વિદાય વચન ...
– સિતાંશુ યશશ્ચન્દ્ર
વિદાય વચન
નોળવેલ તો મહેકતી જ રહેશે; સત્તાખોરીના વિષધરોના ફુંફાડા અને દંશ થતા રહેશે; એની સામે જંગે ચઢેલાં સહુ એ વિષધરોનાં ઝેર પેલી વિષહર મહેક વડે ઉતારતા રહેશે. કપટની સામે જે લડે છે એ ભોળપણ નથી, સમજદારી છે અને અણનમતા. એ સમજદારી અને અણનમતાની સાચી સાથી એ આ ‘નોળવેલ’. એ નોળવેલ એટલે સાહિત્ય અને અન્ય કલાઓ. એની મહેક તે આપણી સાહિત્યપ્રીતિ.
એ વેલે ઊગવાની રસાળ માટી તે સાહિત્યમીમાંસા, જેને ગુજરાતના આદ્ય વિવેચક નવલરામ પંડ્યા ‘આનંદની ઉજાણી’ કહેતા હતા. સાહિત્ય માટેની આલોચનદૃઢ પ્રીતિ જ્યાં છે એ સ્થળ આ નોળવેલને પાંગરવાનું સ્થળ. એ સ્થળ જ્યાં હોય ત્યાં આ નોળવેલ તો મહેકતી જ રહેશે. આ ‘નોળવેલની મહેક’ એક જ નહીં અનેક સ્થળે પાંગરી હતી અને આવતી કાલે ફરી અનેક ભૂમિમાંથી પાંગરશે, એ વિશ્વાસ છે.
એવા આ એક સ્થળે, આ વર્ચ્યુઅલ સ્પેસમાં, પરિષદના આ અલૌકિક આંગણે એપ્રિલ 15, 202૦ના કોરોના વિષકાળથી આજ ડિસેમ્બર 2020 સુધી, એ વેલી પાંગરી. એનું નિરંતર જતન કરાનારી ‘નોળવેલ ટીમ’નું આજે વિદાયવેળાએ હૃદયપૂર્વક અભિવાદન કરી એમને અભિનંદન આપું એટલા ઓછા. ‘ન કે ના’વ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ ..’, આ સાથીઓ ડગ્યા નહીં, થાક્યા નહીં અને નિરંતર પ્રયોગશીલ રહી, આ ‘નોળવેલ’-નું જતન કરતાં રહ્યાં. આદરણીય રૂપલબહેન મહેતાએ સહુ માટે અવિસ્મરણીય બને એવાં ‘સંભારણાં’ના આલેખન વડે આપણા પ્રાણવંતા પૂર્વજોને પ્રત્યક્ષ કરી બતાવ્યા. મહામના, વિશ્વવ્યાપક સાહિત્યસંચેતનાથી સભર એવા કવિવર નિરંજન ભગતનું ચૈતન્યવિશ્વ આ ‘સંભારણા’ દ્વારા જીવંત રૂપે આજ સુધી આવ્યું, એ તો, મૂળ પ્રસંગોને આજે યે પાછા પ્રગટ કરી શકતી રૂપલબહેનની પ્રભાવક નોંધોને આભારી છે. ‘આર્કાઈવ્ઝ’ને એ રીતે ‘કન્ટેમ્પરરી’ બનાવવાં, ગતકાલને ફરી સમકાલીન બનાવવો, એ જે તે વાત નથી. એ જ તો આ નોળવેલની ખરી તાકાત છે. પરિષદની સમગ્ર વેબસાઈટનું જે દક્ષતાથી રૂપલબહેન આજ વર્ષોથી જતન કરે છે એ રીતે આ ‘નોળવેલ’ની આ વર્ચ્યુઅલ સ્પેસમાં થતી બેઠકોનું સ્વરૂપ એમને ઘડી આપ્યું, સાચવ્યું અને નિરંતર વિકસાવ્યું. આ નોલવેલનાં રૂપલબહેન સાચાં સાચવનાર-ઉછેરનાર બન્યાં. પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ તો આ ‘નોળવેલ’નો જે મુખ્ય ઉદ્દેશ, નિરીક્ષાશીલ સર્જકતાનું યુવાવર્ગમાં ઘડતર કરવાનો ઉદ્દેશ, એને ચરિતાર્થ કરવા નિરંતર મથનારાં પરિષદનાં કર્મઠ સાથીઓ છે. કચ્છ-સૌરાષ્ટ્રથી મુંબઈ અને વિદેશો સુધીના વ્યાપક વિસ્તારમાં વસતાં યુવા ભાઈ-બહેનોમાં જ્યાં સર્જકતાનો સ્ફુલ્લિંગ ઝબકતો દેખાયો ત્યાં એ તેજેને સંકોરવાનું કામ આ બે કવિ-પ્રાધ્યાપકોએ ખંતથી અને હેતથી નિરંતર કર્યું છે. યુવા સર્જકો સાથેનો એમનો આ અંગેનો પત્રવ્યવહાર ક્યારેક વાંચવા જેવો છે! કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કરે આ બેઠકોની ‘સ્પેસ’ને, આ આંગણને સુંદર લઘુચિત્રો શોધી શોધીને સુશોભિત કરવાનું કામ કર્યું (જે અહીં મૂકાયેલાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી કાવ્યો સાથે જોઈ શકાય છે), એ એમના કામનું એક પરિમાણ. બીજું પરિમાણ એ કે પીયૂષભાઈ દ્વારા ‘નોળવેલ’ને વિશ્વખ્યાત ચિત્રકાર-ફોટોગ્રાફર જ્યોતિભાઈ ભટ્ટની અન્યથા અપ્રાપ્ય એવી નોંઘપોથીનાં અંશો પ્રાપ્ત થયા. જ્યોતિભાઈની પોતાની આ નોંધો, એમની ફોટોકલાની નિજી યાત્રાના મહત્ત્વના પડાવો વિશેની છે. જે કોઈની પોતાની સર્જકતા હજી યુવા છે એવા ‘નોળવેલ’ના સહુ સહભાગીઓ માટે આ એક લહાવો બન્યો છે. ત્રીજું પરિમાણ આ છેલ્લી બેઠકમાં પીયૂષ ઠક્કરે એક ચિત્રકાર-પ્રાધ્યાપક રૂપે, ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળને આપેલી અંજલી. આકાશવાણી રાજકોટના કેન્દ્રનિયામક કવિ વસંત જોષીએ મેધાણી પરિવાર સાથે ‘નોળવેલ’ની એક મુલાકાત કરાવી આપી.
વિવિધ કલાઓના પાંચ અનૂત્તમ ગુજરાતી કલાકારો, (‘માસ્ટર્સ’) પર કેન્દ્રિત એવી ‘પંચામૃત’ની પ્રસ્તુતિ આપણા પ્રયાસનું એક વિશિષ્ટ પ્રદાન બને છે. શિલ્પ, નૃત્ય, ફિલ્મ, ચિત્ર અને સંગીત, એ પાંચ કલાઓની પરંપરાઓનાં પાંચ વિખ્યાત કલાકારો, ‘માસ્ટર્સ’ વિશે, એ દરેક કલાના આજના પ્રતિભાવંત કલાકાર કે દૃષ્ટિવંત મીમાંસક વાત કરે, એવો આ પંચામૃતનો ઉપક્રમ રચ્યો હતો. એમાં, શક્તિમંત શિલ્પી રાઘવજી કનેરિયા વિશે યુવા કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કર, વિશ્વખ્યાત નૃત્યાંગના, નૃત્યગુરુ મૃણાલિની સારાભાઈ વિશે નૃત્યાંગના પ્રો. પારુલ શાહ; મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર વિશે સાહિત્યમર્મજ્ઞ સંગીતકાર અમર ભટ્ટ; ગુજરાતી સિનેમાના સીમાસ્તંભ રૂપ ક્રુતિઓ, ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ વિશે ફિલ્મકલાવિદ જાવેદ ખત્રી અને ગુજરાતના કલાગુરુ અગ્રગામી ચિત્રકાર રવિશંકર રાવળ વિશે ફરી યુવા ચિત્રકાર-કવિ પીયૂષ ઠક્કર, વાત કરે, એવો ઉપક્રમ રહ્યો.
