મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
-જ્યોતિ ભટ્ટ

પ્રસંગ ૧

 

ભારતીય લોક કળાઓમાં રસ ધરાવતા એક વિદ્વાને એવું તારણ કાઢયું છે કે, આર્યો ભારતમાં આવ્યા ત્યારે સાથે ઘોડા પણ લાવેલા. આર્યો ને તત્કાલીન ભારતમાં રહેતા લોકો સાથે સંઘર્ષ માં ઉતરવું પડેલ અને તેમને જંગલોમાં ધકેલી દીધા.  જંગલોમાં વસતા આદિવાસીઓ આજે પણ તેમના ‘દેવોને' માટી પકવીને બનાવેલ ઘોડા અર્પણ કરે છે. તે કદાચ એવા હેતુ થી કે, ઘોડા પર બેસીને ‘દેવો' તેમનું સારી રીતે રક્ષણ કરી શકે.

 

1982 ના ભર ઉનાળામાં મારા કલાકાર મિત્ર રાઘવ કનેરીયા અને હું ઉત્તર ગુજરાતમાં આવેલ ‘પોશીના' ગામે ગયેલા. ત્યાંના કુંભારો માટીમાંથી ખૂબ સરસ ઘોડા બનાવે છે, તે જોવા માટે. ‘પોશીના' માં ગાંધીજીના વિચારોથી રંગાયેલા એક ભાઈ (નામ યાદ રહ્યું નથી) આદિવાસી વિદ્યાર્થીઓ માટે એક આશ્રમ-શાળા ચલાવતા હતા. અમે તેમની પાસે જઈ અમારી ઓળખ આપી ત્યાં જવાનું પ્રયોજન જણાવ્યું અને શાળામાં રહેવાની સગવડ આપવા વિનંતી કરી. ત્યાં રહેવાની તો સગવડ થઈ પરંતુ તેમને કહયું કે, આજે નજીકના એક ગામમાં કોઈ આદિવાસીને ત્યાં લગ્ન પ્રસંગ છે, જે જોવાની તથા ફોટોગ્રાફ્સ લેવાની તમને તક મળશે. આથી અમે તરત જ બિસ્તરા–પોટલાં શાળામાં મૂકી લગ્ન જોવા રવાના થયા. અમને માર્ગદર્શન તથા મદદ મળે તે માટે તેમને એક આદિવાસી યુવકને અમારી સાથે મોકલ્યો. લગ્નના સ્થળે મોડી સાંજ સુધી રહ્યા અને છબીઓ લીધી.  ત્યાં લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, ત્યાંથી પચીસેક કિલોમીટર દૂર આવેલ ડુંગર ઉપર તેમના દેવનું બહુ મોટું સ્થાનક છે. જ્યાં આદિવાસીઓએ અર્પણ કરેલા પોશીનામાં બનેલા અસંખ્ય ઘોડા જોવા મળશે. આથી લલચાઈને અમે પોશીના પાછા જવાનું માંડી વાળ્યું અને લગ્નના સ્થળ નજીક આવેલ એક ખેતરમાં રહેતા આદિવાસીને ત્યાં રાત ગાળી.

 

