ડૉ. હરિવલ્લભ ભાયાણી.
મુક્તકમાધુરી
હેમંતે વૃધ્ધા.
જીર્ણ વસ્ત્રે વીંટી પીઠ,
ને ઘાસનું તાપણું
નિકટ ખોળાની રાખી,
દબાવી કરો સાથળોની વચોવચ,
અને ઢાંકી બંનેય કોણીથી પડખાં ઉભય
જડ બન્યાં, કાંપતાં,
સહુ રૂંવાડાં ખડાં –
ડોશી સાંજે, સવારેય ના
ઘર ભીતરને ખૂણેથી નીસરતી.
*
ગ્રીષ્મપ્રભાવે
સૂર્ય લલાટતપ તપતો જવ,
તવ નિજ પડછાયો કાદવ સમજી
મહિષ ત્યહીં આળોટેઃ
ચણોઠી-ઢગને રુધિર જાણીને
કાગચંચુ ચટ ચટકેઃ
તાપે વિહ્વળ સર્પ ખોળતો
ક્યહીં પોલાણ મળે તો,
હાથીની સૂઢે પેસત એ
ગજ સીત્કારત સૂંઢ ઘૂમવતો.
*
કસાઈદોર્યું
વાળી વાળીને ડોક
કરે નદી-નિકુંજ કેરું અંતિમ દર્શન
કસાઈ-દોર્યું દીન દ્યામણું
મહિષોનું ધણ.
*
હે મરુભૂમિના કૂપ
આથમ્યો દિવસ,
વિશ્રાન્તિ ભરપૂર પામ્યા અમે,
હે મરુસ્થલી તના કૂપ !
લાજતાં અમે કશું બોલી શકીએ નહીં,
તોય બસ કહીશું બે વેણ
આ આપનું જળ કદી ના સુકાજો,
અને અહીં જ કાંઠે રહેલું શમીવ્રુક્ષ આ
ગાઢ છાયા સદાયે બિછાવી રહેજો.
*
ચંદ્રવૃષભ
ઘોર્વ પારાવાર શા અંધારના પંકે
ખૂંપેલા જગત કેરા શટકને
બળ પ્રબળ કરીને ખેંચી કાઢી બહાર
અવ જો, વ્રણથી અંકિત
ચંદ્રરૂપ ધવલો વૃષભ
ચરતો નીરાંતે ગગનની હરિયાળી પર
ત્રુણાંકુરો તારકકિરણના પેટભર.
⇔