પંડિત ઓમકારનાથ ઠાકુર

પંડિત ઓમકારનાથ ઠાકુર

- અમર ભટ્ટ

 

કેટલાંક પુસ્તકો પાસે અવારનવાર પહોંચું છું. એમાનું એક છે  "વાગ્ગેયકાર પૂ.પં. ઓમકારનાથ ઠાકુર", જેના લેખક-સંકલનકર્તા-પ્રકાશક ડૉ. પ્રદીપકુમાર દીક્ષિત 'નેહરંગ' છે જેઓ બનારસ હિન્દૂ યુનિવર્સીટીના સંગીત વિભાગમાં કંઠ્ય સંગીતના પ્રાધ્યાપક હતા અને જેમને પંડિત ઓમકારનાથજીના સાન્નિધ્ય સાંપડ્યું હતું  ને એમની પાસે શીખવાનું સદ્ભાગ્ય પણ મળ્યું હતું. આ પુસ્તક મુખ્યત્વે હિંદીમાં છે. એમાં ઓમકારનાથજીનું જીવન ચરિત્ર તો છે જ પણ એમણે આપેલાં વ્યાખ્યાનો અને એમનાં લખાણો ઉપરાંત એમનાં પુસ્તકોની યાદી અને કલાકારો અને સહૃદયીઓએ એમને આપેલી અંજલિ પણ છે.

 

પંડિતજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈ મારા દૂરના મામા થાય જોકે  સંગીતને લીધે અમે ઘણા નિકટ હતા. મારાં મમ્મી(શાલિની ભટ્ટ- લગ્ન પહેલા દિવેટિયા)ની ગરબાની  સંસ્થા "નૂપુરઝંકાર" પ્રથમ કાર્યક્રમમાં 1962માં (મારા જન્મથી પણ પહેલાં) ઓમકારનાથજી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા અને ગુજરાતના ગરબા વિષે અને ખાસ તો ગરબા ફરતાં ફરતાં ગાવાની પરંપરા વિષે એમણે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું એમ મેં સાંભળેલું.

જેમને પ્રત્યક્ષ નહિ મળી કે નહીં સાંભળી શકવાનો મને અત્યંત રંજ છે  એવા આ મહાન સંગીતકાર વિષે આજે થોડુંક કહેવું છે.

સારંગદેવના "સંગીત રત્નાકર"માં વાગ્ગેયકાર માટે આમ કહ્યું છે:

'વાચં ગેયં ચ કુરુતે ય: વાગ્ગેયકારક:'

જે શબ્દ અને સંગીત બંને પ્રયોજે તે વાગ્ગેયકાર કહેવાય. એ રીતે પંડિત ઓમકારનાથ ઠાકુર આપણા મૂલ્યવાન વાગ્ગેયકાર છે.

1943માં ગુજરાત સાહિત્ય સભાએ પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપીને એમનું બહુમાન કર્યું ત્યારે એમણે આપેલા સ્વીકાર પ્રવચનમાં એમણે સાહિત્ય અને સંગીતના સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો પણ  કરેલી:

"સાહિત્ય અને સંગીતને હું તો સદૈવ સહોદર જ માનતો આવ્યો છું, કારણ 'સંગીતમથ સાહિત્યં સરસ્વત્યા: કુચદ્વયમ્'.......

સાહિત્યકાર અને સંગીતકારને માટે માજણ્યા ભાઈ સિવાય અન્ય કયો સંબંધ યોગ્ય ગણાય?.....એક બીજી દ્રષ્ટિ. સાહિત્યનું ઉન્નત અંગ એટલે કાવ્ય અને કાવ્યનો આત્મા એટલે સંગીત કારણ કાવ્યનું વૈશિષ્ટ્ય એની ગેયતામાં છે એમ વેદ પ્રતિપાદે છે."

એ સંસ્કૃત ભાષાના અને ખાસ કરીને સામવેદના ઊંડા અભ્યાસી હતા તે તો એમનું આ વક્તવ્ય વાંચતાં જ જણાઈ આવે છે.

