મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૬)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

 

- જ્યોતિ ભટ્ટ

 

પ્રસંગ ૧૬

 

ભારત ભવનમાં ચાર વિભાગો છે. દૃશ્યકળા માટે ‘રૂપંકર', ભારતીય કવિતા માટે ‘વાગર્થ’, સંગીત માટે ‘અનહદ' તથા નાટ્યકળા માટે ‘રંગમંડલ'. એક સમયે રંગમંડલના નિયામક શ્રી બી.વી. કારંત હતા. તેમને અને ચિત્રકાર જગદીશ સ્વામીનાથનને એકબીજાનાં કામમાં ઘણો રસ હતો. શ્રી કારંત પણ એવું માનતા કે, રંગમંડલમાં ભજવાતાં નાટકો આદિવાસી વિસ્તારોમાં જઈ ભજવવાં જોઈએ જેથી તેમાં અદાકારોને આદિવાસીઓના જીવન અને નાટ્ય સંબંધિત પ્રથાઓનો પ્રત્યક્ષ અનુભવ થાય.

 

1984ના એપ્રિલ માસમાં, રંગમંડલના અદાકારો તથા શ્રી કારંત મધ્ય પ્રદેશના બસ્તર પ્રદેશમાં જવાના હતા. તેની જાણ મને થઈ.  મને પણ સાથે જવાની સગવડ શ્રી સ્વામીનાથને કરી આપી. બસ્તરમાં ત્યારે રાજકીય અશાંતિનું વાતાવરણ પાંગર્યું ન હતું, તેથી જંગલોમાં આવેલા અંતરિયાળ વિસ્તારોનાં ગામો જોવાની તક પણ મળી.  એક સમયે કોઈ દેવતાના સ્થાનકે રાત્રે મોટો મેળો યોજાયેલ, જ્યાં આખી રાત આદિવાસીઓ ગાતા-નાચતા રહ્યા.  સંજોગવશાત્ તે રાત્રે હું એક પણ છબી લઈ શક્યો નહિ. સદ્ભાગ્યે સવાર પછી પણ નાચ-ગાન ચાલતાં જ રહ્યાં. આથી દિવસના અજવાળામાં મને છબી લેવાનો મોકો મળ્યો.  એક સ્થળે હું ઊભો રહી છબી લેતો હતો ત્યારે અચાનક મને પાછળથી ધક્કો લાગ્યો અને કોઈ માણસને મારી બાજુમાંથી દોડી જતો જોયો. મારાં ચશ્મા, કેમેરાનું લેન્સ-હુડ જેવી થોડી વસ્તુઓ ધક્કાને કારણે જમીન પર પડી ગયેલી. તે એકઠી કરી કોઈ તૂટ-ફૂટ થયેલી નહિ તેથી મનમાં હાશ વળી. અને પછી છબી લેવાનું ચાલુ રાખ્યું. સાંજે ઉતારે પાછાં ગયાં ત્યારે રંગભવનના એક અભિનેતાએ સવારે મને લાગેલા ધક્કા અંગે વાત કરી, કે એક યુવાન ગુસ્સે થઈ હાથમાં કુહાડી લઇ મને મારવા દોડતો દોડતો આવેલો. પરંતુ તાડી(કે એવા દારૂ)ના નશાથી ધૂત હોવાને કારણે તે ઘા ચૂકી ગયો તેથી તેનું ધાર્યું થયું નહિ. મારા સદ્ભાગ્યે મને તે સમયે શું બન્યું હતું તેનો ખ્યાલ સુદ્ધાં આવેલો નહિ અને તેથી મનમાં કોઈ પણ પ્રકારના ગભરાટ વિના છબીઓ લેતો રહી શકેલો.