મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠકમાં..
– સિતાંશુ યશશ્ચન્દ્ર
મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠકમાં.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ, 1896ને દિવસે સૌરાષ્ટ્રના ચોટિલામાં થયો હતો. 2020ના ઑગસ્ટની 28મીથી એમની 125મી જન્મજયંતી ઉજવાશે. પરિષદ, એની આ ‘નોળવેલ’ અને વિશેષે કરીને પરિષદનો યુવાસ્વર એ ઉત્સવનો અણનમ આનંદ આ કપરા કાળમાં તો ખાસ અનુભવે. ‘છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે, બાપુ’, એ અમર કાવ્યના રચનારા મેઘાણી બળકટ કવિ તરીકે, લોકસાહિત્યના અનોખા સંશોધક-સંપાદક તરીકે, અનુવાદક-અનુસર્જક રૂપે, નાટ્યકાર, સીનેજગતમાં લટાર મારી આવનાર તરીકે અને એક નિર્ભય, કર્મઠ, સ્વાર્પણશીલ સત્યાગ્રહી માણસ તરીકે, અનેક રૂપે પોતે જ ગુજરાતની નોળવેલ હતા. ભેદની ભીંતોને તોડનારા, વિવિધ પ્રકારની વિભાજકતાનાં વિવિધ વિષો ઉતારનાર ઔષધ સમા એ હતા. વાઙ્મય દેહે હજી છે.
ન કે એ હમેશાં એ રૂપે તરત ઓળખાયા ! એક રમૂજી (એટલે કે ખેદ જન્માવે એવો) પ્રસંગ હમણાં જ ઉલ્લેખેલા ‘છેલ્લો કટોરો’ કાવ્ય સાથે જોડાયેલો છે. ગોળમેજી પરિષદમાં લંડન જવા ગાંધીજી જ્યારે મુંબઈના બારામાં સ્ટીમરમાં ચઢવાના હતા એ જ સમયે મેઘાણીનું એ તાજા જ રચાયેલા (હમેશાં તાજું રહે એવા) કાવ્યની નકલો છપાવીને ડક્કા પર ગાંધીજીને વિદાય આપવા ભેગા મળેલાં લોકોને એ વહેંચવામાં આવી. એમાંનાં એક સન્નારીને લાગ્યું કે અરે, આ તો કોઈ ગાંધી-વિરોધી માણસનું કાવતરું લાગે છે, જુઓ, આ તો એમને ઝેર પીવાનું કહેતી રચના છે. એમણે ત્યાં ધમાલ મચાવવાની શરૂઆત કરી. કેટલાક જોડાયા યે હશે! એ પછી એ સન્નારીને સહુએ સમજાવ્યું કે આ તો ઊંડા હેત, ભારે ચિંતા અને અપાર વિશ્વાસની કવિતા છે! – મેઘાણીને સમજવા સહેલ લાગે, પણ સાચી સમજણ સમય માગે, સમાજની દરેક નોળવેલની, વિશેષે તો સાહિત્ય રૂપી નોળવેલની.
નોળવેલની મહેક અનુભવવા માટે નોળિયો બનવું પડેને?! સાપને એ કેવી લાગતી હશે એ તો એ જાણે !
પણ પ્રતિકાર-રત દરેક નોળિયાને એ વેલીની મહેક કઇંક અલગ આવતી હશેને? મેઘાણીનું એ કાવ્ય દરેક નિર્ભય, નિસ્વાર્થ, પ્રતિકારકારી વાચક પાસે એની પોતાની વિશેષ રીતે ઉઘડતું હશેને? ‘નોળવેલની મહેક’ની એક બેઠક, બને તો સપ્ટેમ્બરની 30મીની બેઠક, આપણે સહુ નક્કી કરીએ તો ઓક્ટોબરની 2જી એ રાખીએ અને એને મેઘાણી અને એમના ગાંધી અંગેની બેઠક બનાવીએ.
તો, ‘નોળવેલની મહેક’ માણતા સહુ કોઈને એમાં ભાગ લેવા આવકાર. ઝવેરચંદ મેઘાણી, તમારા ઝવેરચંદ મેઘાણી, વિશે (એટલે કે ચર્વિતચર્વણ કર્યા વિના, જાણીતી વાતો દોહરાવ્યા વગર) તમને જે લખવાનું, ગાવાનું, ચીતરવાનું, ન્રુત્ય કરવાનું, બોલવાનું મન થાય (કઇંક નવું, તાઝ.બ.તાઝ, અભિનવ, હં! નર્યું ઊર્મિલ નહીં, બળકટ, મેઘાણીને અને બ.ક.ઠા. બને તો બન્નેને, અને તમને પોતાને, ગમે એવું! ) તો એ પ્રો. સમીર ભટ્ટ અથવા પ્રો. સેજલ શાહને વીજાણુ માધ્યમે મોકલી આપશો? સપ્ટેમ્બરની 20મી સુધીમાં, નક્કી. પરિષદ મંત્રી પ્રો. ભરત મહેતા, જેમની મેઘાણી વિશે ઊંડી લગની છે, એ આ પ્રક્રિયામાં, બેઠકમાં જોડાશે.
અને એ અંગેનાં સૂચનો પણ કરજો. કશુંક તમારું પોતાનું, અભિનવ, જેમાં ‘અણદીઠેલી ભોમ’-ની ઝાંખી હોય, ન કે ગાઇડેડ ટૂર, પૅરિસમાં પેંડા-બરફી, લંડનમાં લાડવા અને ન્યૂ યોર્કમાં નવરાત્રીના ગરબા ફરી એના એ ગવરાવતી સ્કીમ!
સ્વાગત.
•
‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ
સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].
સેજલ શાહ : [email protected]
સમીર ભટ્ટ : [email protected]
•
સહાયક ટીમનો આભાર:
સેજલ શાહ
સમીર ભટ્ટ
વસંત જોશી
પીયૂષ ઠક્કર
રૂપલ મહેતા
અનુક્રમ:
નોળવેલની મહેકઃ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦
સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.