સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

-વિજય પંડ્યા

 

શરદનાં શુદ્ધ કવિતાવારિ

 

 

ગોરંભાએલાં વાદળોનો ગડગડાટ, સૂસવતા પવનો, ચમકતી વીજળીઓના કડાકા, મૂશળધાર અને રિમઝિમ વરસાદ, કિનારાઓ તોડીને મટમેલાં જળને વહેતી ગાંડીતૂર નદીઓ, આ ધમાચકડીભર્યો સમય ક્યાં જતો રહ્યો ? બધું શમી ગયું, શાંત થઇ ગયું ! આકાશમાં કાળા ડમ્બર મેઘોની જગ્યાએ શ્વેત વાદળો, નદીઓનાં નીર શાંત સ્વચ્છ થઇ બન્ને કિનારાઓ વચ્ચે વહેવા લાગ્યાં,શસ્યશ્યામલા ધરતી દેખાવા લાગી, લાંબા સમય પછી દેખાવા લાગેલો સૂરજ પણ તીક્ષ્ણ બન્યો, વાતાવરણ પક્ષીઓના કલરવથી ગુંજવા લાગ્યું.

 

સંસ્કૃત કવિ આ બે ઋતુકાળ વચ્ચે રહેલો તીવ્ર વિરોધ (contrast) શરદઋતુને ચિત્રિત કરવામાં ઉપયોગમાં લે છે અને સંસ્કૃત ભાષાની લવચીક્તાનો પણ કવિત્વમય પ્રયોગ કરીને ઓછી નાટ્યાત્મક એવી (વર્ષાઋતુના પ્રમાણમાં ) શરદઋતુનું પણ મનોહર ચિત્ર આલેખે છે. આમાં સંસ્કૃત કવિપ્રતિભાનો જય થાય છે.

 

સંસ્કૃત ભાષાના મહાન નાટ્યકાર વિશાખદત્તે તો રાજકીય ખટપટોથી ભરપૂર એક અલગ જ જેનર (genre) પ્રકારનું સમસ્યાપ્રધાન “મુદ્રારાક્ષસ” નાટક આપણને આપ્યું છે. પણ તેમાં એક સ્થળે વિશાખદત્તે શરદઋતુનાં ત્રણ ચિત્રો દોર્યાં છે તે સંસ્કૃત સાહિત્યની પ્રકૃતિ કવિતામાં પ્રસિદ્ધ છે. (અને મુદ્રારાક્ષસ નાટકના આ પ્રકૃતિ ચિત્રો કરતાં પણ વધુ પ્રસિદ્ધ, વધુ માનવીય સંદર્ભથી હૂંફાળું, નિરલંકૃત પણ મોહક ચિત્ર તો કવિઓના કવિ વાલ્મીકિએ આપ્યું છે, જે આપણે આવતાં અંકમાં આસ્વાદીએ પણ ખરા) આમાંથી એકાદ જોઈએ, માણીએ.

 

શનૈઃ શ્યાનીભૂતાઃ સિતજલધરચ્છેદધુલિનાઃ

સમન્તાદાકીર્ણાઃ કલવિરુતિભિઃ સારસકુલૈઃ.

ચિતાશ્ચિત્રાકારૈર્નિશિ વિકચનક્ષત્રકુમુદૈર્

નભસ્તઃ સ્યન્દન્તે સરિત ઇવ દીર્ઘા દશ દિશઃ.

(મુદ્રારાક્ષસ, ૩- 7.)

અનુવાદ: શ્વેત વાદળોના ટુકડાઓના રેતાળ કિનારાઓ ધરાવતી, ધીરે ધીરે લંબાતી જતી, કલરવ કરતાં સારસનાં ટોળાંથી ચારે બાજુ છવાઈ ગયેલી, વિવિધ આકારવાળાં ખીલેલાં નક્ષત્રકુમુદોથી ભરાઈ ગયેલી દીર્ઘ દસે દિશાઓ આકાશમાંથી દીર્ઘ નદીઓની જેમ વહે છે.

 

શરદઋતુમાં વિઝ્યુઅલી ઘણીવાર, ગગન અને ધરતી પરનું વિશાળ સરોવર બન્ને જાણે એક થઇ જાય છે. અહી વિશાખદત્તે ગગનને ધરતી બનાવતું ચિત્ર પોતાની વિરલ સર્જકતાથી અંકિત કર્યું છે.

