અભિપ્રાય

માનનીય  શ્રી સિતાંશુભાઈ,

નમસ્તે.

આજે એક નવી મઝાની વાત કરવી છે.

પરિષદ જ્યારે યુવાવર્ગના સર્જન અને તેના સ્તરની પ્રવૃત્તિઓ વિશે સજાગ બની કાર્યરત છે ત્યારે અમેરિકામાં યુવાવર્ગને માટે ગુજરાતી ભાષા એક જુદો અને બીજો જ મુદ્દો છે.

ઈન્ટરનેટના માધ્યમને કારણે અને કમ્પ્યુટરમાં ગુજરાતી લિપિમાં લખવાનું સુલભ થવાને લીધે વિશ્વભરમાં ગુજરાતી ભાષાનું લેખન અને વાંચન વ્યાપક બન્યું છે ખરું. પરંતુ  અહીં એક તરફ સરેરાશ ૬૦ ઉપરની ઉંમરના લોકો ખરી ખોટી સમજને આધારે કાચી-પાકી રચનાઓ ગોઠવીને આહ અને વાહની તાળીઓ મેળવી રહ્યાં છે, એનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

તો બીજી બાજુ  યુવાનવર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે.

આ સંજોગોમાં એક-બે પેઢી પછીના, અહીં જન્મેલા ગુજરાતી બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન કે જાણકારી કેવી રીતે મળી શકે એવો સવાલ જરૂર થાય.

૨૦૦૮ની સાલમાં  નિરંજનભાઈ ભગત સાહેબને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે તેમણે આ વિશે ચિંતા પણ સેવી હતી.

અહીં બહુ સરળતાથી ફ્રેંચ,સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકાય છે,બાળકો શીખે પણ છે. તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી બે  સાવ નાની ગુજરાતી બાળાઓ (વય  ૫ અને ૯!) દ્વારા થઈ રહ્યું છે તે અંગે મેં એક વિગતવાર  લેખ લખ્યો છે જે આપને આ સાથે મોકલું છું. (અંશત: બાજુના કોલમમાં)

ગુજરાતી ભાષા તરફનો ભાવ,લગાવ અને  આવી કાર્યનિષ્ઠા સાચે જ સરાહનીય છે.

આપને ગમશે એમ મને લાગતા, માત્ર એક સારી વાત તરીકે આપને મોકલવાનું મન થયુ.

સ્નેહવંદન સાથે..

- દેવિકા રાહુલ ધ્રુવ

 

 

 

 

 

ટેક્સાસની તેજસ્વી ધારા:

હ્યુસ્ટન, ટેક્સાસની બે તેજસ્વી ધારાઃ  સ્વરા અને આજ્ઞા  મોણપરા:

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ....
“નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા. આઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે.

નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છે.

તેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતા, વાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “ક” થી લઇને “ઝ” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છે. આગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે. આ આખીયે વાત રસપ્રદ તો છે જ પણ ખૂબ ખૂબ મહત્ત્વની છે, પ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છે....

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. છતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે...?

http://devikadhruva.wordpress.com