સ્વાગતનોંધ

‘બની રહો તે જ સમાધિયોગ’: કોરોનાના કાળમાં 

આપણી લડત જારી છે, કપરા કાળમાં પ્રજાની સર્જકતાનું જતન કરવા માટે . . .

 

સિતાંશુ યશશ્ચન્દ્ર, પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ
સિતાંશુ યશશ્ચન્દ્ર, પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ

‘નોળવેલની મહેક’ ચોપાસ ફેલાય છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સઘળેથી પરિષદની આ પહેલને જે શક્તિભર્યો પ્રતિસાદ અને સહકાર મળ્યો છે, એ જ એની ખરી તાકાત છે. સહુનો સહયોગ એ જ આ પ્રવ્રુત્તિએ પ્રસ્તુત કરવાનું વિષપ્રતિકારક ઔષધ છે. વિદેશોમાં વસતા ગુજરાતી સર્જકો-ભાવકોને પણ આ પરિષદની આ અભિનવ અગાસી સુધી આવી પહોંચવામાં કોઈ અવરોધ ન નડ્યો, એ વાતની સાખ આ અનોખા કાર્યક્રમની એપ્રિલ ૩0ની આ આવ્રુત્તિ, બીજી આવ્રુત્તિમાં વાંચવા મળતા લખાણો પૂરે છે. કેટકેટલા આશાસ્પદ યુવાસ્વરો અનેક જગ્યાએથી આવી આ ‘વર્ચ્યુઅલ મીટીન્ગ પ્લેસ’ આ ‘પ્રતીયમાન મિલન સ્થળ’માં એકત્ર થયા છે ! સાથે જ, દશકોથી જારી એવા પોતાના ઉત્તમ સર્જન-વિવેચનથી શોભતા એવા કેટલાક મહત્ત્વના ગુજરાતી સર્જકો-વિવેચકો-નાટ્યકર્મીઓ અહીં સામેલ થયા છે. અને અન્ય કલાઓના, ચિત્ર અને છબિકલાના, વિખ્યાત કલાકારો પણ. એ સહુ સામેલ થયા, એનો આનંદ છે. ‘નોળવેલ’ની કર્મઠ અને દ્રઢસંકલ્પ ટીમ સહુના સતત સંપર્કમાં રહે છે અને અહીં એમનું સ્વાગત કરે છે.

‘નોળવેલ’ એમ જ ઊગતી નથી. પરિષદની માટી તો ગોવર્ધનરામ અને રણજીતરામે, મુનશી અને ઉમાશંકરે, નારાયણભાઈ અને નિરંજનભાઈએ, સહુ સાથીઓએ સહિયારી ખેતી કરીને કેળવેલી માટી છે – ગાંધીના અંતેવાસમાં નોળવેલ ખીલવનો કીમિયો શીખેલી પરિષદની આ માટી છે. આપણે યે માટી થઈએ – વિષધર-ફુત્કાર સામે પૂર્ણપણે નિર્ભય.
યુવાચેતના, વિક્રુત કરી નખાયેલી ન હોય તો, સ્વભાવે નિર્ભય હોય છે. એ નિર્ભયતાનું જતન કરવાનું છે. નિર્ભય, નિસ્વાર્થ, શોધક, સ્વાયત્ત સર્જકતાનું. યુવાસ્વર જ તો પરિષદની પોતાની આવતી કાલ છે. એ સંદર્ભે, મને ત્રણ સ્મરણો, છેલ્લાં ત્રણ વરસોના પટમાં પથરાયેલાં, યાદ આવે છેઃ સિકંદરાબાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં, ૨૦૧૭ના ડિસેમ્બરમાં, ગુજરાત-ભારતભરમાંથી આવેલા યુવા પ્રતિનિધિઓએ જે રીતે સભાગારમાં પહેલી હરોળમાં પોતાનું સ્થાન લીધું હતું, મારી વિનંતીથી, એ આ ત્રણમાંનો પ્રસંગ. સાથે જ સૂરતના જ્ઞાનસત્રમાં, ૨૦૧૯ના આરંભે અને પાલનપુરના જ્ઞાનસત્રમાં ૨૦૧૯ની આખરે, વિશિષ્ટ યુવામંચો પર તેજસ્વી યુવાસ્વરો રજુ થયા હતા અને એને વિવેચનપૂર્વક સાંભળવા માટે ગુજરાતી સાહિત્યના ઉત્તમ વિવેચકો, સંપાદકો ઉપસ્થિત રહ્યા હતા, એનું પણ આનંદસ્મરણ થાય છે. એ ઉપરાન્ત, ત્રીજું સ્મરણ તે ૨૦૧૯ના નવેમ્બરથી પરિષદની અગાસીમાં તેમ જ સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાંગણમાં ચુનંદા યુવાસ્વરોને સાંભળવા માટે પરિષદે સાહિત્ય ક્રુતિઓના આસ્વાદ અને વિવેચન માટે ગુજરાતના કેટલાક ઉત્તમોત્તમ લેખકો, વિવેચકો, સંપાદકો ઉપસ્થિત રહ્યા હતા, એ પ્રસંગોનું. એક લાંબી સાહસ સફર છે. અટકવાની નથી.

