‘બની રહો તે જ સમાધિયોગ’: કોરોનાના કાળમાં
- સિતાંશુ યશશ્ચન્દ્ર,
પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ
‘નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં’ પરિષદની અગાસીમાંથી હવે પરિષદના પ્રતીયમાન પ્રાંગણે.
વિષાણુ વિરુદ્ધ વીજાણુ : લડત જારી.
‘નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં’ – એ નામે સાથે અહીં, ‘“બની રહો તે જ સમાધિયોગ”: આનંદની ઉજાણી’ એ નામે રજુ થયેલી સામગ્રી યથાતથ રજુ કરી છે. કોરોના જેવાં વિષાણુઓના, વિષયુક્ત પરિબળોના સમયમાં સાહિત્યની ‘નોળવેલ’ સુંઘીને પ્રજા રૂપી નોળિયો સર્પદંશોનાં વિષ ઉતારી ફરી યુધ્ધે મચી પડવા વધારે સક્ષમ બને. સાહિત્ય જેવું સશક્તિકરણ પ્રજા માટે બીજું કયું? -- એ મુદ્દો આ નવા શીર્ષકથી વધારે સ્પષ્ટ અને વધારે અર્થભર્યો બને છે એ જોઈને પલકારામાં બધું પામી જનારા એક પ્રતિભાવંત મિત્ર બોલી ઊઠ્યા હતાઃ ‘સર્પો હવે સાવધાન’! નોળિયા પાસે નોળવેલ હોય તો સર્પે ફરી દરમાં પેસી જવું પડે. ગુજરાતની પ્રજા પાસે એકથી વધારે નોળવેલો છે, પોતાના સશક્તિકરણનાં અનેક સાધનો છે, સાહિત્ય અને કલાના આકંઠ આસ્વાદ સહિત, ‘આનંદની ઉજાણી’ સહિત. કોરોના વિષાણુ, પોલિયો-શીતળા વગેરે જેમ, પોતાનાં દુરિત લક્ષ્ય અહીં પાર પાડી નહીં શકે.
– મહામારીના અને કટોકટીના કોઈ પણ સમયમાં સાહિત્યની અને બીજી કલાઓની ક્રુતિઓનો આસ્વાદ, એના અર્થઘટનની વાતો (‘ક્રિટિક્લ લિટરરી ડિસ્કોર્સ’) હમેશાં પ્રજાને અને વ્યક્તિને બળ આપનારી બની રહે છે. આપણા આદ્ય વિવેચક નવલરામ કેવી સચોટ સરળતાથી સાહિત્યના આવા આસ્વાદને અને ‘ક્રિટિકલ ડિસ્કોર્સ’ને ‘આનંદની ઉજાણી’ કહેતા! પણ નવલરામના પ્રયોગથી જાણ્યે-અજાણ્યે અપરિચિત એવું કોઈ આ વાત સમજી કે જોઈ ન શકે, એવું બને. એ રીતે, અખો કહે છે એમ કોઈએ ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’ હોય તો શું કરવું? કોઈનું પણ મોં કાળું દેખાય, એ તો કેમ ગમે? એટલે થયું, તો ચાલો, એ જ સામગ્રી, -- ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, શિરીષ પંચાલ, વિજય પંડ્યા, રાજેન્દ્ર નાણાવટી, જ્યોતિભાઈ ભટ્ટ જેવા સિધ્ધ્હસ્ત સર્જકો અને અપણી યુવા પેઢીનાં વિદ્યાર્થીઓની કલમે લખાયેલું કેટલુંક સરસ લખાણ – યથાતથ પ્રસ્તુત કરીએ, ‘નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં’ એ રીતે.
સ્વાગત.
વેબ સાઇટ પરના આ પ્રદેશને શું નામ આપીશું ? ‘પ્રતીયમાન પ્રદેશ’ કેવું નામ લાગે છે ? ‘વર્ચ્યુઅલ સ્પેસ’ તો છે જ. આનંદવર્ધન યાદ આવે છે ?