ગુજરાતના એક ઉત્તમ વિવેચક, સંપાદક, ગદ્યકાર, પ્રાધ્યાપક શિરીષ પંચાલની સીમાસ્તંભ રૂપ ગ્રંથમાળા, ‘ભારતીય કથાસાહિત્ય’માંથી કેટલાક અંશો ‘નોળવેલ’માં પ્રસ્તુત કરી શકાયા, એનો ઉંડો આનંદ છે. એ કામમાં અલ્પપ્રગટ વાર્તાકાર યુયુત્સુ પંચાલની નિઅયમિત સહાય મળતી રહી. એ જ રીતે, ‘ગાથા સપ્તશતિ’નો રસાળ અનુવાદ આપણા સાહિત્યમર્મજ્ઞ પ્રોફેસર (સ્વ.) રાજેન્દ્ર નાણાવટીની કલમે થયો હતો, એના અંશો રજૂ કરવાની અનુમતિ પ્રા. લતાબહેન રા. નાણાવટીએ આપી, એથી પ્રાકૃત ભાષાની એક ઉત્કૃષ્ટ રચનાનો પ્રભાવક પરિચય આ સ્થળે થયો. વિશ્વખ્યાત વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાણી સાહેબે કરેલા અપભ્રંશ કવિતાના વિરલ-સુંદર અનુવાદો પણ, એમનાં પુત્રવધુ કલ્યાનીબહેન ભાયાણીની અનુમતિ મેળવી, અહીં મૂકી શકાયા, એનો આનંદ છે.
જેમ જ્યોતિભાઈ ભટ્ટની કલાકૃતિઓ ઉપસ્થિતિ ‘નોળવેલ’ માટે શક્તિપ્રદ બની એમ પ્રો.. વિજયભાઈ પંડ્યાની અને એમના દ્વારા મળેલી વિશાળ સંસ્કૃત સાહિત્યની વિરલ-સૌંદર્ય-યુક્ત કાવ્યકૃતિઓની ઉપસ્થિતિ પણ ઊર્જાદાયી રહી. વાલ્મીકિ-કાલિદાસ આદિ ઉત્તમોત્તમ કવિઓની કાવ્ય-કંડિકાઓ વિષે જે રસજ્ઞતાથી, તાજપથી અને સ્વૈરવિહારી રીતે પ્રો. વિજયભાઈ પંડ્યાએ આ બેઠકોમાં વાત કરી, એ સ્વયં આપણો એક રત્નકોષ બની ગયો છે.
ગુજરાતની યુવાપેઢી જે ઉમંગથી, પોતીકી રીતે, પોતાના નવા વિશ્વના નવા ઉઘાડ શોધી રહી છે, એ જોતા રહેવું, એ પરિષદનું એક મહત્ત્વનું કામ છે. આજના ‘ઓટિસ્ટિક’ થતા જતા, સ્વલીનતાની રુગ્ણતાથી ગ્રસાતા જતા સાહિત્યિક વાતાવરણમાં એ નવચેતનાને વિવિધ કલાઓની ઉત્કૃટ કલાકૃતિઓનો પરિચય કરાવતાં રહેવું, એ પણ એક તાકીદનું જરૂરી કામ છે. ‘આનંદની ઉજાણી’ અને ‘નોળવેલની મહેક’ દ્વારા એ કામ પરિષદમાં થતું રહ્યું, એનો આનંદ છે.
આ ‘નોળવેલ’નાં બીજ નવી નવી મનોમૄત્તિકામાં, નવે નવે સ્થળે રોપાતાં રહેશે, એ વિશ્વાસ સાથે, સહુને સ્નેહવંદન.
25 ડિસેમ્બર, 2020.
સમા, વડોદરા.
•
‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ
સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].
સેજલ શાહ : [email protected]
સમીર ભટ્ટ : [email protected]
•
સહાયક ટીમનો આભાર:
સેજલ શાહ
સમીર ભટ્ટ
વસંત જોશી
પીયૂષ ઠક્કર
રૂપલ મહેતા
અનુક્રમ:
નોળવેલની મહેકઃ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦
સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.