સંભારણાં (૯): બ.ક.ઠાકોર, તા.૨૮-૧-૧૯૯૭

સંભારણાં (૯)...

 

આપણો કવિતાવારસો - બ.ક.ઠાકોર, તા. ૨૮-૧-૧૯૯૭

પઠન અને વક્તવ્ય: નિરંજન ભગત, લાભશંકર ઠાકર.

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

આપણો કવિતાવારસો - બ.ક.ઠાકોર, તા. ૨૮-૧-૧૯૯૭

પઠન: નિરંજન ભગત, લાભશંકર ઠાકર.

બળવંતરાય -બ.ક.ઠાકોર
બળવંતરાય -બ.ક.ઠાકોર

જોકે પ્રસ્તુત કાર્યક્રમ ૧૯૯૭નો છે, પરંતુ બ.ક.ઠાકોર સાથે મારાં બે સંભારણાં ઉપસ્થિત થાય છે – એક તો હમણાનું તાજું, ગયા વર્ષે જ ગુજરાતી સાહિત્ય પરિષદમાં બળવંતરાય ઠાકોરની સાર્ધ શતાબ્દિ ઉજવાઈ હતી, તે કાર્યક્રમ.

અને બીજું, તેમજ વિશેષ સંભારણું એ છે કે જેમણે પણ, જ્યારે પણ ભગતસાહેબને તેમના પ્રિય ‘બલ્લુકાકા’ વિષે વાત કરતા સાંભળ્યા હશે, તેમને યાદ આવશે કે બલ્લુકાકાની વાત કરવામાં તેમને ખૂબ આનંદ આવતો. એકની એક વાત તેઓ અમને બે-ત્રણ વાર કે કદાચ વધુ વાર જણાવતા –તેમને કેવી રીતે મળ્યા, પરિસ્થિતિ કેવી હતી અને બળવંતરાયનું આબેહૂબ વર્ણન કરે –એવું લાગે કે જાણે આપણે બળવંતરાયની સામે જ ખંડમાં ઊભા છીએ! ધ્રુજારી પણ અનુભવાય! જ્યારે ભગતસાહેબ બક.ઠાકોરના કાવ્યની પંક્તિઓ કહેતા, ત્યારે એવું લાગતું કે જાણે એમનામાં સાક્ષાત બળવંતરાય ન ઊભા હોય, એવી શાનદાર છટા સાથે તેઓ બોલતા.

આ સાથે કેટલુંક વાંચનનું સંભારણું પણ ઉમેરું છું –આશા છે કે રસપ્રદ રહે..

  • બળવંતરાય અને ગાંધીજી
  • બળવંતરાય અને નિરંજન ભગત
  • બળવંતરાય અને લાભશંકર ઠાકર

નોંધ: પ્રસ્તુત ઓડિયોની ગુણવત્તા બને તેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ Headphones કે earphones ની જરૂર પડે.

બળવંતરાય અને ગાંધીજી

 

ગાંધીજી અને બ.ક.ઠા. એટલે કે બળવંતરાય ઠાકોર તો એક જ વર્ષ ૧૮૬૯માં જન્મ્યા હતા. તેઓ રાજકોટમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં સાથે ભણેલા. ગાંધીજીના જૂના અને છેવટ સુધી રહેલા જૂજ મિત્રોમાંના એક હતા. ગાંધીજી મોહનદાસ તરીકે ભણવા માટે બ્રિટન (‘વિલાયત’) ગયા ત્યારે તેમને સ્ટીમર પર વિદાય આપવા જનારા લોકોમાં બ.ક.ઠા. પણ એક હતા. બ.ક.ઠા. ગાંધીજીને ‘મહાત્મા’ નહીં, ‘મોહનભાઇ’ કહેતા.

આપણા પ્રસિદ્ધ વ્યંગચિત્રકાર ‘ચકોરે’ એક વ્યંગચિત્ર દોરેલું જેમાં ગુજરાતી કવિતા પાલખીમાં છે, જે પાલખીને એક છેડે ભારે શરીરવાળા બ.ક.ઠા. અને બીજે છેડે સુકલકડી ગાંધીજીએ ખભે ઊંચકી છે, કેમ કે એ સમયે વિચારો-કથા ઉપર ગાંધીજીનો અને કાવ્યઆયોજન પર બ.ક.ઠા.નો આપણા કવિઓ પર પ્રભાવ હતો.

બ.ક.ઠા. કવિ અને વિવેચક હતા અને એમના આગ્રહો દ્રઢ હતા. તેમને ગાંધીજીના સિદ્ધાંત કે આંદોલન માન્ય નહોતાં. ગાંધીજી સાથે તેમને વૈચારિક મતભેદ હતા, પણ સમય જતાં બ.ક.ઠા. ગાંધીજી માટે આદરભાવથી ‘પૂજય ગાંધીજી’ કહેતા. ગાંધીજી અને બ.ક.ઠા.નો પત્રવ્યવહાર થયેલો. બ.ક.ઠા.એ અંગ્રેજીમાં પત્ર લખ્યો, ગાંધીજીએ ગુજરાતીમાં જવાબ આપ્યો. ગાંધીજીએ લખેલું (૧૯૧૮)- ‘આપણી ધારાસભા થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે. બંને હિન્દુસ્તાનની એક જ ભાષા જાણવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે અથવા બીજાની સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે...’

