પ્રાસ્તાવિક: ‘મુક્તક-માધુરી’

પ્રાસ્તાવિક: 'મુક્તક-માધુરી’ - ઉમાશંકર જોશી. 

(૧) મુક્તકો, પાણીદાર કાવ્યમૌક્તિકો :

ડૉ. હરિવલ્લભ ભાયાણી પાસેથી ગંગોત્રી ટ્રસ્ટ ગ્રંથમાળાને દસ વરસ પહેલા, આરંભમાં જ, “ગાથા માધુરી’ પુસ્તક મળ્યું હતું અને હવે “મુક્તક માધુરી” મળે છે.

ડૉ. ભાયાણી દેશવિદેશમાં પ્રાકૃત-અપભ્રંશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે વિખ્યાત છે. એ ક્ષેત્રના તેમના ઉજ્જવળ વિદ્યાકીય અર્પણ ઉપરાંત ગુજરાતી સાહિત્યને એમની બે પ્રકારની ઉત્તમ સેવાઓ મળી છે. એક સેવા તો એ કે તેઓ કાવ્યતત્વવિચારણાના પશ્ચિમના આધુનિક પ્રવાહોના નિકટના સંપર્કમાં રહે છે અને અવારનવાર એ વિચારણાના તંતુઓનો ગુજરાતી સાહિત્યરસિક વર્ગને પરિચય કરાવતા રહે છે. એમાં એમની પદ્ધતિની વિશેષતા એ છે કે મૂળ વિચારગર્ભ પૃષ્ઠો કે કંડિકાઓનો સુરેખ અનુવાદ આપી તે તે વિચારકની સાથે એનો કોઈ અંશે મેળ હોય તો તે ઉપર પણ તેઓ પ્રકાશ પડે છે. કાવ્યરચનાના નૂતન, નૂતનતાર આવિષ્કારો પણ મુક્ત મનના આ વિદ્વાનની પૂર્ણ સહાનુભૂતિ પામે એ સ્વાભાવિક છે. આ રીતે તેઓ તમામ વયજૂથના લેખકોના પ્રીતિપાત્ર છે.

બીજી મોટી સેવા એ એમના પ્રાકૃત-અપભ્રંશના વિશેષાભ્યાસની આડનીપજ રૂપ છે. તે વિશાલ સાહિત્યપુંજમાંથી કાવ્યરસની દ્રષ્ટીએ જે કંઈ ઉત્તમ હોય- ગુજરાતી વાચકો સુધી લઇ આવવા જેવું હોય તે તેઓ હોંશેહોંશે અનુવાદ દ્વારા છેલ્લા કેટલાક દસકાઓથી આપતા રહ્યા છે. પોતે મૌલિક કાવ્યરચનાઓ કરતા નથી, પણ એમની આ પ્રવૃત્તિ ગુજરાતી કવિતાક્ષેત્રે ખૂબ જ આવકારપાત્ર છે અને ગુજરાતી કાવ્યરસિકો એને માટે સદા એમના ઋણી રહેશે.

સંસ્કૃત સાહિત્યની રિદ્ધિસિદ્ધિનો પરિચય તો થતો રહે છે. હવે આપણે ભારતની સમૃદ્ધ થતી જતી અર્વાચીન રાષ્ટ્રભાષાઓનો પરિચય પણ કેળવવાનો શુભારંભ કર્યો છે. અર્વાચીન ભારતીય રાષ્ટ્રભાષાઓના ઉદય પહેલાંના સૈકાઓમાં પાલી, પ્રાકૃત, અપભ્રંશનું સાહિત્ય ખૂબ ખીલ્યું છે. એ તે તે વિષયના નિષ્ણાંતોમાં જ જાણીતું રહ્યું છે. પ્રાકૃત અપભ્રંશમાં, જેમ સંસ્કૃતમાં પણ, ધર્મનિરપેક્ષ (સેક્યુલર)કાવ્યસર્જનનો વિપુલ રાશિ છે જે પ્રકૃતિની નિરવધિ મુદ્રાઓ અને માનવીસંબંધોની- ખાસ કરીને પ્રેમીઓના જીવનની નાજુક ગતિવિધિઓનાં નિતાંત કમનીય આલેખન માટે જગતના કવિતાસાહિત્યમાં માગ મુકાવે એવો છે.

