યુવાસ્વર: સર્જન-લેખ

પુસ્તક રસાસ્વાદ: 

૮. ‘ન હન્યતે’ – વિષે આસ્વાદ નોંધ

- આકાશ આર. રાઠોડ

 

પુસ્તક રસાસ્વાદ: 

૯. આસ્વાદ નોંધ :

સંસ્કૃતિ નીચે દબાયેલી પ્રકૃતિની કથા : ‘સંસ્કાર’        

- વિરેન પંડ્યા

પુસ્તક રસાસ્વાદ : 

૮. ‘ન હન્યતે’ – વિષે આસ્વાદ નોંધ

 

- આકાશ આર. રાઠોડ

 

अजो नित्य: शाश्वतोड़य पुराणों

न हन्यते हन्यमान शरीर ।।

          “આ કથાનું મુખ્ય લક્ષણ એ છે, કે એમાં કશુંય કૃતક નથી. એટલે કે બનાવટનો ક્યાંય પ્રયત્ન નથી. મ્હોરું રજૂ કરવાનો છૂપો છૂપો આશય પણ જણાતો નથી. એથી જ આખી કથા વાંચતા જઈએ તેમ તેમ એક વધુ સાચો ચહેરો ઉપસતો આવે છે.”

- ઉમાશંકર જોશી

                                        (“ન હન્યતે”ના “અપાવરણ”માંથી)

 

આ કથા છે લેખિકા મૈત્રેયી દેવીની. તેમનાં જીવનની. તેમનાં જીવનનાં એક અવિનાશી કાલખંડની. બીજી રીતે આ કથા છે એક ભારતીય સ્ત્રીની. હજી બહોળા પરિપ્રેક્ષ્યમાં વિચારીને કહી શકીએ કે આ કથા છે વિશ્વની દરેક અમૃતાની. કોઈ એક વ્યક્તિનો કાલખંડ જ્યારે સાહિત્યમાં નિરુપાય અને પછી એ તેનો પોતાનો જ માત્ર ન રહેતા કાલાતીત રૂપમાં પરિણમે, ત્યારે તે કૃતિ સ્થળકાળના ભૌગોલિક, ભાષાકીય અને ચૈતસિક સીમાડા વટાવી જાય છે.

બંગાળી ભાષાની નીવડેલી કૃતિઓમાની કૃતિ “ન હન્યતે”. જેના સર્જક છે બંગાળી ભાષાનાં તથા ભારતનાં અગ્રગણ્ય સ્ત્રી સર્જકોમાંના એક “મૈત્રેયી દેવી” આ કૃતિ ૧૯૭૪માં પ્રકાશિત થઈ હતી. અને તેનું ગુજરાતીમાં ગંગાવતરણ કરવાનો શ્રેય આપણાં ઉત્તમ અનુવાદક શ્રી 'નગીનદાસ પારેખ'ને ફાળે જાય છે. ત્યારબાદ આપણાં દેશની બીજી ઘણી પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થઈ.  અંગ્રેજીમાં એનો અનુવાદ: “it does not die-love' શીર્ષકથી થયો છે. પછી તો યુરોપની બીજી ભાષાઓ અને પ્રદેશો સુધી આ કૃતિ પહોંચી. મૂળ બંગાળી કૃતિને ઈ. સ. ૧૯૭૬માં તેમજ તેના આ ઉત્તમ ગુજરાતી અનુવાદને ઇ. સ. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક મળ્યા છે.

વાત કરીએ “ન હન્યતે” કૃતિ વિશે. તો આ નવલકથા લેખિકા મૈત્રેયી દેવીની જીવનમૂલક નવલકથા છે – આત્મચરિત્રાત્મક નવલકથા છે. તેનું વિષયવસ્તુ સર્જકના પોતાના જીવનમાં બની ગયેલી ઘટનાને અનુરૂપ છે.. બસ મૈત્રેયી નામને બદલે કથાને અનુરૂપ “પ્રતીકાત્મક” નામ “અમૃતા” રાખ્યું છે. અન્યથા અહીં જે વસ્તુ આલેખાયું છે તે સર્જકના પોતાના જીવનનું જ છે.

સાઠ વર્ષેની ઉંમરે પહોંચેલી અમૃતાના જીવનમાં એકાએક આંચકો આવે છે અને તેના પ્રત્યાઘાતરૂપે ફરી તે સોળમાં વર્ષનું જીવન અને તે પછીના સમયને તે ફરી જીવે છે. ૧૯૭૨ની સાલમાંથી કાલખંડ ઊંચકાઈને  ૧૯૩૦ની સાલમાં પહોંચે છે, જેનું નિમિત્ત બને છે “મિર્ચા યુક્લિડ.”

૧૯૭૨ની પહેલી સપ્ટેમ્બરે અમૃતાના જન્મદિવસે એક વિદેશી યુવક ભારત આવે છે, નામ છે સેરગેઇ. વિશ્વ વિખ્યાત તત્વજ્ઞાની મિર્ચા યુક્લિડનો એ શિષ્ય. એ અમૃતાને મળવા માંગે છે. અમૃતા તેને મળે છે ત્યારે અમૃતા જાણવા પામે છે કે મિર્ચાના પુસ્તક દ્વારા પોતે યુરોપની પરીકથાની નાયિકા બની ચૂકી છે.

અમૃતાથી આ વાત સાવ અજાણી નહોતી. એ પહેલાં પણ એને આ વાતની ખબર હતી. લગ્ન થયાના થોડાં સમય પછી જ પિતાએ તેને કહેલું કે: “મિર્ચાએ તને એક પુસ્તક અર્પણ કરેલ છે.” અને “પોર્નોગ્રાફી લખાણ માટે તેને જેલની સજા થઈ છે.” પણ ત્યારે અમૃતાએ કંઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું. એ પછી પણ અમૃતાને યુરોપના દેશોમાં ફરવાનું કે વિવિધ વિશ્વવિદ્યાલયોમાં વ્યાખ્યાન આપવા જવાનું બનતું. ત્યાં પણ ઘણીવાર લોકો તેને ઓળખી જતાં ને આશ્ચર્યથી પૂછતાં: “તમે જ અમૃતા”, “તમે જ યુક્લિડના ફર્સ્ટ ફ્લેઇમ.” ત્યારે અમૃતાને ખ્યાલ આવી જતો કે મિર્ચાએ લખેલ પુસ્તક દ્વારા પોતે તે પ્રદેશમાં અજાણી નહોતી. અમૃતાએ એ પુસ્તક કદી જોયું નથી અને વાંચ્યું પણ નથી.

વર્ષો પછી જ્યારે સેરગેઈ આવ્યો ત્યારે અમૃતા તેને પૂછે છે કે: “એ પુસ્તકમાં એવું તો કશું નથી લખ્યું ને કે જેનાથી પોતાને શરમાવું પડે?” ત્યારે સેરગેઈ કહે છે: “તેણે લખ્યું છે કે તમે રાત્રે એના ઓરડામાં જતાં. બેશક મને તો એમાં શરમાવા જેવું કશું લાગતું નથી” બસ, આ વાત સાંભળીને અમૃતાના અંતરમાં ભૂકંપ જેવું થાય છે. “સત્યાનાશ” પોતાને વિષે આવા જૂઠનો અશ્લીલ ઉપયોગ એણે પુસ્તકમાં કર્યો છે અને એ પણ ઓળખ છુપાવ્યા વગર!! એ વાતે મનોમન તે પીડાવા લાગે છે. અપ્રિય સત્યનો બોજો તે ઉઠાવી લે, પણ અપ્રિય અસત્યનો બોજો તે ઉઠાવી શકે એમ નથી. આટલા વર્ષો બાદ તેને મિર્ચાના પુસ્તક વિશે વિસ્તૃત ખબર પડે છે. એના લખનારાને તો તે ભૂલી ગઈ એને પણ દસકાઓ વીતી ગયા. ઓચિંતા આવેલા આ આઘાતથી ચેતનાને કોઈક ખૂણે દાબી રાખેલો એ કાલખંડ ફરી સજીવન થાય છે. ૧૯૭૨ની  સાઠ વર્ષની અમૃતા વર્તમાન ભૂમિકામાંથી ઊઠીને ૧૯૩૦ની સાલમાં પહોંચી જાય છે ને યાદ આવે છે મિર્ચા યુક્લિડ.