પ્રતીયમાનમ્ પુનરન્યદેવ વસ્ત્વસ્તિ વાણીષુ મહાકવીનામ્,
યત્તત્ પ્રસિધ્ધાવયવાડતિરિક્તં વિભાતિ લાવણ્યમિવાઙગનાસુ. /ધ્વન્યાલોક. ૧.૪/
જેમ પ્રસિદ્ધ અવયવોથી અતિરિક્ત એવું નારીનું લાવણ્ય શોભે છે, એમ મહાકવિઓની વાણીમાં વળી કોઈક અન્ય વસ્તુ જ પ્રતીયમાન થાય છે. ઇમેન્યુએલ કાન્ટની પરંપરામાં આવતાં વિદૂષી કલામીમાંસક સુઝેન લૅંગર પણ ‘ધ વર્ચ્યુઅલ રિઆલિટી’ની વાત, ‘ઇલ્યુઝન’ અને ‘સેમ્બલંસ’-ની વાત, કલાના વાસ્તવ સંદર્ભે કરે છે. એવો આ આપણો ‘પ્રતીયમાન પ્રદેશ’ છે – સ્વાગત.
(પરિષદ કાર્યાલયના સાથીઓ, પરિષદના મહામંત્રી અને ઉપપ્રમુખ સહિત, અન્ય મિત્રો સાથે, મારી પડખે ઊભા રહી, ગુલાબનું એક ફૂલ આપને આ પળે / સ્થળે પણ આપે છે, એવી મારી પ્રતીતિ છે.)
તો કોરોના વિષાણુએ જ્યારે આપણું રોજિંદું વાસ્તવ થોડા સમય માટે પડાવી લીધું છે, ત્યારે વેબ સાઇટના આ પ્રતીયમાન પ્રદેશમાં આપણે એકઠા મળવાનું નક્કી કરીએ છીએ. પરિષદના સર્જક-ભાવક-મિલનનો મંચ નાના મોટા સભાગારોમાંથી બહાર નીકળી ખૂબ વધારે વ્યાપક સ્થળે પહોંચ્યો છે. ગુજરાતી સાહિત્યનું વિશ્વ જ્યાં એક-નીડ બની શકે, એવી આ અગાસી છે. ગુજરાતીભાષી સહૃદયો જ્યાં જ્યાં છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, યુ.કે., આફ્રિકા અને અન્યત્ર, એ સર્વ ગ્લોબલ ગુજરાતીઓ માટે પણ આ જગ્યાએ એકઠા થવું આસાન, સલામત અને રસપ્રદ બનશે. અને અલબત્ત, ગુજરાત અને અન્યત્ર ભારતમાં વસતા ગુજરાતીઓ માટે.
એને વધારે રસપ્રદ કઈ રીતે બનાવવું, એનાં સૂચનો આપ સહુ કરો, એ નિમંત્રણ. એ તરફ વધારે પરિશ્રમ કરવા માટેના મારા એક પ્રસ્તાવને પરિષદની કારોબારીની અનુમતિ મળી ચૂકી છે, હવે મધ્યસ્થ સમિતિની અનુમતિ મળે એટલે સત્વર એ પ્રસ્તાવમાં સૂચવાયેલા ઉદ્દેશ્ય અંગેનો પ્રીતિ-પરિશ્રમ, લવ્ઝ લેબર, સહુ સાથે મળીને કરીશું.
