સંભારણાં (૬): રવીન્દ્ર મહોત્સવ, ૨૦૧૨

સંભારણાં (૬)...

 

રવીન્દ્ર મહોત્સવ

(આંશિક)

તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ગુજરાતી સાહિત્ય પરિષદ.

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

રવીન્દ્ર મહોત્સવ (આંશિક) -તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ગુજરાતી સાહિત્ય પરિષદ.

રવીન્દ્ર મહોત્સવની તૈયારીઓ તો ક્યારનીય શરૂ થઈ ગઈ હતી - કાર્યક્રમનું આયોજન, વકતાઓ, અતિથિવિશેષ, પ્રકાશન વગેરે વગેરે. નિયમિતપણે બુધવારે સાંજે જ્યારે અમે ભગતસાહેબને મળીએ, ત્યારે તેમણે ‘કાર્યક્રમ યોજાવાનો છે,’ એ કહ્યું હતું, પરંતુ નાની-મોટી બીજી કોઈ જ વિગત તેમણે અમને ક્યારેય નહોતી આપી. મને લાગે છે કે આ તેમનો સવિશેષ ગુણ હતો. તેઓ અહીંની વાત ત્યાં, કે ત્યાંની વાત અહીં – એવી વણજોઈતી વાતો કદીય નહોતા કરતા. જો અમે પૂછ્યા કરીએ, તો તેઓ કહી દેતા, “એ કામ ચાલુ છે,” બસ એટલું જ!

 

પ્રોફેસર ઈન્દ્રનાથ ચૌધરીને પરિષદના હૉલ પર પહોંચાડવાની જવાબદારી મારી હતી. કાર્યક્રમ સમયસર ચાલુ થયો અને પરિષદનો ગોવર્ધનરામ હૉલ આખો ભરાઈ ગયો હતો. આપણાં ગામમાં આટલાં બધાં રવીન્દ્રપ્રેમીઓ છે, તે ખુશીની વાત છે. કાર્યક્રમનો અહેવાલ ‘પરબ’ ના અંકમાંથી  મળી જશે.

આખાય કાર્યક્રમનું સંભારણું તો નિરંજન ભગત સાથે રવીન્દ્રવિચારની આપલે કરતા પરિષદપ્રમુખ (૨૦૧૨) ભોળાભાઈની આંખોમાં જે ચમક દેખાતી હતી, એ છે. વિદ્વાનોની વિદ્વતા તેમની નમ્રતામાં જણાઈ આવે છે. રોજેરોજ યોજાતા કાર્યક્રમોમાં રવીન્દ્રપ્રેમીઓ, સાહિત્યપ્રેમીઓ, સાહિત્યસર્જકો, વિદ્યાર્થીઓએ, રસિકજનો, પરિષદનાં મિત્રો, હોદ્દેદારો, સૌ એકબીજા સાથે હળ્યા-મળ્યા. સફળ કાર્યક્રમની વધામણી સૌએ એકબીજાને આપી.

 

બે માનવીનું મળવું – અનન્ય !

એમાં ય જો આદરસ્નેહ સાંપડે,

ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે;

કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય !

(-નિરંજન ભગત. વિદાયવેળા, ૧૯૫૭)

 

 

અરે, પણ કોઈને ક્યાં ખબર હતી કે કાર્યક્રમ પૂરો થયાના દસેક દિવસમાં, આ જ ગોવર્ધન હૉલમાં, આ જ ભોળાભાઈના નિશ્ચેતન ચરણોમાં અમે ફૂલ મૂકીશું...

ચોવીસમી એપ્રિલે ભોળાભાઈ લખે છે:

“રવીન્દ્રનાથ ગુજરાતીમાં કેવા વંચાય છે? લોકમિલાપે નગીનદાસ પાસે છ પુસ્તકોનો એક સંપુટ – વિવિધ સાહિત્યસ્વરૂપો પ્રમાણે – તૈયાર કરાવ્યો હતો. તે સેટની પાંચ હજાર નકલો થોડા સમયમાં વેચાઈ ગઈ હતી. રવીન્દ્રનાથ સામાન્ય વાચકોમાં વંચાય છે, પણ જોયું છે કે ભાષાસાહિત્યના આજના ઘણા અધ્યાપકોને અને ઘણા નવલેખકોને રવીન્દ્રસાહિત્યનો જરાય પરિચય નથી! એમને કદાચ રવીન્દ્રનાથમાં ‘રસ’ પણ નથી. પરિષદમાં નિરંજન ભગત, શૈલેષ પારેખ આદિ રવીન્દ્રપ્રેમીઓ રવીન્દ્રભવનના ઉપક્રમે દરેક મહિનાના પ્રથમ બુધવારે સાંજે છેલ્લાં ઘણાં વર્ષોથી રવીન્દ્રસાહિત્યની ચર્ચા કરે છે, તેમાં મેં બેત્રણ અપવાદ સિવાય ગુજરાતીના અધ્યાપક કે નવોદિત સર્જકને જોયા નથી.

“ગુજરાતી સાહિત્ય પરિષદે મે ૨૦૧૨ના પ્રથમ સપ્તાહમાં રવીન્દ્ર સાર્ધ જન્મશતાબ્દીના સમારોપના ઉપલક્ષ્યમાં રવીન્દ્રસમારોહનું આયોજન કરેલું છે. સાહિત્યજગત અને વિદ્યાજગતનો કેવો પ્રતિભાવ મળે છે, તે જોવાનું રહે છે....”

-ભોળાભાઈ પટેલ, તા.૨૪-૪-૨૦૧૨. (‘પરબ’ મે-૨૦૧૨)

 

લેખના મહિનાથીય ઓછા દિવસોમાં, વીસમી મે – સૌને એક SMS આવે છે, ‘આપણા ભોળાભાઈ આપણી વચ્ચે નથી રહ્યા...’

 

વંદન, ગુરુજનો. સાહિત્યજગત અને વિદ્યાજગતનો પ્રતિભાવ, આ સંભારણા થકી..

- રૂપલ મહેતા.

૧૫ ઓગસ્ટ ૨૦૨૦

 

નોંધ: આસપાસના અન્ય અવાજને બની શકે તેટલો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં, વધારે સ્પષ્ટતા માટે headphones અથવા earphones  ના ઉપયોગથી કાર્યક્રમ વધુ માણી શકાશે. આશા છે કે સાંભળવા સાથે ઓડિયોની સ્ક્રીપ્ટ –લખાણ પણ મદદરૂપ થશે.

 

કાર્યક્રમ:

રવીન્દ્ર મહોત્સવ

તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ગુજરાતી સાહિત્ય પરિષદ.

 

કોઈ વિશેષ વિભાગની સીધી (Direct) લીન્ક: 

સ્વાગત:
રાજેન્દ્ર પટેલ
સ્વાગત:
ભોળાભાઈ પટેલ
વક્તા:
ઈન્દ્રનાથ ચૌધરી
ગ્રંથ પ્રકાશન:
નિરંજન ભગત
ભૂમિકા: 
પ્રફુલ્લ રાવલ
વક્તા:
નિરંજન ભગત

 

કાર્યક્રમની લીન્ક - Link:

https://youtu.be/RS03GNE9sWw