સોળ વર્ષની ઉંમરે (૧૯૩૦માં) વિશ્વવિખ્યાત દર્શનશાસ્ત્રના અધ્યાપક (અમૃતાના) પિતા નરેનબાબુ વિદેશી વિદ્યાર્થીને ઘરે લાવે છે. તેને રહેવા માટે ઘરમાં જગ્યા આપે છે. નરેનબાબુને પોતાના વિદ્યાર્થી ઉપર ખૂબ માન છે. માટે તેને ઘરમાં રાખે છે અને બધા સાથે હળવા-ભળવા દે છે. આ તેજસ્વી ગોરા યુવક પ્રત્યે અનાયાસે અમૃતાને પ્રેમ થાય છે અને પેલો યુવક પણ ધીરે ધીરે અમૃતામાં આસક્ત થાય છે. બન્ને એકબીજાની વધું નજીક આવતાં જાય છે. આ વાતની ભણક ઘરમાં કોઈને પણ આવી નથી. પણ, ખબર પડતાં બહુ જાજી વાર પણ લાગતી નથી. એકાએક આ ઘટના પરથી બધાં પડદા ઊઠે છે. નરેનબાબુ અને ઘરના લોકોને આ વિશે ખબર પડે છે ત્યારે તેઓ આ સંબંધનો નિષ્ઠુર વિચ્છેદ કરે છે અને મિર્ચાને ઘરેથી કાઢી મૂકે છે.

મિર્ચાના ગયા પછી અમૃતાની સ્થિતિ સામાન્ય રહેતી નથી. તે બધી રીતે અસ્વસ્થ થઈ જાય છે. મિર્ચા રહે છે હજી કલકત્તામાં જ પણ બધાં સંપર્કનો હવે કોઈ અવકાશ નથી. તે જાતે પણ તેને મળવા જઈ શકે એમ નથી. એક દિવસ ખોકો (ઘરનો નોકર, અમૃતાનો મિત્ર) અમૃતા પાસે આવે છે અને કહે છે “રુ તારું એક પુસ્તક આપ, મિર્ચાએ મંગાવ્યું છે.” અમૃતાએ ખોકાને એક પુસ્તક આપે, જેમાં  તે પાછલા પાને લખે છે: “mircea mircea mircea – I have told my mother that you have kissed me only on my forehead.” ખોકો જાય છે.

અમૃતાને હતું કે કંઇક તો જવાબ આવશે જ, પણ મિર્ચાનો કોઈ વળતો ઉત્તર આવતો નથી. હવે અમૃતા મૂંઝાય છે. થોડાંક મહિના બાદ તેને ખબર પડે છે, કે તે પોતાને દેશ ચાલ્યો ગયો છે. કોઈ પત્ર લખ્યા વિના, કોઈ ભાળ લીધા વિના એકલી રઝળતી મૂકી ચાલ્યા ગયેલ વ્યક્તિ પર અમૃતાને નફરત થાય છે. તે એને ભૂલી જવા માગે છે. તે જ સમયમાં તેના ઘરમાં રમાનો પ્રવેશ થાય છે. એ નરેનબાબુની વિદ્યાર્થિની છે અને તેના કારણે અમૃતાની માનો સંસાર ધીરે ધીરે સમાપ્ત થતો જાય છે. સમાજમાં પણ ઘણી બદનામી વેઠવી પડે છે. આ બધાં વચ્ચેથી અમૃતા છુટકારો મેળવવા માટે લગ્ન માટેની હા પાડે છે. પોતે સ્વતંત્ર રહી શકશે અને જ્યારે મન પડે ત્યારે શાંતિનિકેતન જઈ શકશે તેવા આશય સાથે હવે ઘરમાંથી તે છુટકારો મેળવવા માગે છે.

એક મુરતિયા સાથે તેના લગ્ન થાય છે. લગ્ન પહેલા બન્ને એકબીજાને કદી જોયા નથી, છતાં લગ્ન થાય છે. લગ્ન પછી તે તેના પતિની જ્યા નોકરી હતી ત્યાં હિમાલયના કોઈ સ્થળે-નિર્જન ગિરિવાસમાં રહેવા ચાલી જાય છે. હવે તે યુરોપના પેલા માણસને સાવ ભૂલી ગઈ છે. પોતાના સંસારમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. પણ આ પ્રદેશ તેને બહુ જાજો માફક આવતો નથી. તે ત્યાં ભયંકર એકાંત અનુભવે છે. થોડા વર્ષો પછી પાળેલો કોલ પૂરો કરવા માટે “કવિવર રવીન્દ્રનાથ ટાગોર” ત્યાં તેના ઘરે અતિથિ બને છે. અને અમૃતાના એકલતાભર્યા જીવનમાંથી એનો ઉગારો કરે છે.(જુઓ મંગુપ્તે રવીન્દ્રનાથ) કવિ અમૃતાને રાહ ચીંધે છે જે ગાંધીજી સૌ કોઈને ચીંધી ગયા છે. એ માર્ગ છે સેવાનો. પહાડી પર જતાં મજૂરોને જોઈ કવિ કહે છે: “તો પછી તમે એકલા શાથી ? એ લોકો શું માણસ નથી ? એ લોકોને તારા ઘરમાં બોલાવ.. એ લોકોની પાસે જા.. એમનાં મિત્ર કેમ નથી થતાં” અમૃતાને માટે સામાજિક કામગીરી જડીબુટ્ટી નીવડે છે. પહાડોમાંથી કવિના મૃત્યુ પછી ચૌદ વર્ષે કલકત્તામાં સ્થિર થવા કુટુંબ પાછું ફરે છે ત્યારે અમૃતાના જીવનમાંથી પહેલાનો પેલો ખાલીપો દૂર થયો છે.

આ  અમૃતાના જીવનનો બીજો મહત્વનો વળાંક છે. હિમાલયના ગિરિવાસમાં આરંભેલી સેવાકીય પ્રવૃત્તિ પણ ઘણી આગળ વધી છે. સ્વાતંત્ર્યોત્તર બંગાળના ભાગલા અને હવે ત્યાંથી ભારત આવેલ નિર્વાસિતોની સેવા સુધી એ પહોંચી છે.  અઠ્ઠાવને પહોંચેલી અમૃતા પોતાના સંસારમાં ખુશ હતી. ત્યાં જ તેના જન્મદિવસે ૧૯૭૨માં ક્યાંકથી ટપકી પડેલ સેરગેઇ અમૃતાને મળે છે. મિર્ચાના પુસ્તક વિશેની વાત નીકળે છે. પોતાના વિશે  જૂઠની અશ્લીલ કથા વર્ષોથી યુરોપમાં વહેંચાય છે એ વાત માત્રથી તેને મોટો આંચકો લાગે છે.