•
ગુજરાતી પ્રજા લડાકુ તો નથી જ, પણ કોઈકને એ બેઠાડુ જેવી લાગે. જોનારની નજર ઉપર આધાર રાખે છે. પણ ઇતિહાસ કહે છે કે ગાંજ્યો જાય તે ગુજરાતી નહીં. આફ્રિકાના કોઈ અજાણ્યા વનાંચલની નાનકડી વસ્તીમાં દુકાન ચલાવવા પહોંચેલો કચ્છી માડુ હોય કે એન્ટવર્પમાં હીરાના કરોડોના કરોડોનો વ્યવસાય કરતો કોઈ પાલનપુરી હોય, એકે ગુજરાતી ગાંજ્યો ન જાય. હાર ન માનનારું ખંતીલાપણું એના ડીએનેમાં વણાયેલું માલૂમ પડે છે. રેલ્ વે - હાઇ વેથી, અરે પાકા રસ્તાઓ અને પાકા માણસોથી માઇલોના માઇલો આઘે કોક અંતરિયાળ ગામડાં વચ્ચે ક્યાંક ક્યાંક લોકશાળાઓ ચલાવતાં ‘લોકભારતી’ કે ‘ગૂજરાત વિદ્યાપીઠ’નાં પૂર્વ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ હોય કે કચ્છનાં ઊંડાણમાં મનોરોગત્રસ્ત છોકરા-છોકરીઓને, એમના પરિવારોમાં ઉપયોગી બને એવા ઉદ્યોગો શિખવતી, તેમ જ અન્યત્ર, વિચરતી જનજાતિઓના ડેરાતંબુએ પહોંચી એમને સમજવા-સહાય કરવા મથતી કોઈ જાગતી ગુજરાતી જોગણીઓ હોય, કે મહારાષ્ટ્ર-ગુજરાત-ભરના વિકલાંગો વચ્ચે, મુંબઈની કૉલેજનું આચાર્યપદ છોડી નિરંતર ઘૂમતો, માણસાઈના ધ્રુવતારકને નિત્ય જોતો કોઈ વણથંભ થેરપિસ્ટ હોય, કે, અલબત્ત, હ્રદયના સંબંધો વિના વેરવિખેર બનેલા, આપણા આજના ઑટિસ્ટિક સમાજમાં સમજણ અને સેવાના અનુબંધો રચતી કોઈ વિશ્વખ્યાત ગુર્જર-શક્તિ હોય –– ગુજરાતી નરનાર કદી ગાંજ્યાં જાય નહી.
કે ગાંધી અને ગોવર્ધનરામની દીકરી જેવી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પણ.
•
એની ‘આનંદની ઉજાણી’-ની એક અગાસી, ‘ગોવર્ધન ભવન’ને ધાબે, આ કોરોનાને કારણે બંધ થઈ, તો, જુઓ, એક આ અગાસી એણે ગગનમંડળમાં શોધી કાઢી છે. કોઈ કહેશે કે એ ખાસ મોટી વાત નથી, પરિષદ પણ એ બાબત સંમત છે. એન્ટવર્પના હીરા બજાર જેવી કોઈ ઝાકઝમાળ અગાસી આ નથી. પણ નાનકડું આભલું તો ગણાય, ગુર્જર વાણીના પાલવમાં. આ વર્ચ્યુઅલ ટેરેસમાં આજથી આપણે નિર્ભયપણે, સ્વાયત્તપણે ભેગાં થઈ શકશું ! કોઈ પણ જાતનો કોરોના અહીં નહીં પહોંચે, ન લોભનો, ન ભયનો, ન નફટાઈનો. આ તો નર્યા આનંદનો આપણો સહિયારો પ્રતીયમાન પ્રદેશ છે. આ લેણદારોની નહીં, દેણદારોની દુનિયા છે. સત્તાશીલોની નહીં, સેવાભાવીઓની જગ્યા છે, અને આ તો એક શરૂઆત છે.
આ શક્ય બન્યું, એનું શ્રેય ગાંજ્યાં ન જનારા મારા કેટલાક સાથીઓને જાય છે. ‘ટકાવો કિલ્લાના મૂઠીભર હઠીલા જણ થકી’, એમ આપણા બળકટ કવિ, બળવંતરાય ઠાકોરે કહ્યું છે. એવા થોડાક નિસ્વાર્થ સાથીઓને.
