અભિપ્રાય

'નોળવેલની મહેક' વિષે

ગુજરાતી સાહિત્ય પરિષદે કોરોનાના કપરા કાળ વચ્ચેના લૉક ડાઉનના સમયમાં પરિષદની વેબસાઇટમાં ‘નોળવેલની મહેક’ મુકવાનું શરૂ કર્યું છે. જે દર મહિને પાક્ષિક રૂપે ૧૫ અને ૩૦ કે ૩૧ (મહિનાના છેલ્લા દિવસે) અપલૉડ કરવામાં આવે છે.

માર્ચ પછીનો સમય એવો હતો કે દેશમાં અને આપણા રાજ્યમાં લૉકડાઉન હતું. બધી જ પ્રવૃત્તિઓ બંધ હતી. કેટલાય સામયિકો પ્રગટ ન થઈ શક્યા. જે થયા તેની ડિજીટલ આવૃત્તિઓ બહાર પડી. અને તે પણ અનેક વાચકો સુધી તો પહોંચી જ નહીં. એવા સંજોગોમાં ‘વિષાણુ’ સામે ‘વિજાણુ'ની એક લડત પરિષદ તરફથી આરંભાઈ. આમ 'નોળવેલની મહેક' વેબઅંકનો પ્રારંભ થયો. પહેલો અંક ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ નેટ પર મુકાયો. અને તેની લિંક શક્ય તેટલા વાચકોને પહોંચાડવામાં આવી.

એપ્રિલના પ્રથમ અંકમાં પરિષદ પ્રમુખ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર લખે છે, 'જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ; બની રહો તે જ સમાધિયોગ : કોરોનાના કાળમાં' – 'મહામારીના અને કટોકટીના કોઈ પણ સમયમાં સાહિત્યની અને બીજી કલાઓની કૃતિઓનો આસ્વાદ, એના અર્થધટનની વાતો (‘ક્રિટિકલ લિટરરી ડિસ્કોર્સ') હંમેશાં પ્રજાને અને વ્યક્તિને બળ આપનારી બની રહે છે.

તો કોરોના વિષાણુએ જ્યારે આપણું રોજિંદું વાસ્તવ થોડા સમય માટે પડાવી લીધું છે, ત્યારે વેબ સાઇટના આ પ્રતિયમાન પ્રદેશમાં આપણે એકઠા મળવાનું નક્કી કરીએ છીએ પરિષદના સર્જક - ભાવક – મિલનનો મંચ નાના મોટા સભાગારોમાંથી બહાર નીકળી ખૂબ વધારે વ્યાપક સ્થળે પહોંચ્યો છે.

આ વેબઅંકોમાં ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, શિરીષ પંચાલ, વિજય પંડ્યા. રાજેન્દ્ર નાણાવટી, જ્યોતિભાઈ ભટ્ટ તથા બીજા અનેક જાણીતા અને યુવા સર્જકોની કલમને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

આ કાર્યક્રમના ત્રણ ભાગ છે : (૧) યુવા સ્વર (૨) વિશિષ્ટ કલાકૃતિનો પરિચય અને (૩) ભારતીય સાહિત્ય - પરંપરાગત અને સાંપ્રત.

આ બે વેબઅંકોમાં પ્રમુખ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રની સ્વાગત નોંધ પ્રત્યેક અંકમાં વાંચવા મળે છે. સાહિત્યના વિવિધ સ્વરૂપો તો ખરા જ, પણ લલિત કલાને પણ અહીં સ્થાન મળ્યું છે. જેમકે પહેલા જ અંકમાં નમન દોશીની વન્ય જીવન વિષેની તસ્વીરો જેવા મળે છે. તો બધા જ અંકમાં ચિત્રકાર જ્યોતિ ભટ્ટના ફોટોગ્રાફ્સ અને તેને વિષેની વાત 'મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો' જોવા અને વાંચવા મળે છે. આ પ્રસંગોમાં ‘માટીના ઘોડા', બાબા તુંબરાજ વિષે (૧), કચ્છના ભૂંગાનું અંદરનું દૃશ્ય અને ‘શ્રુજન’ વિષેની માહિતી (૨) ઓરિસ્સાના ભીંતચિત્રો વિષે (૩) દક્ષિણ ગુજરાતના વસાવા આદિવાસીઓના ભીંતચિત્ર વિષે (૪) ‘શામળો ઉજાસ' - શાંતિનિકેતન પાસેના કોઈ સ્થળેથી લીધેલો ફોટોગ્રાફ (૫) એક બાળકીની તસવીર' ખરા અર્થમાં કલાત્મક જેવા મળે છે. તો ૩૧ મેના વેબઅંકમાં (સંસ્કૃતિ - સુભાષિત - સ્યન્દિકા'માં એક રાગ મેઘ મલ્હાર'નું ઉત્તમ લઘુચિત્ર (મિનિએચર પેઇન્ટિગ) પણ જોવા મળે છે, આ બધું સંપાદોની કળારૂચિનો પણ ખ્યાલ આપે છે.

કલાનું એક મહત્ત્વનું માધ્યમ સિનેમા છે. અને અહીં તેના વિષે પણ એક લેખ વાંચવા મળે છે. કેતન મહેતા દિગ્દર્શિત ફિલ્મ ‘મિર્ચ મસાલા” વિષે અહીં એક અવલોકન વાંચવા મળે છે. જેમાં નારીવાદના સંદર્ભમાં લેખિકા ધારિણી પાઠકે લખ્યું છે, આ એક અલગ અભિગમ છે અને અહીં ફિલ્મમાં રજૂઆત પામેલી વાર્તાના વિષયવસ્તુને અનુલક્ષીને લખાયું છે. જે ફિલ્મવાર્તાનું અવલોકન કરે છે. ફિલ્મનું નહીં.

આ વેબઅંકોમાં બે વિશિષ્ટ શ્રદ્ધાંજલિઓ પણ સમાવિષ્ટ થઈ છે. જેમાં જાણીતા લેખિકા કુન્દનિકા કાપડિયાને (સિતાંશુ યશશ્ચન્દ્ર અને પ્રફુલ્લ રાવલ દ્વારા લખાયેલી) તથા પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્ના ભટ્ટની શ્રદ્ધાંજલિની સાથે એમના સર્જેલા કેટલા ઉત્તમ શિલ્પોના ફોટાઓ પણ જોવા મળે છે.

નોળવેલ એ એક વનસ્પતિ છે. નોળિયો જ્યારે સર્પની સામે યુદ્ધે ચઢવા જાય છે ત્યારે નોળવેલની મહેક લઈને જાય છે. આપણે પણ કોરોનાના આ કપરા સમયમાં વિષાણુ સામે વિજાણુથી સાહિત્યને પ્રસ્તુત કરવાનું રહે છે.

- અભિજિત વ્યાસ
(અહેવાલ: 'પરબ', ઑગસ્ટ ૨૦૨૦)

 

 

Nolvel ni Mahek (30-September-2020) has brought some rare brilliant photographs of Bendresaheb and Monadevi.

 

I and my wife had opportunity to meet him at his home for 10-15 years. Some unique moment captured in Valmiki's eye!

 

Very Interesting!

 

Bendresaheb -The Artist. Great human being... salute to his memory!