સેરગેઈને મળ્યા પછી આઠ મહિના સુધી અમૃતા કંઈક જુદી જ અવસ્થામાં પહોંચી જાય છે. ૧૯૭૨માં માત્ર શ્વાસ જ ચાલે છે જીવે તો છે પાછલાં વર્ષોનો સંપૂર્ણ અધ્યાય. ખાસ કરીને સોળમાં વર્ષનો (૧૯૩૦ની સાલનું) મિર્ચા સાથે વિતાવેલ એ સમય. તેના જીવનમાંથી એ ખંડ કદી હણી શકાય એમ નથી, એવું તે અનુભવે છે. બેતાલીસ વર્ષો સુધી ભીતરના કોઈક ખૂણે ધરબાઈ રહેલ જ્વાળામુખી – જેના વિશે તે એમ માનતી હતી કે હવે એનો નાશ થઈ ગયો છે – પણ તે આ સમયે ફરી જાગૃત થાય છે. એનો કદી નાશ થઈ શકે એમ નથી. ‘ન હન્યતે હન્યમાન શરીરે.” નથી મરતો, પ્રેમ નથી મરતો.

શરૂઆતમાં આપણને લાગે કે આ કથા ઘવાયેલા સ્ત્રીત્વનો કરુણ ચિત્કાર છે. પણ જેમ જેમ કથા આગળ ચાલે છે તેમ-તેમ અમૃતાનો વધુ સાચો ચહેરો ઉપસતો આવે છે. પોતાના અસ્તિત્વના બધા આવરણો તે હટાવે છે. મિર્ચાના પુસ્તકના પ્રતિકારના આશયથી શરૂ થયેલી આ કથા ફરી મિર્ચાના પ્રણયમાં જ સમાપ્તિ પામે છે. એટલે જ આ માત્ર પ્રેમની કથા નહિ પણ પ્રેમના અમરત્વની કથા બની રહે છે.

શ્રી ઉમાશંકર જોશી આ વિશે એક વિધાન કરે છે: “આમ જુઓ તો કથા આ આઠ મહિનાની છે (૧૯૭૩) પણ તે મહિનાઓમાં પાછલાં વર્ષોનું જીવન - ખાસ તો સોળમાં વરસનું પ્રણયજીવન વાગોળવાનું માત્ર બનતું નથી, એ જીવન એની નાનામાં નાની વિગતો સાથે કહો કે દેહમનના તંતુએ તંતુમાં - સમગ્ર ચેતનામાં અમૃતા ફરીથી જીવે છે.” આ કથાનું સૌથી મહત્વનું પાસું આ છે. અહીં અમૃતાનું પાત્ર, પાત્ર મટી એક ચરિત્ર તરીકે ઉપસે છે. એક સ્ત્રીનું ચરિત્ર. કથા ૧૯૭૩માં લખાય છે ને ફરી ૧૯૩૦થી જીવાય છે. એ જ પ્રમાણે સર્જકે કરેલું કથાગુંફન પણ ખૂબ ઉત્કૃષ્ટ કોટિનું છે. પ્રથમ વ્યક્તિ એક વચનથી કહેવાયેલી આ કથા અમૃતા દ્વારા કહેવાય છે તેની સહેલી પાર્વતી અને ગૌતમીને અને તે મારફત સમગ્ર જગતને. કથા આત્મચરિતાત્મક હોવા છતાં  કથાના અંતભાગ સિવાય અહીં આત્મકથન ગૌણ બની જાય છે. કૃતિ ક્યાંય ભારરૂપ બનતી નથી. ચાર પર્વોમાં વિભાજિત આ કૃતિમાં પહેલું પર્વ અડધો-અડધ ભાગ રોકે છે. જે કથાના ઉઘાડથી મિર્ચાની વિદાય સુધીનું છે. પછીના બે પર્વો અમૃતાના ગૃહસ્થ જીવનના છે. ને ચોથું પર્વ ઝડપથી કથાને અંત તરફ ધકેલે છે.

આઠ મહિનાથી પીડાતી અમૃતાની સ્થિતિ પરિવારના લોકો, મિત્રો-સહચારી, સહેલીઓ બધાં ઓળખી જાય છે. ત્યારે અમૃતા તેના પતિ પાસે વિગતે નિસંકોચ આખી વાત મૂકે છે. એ પહેલાં પણ પિતાના આ વિદેશી વિદ્યાર્થી અને પોતાની વિશે તેના પતિને વાત કરેલી જ, પણ આજે વિગતે - જે હતું એવું અને જેવું અત્યારે અનુભવી રહી છે એવું - તેના પતિને કહી સંભળાવે છે. તેના પતિ અત્યંત સ્નેહાળ સ્વભાવના છે. તે એક વાર વિદેશ જઈ મિર્ચાને મળી આવવાનું કહે છે. તેની સખી સહેલીઓનો પણ એ જ મત છે.

તે ગાળામાં અમૃતાને ખોકા પાસેથી બેતાળીસ વર્ષ પૂર્વે - મિર્ચાની વિદાય વેળા પછીના - મિર્ચાએ અમૃતાને લખેલા પત્રો મળે છે. ખોકાએ જાણી જોઈને એ અમૃતા સુધી નહોતાં પહોંચાડ્યા. હવે મિર્ચા વિશ્વાસઘાતી હતો એવું અમૃતાના મનમાંથી નીકળી જાય છે. અમૃતા તેને મળવા તેના દેશ જાય છે. બંને મળે છે, પણ વિધિની વક્રતા અહીં જુઓ. અતિ જૈફ ઉંમરે મિર્ચા પોતાની આંખો ગુમાવી બેઠો છે. તે આંખો હવે ક્યારેય અમૃતાને જોઈ શકવાની નથી. બેફામ સાહેબનો એક શેર અહીં બિલકુલ બંધ બેસે એવો છે:

“અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહીં;

પાછા નયનનાં નૂરને વાળી શક્યો નહીં.

હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,

એ આવ્યાં ત્યારે એને નિહાળી શક્યો નહીં.”

આ કૃતિ અનેક પરિમાણી છે. એમાં કોઈ એકાદ પરિમાણ વિશે જ વાત કરતાં સમસ્યાઓ ઊભી થાય, કદાચ અર્થઘટન ગેરમાર્ગે પણ દોરે. ઉમાશંકર જોશી આ મુદ્દાને લઈ એક વિધાન ટાંકે છે: “આ કથાના ત્રણ પરિમાણ ચોખ્ખાં જોઈ શકાય છે. એક તો ૧૯૩૦ની સીધી સાદી રોમાંચક પ્રણયકથાનું. બીજું બેતાળીસ વર્ષ પછી એ બધાને ફરીથી જીવતી અમૃતાની કથાનું. ત્રીજું એ બંનેની પારસ્પરિક ક્રિયામાંથી પ્રગટતા પ્રેમ આત્માનો અ-મૃત અંશ છે - એવા અનુભવની વાતનું. કલાનું ચોથું પરિમાણ ઉમેરાતાં આ બધું જ કાલમાંથી કાલાતીતમાં ઊચકાય છે. કૃતિ અનેક -પરિમાણી હોઈ એક જાતની રહસ્યમય સુંદરતા ધારણ કરે છે.”

દરેક ભાવકને આ જુદી જુદી રીતે પડકારતી કૃતિ છે. જેમ કે: ૧. આ ઘવાયેલા સ્ત્રીત્વનો કરુણ ચિત્કાર છે, ૨. આ જગત સામે સત્યના અપાવરણની છે. ૩.‌આ પ્રેમના અમરત્વની ગાથા છે. ૪. આ અઠ્ઠાવને પહોંચેલી એક સ્ત્રીની ચેતનામાં ફરી પ્રવેશતી સોળમાં વર્ષની લાગણીની ચૈતસિક કથા છે.