 

પૃથ્વી પર દીર્ઘ પટે વહેતી નદીઓ છે તો આકાશમાં પણ હવે વિસ્તારને અવરોધતા મેઘ દૂર થયા હોવાથી દિશાઓ પણ વિસ્તરે છે અને તે સરિતાઓ બને છે. આ કવિનું પ્રધાન કલ્પન છે. તો નદીઓને કિનારા હોય તો ગગનની દિશારૂપી સરિતાઓના કિનારાઓ તો શ્વેત વાદળોની થપ્પીઓના બનેલા છે. ધરતી પરની નદીઓનાં કિનારાઓ કલરવ કરતાં સારસ જેવાં પક્ષીઓથી છવાઈ જતાં હોય છે. આકાશ પણ પક્ષીઓથી છવઈ જાય છે.  હવે સમય આવ્યો છે કુમુદોને ખીલવાનો અને તે રાતે ખીલે છે એ આપણે જાણીએ છીએ. તો ગગનમાં વિવિધ આકારવાળા નક્ષત્રકુમુદો (રૂપક અલંકાર) (જે અત્યાર સુધી વર્ષામાં અદ્રશ્ય બની ગયા હતાં !)થી આ સરિતાઓ ખીચોખીચ થઇ ગઈ છે. અને તેથી નદીઓ આમ તો પૃથ્વી પર વહેતી હોય છે પણ અહી આકાશમાં વહેતી છે અને સંસ્કૃત ભાષાની સમૃદ્ધિનો સર્જનાત્મક ઉપયોગ વિશાખદત્તે नभस्त: શબ્દપ્રયોગમાં સાધ્યો છે. નભસ્ત:-નો નભ-આકાશમાંથી એ અર્થ તો દેખીતો જ છે. પણ બીજો અર્થ છે નભ: એટલે શ્રાવણ માસ , અને શ્રાવણ માસમાં આવું બને છે (અને આ લેખ તમે વાંચતા હશો ત્યારે શ્રાવણ માસ હજુ ચાલુ હશે, અને નિખાલસતાથી કહું તો આ નભસ્ત: પરનો શ્લેષ કવિનો નહિ. મારો અને તમારું શ્રાવણ મહિનામાં આ લેખ વાંચવાનું બને. How romantic and dramatic ! એટલે આ પદ્ય અહી હું આસ્વાદવા લલચાઈ ગયો.)

 

 

 

એક સંસ્કૃત કવિએ પોતાની બે પંક્તિની સુભાષિત-કવિતામાં કહ્યું પણ છે (મને અત્યારે સુભાષિત જડતું નથી, પણ સામગ્રી યાદ છે.) કે શરદમાં તો સરોવર અને ગગનમાં સંદેહ થાય છે કારણ કે ચાતકો જળમાં (ગગનનાં જળમાં, હા !) ઊડયા અને ચક્રવાકો આકાશમાં (એટલે કે પૃથ્વી પરના સરોવરમાં,હા !) ઊડયા.

 

અને આ ભાવનું પણ એક બીજું સાદું (અરે સાદગીમાં જ એની રમણીયતા,)સુભાષિત પણ જોઈ લઈએ.

 

ખમિવ જલં, જલમિવ ખં, હંસશ્ચન્દ્ર ઇવ, હંસ ઇવ ચન્દ્રઃ,

કુમુદાકારાસ્તારાસ્તારાકારાકારાણિ કુમુદાનિ.

(સુભાષિતાવલિ, 1801, અજ્ઞાતકર્તુક.)

આકાશ સમું જળ

જળ સમું આકાશ

હંસ ચંદ્ર જેવો

હંસ જેવો ચંદ્ર

પોયણાંના આકારના તારા

તો તારાના આકારનાં પોયણાં !

 

એ કાવ્યઘટક (poetic motif) લઇ ભિન્ન ભિન્ન સમય-સ્થળના કવિઓની સર્જનશીલતા કેવી આહલાદક રીતે વ્યાવૃત થાય છે તેનાં આવાં તો અસંખ્ય ઉદાહરણો સમયના દીર્ઘ પટમાં સંચરતી સંસ્કૃત કવિતામાં મળે !

આ સર્વ ઉપયુક્ત શુદ્ધ કવિતાના ઉત્તમ ઉદાહરણો છે !

પણ પ્રકૃતિ નિમિત્તે માનવને અને માનવ નિમિત્તે પ્રકૃતિને ચાહનારા સંસ્કૃત કવિમાં માનવ સંદર્ભ તો આવ્યાં વિના રહે જ નહિ ને !