 

(૨)

ડૉ. ભાયાણીએ “ગાથા માધુરી’માં છેક બીજી સદી જેટલા વહેલા સમયમાં હાલકવિ (સાત વાહન રાજા)એ પ્રકૃતમાંથી સંપાદિત કરેલા મુક્તકસંચય “ગાથાસપ્તશતી” (અથવા “ગાથાકોશ”)માંથી ચૂંટેલાં ૨૭૫ મુક્તકો ગદ્ય-અનુવાદ સાથે આપ્યાં હતાં. હવે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાંથી “મુક્તક માધુરી” તેઓ આપે છે. જેમાં ૨૩૨ વિષયો અને કુલ ૩૩૧ શ્લોકો છે. લેખકે વિસ્તૃત પ્રસ્તાવનામાં, કોઈ કોઈ વિભાગના ઉઘદમાં અને અન્યત્ર જરૂર પડે ત્યાં ઠીકઠીક માર્ગદર્શન આપ્યું છે. મુક્તકો એટલે પાણીદાર મૌક્તિકો. ભાવકે વળીવળીને દરેક મૌક્તિકના આગવા લાવણ્યનો આનંદ-આસ્વાદ માણ્યાં કરવો જોઈએ.

આ “મુક્તક માધુરી”માં મોટાભાગનાં મુક્તકો પદ્યાકારે રજૂ થયાં છે. એથી એમનું આકર્ષણ વધ્યું છે. કાવ્યના અનુવાદ અંગેના અભ્યાસમાં આ પુસ્તકનો ઉપયોગ થઇ શકે. દા.ત., શિકારી દુષ્યંતથી બચવા ભાગતા મૃગના વર્ણનના અનુવાદ (૧૨૨) સાથે “શાકુંતલ”ના અનુવાદકોએ આપેલા અનુવાદ સરખાવી શકાય. નવનવાં કલ્પનોની તો આ સંગ્રહમાં આતશબાજી જોવા મળશે. ભાવને સાકાર કરતી વીગતો પણ મનમાં વસે એવી છે. જાનપદ જીવન આ મુક્તકોમાં પૂર્ણ સૌન્દર્યથી ધબકે છે. “ખેતરશેઢે ભાગતી ફાળે જોઇને સસલાં જોડ......હાથમાં ઝાલી દાતરડાં.....લણણી છાંડી” હેકારેદેકારે સૌ દોડાદોડ કરે છે તે એક જીવંત ચિત્ર છે. બીજું ચિત્ર : ‘બીડ્યાં દ્વાર/ઘંટી ઘરઘરે/કેવાં ઘરો ઘોરે/ગ્રીષ્મની સુમસામ બપ્પોરે !’ ત્રીજું કમોદ ખાંડતી તરુણીનું : “ઊંચે ઊંચકાતાં, પડતાં ને ઊપડતાં/સાંબેલાની મસૃણ શી ભ્રમણ-છટા !’ સૌમાં ઉત્કૃષ્ટ છે ‘ચક્કર લગાવતો,:

 

ચક્કર લગાવતો કો કોળી જુવાનડો:

ફરફરતી બાબરીયે વીંટી બાંધેલ એણે ગુંદીની ડાળખી

ને વાન એનો ચકચકતો લસણનો ગાંઠિયો-

ભાળ્યો ભાળ્યો ને કૈક ગામડાની છોરીઓનાં

સાંબેલાં અટક્યાં

ને ચાળણીઓ લટકી

ને ઘડુલઓ છટક્યા

ને ચૂલા ઓલાણા

ને ડોકાં લંબાણા.