આ કૃતિમાં મુખ્ય કથાની સાથોસાથ ઘણાં ગૌણ પ્રસંગો પણ જોઈ શકાશે. આ ગૌણ ઘટનાઓ મુખ્ય કથા માટે ધારક પરિબળ બની રહે છે. તેથી કથાની ગતિનો એક લય-યોગ જોઈ શકીએ છીએ. જેમાં ભાવકને ભાવન ક્યાંય ભારરૂપ લાગતું નથી. એ ગૌણ પ્રસંગોમાં જોવા મળે છે તે સમયનું બંગાળ, તે સમયનું ભારત અને તેનો સામાજિક પરિવેશ. અમૃતા આ કથાનું મુખ્ય પાત્ર છે પણ તેની આજુબાજુ જોડાયેલા લોકો પણ કથામાં આવે જ. સર્જકની જીવનમૂલક નવલકથા હોવાથી તેમના અંગત જીવનમાં જ્યારે આપણે ડોકિયું કરીએ છીએ ત્યારે તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ આપણને પમાય છે. અહીં એક નાયક છે મિર્ચા‌ અને બીજો કહો તો એ છે “સત્ય” . મિર્ચા સાથેના સંબંધના બધાં આવરણો અમૃતા સત્યને કેન્દ્રમાં રાખી જગત સામે ઉઘાડે છે.

અમૃતાના પિતાએ બાળપણથી એને સાહિત્યના વાતાવરણમાં ઉછેરી હતી. અને તે નાની વયે કવિતાઓ લખતી થઈ હતી. માત્ર સોળ વર્ષની ઉંમરે તેનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પડે છે. તે સમયે બંગાળના અને સમસ્ત ભારતના સાહિત્યિક વાતાવરણમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું નામ અગ્ર હતું. (અલબત્ત આજે પણ છે.) પણ ત્યારે તેઓ હયાત હતા. અમૃતા પહેલેથી આ વિભૂતિનો સ્નેહ-આદર પામી હતી. રવીન્દ્રનાથની સમર્થ અનુયાયી જે તેમના ગીતો થકી જગતને જુએ છે એવી કવિયીત્રી અને રવીન્દ્રચાહક હતી. કવિવર પણ અમૃતા પર અઢળક વ્હાલ રાખતા. અમૃતાના(મૈત્રેયી) જીવનના તેઓ મંગલમૂર્તિ છે જેનો પુરાવો આ કથા પણ છે અને મૈત્રૈયી દેવીના બીજાં પુસ્તકો પણ છે. (“મંગુપ્તે રવીન્દ્રનાથ” તથા બીજાં આઠેક પુસ્તકો)

અહીં કવિવર આ કૃતિમાં આવે છે. તેઓ અમૃતાને દરેક મુશ્કેલીમાંથી ઉગારે છે. તેને સાચો રાહ ચીંધી, અડગ મને સંસાર તરી જવાની પ્રેરણા કવિ અમૃતાને પૂરી પાડે છે. અમૃતા ભૂલ કરે છે ત્યારે એ રોકે પણ છે. પહેલીવાર રવિ ઠાકુર અમૃતાને મિર્ચા સાથે વાતો કરતાં જુએ છે ત્યારે એ સોળ વર્ષની તરૂણીને કવિ પ્રેમથી સમજાવે છે: “અમૃતા, તારી ઉંમર નાની છે. મનને આટલું  બધું‌ ડખોળીશ નહિ. એ સ્વાસ્થ્ય માટે સારું નથી. મનને સ્વચ્છ નિતર્યા સરોવર જેવું સ્થિર રાખ, એની નીચે દૂર સુધી ઊંડાણ હોય છે, પણ અત્યારથી જ તેને ડખોળી ખળભળાવી મૂકવાની જરૂર નથી.” મિર્ચાની વિદાય પછી એમના સાંત્વન શબ્દો છે: “…દિવસે દિવસે વેદનાને‌ બોધનાને સ્તરે લઈ જઈ કઠોરને લલિતમાં, ખટાશને માધુર્યમાં પરિપક્વ કરવા એનું જ નામ વિકાસ… પોતા પર શ્રદ્ધા રાખજે, ચારે કોરથી પોતાને વિચ્છિન્ન કરી લઈને તે ગંભીર એકાંતમાં પોતાને સ્થિર કરજે, જ્યાં તારો મહિમા તારા ભાગ્યને પણ અતિક્રમી જાય…” લગ્ન પછી કવિને મળવા ગયેલી અમૃતાને એમણે કહેલું : “બીજું કોઈ આપણાં હાથમાં નથી, આપણે પોતે જ માત્ર આપણાં હાથમાં છીએ… પરિસ્થિતિ ગમે તેવી હોય, ભાગ્ય ગમે તેવું હોય, તારે તેના કરતાં મોટા થવાનું છે… જો તું સુખી નહીં થાય અમૃતા, જો તું ભાંગી પડી… તો હું માનીશ કે એ મારી જ હાર છે… જો તું એક સુંદર માળો રચી શકે, જ્યાં તારા આનંદભર્યા સંસારમાં સૌ કોઈ આનંદમાં રહેતાં હોય, તો હું વચન આપું છું કે હું તારા તે ઘરમાં આવીશ…”

આમ કવિવર, અમૃતાને સમગ્ર અસ્તિત્વના પરિપ્રેક્ષ્યમાં જોવાની જીવન-સાફલ્યની ચાવી બતાવે છે.

કૃતિમાં આવતાં બીજાં પાત્રો વિશે વાત કરતાં ઘણીવાર અડચણ ઊભી થઈ શકે. કથા આત્મચરિત હોવાથી તે પ્રશ્ન દેખીતી રીતે રહે જ. પિતા નરેનબાબુ, માતા, સાવિ, શાંતિ, ખોકો આ બધાં પાત્રોની છાપ આપણે અમૃતાની નજરે જોઈએ છીએ. બીજાં પણ અઢળક પાત્રો આ કૃતિમાં જોવા મળે છે. મુખ્ય પાત્ર મિર્ચાના ગુણો અને દોષો અમૃતા બધી રીતે સ્પષ્ટ કરે છે. ૧૯૭૩ની સાલમાં મિર્ચા તરફ વધતી ઘૃણા અને સ્મૃતિમાં ૧૯૩૦ની અમૃતાનો એની પ્રત્યે વધતો જતો લગાવ આ બન્ને સમાંતર ચાલે છે. આ બન્ને પરિસ્થિતિના સામ્યથી કથાનું મુખ્ય દર્શન “પ્રેમ આત્માનો અ-મૃત અંશ” એવું આપણે જોઈ શકીએ છીએ. અહીં મૈત્રેયીનું નામ અમૃતા જ શું કામ બીજું કેમ નહિ? તો એનો જવાબ છે સર્જકના આ દર્શનમાં.