યદ્યપ્યહં શશિમુખી વિમલામ્બરશ્રીર્

બન્ધૂકપુષ્પરુચિરાધરપલ્લવાપિ,

ધિગ્માં તથાપિ ગલિતોરુપયોધરત્વાદ્

ઇત્યુચ્ચકૈઃ શરદિયં વહતીવ તાપમ્.

(સુ.ર.કો., 267, મનોવિનોદના નામે.)

હું તો ચંદ્રમુખી

વિમલ સુંદર અંબર (વસ્ત્ર, આકાશ) પહેર્યું છે મેં !

શું મારા ઓઠે લાલિમા ગુમાવી છે ?

બન્ધુક પુષ્પો જેવા રાતા અધરપલ્લવો પણ

મારા લોભામણા નથી ?

છતાં મને ધિક્કાર છે કે

મારાં મોટાં પયોધરો (સ્તન, જળ ધારણ કરનારાં વાદળો)

ગળી ગયાં અને

એમ સંતાપ કરતી શરદ સ્ત્રી

બરાબર તપી રહી છે !

તો, શરદઋતુના સંતાપતા તાપનું કવિતા ઘટક આ સુભાષિતમાં છે. અને તેવું જ, એ જ ઘટક લઈને રચાયેલું બીજું એક સુભાષિત જોઈએ.

 

પણવનિતાયેવ શરદા સંપ્રત્યુપજનિતતીવ્રસંતાપઃ,

ક્ષપયિત્વા ધનસંપદમમ્બરશેષઃ કૃતઃ સવિતા.

(સુભાષિતાવલિ, 1796, શકવ્રુધ્ધિના નામે.)

 

શરદ તો એક પણ્ય સ્ત્રી (રૂપજીવિની, ગણિકા) છે, (પણ આત્માના અવાજવાળી છે.) એટલે એને તીવ્ર સંતાપ થાય છે (બરાબર તપે છે !) કે અરે રે મેં સૂર્ય (સૂર્ય અને ગ્રાહક)ની મેઘની સંપતિ હરી લઈને કેવળ કપડાં (અંબર-વસ્ત્ર, આકાશ)ભેર કરી દીધો !

 

 

 

અને પ્રાચીન ભારતના એ સ્વૈરવિહારી (permissive) સમાજનું પણ એક ચિત્ર જોઈને આ લઘુ લેખ પૂરો કરીએ.

 

ઇહ નિચુલનિકુંજે વંશસંસારભાજિ

સ્વપિમિ યદિ મુહૂર્તં પશ્યસિ ક્ષેત્રમેતત્,

ઇતિ પથિકમકસ્માત્ માર્ગ એવોપવિષ્ટં

વદતિ તરુણકાન્તં ગોપિકા સાઙગભઙગમ્.

 (6175, મહાસુભાષિતસંગ્રહ, અજ્ઞાતકર્તુક.)

 

અહી વાંસનું સાધન (ખાટલો-પર્યંક-પલંગ) ધરાવનાર નિચુલની કુંજમાં હું થોડીવાર સુઈ જઉં છું, તું આ ડાંગરના ખેતરનું ધ્યાન રાખજે, એમ સંજોગવશાત માર્ગ પર બેઠેલા યુવાન, સોહામણા પ્રવાસીને ખેતરની રખેવાળી કરતી યુવતીએ અંગની ભંગીમાં સાથે કહ્યું.

નિચુલ વૃક્ષની નીચે છાયામાં વાંસનો ખાટલો (ચારપાઈ) છે. ત્યાં હું ઘડીભર આડી પડવા જાઉં છું. તો તું સામે ડાંગરના ખેતરનું (જે શરદઋતુમાં ફસલ ડાંગરની થવા આવી છે!) જરા ધ્યાન રાખજે એમ કહી યુવતી યુવકને જાતીય સંભોગ માટે નિમંત્રણ જ આપે છે. અને તેમ કરવામાં તેને કોઈ ક્ષોભ કે ખચકાટ નથી. (સંસ્કૃત સાહિત્ય આવાં ચિત્રોથી સંભૃત છે.) પણ આ સ્વૈરવિહાર કદાચ ગ્રામજીવનમાં છે, આજે પણ કદાચ હશે, પતા નહિ. પણ તે સમયના કહેવાતા ઉચ્ચ સમાજમાં (રાજ કુટુંબને છોડી) આવો સ્વૈરવિહાર નહી હોય એમ માનવાનું થાય છે. નિશ્ચિતરૂપ સે પતા નહી.

 

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