આગલી ઉજાણીઓમાં વિવિધ વિદ્યાસંસ્થાઓમાંથી યુવા લેખકો-વાચકો આવતાં અને એમની સાથે એ સંસ્થાઓનાં શિક્ષકો, અધ્યાપકો, આચાર્યો, આયોજકો પણ પરિષદને આંગણે આવતાં. એક ‘ઉજાણી’માં અમદાવાદની ઉત્તમોત્તમ શાળાઓમાં યે આગલી હરોળની શાળા ગણાય એવી સી. એન. વિદ્યાવિહારનાં તેજસ્વી વિદ્યાર્થીઓ આવ્યાં. એમાંથી જેમણે પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી એ યુવા સર્જકોનાં નામ એ શાળાનાં પ્રબુધ્ધ શિક્ષકોએ સૂચવ્યાં અને પરિષદે ચકાસીને સ્વીકાર્યાં. એક અવસરે ગુજરાત યુનિવર્સિટીના વિખ્યાત ભાષાભવનનાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો આવ્યાં, એક અવસરે સરદાર પટેલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી–અધ્યાપકો આવ્યાં. ‘અગાસી’ છલકાવીને. ઉપસ્થિત યુવા વર્ગમાંથી કયા યુવા સર્જકોની કૃતિઓ ‘ઉજાણી’-માં પ્રસ્તુત થાય, એનાં ઉત્તમ સૂચન ગુજરાતી વિભાગના પ્રોફેસરોએ કર્યાં, પરિષદનાં ધોરણોએ ચકાસીને સ્વીકારાયાં. વાતાવરણ સહકાર અને વિવેચનાનું હતું. આદ્યવિવેચક નવલરામ પંડ્યાએ સાહિત્ય વિવેચનને ‘આનંદની ઉજાણી’ જે અર્થમાં કહ્યું છે, એ અર્થ પરિષદના આ કાર્યક્રમના શીર્ષકમાં સૂચવાયો છે. પ્રસંગો સાહિત્ય વિવેચનના છે, નવલરામે સૂચવેલી ‘આનંદની ઉજાણી’ છે. પ્રસ્તુતિ, ભાવન અને વિવેચન, એ ત્રણેના આ અવસરો છે. અને અન્ય કલાઓને અને ભારતીય સાહિત્યની અન્ય ઉત્તમ કૃતિઓ, પરંપરાગત તેમ જ સાંપ્રત, માણવાના આ અવસરો છે.
•
આજે, આ નવી ‘અગાસી’-માં થતા કાર્યક્રમમાં તો ગુજરાતવ્યાપક યુવા વર્ગમાંથી કૃતિઓ આવે છે. એ માટે કાર્યક્રમના આયોજકોને સહાય કરી છે પ્રો. સેજલ શાહ અને પ્રો. સમીર ભટ્ટ જેવાં સાથીઓએ. પ્રો. સેજલબહેન અને પ્રો. સમીરભાઈ બન્ને પરિષદની કારોબારીમાં ચૂટાયેલાં સાથીઓ છે. સેજલ શાહ ગુજરાતીનો દીવો મુંબઈમાં અખંડ રાખનારાં ઉત્તમ અધ્યાપક, ‘પ્રબુદ્ધ જીવન’ જેવા પ્રસિદ્ધ સામયિકને એનો નવો સર્જક સંદર્ભ સંપડાવનાર સંપાદક અને ‘આંતર-કૃતિત્વ’ જેવી મહત્વની વિભાવનાનાં રસકીય પરિમાણોને વિશદતાથી સૈધ્ધાંતિક રીતે સમજાવી, કૃતિનિષ્ઠ કસોટીએ ચઢાવી ગુજરાતને દેખાડનાર વિવેચક છે. સરસ કવિ છે. સમીર ભટ્ટ મારા પ્રિય, નવોન્મેશશાળી કવિ, ઉત્તમ અધ્યાપક અને મર્મગામી વિવેચક છે. પરિષદ માટે પરિશ્રમ કરવામાં એ બન્ને ક્યારે યે પાછા નથી પડ્યા. યુવા સર્જકો સામેલ થાય એ માટે સહુએ સમય અને શક્તિ ફાળવ્યાં, કેવળ સ્નેહથી, એનો પરિષદ પ્રમુખ તરીકે મને આનંદ છે. પહેલી ‘આનંદની ઉજાણી’માં પરિષદની અગાસી છલોછલ હતી. પરિષદના મહામંત્રી-ઉપપ્રમુખ-કારોબારી સભ્યો, આદરણીય ટ્રસ્ટીઓ, કાર્યાલયના સહુ સાથીઓ, અમદાવાદના રસિકજનો સહુ ઉમંગથી જોડાયાં હતાં. આદરણીય ટ્રસ્ટી રૂપલબહેન મહેતા તો પરિષદની વેબ સાઇટનું વર્ષોથી જતન કરે છે. આ ‘અગાસી’-ની ડિઝાઈનનું પણ એમણે એવી જ કુશળતાથી, લગાવથી જતન કર્યું છે.