સમાપન પૂર્વે એક આડવાત નોંધુ, જે મુખ્ય જેવી જ અગત્યની આપ સમજશો. આ કૃતિ રોમેનિયન ફિલોસોફર મીર્ચા ઇલિયડનું ૧૯૩૩માં પ્રકાશિત થયેલ આત્મચરિત પ્રણયકથા “મૈત્રેયી”નો વળતો જવાબ છે. જે આ કથાનું મુખ્ય બીજ છે. એણે ૧૯૩૩માં જીવનમૂલક વિયોગાંત નવલકથા લખી હતી. એમાં એણે મૈત્રેયીની ઓળખ છુપાવી નહોતી પણ છતી કરી હતી. ધીરે ધીરે આ પુસ્તકનો યુરોપની અન્ય ભાષાઓમાં અનુવાદ થાય છે. જ્યારે ફ્રેંચમાં એનો અનુવાદ “la nuit bengal(૧૯૫૦)” શીર્ષકથી થાય છે ત્યારે મૈત્રેયી દેવીને તેની જાણ થાય છે. પણ તે સમયે એ કઈ વિશેષ ધ્યાન આપતાં નથી. જ્યારે એ પુસ્તકનો ફેલાવો વધુ થાય છે અને વધુ લોકો દ્વારા એનાં ઉલ્લેખ થવા લાગે છે ત્યારે ૧૯૭૩માં તે એનો પ્રતિકાર કરતો વળતો જવાબ આપવા માંગે છે. તેમને શિકાગો યુનિ. તરફથી “કવિવર રવીન્દ્રનાથ”ના જીવન પર વ્યાખ્યાન આપવા જવાનું બને છે, એ જ યુનિ. જ્યાં ઇલિયડ તત્વજ્ઞાનનો પ્રાધ્યાપક છે. ત્યારે બંન્ને મળે છે અને એક કરાર થાય છે કે અમૃતાની હયાતી હશે ત્યાં સુધી ઇલિયડનું એ પુસ્તક અંગ્રેજીમાં કે ભારતની કોઈ ભાષાઓમાં અનુવાદિત નહીં થાય. જ્યારે મૈત્રેયી દેવીનું તોતેર વર્ષની વયે ઈ. સ.૧૯૮૯માં નિધન થાય છે, ત્યારે શિકાગો વિશ્વવિદ્યાલય આ બન્ને પુસ્તકો - મૈત્રેયી દેવી કૃત “ન હન્યતે”  અને ઇલિયડ કૃત “મૈત્રેયી” - ના ઈંગ્લીશ વોલ્યુમ એક સાથે પ્રકાશિત કરે છે. પછી એ કૃતિ છેક બંગાળી ભાષા સુધી પણ પહોંચી છે.

મિર્ચા ઇલિયડે યાતનામાંથી છૂટવા માટે કથાલેખનનો સહારો લીધો અને એ યાતનાઓના મૂર્ત સ્વરૂપે મળી રોમેનિયન ભાષાની કૃતિ “મૈત્રેયી” જ્યારે “ન હન્યતે” એ મૈત્રેયીનો વળતો જવાબ. પણ “ન હન્યતે” એ વ્યવહારુ આશયથી ઘણી ઉપર ઉઠી સંપૂર્ણ કલાકૃતિ બનવા પામી છે એ ચોક્કસ. આ બન્ને કૃતિ ઇતિહાસની બહુ વિરલ ઘટના છે. યુરોપ અને ભારતીય સાહિત્યના સંબંધરૂપે શિકાગો વિશ્વવિદ્યાલય આ બન્ને પુસ્તકોના વોલ્યુમ એક સાથે પ્રકાશિત કરે છે.

આ કૃતિ પરથી વિખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ૧૯૯૯માં એક ફિલ્મ બનાવી છે  જેનું નામ છે : “હમ દિલ દે ચૂકે સનમ.” પણ, તેઓ આ નવલકથાનો નામોલ્લેખ કરવાનું ચૂકી ગયા છે.

 

- આકાશ આર. રાઠોડ

હરિઓમ નગર, વલભીપુર – ૩૬૪૩૧૦

તા. વલભીપુર, જી. ભાવનગર.

 

*સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ - રાપર (કચ્છ)ના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત ઓનલાઈન ‘પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી’માં અપાયેલ વ્યાખ્યાન..

 

 

પુસ્તક રસાસ્વાદ: 

૯. સંસ્કૃતિ નીચે દબાયેલી પ્રકૃતિની કથા : ‘સંસ્કાર’        

 

   - વિરેન પંડ્યા

 

કર્ણાટકનાં શિમોગા જિલ્લાનાં નાનકડાં ગામ મિલિગેમાં જન્મેલાં યુ. આર. અનંતમૂર્તિ હવે માત્ર કન્નડ ભાષાનાં સર્જક  નથી રહ્યા. એમનાં અંગ્રેજી સાહિત્યનાં વિષદ અધ્યયનથી ભારત અને વિદેશની અનેક યુનિવર્સિટીનાં અનેક વિદ્યાર્થીઓ રળિયાત થયાં છે. એટલે શિક્ષક તરીકે પણ તેઓ માત્ર કર્ણાટક પૂરતાં સીમિત નથી. સાહિત્ય સર્જન માટે તેમને મળેલ જ્ઞાનપીઠ પુરસ્કાર અને પદ્મભૂષણ પુરસ્કાર તેમના સાહિત્યની ગુણવત્તાનો નિર્દેશ કરે છે. વિશ્વની અને ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓમાં તેની કૃતિઓ અનુવાદિત થઈને પહોંચી છે. કવિતા અને ટૂંકીવાર્તામાં પણ પોતાની કલમ ચલાવનાર યુ. આર. અનંતમૂર્તિ નવલકથાકાર તરીકે વિશેષ જાણીતા છે. અહીં તેમની બહુ જાણીતી લઘુનવલ ‘સંસ્કાર’ને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાનાં છીએ. મૂળ કન્નડ ભાષામાં ઈ.સ. ૧૯૬૫માં લખાયેલી આ લઘુનવલ શ્રી હસમુખ દવે ઈ.સ. ૧૯૯૦માં ગુજરાતી ભાષામાં લઈ આવ્યા છે. એ ગુજરાતી અનુવાદના આધારે આપણે કૃતિને પામવા પ્રયાસ કરીશું.

દુર્વાસાપુર નામનું એક ગામ છે. ગામ ત્રણ કારણોસર જાણીતું છે. ગામની બહાર આવેલી તુંગા નદીની વચ્ચે આવેલી  ટેકરી કે જ્યાં દુર્વાસા મુનિ આજેય તપ કરે છે અને એની સાથે જોડાયેલી પાંડવોની વાયકાને લીધે ગામ બહુ પ્રચલિત છે. બીજું ગામમાં એક અતિ-વિદ્વાન બ્રાહ્મણ પ્રાણેશાચાર્ય વસે છે. તેમની વિદ્વતાથી તેમણે આજુબાજુના મોટા-મોટા પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા છે. આવા વિદ્વાન, સંસ્કારપુરૂષ પ્રાણેશાચાર્યનાં લીધે પણ આ ગામ ખ્યાતિ પામ્યું છે. અને ત્રીજું કારણ છે કુખ્યાત નારાણપ્પા. બ્રાહ્મણ હોવા છતાં મદ્યપાન, માંસાહાર, ગણિકાસંગ જેવા તમામ કુસંસ્કારોથી ભરેલો અને હંમેશાં યાદૃચ્છ જીવન જીવતો આ નારાણપ્પા પણ ગામની ત્રીજી લાંછનરૂપ ઓળખ છે.