 

(૩)

 

આ બધાનું મૂળ પ્રાકૃત કે સંસ્કૃત પાછળ આપેલું જ છે, તેની સાથે ગુજરાતીના લય, શબ્દ, અનુપ્રાસ આદિ સરખાવતાં અનુવાદ એ વફાદાર અનુ-વાદ રહીને પણ અનુ-સર્જન કેટલેબધે અંશે થઇ શકે છે તેનો અંદાજ સાંપડશે.

કલ્પનાલીલાના કોઈ નમૂના ભવ્ય છે તો કોઈ નાજુક છે. ચારોમેર ક્ષિતિજ ફરતે સંધ્યાએ જાણે રંગીન દીવાલો રચી દીધી છે. કેવી લાગે છે એ કોઈ મોટા કૂવાના તાજા ઈંટચણતર જેવી:

ગગનપીઠની ફરતો કેવો દૂર વિસ્તર્યો સંધ્યાનો પરિવેશ ?-

રતૂમડા જળમંડળ ફરતો ભમ્મરિયા કૂવાનો જેવો નવો ઈંટેરી ભિત્તિનિવેશ.

 

ગોખલાની જાળીનાં વિરલ છિદ્રો વડે રૂંધાયેલાં-વણ રૂંધાયેલાં દીપકિરણો “રાત્રે ભરજોબને પહોંચેલા અંધકારના મુખ પર/કર્કશ અને છૂટાંછવાયાં (દાઢીના કોંટા સમાં)/બહાર ફૂટી નીકળ્યાં”- એ એક અનોખું દ્રઢપણે અંકાયેલું નાજુક ચિત્રાલેખન છે.

‘તિમિર-ઘુણ (ઊધઈ)થી’ આકાશ ચહુદિશ કોરાવાને કારણે લાખો તારકછિદ્રો દ્વારા ઝગમગ ચૂર્ણ ખરે છે એવું કલ્પન એક મુક્તક (૮૯)માં મળે છે, જે એક અંગ્રેજ કવિએ અત્યંત ઠંડી રાતે “જીવાતથી ખવાઈ ગયેલા (મોથઈટન)’ આકાશના પાઘરણની વાત કરી છે તેની યાદ આપી જુદા જુદા દેશકાળના કવિઓની કલ્પના કોઈ વાર કેવી એકસરખી ચાલે છે તેનો સંકેત કરે છે.

ભાવની નાજુકાઓની આ મુક્તકોમાં અજબ માવજત થઇ છે. ઉત્તરાયણ-દક્ષિણાયનની જેમ મુક્ત કવિને “વિરહાયણ” શબ્દ યોજી દેતાં વાર નથી લાગતી. ઓછું બોલીને ઘણું કહી દેવામાં તો મુક્તક-કવિ પાવરધો હોય જ.

પ્રિયાના કુશળ સમાચાર પૂછનારને એ જીવતી છે એમ કહ્યું ત્યારે એણે યાદ કરાવ્યું કે કુશળ છે કે કેમ એ એનો સવાલ તો હતો. જવાબ મળ્યો કે મેં પણ ઓ જીવે !-એમ જ કહ્યું હતું ને ? પૂછનાર કહે છે કે એકની એક વાતથી મારો ઉપહાસ કેમ કરે છે. ત્યારે પેલો જવાબ આપે છે કે એ શ્વાસ લઇ રહી છે તો મૃત કેવી રીતે કહું ? મરવાનું જ બાકી છે, તું સમાચાર શું પૂછે છે ?

 

(૪)

“છે કુશળ સખી ?”

“હા જીવતી.”

“રે ! કુશળતા પૂછી તને.”

‘તો મેંય કહ્યું ને ઓ જીવે ?”

“પુનરુક્તિથી કાં ઉપહસે ?”

“મૃત કેમ કહું, યદિ એ શ્વસે ?”

 

એક મુક્તકમાં ક્યારેક તો એક પુસ્તક જેટલું સંભર્યું હોય છે.

- ઉમાશંકર જોશી