આજે આ ‘વર્ચ્યુઅલ ટેરેસ’-માં ગુજરાતીભાષી વિશ્વમાંથી અનેક સાહિત્યરસભોગી પંખીઓ એકનીડ બને. આવતી ઉજાણીઓ માટે કૃતિઓ મોકલે, સૂચનો મોકલે, પ્રતિભાવો પાઠવે, એ સ્નેહભર્યાં નિમંત્રણ.
•
‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ
સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].
સેજલ શાહ : [email protected]
સમીર ભટ્ટ : [email protected]
•
આ કાર્યક્રમના ત્રણ ભાગ:
(૧) યુવાસ્વર
(૨) વિશિષ્ટ કલાકૃતિનો પરિચય
(૩) ભારતીય સાહિત્ય : પરંપરાગત અને સાંપ્રત
પહેલા ભાગમાં મૂકેલી સામગ્રી, નવાં રચનાકારોની કવિતા, વિવેચના આદિ, મેળવી આપવામાં જે સાથીઓએ સહાય કરી છે, એમનો ઉલ્લેખ ઉપર કર્યો છે.
બીજા ભાગમાં વિશિષ્ટ કલાકૃતિઓના ચયનમાં ગુજરાતના આજના એક તેજસ્વી કવિ-ચિત્રકાર અને મ.સ. યુનિવર્સિટીની વિખ્યાત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપક પીયૂષ ઠક્કરની સહાય મળી છે. એમના દ્વારા ભારતના ઉત્તમ કોટિના વિખ્યાત ચિત્રકાર-ફોટોકલાકાર જ્યોતિ ભટ્ટની ફોટો-કલાકૃતિઓ જ નહીં, એ વિશેનું જ્યોતિભાઈનું ગુજરાતી ભાષામાં પોતે કરેલું વિવરણ પ્રાપ્ત થયું. જ્યોતિભાઈનો અને પીયૂષભાઈનો હ્રદયથી આભાર.
ભારતીય સાહિત્ય: પરંપરાગત અને સાંપ્રત.
ભારતીય કથાસાહિત્યની સુદીર્ઘ, પ્રબળ અને વૈવિઘ્યસમૃદ્ધ ધારાઓમાંથી ચયન કરી, ગૂંથણી કરી, ઉત્તમ અનુવાદો કરી એક સદા-સ્મરણીય કામ શિરીષભાઈ પંચાલે, વિદ્વત્તા, રસજ્ઞતા અને અનુવાદકૌશલ્યનો બહુ ઊંચો માનદંડ રચી આપે એ રીતે કર્યું છે, ભારતીય કથા સાહિત્યના એમની શકવર્તી ગ્રંથમાળામાંથી પસંદ કરેલા અંશો ‘આનંદની ઉજાણી’-માં રજુ કરી શકાય છે, ક્રમશઃ, એનો આનંદ છે. એ માટે શિરીષભાઈનો આભાર તો ખરો જ, પણ એવો જ આભાર આપણા સાહિત્યમર્મજ્ઞ પ્રકાશક અને કમ્પ્યુટર-માધ્યમના તજ્જ્ઞ યુયુત્સુ પંચાલનો.
વધુ નીચે...
નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં (૧૫ એપ્રિલ ૨૦૨૦)
ભારતીય લઘુકાવ્યની પરંપરા પણ એવી જ સુદીર્ઘ, બળકટ અને વિવિધતાભરી છે. સુભાષિત, મુક્તક, ગાથા, દોહા આદિ કાવ્યપ્રકારોમાં એ અવિરત વ્યક્ત થતી રહી છે. એ પરંપરામાંથી પણ કેટલુંક ક્રમશઃ પ્રસ્તુત કરાતું રહેશે.