પ્રાણેશાચાર્યએ ભાગીરથી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પત્નીની સેવા કરીને પુણ્ય કમાઈ શકાય એવાં શુભાશયથી પ્રાણેશાચાર્ય જાણી—જોઈને બિમાર સ્ત્રીને પરણ્યા છે. ભાગીરથી પ્રાણેશાચાર્ય માટે યજ્ઞવેદી છે. દરરોજ સવારે સંધ્યા-પૂજા કરી, પત્નીને ભાતનું ઓસામણ અને દવા આપવી. પછી પોતે રસોઈ બનાવી જમવું. હનમાનજીની પૂજા કરવા જવું. બપોરે વાસના બ્રાહ્મણોને પુરાણોની કથા સંભળાવવી અને રાત્રે ભજનો સંભળાવવા. છેલ્લાં વીસ વર્ષથી પ્રાણેશાચાર્યનો આ નિત્યક્રમ છે. પૂરી શ્રદ્ધા અને સહેજ પણ કંટાળો લાવ્યા વગર પત્નીની સેવાના અવિરત યજ્ઞના લીધે પ્રાણેશાચાર્ય વિશેષ આદરપાત્ર બન્યા છે.

બીજી બાજુ નારાણપ્પા વધુને વધુ લોકોમાં તિરસ્કારપાત્ર બનતો જાય છે. વાસના બ્રાહ્મણોમાંથી ગરુડાચાર્યના દીકરાને ઘર છોડી ભાગી જવાની ને લશ્કરમાં ભરતી થવાની પ્રેરણા નારાણપ્પા પાસેથી મળી હતી. લક્ષ્મણાચાર્યના જમાઈને નાટક મંડળી સાથે ભટકતો કરવામાં નારાણપ્પાનો હાથ હતો. એ ઉપરાંત પૂજાના પવિત્ર પથ્થરને પાણીમાં ફેંકી દેવો, ગણપતિના તળાવમાંથી માછલીઓ પકડવી, યવનો સાથે પોતાના ફળિયામાં બેસીને નિષિદ્ધ ભોજન કરવું, ચંદ્રી જેવી વેશ્યાને પોતાના ઘરમાં રાખવી –જેવી અનેક પ્રવૃત્તિઓએ તેને વિશેષ અસામાજિક બનાવ્યો હતો. અધૂરામાં પૂરું નારાણપ્પાના લીધે દુર્વાસાપુરના બ્રાહ્મણોને બ્રહ્મભોજનના આમંત્રણ મળતા પણ બંધ થયા હતા. આમ વ્યક્તિગત કે સામૂહિક રીતે કોઈને કોઈ અગવડ નારાણપ્પા તરફથી બધાંને ભોગવવી પડતી હતી.

નારાણપ્પાને તેના કુલક્ષણોને લીધે નાત બહાર મૂકવાનો પ્રસ્તાવ અનેક વખત આવ્યો હતો. પણ પ્રાણેશાચાર્યે નારાણપ્પાની મરતી માને વચન આપ્યું હતું કે, તે નારાણપ્પાને સીધા રસ્તે લઈ આવશે. એટલે એને નાત બહાર મૂકવા માટે તેઓ સંમત થતા ન હતા. એ ઉપરાંત નારાણપ્પાએ એવી ધમકી આપી હતી કે, જો મને નાત બહાર મૂકશો તો હું યવન બની જઈશ અને અહીં જ રહીશ. હવે જો એ યવન બની જાય  અને વાસમાં જ રહે, તો બ્રાહ્મણોએ વાસ છોડવાનો વારો આવે. આમ નારાણપ્પાને સાથે રાખવો કે દૂર કરવો બંને બ્રાહ્મણો માટે અસહ્ય હતું.

લઘુનવલની શરૂઆતમાં ચંદ્રી પ્રાણેશાચાર્યને ત્યાં આવીને નારાણપ્પાના મૃત્યુનાં સમાચાર આપે છે. જમવા બેઠેલા પ્રાણેશાચાર્ય જમ્યા વગર ઉઠીને વાસના બ્રાહ્મણોને નારાણપ્પાના મૃત્યુનાં સમાચાર પહોચાડે છે, જેથી કોઈ ગામમાં શબ પડ્યું હોવા છતાં જમીને પાપમાં ન પડે. બધાં બ્રાહ્મણો પ્રાણેશાચાર્યના ફળિયામાં એકઠાં થાય છે. કોઈ બ્રાહ્મણ નારાણપ્પાના અગ્નિ-સંસ્કાર કરવા તૈયાર નથી થતો. શાસ્ત્રમાં તેનો ઉકેલ શોધતા-શોધતા પ્રાણેશાચાર્યને રાત પડી જાય છે. આખી રાત નારાણપ્પા જેવાં કુલક્ષણા બ્રાહ્મણનો સંસ્કાર કેમ કરવો એ શાસ્ત્રોમાં તપાસવા છતાં નથી મળતું. બીજે દિવસે સવારે હનુમાનજીના મંદિરે પ્રાણેશાચાર્ય સાક્ષાત ભગવાન પાસે જવાબ માંગવા જાય છે. એ દરમિયાન બાજુનાં ગામ પારિજાતપુરના બ્રાહ્મણો-કે જે નારાણપ્પાના મિત્રો હતા-ને વાસના બ્રાહ્મણો અગ્નિ-સંસ્કાર કરવા મનાવે છે, પણ તેઓ તૈયાર થતાં નથી. પોતાના પ્રેમી નારાણપ્પાના શબને આ હાલતમાં જોઈ ન શકતા, ચંદ્રી બાજુના ગામના પોતાના ઓળખીતા મુસલમાનો પાસે તેનો અગ્નિસંસ્કાર કરાવીને જંગલમાં ચાલી જાય છે. સાંજ સુધી હનુમાનજીની ઉપાસના છતાં પ્રાણેશાચાર્યને કોઈ જવાબ મળતો નથી. નિરાશ થઈને રાત્રે તે ઘર તરફ આવવા નીકળે છે. પોતાનું વર્ષોનું શાસ્ત્રોનું અધ્યયન અને ઈશ્વરભક્તિ તેને આ પરિસ્થિતિનો ઉકેલ આપી શક્યા નથી. મંદિર અને ઘર વચ્ચેના જંગલમાં ચંદ્રી મળે છે. વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, સંસ્કારી પ્રાણેશાચાર્ય નારાણપ્પાની રખાત ચંદ્રી સાથે શરીર સંબંધે જોડાય છે. જીવનમાં ક્યારેય નહિ પામેલું અપાર સુખ પ્રાણેશાચાર્ય ચંદ્રીનાં સહવાસમાં પામે છે. પત્નીની દવા યાદ આવતા ત્યાંથી ઘરે આવીને જુએ છે તો પત્ની ભાગીરથી અંતિમ શ્વાસ લઈ રહી છે. પોતાની યજ્ઞવેદી જેને માનતા હતા એ પત્નીનો અગ્નિ-સંસ્કાર કરી પ્રાણેશાચાર્ય સીધા સ્મશાનેથી જ ગામ છોડી નીકળી પડે છે. ચંદ્રી સાથેની એ સુખદ ક્ષણો તેના ચિત્તમાંથી ખસતી નથી. આ બાજુ ગામમાં એક પછી એક લોકો ટપોટપ મરવા લાગે છે. બ્રાહ્મણો એમ માને છે કે નારાણપ્પા બ્રહ્મરાક્ષસ થઈને બધાંને મારી રહ્યો છે. પણ ખરેખર પ્લેગના રોગથી લોકો મરી રહ્યા છે, જે અંધશ્રદ્ધાથી પીડાતા બ્રાહ્મણો સમજી શકતા નથી.