તત્કાળ પ્રસિધ્ધિ અને ફરમાસુ માલ વેચી મળતાં ઝાઝાં નાણાં, એ બેને રવાડે યુવા લેખકોને ચઢાવતાં અનેક આયોજનો સામે યુવા લેખકોનું સાચું જતન કરવું, એ કામ પરિષદ કરે છે. આજે જેને ‘ક્રિટિકલ રીડિન્ગ’, ‘ક્રિટિકલ ડિસ્કોર્સ’, ‘સર્ક્યુલેશન ઓફ ટેક્સ્ટ’ જેવા (કોઈને તરત ન સમજાય એવા) નામે ઓળખવામાં આવે છે, એને આપણા આદ્ય વિવેચક, નર્મદ-મિત્ર નવલરામ પંડ્યા ‘આનંદની ઉજાણી’ એવા સરલ છતાં અર્થસમ્રુધ્ધ નામે ઓળખાવતા. એ વિશે જે અજાણ્યા (થતા) હોય, એમને શું કહેવું? ‘લોક ડાઉન’ અંગે પણ એવી જ નુકતેચીની દેશવિદેશે કેટલાકો કરે છે, એ પણ અહીં યાદ આવે.
ન હિ કલ્યાણક્રુત્ કશ્ચિત્ દુર્ગતિં તાત ગચ્છતિ, એ વચન સાચું છે, ગમે તે સર્પ ગમે તેવા ફુંફાડા મારે, આપણી આ નોળવેલ એ ઝેર ઉતારવા સક્ષમ છે, આપણે આ મહામારી સામેની આપણી સંયમપૂર્ણ, સર્જનાત્મક અને અણનમતાયુક્ય લડત જારી રાખીએ. ‘કાવ્યમ્ શિવેતર ક્ષતયે’ પણ હોય છે, શિવથી ઇતર, અશિવ, ઇવિલ સામે પ્રજાનું અને વ્યક્તિનું રક્ષણ કરે છે. સાહિત્યની પોતાની અજોડ રીતે ‘સદ્ય પરનિર્વ્રુત્તયે’ હમેશાં પ્રવ્રુત્ત રહે છે. ‘ભયાનક’ સામે સાહિત્ય આંખમીચામણાં કરવા નથી કહેતું. મ્રુત્યુની આંખમાં આંખ પરોવી કવિતા સસ્મિત કહી શકે છે ‘ડેથ, બી નોટ પ્રાઉડ’.

શોકનો શ્લોક કરી શકતી ભારતીય કવિતાના કાવ્યકૌવતની ઓળખ આ કપરા કાળમાં આપણે ગુમાવી ન બેસીએ, એ શુભેચ્છા.

આ ‘વર્ચ્યુઅલ ટેરેસ’-માં ગુજરાતીભાષી  વિશ્વમાંથી અનેક સાહિત્યરસભોગી પંખીઓ એકનીડ બને. આવતી ઉજાણીઓ માટે કૃતિઓ મોકલે, સૂચનો મોકલે, પ્રતિભાવો પાઠવે, એ સ્નેહભર્યાં નિમંત્રણ.

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૩૦ એપ્રિલ ૨૦૨૦

‘બની રહો તે જ સમાધિયોગ’: કોરોનાના કાળમાં  આપણી લડત જારી છે, કપરા કાળમાં પ્રજાની સર્જકતાનું જતન કરવા માટે . ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન ફોટો કલાકૃતિઓ  જૂનાગઢના સાહસિક નવજુવાન, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના કલાકાર, નમન‌‌ દોશીની કેટલીક ફોટો કલાકૃતિઓ માણવા ક્લીક કરવું ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો-જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૨ 1969 દરમિયાન દેશમાં વિવિધ પ્રદેશોમાં દુષ્કાળ પડ્યો હતો. બિહારમાં હાલત ખૂબ જ ખરાબ ...
ડૉ. હરિવલ્લભ ભાયાણી. મુક્તકમાધુરી હેમંતે વૃધ્ધા.  જીર્ણ વસ્ત્રે વીંટી પીઠ, ને ઘાસનું તાપણું નિકટ ખોળાની રાખી, દબાવી કરો સાથળોની વચોવચ, ...
સંસ્કૃત - બાણનું ‘હર્ષચરિત’માંનું નિદાઘવર્ણન – એક ગદ્યદેહી કવિતા -વિજય પંડ્યા સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિ અને પ્રાકૃતિક ઘટનાઓના વર્ણનની બે ત્રણ ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી ઘાવ થકી ખરબચડી મુખિયાના છોરાની છાતીએ વહુ કષ્ટે નિંદારાય, ગામ વળી સુખે સૂતું છે. ૩૧ ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ.  તાટકાની કથા વિશ્વામિત્ર ૠષિની સાથે રામ લક્ષ્મણ એક પછી એક સ્થળેથી પસાર થઈ રહ્યા છે ...
ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?  - રાજેન્દ્ર શાહ કપરા કાળમાં કવિતાની તાકાત. કોરોનોના વિષાણુ સામે કાવ્ય-પંચામૃત. કવિવર રાજેન્દ્ર શાહનાં ...
નોળવેલ - પ્રજારામ રાવળ નોળવેલ - પ્રજારામ રાવળ તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ, છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ...
નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં (૧૫ એપ્રિલ ૨૦૨૦) વિષે અભિપ્રાય:  શ્રી વિનાયક રાવલ. કોરોનાની મહામારીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ 'નોળવેલની મહેક' ...