કેટલીક ઉત્તમ ગુજરાતી કવિતાઓ એમણે ગાઈ. અત્રે સુરતના શ્રી કંચનલાલ મામાવાળાનો ઉલ્લેખ કરવો ઘટે, જે પંડિતજીના નિકટના મિત્ર હતા અને ખૂબ સારા સ્વરકાર હતા.('જય જય ગરવી ગુજરાત'નું સ્વરાંકન શ્રી કંચનલાલ મામાવાળાનું છે.)   શ્રી મામાવાળાએ સ્વરબદ્ધ કરેલી બે રચનાઓ ઓમકારનાથજીએ ગાઈ અને તે બંને કાલાતીત બની ગઈ- એક તે કવિ ન્હાનાલાલનું ગીત "વિરાટનો હિંડોળો ઝાકમઝોળ" અને બીજી તે મીરાંબાઈની રચના "રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર".

"વિરાટનો હિંડોળો" તે કાવ્યસંગીતની મેં     મારી બાર વર્ષની ઉંમરે શીખેલી પ્રથમ રચના. એનાં કેટલાંક સુરીલાં સંભારણાં પણ કહેવાં છે-

1977માં- કવિ ન્હાનાલાલ જન્મશતાબ્દિ વર્ષમાં  ગુજરાત યુનિવર્સીટીએ ન્હાનાલાલનાં ગીતોનાં ગાનની હરીફાઈ યોજેલી એનું સ્મરણ આજે પણ તાજું છે. મારી ઉંમર 12-13 વર્ષની. મારાં  મમ્મી ગુજરાત કોલેજમાં સંસ્કૃતનાં પ્રાધ્યાપક હતાં અને એ કોલેજના વિદ્યાર્થીને 'વિરાટનો હિંડોળો ઝાકમઝોળ' તૈયાર  કરાવ્યું હતું. એ  ગીત પ્રથમ આવ્યું.  મમ્મીએ કહેલું કે 'વિરાટનો હિંડોળો' પંડિત ઓમકારનાથ ઠાકુર ગાતા.

એ વખતે મારી ઉંમર 12 વર્ષની. ગુજરાતી વિષયમાં "પંડિત ઓમકારનાથ ઠાકુર" ઉપર એક પાઠ હતો.

કવિતા સંગીતના માધ્યમથી પણ ભાવકો સુધી પહોંચે તેવી મારી આજની શ્રદ્ધાના પાયામાં "વિરાટનો હિંડોળો" છે. એ વખતે હું પણ મમ્મી પાસે એ ગીત શીખ્યો.

 

મેં 1989માં અમેરિકામાં ડૉ. વિક્રમ કામદારને ત્યાં 'વિરાટનો હિંડોળો' ગાયું હતું. આ જ ગીત 2009માં અમેરિકામાં ગાયું- ફરીથી ડૉ. વિક્રમ કામદાર દ્વારા આયોજિત એક બેઠકમાં - (https://youtu.be/zf2G1slpjLs) એમાં ગાયું છે -1989માં  ગાયું તે મારી વીસીની - ચડેલી-લયમાં; 2009માં ગાયું તે મારી ચાળીસીની- ઠરેલ- લયમાં.

રાગ સિંધુરા પર આધારિત આ સ્વરાંકન દાદરા તાલમાં છે. ન્હાનાલાલ અને ઓમકારનાથજી જાણે કે હીંચકે દાદરાના લયમાં ઝૂલી રહયા છે ને એક શબ્દો દ્વારા ને એક એ શબ્દોને સ્વરથી  આભૂષિત કરીને અનંતની લીલા માણી રહયા છે, કૈંક ખોળી  રહયા છે, કૈંક ખોલી રહયા છે ને આ કૈંકની શોધયાત્રામાં આપણને જોડાવાનું આહવાન આપી રહયા છે!  ઉભરતા ગાયક માટે આવાં ગીતો શીખવાં એ લ્હાવો પણ છે અને પાયાની જરૂરિયાત પણ. મમ્મીએ કહેલું  કે પંડિતજી "આભને મોભે" તાર સપ્તકમાં ઊંચે જોઈને આભ તરફ નિર્દેશ કરીને  ગાતા. (આમ પણ  આકાશ જોવા  આપણે ઊંચું જોઈએ છીએ.) વળી એમ પણ સાંભળેલું કે "હિંડોળો" શબ્દમાં રાગ સિંધુરાના સ્વરો હિંડોળો ઝૂલતો હોય એ રીતે ઝૂલાવીને ગાતા.