બીજે દિવસે સવારે પેલા ડુંગર તરફ પ્રયાણ આદર્યું.  દિવસ ચઢતા સૂર્ય નો પ્રકોપ જણાવા લાગ્યો. અમારી પાસે એક નાની પ્લાસ્ટિકની બાટલી હતી. જેમાં થોડું પાણી ભરી શકાતું, આથી  સીધા ચાલવાને બદલે જ્યાં કોઈ ખોરડું દેખાય તે તરફ ચાલતા અને ત્યાં પહોંચીને પીવાય તેટલું પાણી પીતા અને અમારી બાટલી પણ ભરી લેતા. એમ કરતા કરતા એક ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં જોયું કે, બે નાની યુવતીઓ પાટલા પર બેસેલી અને તેમને બીજી થોડી સ્ત્રીઓ પીઠી ચોડી રહી હતી.  બેમાંથી એક, જે જરા મોટી હતી, પોતાના ખોળામાં રાખેલ નાનાં બાળક ને સ્તનપાન કરાવી રહી હતી. આ પરિસ્થિતિથી નવાઈ પામી અમે તે યુવતીના બાપ જેવી જણાતી એક વ્યક્તિ ને કારણ પૂછયું.  તેણે કહયું કે, “મોટી દીકરીના લગ્ન બે વર્ષ પહેલા નક્કી થયેલા પરંતુ તે વર્ષે ચોમાસું નબળું ગયું હોઈ પૈસાની સગવડ થઇ શકેલી નહિ આથી, લગ્નની વિધિ કરી શકાયેલી નહિ. પરંતુ દીકરીને સાસરે વળાવી દીધેલી. હવે આ વર્ષે ખેતરમાં પાક સારો થયો તેથી નાની દીકરીના લગ્ન લીધા છે, પણ મોટી ને બિચારીને કેવું લાગે એટલે તેને પણ પીઠી ચોડવામાં સામેલ કરી છે.” પોતાના સંતાનો પ્રત્યે આવી ઉદાર ભાવના અને સમજ ધરાવતા આવા આદિવાસીઓને આપણે “જંગલી” કહીએ છીએ.

 

ત્યાંથી આળી-અવળી ચાલ ચાલતા સાંજે અમે એક સ્થળે પહોંચ્યા. એક પાકા રસ્તાને કાંઠે બોરીંગ - હેન્ડપંપ હતો. જેની નીચે કલાકેક બેસીને શરીરને ઠંડુ તો પાડ્યું. હેન્ડપંપ નીચે બેઠા હતા, તે દરમ્યાન રસ્તા ઉપરથી એક એસ.ટી. બસ (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) પસાર થઈ. અમારી સાથેના યુવકે કહયું કે, આ બસ આપણે જે ગામથી સવારે નીકળ્યા ત્યાંથી આવે છે. અહીં આવવાની પચાસ પૈસા ટિકિટ લેવી પડે છે.  અમારા પચાસ પૈસા બચાવ્યા તેનો તેને આનંદ હતો. પરંતુ દિવસભર જે તડકો ખાધો તેથી શરીરમાંથી એટલું બધું પાણી ઉડી ગયું હતું કે પરિણામે પેશાબ બંધ થઈ ગયા. અમારી સાથે જે આદિવાસી યુવક આવેલો તેણે તે સ્થળે પણ કોઈ આદિવાસીને ત્યાં રાત રહેવાની વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે સવારે ડુંગરા ઉપર આવેલ ‘બાબા તુંબ રાજ’ તરફ જવા નીકળ્યા. આદિવાસી યુવકની સલાહથી બાબાને ચડાવવા બે નાળિયેર પણ ખરીદી લીધાં. શરૂઆતમાં તો જંગલમાં સારી એવી ઠંડક હતી પરંતુ ધીરે ધીરે સૂર્યનો પ્રકોપ વધવા લાગ્યો. સદ્ભાગ્યે અમારી સાથેના યુવકને ડુંગરની અટપટી કેડીઓ (પગદંડી)માંથી સાચો માર્ગ નક્કી કરવાની સૂઝ હતી. આથી બપોર થતા અમે ટોચ ઉપર પહોંચી ગયા. આમ તો આદિવાસી દેવના સ્થાનકો તો આ પહેલા પણ જોયેલાં. પરંતુ ‘બાબા તુંબ રાજ’નું સ્થાનક અને તેની ભાવ્યતાં અનોખા જ હતા. છબીઓ પૂરતી લેવાઈ ચુકી છે તેવું લાગ્યા પછી  અચાનક ગળાની તરસ તરફ ધ્યાન દોરાયું. સાથે લાવેલા બે નાળિયેર સંભાળીને છોલ્યાં તથા તોડ્યાં અને તેનાં પાણીનું એક પણ ટીપું વેડફાય નહિ એ પ્રમાણે અમે ત્રણેય એ પીધું અને નાળિયેર દેવને ચઢાવ્યું.