 

- ભોળાભાઇ પટેલ

(સાહિત્ય વિશેષ)

 

બળવંતરાય અને નિરંજન ભગત

 

આજે અઢાર વરસે સંભારું છું ત્યારે કેટકેટલી ધૂળ વસ્તુઓ અને સૂક્ષ્મ વાતો આંખ અને અંતર સામે એકસામટી આવે છે. ખાટલો, હીંચકો, ટેબલ, ખુરશીઓ, કબાટો, પુસ્તકો, ચિત્રો, હેટ, લાકડી, ઓવરકોટ, ચા-નાસ્તો અને તેમનો સેવક પાંડુ સાક્ષાત્ થાય છે. રોષમાં હોય ત્યારે એમનું કઠોર ‘હં’ અને ડાબા ખભાથી જમણી કેડ લગી વીંઝાતો એમનો જમણો હાથ, પ્રેમમાં હોય ત્યારે એમનો ઋજુકોમળ અવાજ -ટેઇપરેકોર્ડર અને મુવી કેમેરા વિના એનો ખ્યાલ આપવો જ અશકય છે. એમની બે વાતોનું મારી સ્મૃતિમાં, મારા હૃદયમાં અદ્વિતીય સ્થાન છે.

બલ્લુકાકા લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા. એમાંથી પાછા આવીને એમણે ઋજુકોમળ અવાજે પૂછ્યું, 'I don't know what poetry is. Do you?” મેં કહ્યું, 'No, I don't.' એમણે કહ્યું, ‘After all these years I don't know what it is. It's a mystery.' અને ફરી પાછા લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા.

૧૯૫૧ના ઉનાળાની લાંબી રજાઓ પૂરી થતી હતી. અમદાવાદ આવવાના દિવસને આગલે દિવસે બલ્લુકાકાની વિદાય લીધી. મેં કહ્યું, ‘બલ્લુકાકા, પરમ દિવસે સવારે કૉલેજ ખૂલે છે. કાલે રાતે અમદાવાદ જાઉં છું. કાલે મુંબઈ છોડવાની તૈયારીમાં હોઉં અને આખા દિવસમાં એવું બને કે તમને ન મળી શકું તો મનમાં એનું દુ:ખ રહી જાય. એટલે આજે જ ‘આવજો' કરું છું.’ પળમાં આનો અર્થ એ પામી ગયા. લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા. એમાંથી પાછા આવીને એમણે ઋજુકોમળ અવાજે પૂછ્યું. ‘તમને અહીં ક્યાંય કામ ન મળે?” ગદ્દગદ અવાજમાં સહેજ કંપ હતો. પળમાં આનો અર્થ હું પામી ગયો. મેં કહ્યું, "બલ્લુ કાકા, મને અહીં કામ તો મળે પણ પછી હું તમને આમ રોજ ન મળી શકું.' એમણે કહ્યું, 'Yes, that also is true. Alright ! Then go You're a young man. You must be having many things to do. But if you remember an old man like me, then once in a while do drop a line.'

 

- નિરંજન ભગત

(સ્વાધ્યાયલોક-૭)

 

બળવંતરાય અને લાભશંકર

 

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને કવિતાશિક્ષક હતા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રબળ પ્રસ્થાનકાર હતા.

એવા જ બળકટ કવિ અને પ્રસ્થાન કાર હતા, લાભશંકર ઠાકર. એમણે પણ પોતાની રીતે‌ આપણને કવિતા અને સંસ્કૃતિ વિશે વિચારતા કરી મુક્યા.

આ બંને સર્જકોએ પોતાના અંગત અને જાહેરજીવન વિશે પણ મહત્વની વિચારણાઓ કરી છે અને તેનો પ્રભાવ  ગુજરાતના સાંસ્કૃતિક જીવન પર પડયો છે. બંને પોતપોતાની રીતે નિરીશ્વરવાદી. એ રીતે ગુજરાતની પોતાની આધુનિકતાના એ બે પણ કડખેદ‌ હતા.

આધુનિકતાની વિભાવના સાથે વ્યક્તિની એકલતાનો અનુભવ જોડાયેલો છે. અને માર્ટીન બ્યુબર કહે છે તેવા " આઇ એન્ડ ધાઉ " ના અશક્યવત સખ્યનો.

આરોહણ કાવ્યમાં બ.ક.ઠાકોર પોતાના સાહસિક સ્વજનને આ અવિસ્મરણીય પંક્તિમાં યાદ કરતાં કહે છે કે, 'સખે, હૃદય ક્યાં હશે? પથ ચઢો કયો આ સમે?' તો એવા જ સમર્થ કવિ લાભશંકર ઠાકર લખે છે કે, 'વાગીશ્વરીના નેત્ર સરોવરમાંથી ખોબોક પાણી પીને ફરી કામે વળગી જતા મારા વિપ્લવ ખોર મિત્રો, અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન'.

બંને આપણા સંસ્કૃતિ વિચાર અને આચારમાં અને કાવ્ય વિચાર અને લેખનમાં નવા માર્ગ ચિંધવાનુ  કામ કરી ગયા છે.

- સિતાંશુ યશશ્ચંદ્ર

(બળવંતરાય ઠાકોરની સાર્ધ શતાબ્દિ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા વક્તવ્યમાંથી)