મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
- જ્યોતિ ભટ્ટ
પ્રસંગ ૧૦
.
મારા ફાઈન આર્ટસ કોલેજના કળા અભ્યાસ દરમિયાન મને ખ્યાલ આવેલો કે, ઘણા કળાકારોએ પોતાના સેલ્ફ–પોટ્રેટ બનાવ્યાં છે. કેટલાકે પોતાના ચહેરા ચિત્ર જોનાર ઓળખી શકે તે રીતે બનાવેલાં અને કેટલાકે પોતે કેવા દેખાય છે તેને સ્થાને પોતે પોતાના વિશે શું ધારે છે અથવા પોતે પોતાને કઈ રીતે જુએ છે તે દર્શાવવા પ્રયત્ન કર્યો છે. આથી, મેં ઉપરોક્ત બંને પ્રકારે અવારનવાર સેલ્ફ–પોર્ટ્રેટ બનાવ્યાં હતાં. રંગ, પીંછી, પેન, પેન્સિલ જેવા માધ્યમો ઉપરાંત કેમેરા દ્વારા પણ મારી છબીઓ લેતો રહ્યો છું.
૧૯૭૭ દરમિયાન એક સમયે કોઈ નાની દુકાનમાં મારા એક મિત્ર સાથે જવાનું બનેલું. તે દુકાનમાં ફર્શ પર પ્લાસ્ટિકની રંગીન ચિતરામણ વાળી સસ્તી ચટાઈ પાથરેલી હતી. તેમાં એક મોટું કાણું પડી ગયેલ. કાણું તથા તેની આજુ બાજુ દેખાતી ભાત મને આકર્ષક લાગી અને જોયા જ કરતો રહ્યો. અચાનક મને તેમાં એક ચહેરા જેવું દેખાયું અને પછી જાણે કે મારો જ ચહેરો ન હોય તેવું લાગવા લાગ્યું. મેં મારા ચશ્મા ઉતારીને પેલા ફાટેલા ભાગ પર ગોઠવ્યા તેથી મારી લાઈકનેસ મારા ચહેરાની એક મહત્વની લાક્ષણિકતા પણ તેમાં ઉમેરાઈ છે એવું મને લાગ્યું.
આ છબી લીધા પછી પણ સેલ્ફ–પોર્ટ્રેઈટ સ્વરૂપે છબી લેવાનું બનતું જ રહ્યું પરંતુ મોટે ભાગે કોઈ ભીંત કે અન્ય સપાટી પર પડતો મારો પડછાયો એ છબીના મુખ્ય વિષય વસ્તુ બની રહેલા.
.
-જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ: [email protected]
⇔