એવો અભિગમ ટાગોર માટે ક્યારેય આરાધ્ય નથી. માટે તો ટાગોર કવિ-સંત કહેવાયા છે સંતકવિ નહીં.

નિરંજન ભગતે ટાગોરનું ત્રીજું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરતાં કહ્યું મિથ્યાની ઉપાસના કરતાં કરતાં છેવટે તેમાંથી સત્ય શોધવાનું છે અને સ્વીકારવાનું છે. ચિત્રાંગદાના રૂપલાવણ્યની ઉપાસના કરતો અર્જુન છેવટે તો વીરાંગના ચિત્રાંગદાને જ પામે છે અને બોલી ઊઠે છે - 'પ્રિય આજે તમે કર્યો મને ધન્ય!'

સભાના અંતે પારૂલબહેને અર્જુનની ઉક્તિ થોડા ફેરફાર સાથે ઉપાડી લઈ નિરંજન ભગતનો આભાર માન્યો, 'આજે તમે કર્યાં ધન્ય અમને!'

- રૂપા શેઠ

(પરબ મે, ૨૦૦૦)

·

ઉપરનો અહેવાલ 'પરબ'ના જૂના અંકમાંથી લીધો છે -જાણ ખાતર -જ્યારે જ્યારે ભગતસાહેબ ચિત્રાંગદાની ટાગોર-કૃતિ વિષે વાત કરી છે,  ત્યારે ત્યારે તેઓ કથાની સાથે જે ગૂઢ અર્થ છે, તે ભારપૂર્વક સમજાવે છે - મિથ્યા અને સત્ય, Illusion and Reality - અને એ જ આખા નાટકનો  -જીવનનો- મર્મ છે.

 

આભાર.

રૂપલ મહેતા.

૩૧-૧૨-૨૦૨૦.

(નોળવેલની મહેક)

 

Direct Link:  https://youtu.be/31vUZDsSjdE

 

 

નોંધ: પ્રસ્તુત ઓડિયોની ગુણવત્તા બને તેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ Headphones કે earphones ની જરૂર પડે. સંદર્ભ ફોટા -રજૂઆત  સમજૂતી માટે છે. કોપીરાઈટ યથાતથ. સાભાર.