પ્રાણેશાચાર્ય દુર્વાસાપુરથી કોઈ લક્ષ્ય નક્કી કર્યા વગર નીકળી પડે છે. રસ્તામાં એને મલેરા જાતિનો બ્રાહ્મણ પુત્તો મળે છે. પુત્તો એને મેલીગે ગામ લઈ જાય છે. ત્યાં રથયાત્રાના ઉત્સવના મેળામાં પુત્તો પ્રાણેશાચાર્યને ફેરવે છે. સામાન્ય લોકો મેળામાં જીવનનો જે આનંદ લૂંટે છે, તે પ્રથમ વખત પ્રાણેશાચાર્ય જુએ છે. તેના સંસ્કારો તેને મેળામાં સામેલ તો થવા દેતા નથી, પણ પુત્તોના માધ્યમથી એ પુસ્તકો બહારનો દુન્યવી આનંદ આ મેળામાં અનુભવે છે. પુત્તો તેમની ઓળખીતી એક ગણિકા પદ્માવતી પાસે પ્રાણેશાચાર્યને લઈ જાય છે ને રાત્રે તેને ત્યાં રોકાવાનું નક્કી કરી, પ્રાણેશાચાર્ય મંદિરમાં બ્રહ્મભોજન કરવા આવે છે. પીરસનાર ઓળખી જાય છે એટલે આચાર્ય ત્યાંથી ભાગે છે અને પુત્તો સાથે નક્કી કર્યા મુજબ ચંદ્રીના ગામ જવાને બદલે પહેલાં દુર્વાસાપુર જવાનું નક્કી કરે છે. કેમ કે હવે એનામાં અને નારાણપ્પામાં કોઈ ફેર નથી રહ્યો, તેથી તેઓ તેના રઝળતા શબને અગ્નિ-સંસ્કાર આપવા અને વાસના બ્રાહ્મણોને જણાવવા -કે હવે પોતે ચંદ્રી સાથે રહેવા માંગે છે- પોતાના ગામ જવા નીકળે છે. પોતાની જ્યાં પૂજા થતી હતી, પોતાના જે સંસ્કારો તેઓ નારાણપ્પામાં આરોપિત કરવા માંગતા હતા, એ સ્થાનથી, એ સંસ્કારોથી ભ્રષ્ટ થઈને પ્રાણેશાચાર્ય ગામ જવા નીકળ્યા છે. જાણે નારાણપ્પા હવે પ્રાણેશાચાર્યમાં પુનર્જીવિત થયો છે. ગામમાં જઈને એ ફરી પોતાની અંદર જાગેલી મૂળ પ્રકૃતિને દબાવી દેશે કે હિંમત કરીને લોકનિંદા સહીને પણ ચંદ્રી સાથે રહેવા જશે ? એ સ્પષ્ટ કહ્યા વગર પ્રાણેશાચાર્યની અવઢવ સાથે ભાવકને પણ અવઢવમાં રાખીને સર્જક લઘુનવલ પૂરી કરે છે.

પુરાણોના અનેક સંદર્ભોથી લઘુનવલને સર્જકે સમૃદ્ધ બનાવી છે. ‘મહાભારત’, ‘અભિજ્ઞાન શાકુન્તલ’ જેવા ગ્રંથો અને જુદાં જુદાં પુરાણોના પ્રસંગો બહારથી લાદેલા ન લાગે એવી કલામય રીતે લઘુનવલમાં આવે છે અને કથાને વધુ અર્થક્ષમ બનાવે છે. પ્રાણેશાચાર્ય, નારાણપ્પા, ચંદ્રી, ગરુડાચાર્ય, લક્ષ્મણાચાર્ય, પુત્તો જેવા મહત્વનાં પાત્રો ઉપરાંત વાસમાં રહેતાં બ્રાહ્મણો, બ્રાહ્મણોની પત્નીઓ, પારિજાતપુરના બ્રાહ્મણો, વાસમાં વસતા અન્ય લોકોને લેખક તાદૃશ કરી આપે છે. પ્રાણેશાચાર્ય પત્નીનાં અગ્નિસંસ્કાર કરીને ચંદ્રી પાસે જવા નીકળી પડે છે ત્યારે રસ્તામાં મળતો પુત્તો વિલક્ષણ પાત્ર છે. પુત્તો એ પ્રાણેશાચાર્યની વૃત્તિઓનું પ્રતીક છે. પ્રાણેશાચાર્ય જે દુન્યવી સુખથી વંચિત રહ્યા છે, તે તમામ લૌકિક સુખ પુત્તો મેળામાં માણે છે. પ્રાણેશાચાર્યને પદ્માવતી નામની ગણિકા પાસે પણ લઈ જાય છે. અને છેલ્લે જયારે પ્રાણેશાચાર્ય ફરી  દુર્વાસાપુર જવા નીકળે છે, ત્યારે સિગરામમાં એક જ જગ્યા છે એટલે આ પુત્તો સાથે જઈ શકતો નથી. જાણે સભ્યતાના પ્રતીકરૂપ સિગરામમાં પ્રાકૃતિક વૃત્તિઓનાં પ્રતીકરૂપ પુત્તો માટે જગ્યા નથી. પુત્તોનો કથામાં પ્રવેશ અને કથામાંથી બહાર થવું –બંને સાભિપ્રાય છે. આમ તો આખી કથાની ગોઠવણ આયાસપૂર્વકની છે, પણ એ આયાસ સાહજિક લાગે તેવો છે અને એ સાહજિકતા સિદ્ધ કરવી એ જ કોઈ પણ સર્જકની કસોટી હોય છે. પાત્રોની સાથે સાથે કથાના સ્થળો પણ જીવંત લાગે એવી રીતે લેખકે ચાક્ષુષ કર્યા છે. બ્રાહ્મણોના વાસનું વર્ણન જુઓ :

“વાસમાં આવેલા બ્રાહ્મણોનાં ઘરોનું વર્ણન જો કરવું હોય તો આમ થઈ શકે. ઉંદરોની દોડાદોડીથી અને વાંદાથી ઊભરાતી દૂધ-છાસનાં ઠામ મૂકવાની અભરાઈઓ, વચ્ચેના ખંડમાં એક છેડેથી બીજે છેડે બાંધેલી દોરી પર સુકાતાં અને લટકતાં લૂગડાંઓ, વરંડામાં પાથરણાં પર સૂકવેલાં પાપડ, મરી, મરચાં તથા બીજી સુકવણી અને આંગણામાં તુલસીક્યારો. કોઈ પણ જાતના અપવાદ સિવાય લગભગ બધાં જ ઘરોનો આ સામાન્ય દેખાવ હતો.”[1]

બ્રાહ્મણોનાં વાસનું વર્ણન વાંચતા આપણી ગુજરાતી કૃતિઓ ‘મિથ્યાભિમાન’ અને ‘ભદ્રંભદ્ર’નાં વર્ણનો પણ તરત યાદ આવે. દુર્વાસપુરનાં ભૂખાળવા બ્રાહ્મણો અને તેનાં પરિવારનાં વર્ણનોમાં લેખક બરાબર ખીલ્યા છે. પ્લેગ દુર્વાસપુરને ઘેરી વળે છે, એ પછીનાં ભયંકર દૃશ્યોમાંથી એક વર્ણન પણ નમૂનારૂપે જુઓ :