ન્હાનાલાલનું ગીત "પ્રેમને હિંડોળે જગતજન ઝૂલે" (રાગ અડાણા પર આધારિત) પણ એ ગાતા. એમના જ શિષ્ય પંડિત અતુલ દેસાઈએ  ગાયેલું આ રહ્યું- https://youtu.be/aVhb1dQzr9M

ઓમકારનાથજીએ ગાયેલું મીરાંબાઈનું "રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર" પણ યાદ આવે જ. https://youtu.be/EnVN7AI2Rac   રાજસ્થાની અંગના આ સૂઝપૂર્વકના  સ્વરાંકનની રસસભર પ્રસ્તુતિ પંડિતજીના અવાજમાં જ અહીં માણો ને પછી સૂરદાસની કૃતિ "મૈંયા મૈં નહીં માખન ખાયો"નું ઓમકારનાથજીનું કાયદો અને અદાલતની પ્રક્રિયાનો આધાર લઈને કરેલું સંગીતસભર  અર્થઘટન પણ પંડિતજીની સર્જનાત્મકતાનો પરિચય આપે છે. https://youtu.be/hElaD4xG_mY

શયદાની ગઝલ  પણ એ ગાતા. શાસ્ત્રીય સંગીતની બેઠકો ને કાર્યક્રમોમાં આવી કૃતિઓ એ રજૂ કરતા હશે ને શ્રોતાઓ એ વધાવતા હશે એ દ્રશ્ય જોવાનો લ્હાવો મળ્યો હોત  તો કેવું  સારું એવો વિચાર ઘણી વાર આવે છે.

1897ની 24મી જૂને આ મહાન સંગીતકારનો જન્મ થયો હતો. એમના જન્મ સમયે મેષ રાશિ હોવાથી એમનું રાશિનામ ઈચ્છાશંકર રાખવામાં આવેલું; પણ એમન પિતા ગૌરીશંકર ૐકારના આરાધક હતા. આ પ્રણવમંત્રની સાધનાના સમયમાં એ ગર્ભમાં આવ્યા એટલે એમના જન્મપૂર્વે જ યોગી પિતાએ ઘોષણા કરી કે એમનું નામ ઓમકારનાથ રાખવું. પછી તો એ ગાંધર્વ મહાવિદ્યાલયમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે  સંગીતની આરાધના કરવા  મુંબઈ ગયા. એ પછી સંગીત એમને ક્યાં ક્યાં લઇ ગયું- લાહોર, બનારસ અને વિદેશ પણ…..

"રાગ અને રસ", "આપણી સંગીત સંસ્કૃતિ"  ઉપરાંત  સંગીતના અન્ય વિષયો ઉપર એમણે મનનીય અને વિચારપૂર્ણ વ્યાખ્યાનો સમગ્ર દેશમાં આપ્યાં.

8મી જાન્યુઆરી થી 12મી જાન્યુઆરી 1962 દરમિયાન મુંબઈ યુનિવર્સીટીના પદવીદાન સમારંભખંડમાં એમણે "ગુજરાતકા સંગીતસત્વ" વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતી લોકસંગીતમાં નિહિત ઝુમરા તાલ (14 માત્રાનો તાલ જે સાધારણ રીતે શાસ્ત્રીય  ગાયનમાં  વિલંબિત ખયાલમાં પ્રયોજાય છે), હંસકિંકિણી રાગ, નરસિંહનાં પ્રભાતિયાંમાં આપોઆપ બેસી ગયેલો રાગ શુક્લ બિલાવલ - આ બધું જ એમણે સદૃષ્ટાન્ત રજૂ કરેલું. (કહે છે કે "કાનુડો કામણગારો", "કાળજ કોર્યું તે કોને કહીએ" જેવી દયારામની રચનાઓ અને ન્હાનાલાલનું "વિરાટનો હિંડોળો " એમણે ત્યારે ગાયેલાં.)