સંસ્કૃત કાવ્યોદધિમાંથી વીણેલાં મુક્તકો, સુભાષિતો પરિષદને આંગણે આણવાનું કામ, સ્નેહસેતુએ આવીને, સંસ્કૃત સાહિત્યના પ્રકાંડ અને રસજ્ઞ વિદ્વાન વિજય પંડ્યાએ કરી આપ્યું છે. વિજયભાઈએ લાઘવયુક્ત છતાં આલોકિત કરતી નોંધ આ અંગે કરી આપી અને વર્તમાન સમયની ઝીણી સર્જકતાભરી સંવેદના સાથે સંસ્કૃતના અતિવિશાળ સુભાષિત સાહિત્યમાંથી જે સમયસભાન ચયન કરી આપ્યું છે, એ માટે એમનો આભાર.
પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો સાગર પણ એવો જ નિરવધિ છે અને એમાં પણ એવાં જ તેજસ્વી મૌક્તિકો છે, એનો રસભર્યો, અભિનવ કાવ્યબાનીમાં પરિણત થતો, નરી તાજપથી ભર્યો ભર્યો પરિચય જે ભાયાણી સાહેબે કરાવ્યો છે, એ તો ભારતભરમાં અજોડ છે. વિશ્વ કક્ષાએ જે ગણતરીના ભારતીય પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યના મર્મજ્ઞો સહુનું સન્માન પામ્યા છે, એમાં ભાયાણી સાહેબનું સ્થાન અજોડ છે. મણિ-કાંચન-યોગ અહીં એ કે ભાયાણી સાહેબનાં પુસ્તકો, ‘ગાથામાધુરી’ અને મુક્તકમાધુરી’ પ્રકાશિત થયાં કવિવર ઉમાશંકર જોશીના ‘ગંગોત્રી ટ્રસ્ટ’ના પ્રકાશન રૂપે. અને અદ્બુત વાત એ કે ભારતના એ પ્રતિભા-ઉજ્જ્વળ કવિવર ઉમાશંકરે એની એક પ્રસ્તાવના લખી. અહીં એ પ્રસ્તાવના, ભાયાણી સાહેબની પોતાની પ્રસ્તાવના અને એમના અનુવાદો રજૂ થાય છે.
‘ગાથા સપ્તશતી’ કે ‘ગાહા સત્તસઇ’ પ્રાકૃત ભાષામાં લખાયેલી ગાથાઓ, લઘુ કાવ્યોનો સંચય છે. પ્રેમ અને રતિરંગનાં આ કાવ્યોમાં એક નિખાલસતા, વિનોદ, ઉલ્લાસ, પીડા યે ઝલકે છે. પરણેલી તેમ જ કુંવારી નારીના હ્રુદયરંગ વ્યક્ત કરતી ઉક્તિઓ રૂપે લખાયેલી આ રચનાઓ એ દૃષ્ટિએ પણ અનોખી છે. ઈસવી પહેલી સદીમાં થઈ ગયેલા મનાતા રાજા હાલ આ રચનાઓના રચયિતા ગણાય છે, પણ એ વિશે મતભેદો છે, આ સાતસો ગાથાઓનો ઝીણા ઝીણા વાણી-વળાંકોને જાળવતો, મૂળનાં નર્મમર્મોને ફરી પ્રગટાવતો, વહેતી કાવ્યબાનીમાં ગાથાએ ગાથાએ ઠેકતી કોઈ મુગ્ધ કન્યકા જેવો ગુજરાતી અનુવાદ સંસ્કૃત-પાલિ-પ્રાકૃતના રસજ્ઞ વિદ્વાન, રચના-નિપુણ રાજેન્દ્ર નાણાવટીએ કર્યો છે. એમાંથી અહીં ક્રમશઃ. અનુવાદ મેળવી આપવા માટે લતાબહેન રાજેન્દ્ર નાણાવટીનો આભાર. અને ફરી એક વાર આભાર મિત્ર યુયુત્સુ પંચાલનો ટાઈપ કરીને અનૂદિત ગાથાઓ પરિષદને પહોંચાડવા માટે.
•
સાંપ્રત ગુજરાતી સાહિત્ય :
કવિ પ્રહ્લાદ પારેખ. (જન્મ : ૧૨–૧0–૧૯૧૨ / અવસાન : ૨-૧–૧૯૬૨)
કાવ્ય સંગ્રહઃ બારી બહાર (૧૯૪૦), સરવાણી (૧૯૪૮)
↔