“સીતાદેવી વખારમાં ગઈ તો ત્યાં ચોખા કાઢવાના માપમાં એક ઉંદરડો ગૂંચળું વળીને પડ્યો હતો, મરેલો. સાડીના એક છેડાથી નાક દબાવતી અને બીજા હાથની આંગળીએ ઉંદરડાને પૂંછડીથી પકડી ફેંકવા બહાર તે નીકળી ત્યાં તો એક ગીધ વિમાની ગતિથી નીચે આવ્યું અને સીતાદેવીએ ફેંકવા લંબાવેલા હાથમાંથી, હજુ તો તે ઉંદરને ફેંકે એ પહેલાં કોઈ અચૂક નિશાનબાજની અદાથી ઉંદરને ઝડપી લઈ એના ઘરના છાપરા પર જઈ બેઠું. ભયથી વિહ્વળ બની સીતાદેવીએ એક કારમી ચીસ પાડી અને ઉપર જોયું અને તેના જ છાપરા પર ગીધડાને બેસી ઉંદરને ફોલતો જોઈ બીજી ચીસ પાડવા ગઈ પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો, પ્રાણ સુકાઈ ગયા, કંઈ આધાર માટે એના હાથ આજુબાજુ ફંફોસવા લાગ્યા.”[2]

અત્યારે કોરોનાની બિમારીમાં માણસો ટપોટપ જીવ ગુમાવી રહ્યાં છે. એ સ્થિતિમાં સો વર્ષ પહેલાં આવી પડેલ પ્લેગ મહામારીને માધ્યમ બનાવીને લખાયેલી આ કૃતિ વધુ પ્રસ્તુત જણાશે. જો કે, અહીં મહામારી માત્ર માધ્યમ છે. કથાનાં કેન્દ્રમાં સંસ્કાર છે. સ્થૂળ રીતે અગ્નિ-સંસ્કાર અને સૂક્ષ્મ રીતે સભ્યતાના સંસ્કાર. સંસ્કાર અહીં સમસ્યા બનીને આવે છે.

માણસના આવેગો, વૃત્તિઓ, ઈચ્છાઓ એ બધું પ્રાકૃતિક છે. તેને સંસ્કારનો ઓપ ચડાવી શકાય, પણ એને કાયમી દાબી રાખવાનું સહેલું નથી. સંસ્કૃતિ નીચે દબાયેલી પ્રકૃતિ ક્યારેક તો બળપૂર્વક બહાર ધસી આવે અને પ્રાણેશાચાર્ય જેવી સ્થિતિમાં આપણને લાવી મૂકે. આ કથા માત્ર પ્રાણેશાચાર્યની નથી, સભ્ય સમાજમાં સભ્યતાનો ડગલો પહેરી ફરતાં આપણા સૌની કથા છે. એટલે જ એ કન્નડ ભાષા કે કથાના પ્રદેશને અતિક્રમીને પ્રશિષ્ટ કૃતિ બને છે. નારાણપ્પાના અગ્નિ-સંસ્કારની સમસ્યાથી આરંભાયેલી કથા પ્રાણેશાચાર્યના સંસ્કારો વાસ્તવિક જીવનરૂપી અગ્નિમાં હોમાઈને ભસ્મીભૂત થાય છે –ત્યાં આવીને અટકે છે. આમ દેખીતી રીતે કથાનો અંત ભલે અધૂરો લાગે, પણ સર્જક સંસ્કારનું એક વર્તુળ કલાત્મક રીતે રચી શક્યા છે. ‘સંસ્કાર’ લઘુનવલની સાર્થકતા સંદર્ભે શ્રી ચંદ્રકાંત શેઠની આ નોંધ સાથે સહમત થઈ શકાય એવું છે. તેઓ ‘સંસ્કાર’ વિશેના પોતાના લેખ “‘સંસ્કાર’ : બ્રાહ્મણધર્મનાં સનાતન જીવનમૂલ્યોના સંદર્ભમાં”માં નોંધે છે :

“...આ લઘુનવલ વાંચતા જાગેલી ને વાંચ્યા પછી પણ જાગતી રહેલી આપણી જિજ્ઞાસા ને પૃચ્છા માટે આપણે પણ પ્રાણેશાચાર્યના પગલે પગલે ચાલતાં રહેવું પડશે. નારાણપ્પાના અગ્નિસંસ્કારના પ્રશ્ન કરતાંયે વધારે દઝાડનારો જટિલ પ્રશ્ન તો બ્રાહ્મણત્વના સંસ્કાર કે મૂલ્યોના હ્રાસનો છે, જે સમગ્ર લઘુનવલમાં પ્લેગની જેમ આતંક ફેલાવતો આપણને ને સાથે પ્રાણેશાચાર્યને ઉપરતળે કરીને રહે છે. આ ‘સંસ્કાર’ લઘુનવલના અનુરણને આપણને આપણી સંસ્કારિતાનોયે તાગ લેવાનું ગમશે. આ ‘સંસ્કાર’ની કૃતિ તરીકેની સાર્થકતા આપણે આપણા સંદર્ભમાં પણ પ્રમાણવી રહી!”[3]

છેલ્લે, આપણી સંસ્કારિતા અને સંસ્કારોને પડકારતી આ પ્રશિષ્ટ કૃતિ ગુજરાતી ભાષામાં સુલભ છે, તેનો ગુજરાતી ભાષક તરીકે આનંદ અનુભવું છું. ભારતીય અને વિદેશી ભાષાઓમાંથી અનેક  કૃતિઓ અનુવાદના માધ્યમથી ગુજરાતીમાં આવતી રહે છે. ગુજરાતી વાચક પાસે તો મૂળ કૃતિ પામવાનું માધ્યમ અનુવાદ જ હોય છે. એ વખતે અનુવાદ માત્ર ભાષાંતર ન બને એ બહું જરૂરી હોય છે. શ્રી હસમુખ દવેનો આ અનુવાદ એક ઉત્તમ અનુવાદ છે –એવું ‘સંસ્કાર’માંથી પસાર થતાં દરેક ભાવકને જરૂર અનુભવાશે. સંસ્કારોથી લદાયેલા આપણે સૌ પ્રાણેશાચાર્યનાં જેવી જ અવઢવનાં લીધે જંગલોમાં ફરવાનું આકર્ષણ અનુભવીએ છીએ, પણ વસીએ છીએ તો શહેરમાં જ. સૌ સભ્ય સમાજનાં તકલાદી સંસ્કારો અને પ્રકૃતિનાં મનુષ્ય પરનાં આધિપત્યની, આ કથા અવઢવ દૂર કરે કે ન કરે, પણ એ અંગે વિચારતાં તો કરી જ મૂકશે એ નક્કી...

.  3‘સંસ્કાર’ –યૂ.આર.અનંતમૂર્તિ; અનુ. હસમુખ દવે; આદર્શ પ્રકાશન; બી. પુનઃમુદ્રણ ૨૦૦૯; પૃ. ૧૯૯

-------------------------------------------------------------------------

સંદર્ભ :

૧. ‘સંસ્કાર’ –યૂ.આર.અનંતમૂર્તિ; અનુ. હસમુખ દવે; આદર્શ પ્રકાશન; બી. પુનઃમુદ્રણ ૨૦૦૯

 

- ડૉ. વિરેનકુમાર . પંડ્યા

‘ગૌરી કૃપા’, મેઈનબજાર, મુ. ટાણા,

તા. સિહોર, જિ ભાવનગર – ૩૬૪ ૨૬૦.

 

 

------------------------------------------------------------------------

 

[1] ‘સંસ્કાર’ –યૂ.આર.અનંતમૂર્તિ; અનુ. હસમુખ દવે; આદર્શ પ્રકાશન; બી. પુનઃમુદ્રણ ૨૦૦૯; પૃ. ૨૪

[2] ‘સંસ્કાર’ –યૂ.આર.અનંતમૂર્તિ; અનુ. હસમુખ દવે; આદર્શ પ્રકાશન; બી. પુનઃમુદ્રણ ૨૦૦૯; પૃ. ૮૧