એમણે પ્રણવરંજની અને નીલાંબરી જેવા રાગો બનાવ્યા; બનારસ હિંદુ યુનિવર્સીટીમાં સંગીત વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું અને  શાસ્ત્રીય સંગીતના શિક્ષક તરીકે પણ બહુમૂલ્ય પ્રદાન કર્યું અને શાસ્ત્રીય સંગીત ઉપર અનેક પુસ્તકો ને લેખો લખ્યાં. ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીનો અનિદ્રાનો રોગ એમની સમક્ષ એમણે રાગ પુરિયા રજૂ કરીને દૂર કર્યો હતો એમ કહેવાય છે. વિદેશમાં ભારતીય સંગીતના ને ભારતીય સંસ્કૃતિના દૂત તરીકે જનારા એ પહેલા કલાકાર કહી શકાય.

ડિસેમ્બર 29, 1967ના દિવસે એ સ્વરલીન  થયા.

એમના તીખા સ્વભાવની ટીકા પણ ઘણી થઇ અને કેટલાકે તો એમને અહંકારનાથ પણ કહી દીધા. અગાઉ મેં શ્રી મામાવાળાનો ઉલ્લેખ કર્યો. એમની સાથેની  પરમ મૈત્રી પણ મતભેદમાં પરિણમી. તેમ છતાં  શ્રી મામાવાળાએ પંડિતજીના અવસાન પછી અંજલિ આપતા આમ કહેલું -

"મતભેદ થવાથી અમે બંનેએ અન્યોન્યની ખૂબ ટીકા કરી; પણ અંતિમ નિષ્કર્ષ એ નીકળે છે કે પંડિતજી પ્રતિભાશાળી કલાકાર હતા. એમની વિવિધલક્ષી જ્ઞાનગરિમા, એમનું અધ્યયન,ચિંતન,પરિશીલન અને સત્યાન્વેષણ. .... સદીઓ પછી કોઈ એક કલાકારમાં સાથે  મળ્યા અને ખબર નથી કે હવે પછી ક્યારે મળશે. ગવૈયા ઘણા થશે, શાસ્ત્રજ્ઞ પણ ઘણા થશે. બંનેનો સમન્વય કરવાવાળો  કોઈ વિરલો મળી પણ આવે; પણ ઓમકારનાથ ફરીથી થશે કે નહિ એમાં શંકા છે."

 

એમના ગાયેલા રાગ- દેશી, શુદ્ધ નટ, શુદ્ધ કલ્યાણ, નીલાંબરી, તથા માલકૌંસ (જેમાં એ મીરાંનું પદ 'પગ ઘૂંઘર બાંધી મીરાં નાચી ગાતા) અને તે ઉપરાંત એમણે ગાયેલું "વંદેમાતરમ" https://youtu.be/-5BJSmf-a74 અને ભૈરવી રાગમાં ગાયેલું "જોગી મત જા" https://youtu.be/gApWs6LO0Ww  વારંવાર સંભળાતા રહેશે.

યુટયુબ ઉપર માહિતી છે કે 15 ઑગસ્ટ 1947ના દિવસે સરદાર પટેલની ઈચ્છાથી સંસદમાં પંડિતજીએ ખાસ "વંદેમાતરમ" સમગ્ર રીતે પ્રસ્તુત કર્યું હતું.

 

અંતે ગુજરાતના સુખ્યાત શાયર ગનીં દહીંવાલાએ ઓમકારનાથજીની પ્રથમ પુણ્ય તિથિ પ્રસંગે એમની સ્મૃતિમાં રચેલી આ રચના કહીને અટકું?-

 

"હતા સાધક,સ્વયં સ્મારક ગણાયા,

તમે  સ્વરના   પિરામિડે   પૂરાયા.

ગહન કો અર્થ સમ ઊંડાણમાં રહી

સરળ કો  શબ્દ  પેઠે    ઓળખાયા.

હતો સિદ્ધાંતનો સાચો અહંકાર

પરંતુ   પ્રેમથી  જીતી    શકાયા.

મધુર તાનોં, નિજી નવલા પ્રયોગો,

ઋચા સમ સ્પષ્ટ ઉચ્ચારે સોહાયા.

'ગનીં ' ગૂંજી રહી ઘૂમટે મધુરતા

નથી 'ઓમ્ કાર'ના પડઘા વિલાયા"

 

 

- અમર ભટ્ટ

 

સંદર્ભ: "વાગ્ગેયકાર પૂ.પં. ઓમકારનાથ ઠાકુર", લેખક-સંકલનકર્તા-પ્રકાશક ડૉ. પ્રદીપકુમાર દીક્ષિત 'નેહરંગ'

 

*