૧. ગીત
- વિરેન પંડ્યા
પથ્થરમાં ફૂટેલી કૂંપળને પૂછ્યું કે પથ્થરથી બહાર કેમ આવી ?
લહેરાતી કૂંપળ કહે, માસ્તરજી પાસે છે, પથ્થરને ખોલવાની ચાવી.
ચૂંટણીઓ અહેવાલો સરઘસને મેળાઓ, વસ્તી કે પસ્તીના કામ,
ઉપરથી આખા ગામમાં નિશાળ એની પેલ્લેથી ભારે બદનામ;
એવા માસ્તરજીએ રોજ અહીં આવીને પથ્થરની સાંકળ ખખડાવી.
નવી નવી રીતોથી ભણવા- ભણાવવાનાં સપનાઓ એને તો આવે;
કાગળથી છુટકારો મળતાંની સાથે એ થોડું થોડું ભણાવે;
એવા એ માસ્તરની પીડા એ કાળમીંઢ પથ્થરની છાતી પીગળાવી!
બાળકો ભણાવવામાં ભૂલી એ જાત પોતાની તકલાદી પીડા,
મસ્તીથી ખવડાવે વાર્તા ,કવિતાને નાટકના મધમીઠાં બીડાં;
એમની કવિતાઓ બાળકોની સાથે આ પથ્થર પર થઈ બેઠી હાવી!
- વિરેન પંડ્યા
•
૨. બે કવિતા
- જુગલ દરજી
(૧)
આટલું,લીલાં લોહીમાં એનાં,
ક્યાંક કદી જો ઝાડને ફૂટે જીભ અચાનક તોય તને ફરિયાદ કરે ના.
આટલું, લીલાં લોહીમાં એનાં....
હોય છે નાનો છોડ તે’દીથી કાયમી કાળા શ્વાસને પહેરી આયખું તારે નામ કરે છે,
આટલેથી પણ અટકે નહિ ને પંડને તારા રાખ થવા લગ સંગ બળે છે, સંગ મરે છે,
હડસેલે કે ધૂતકારે તું ,કોઈ’દી લોટો પાય ન પાણી, તોય એને કંઈ ફેર પડે ના.
આટલું, લીલાં લોહીમાં એના...
આકરો છો ને તાપ હો માથે તોય ઊભું રહી, કોઈ આવેની ઝંખના સેવી નેજવાં કાઢે
તોય રે માણસ જાત તું તારી જાત બતાવે, રોજ ઉઠીને ધડધડાધડ છાંયડા વાઢે!
કેટલો આપ્યો ત્રાસ તેં એને તોય યુગોથી છમલીલી છમ છાંય આપે પણ હાય આપે ના
આટલું, લીલાં લોહીમાં એના.......
- જુગલ દરજી
•
- જુગલ દરજી
(૨)
છે ફરી લોહીઝાણ, તોરલદે,
આયખું 'ને ગમાણ તોરલદે.
નોખું છે બસ દબાણ તોરલદે,
એનું એ છે વહાણ તોરલદે.
કામ ના આવી સાબદાઈ કોઈ,
કંઠ લગ આવ્યા પ્રાણ તોરલદે.
સત્ય ઊભા છે ગૂઢઘેરાં થઈ,
કપરી છે ઓળખાણ તોરલદે.
ધાર છોડીને તાર ઝાલ્યો ત્યાં,
હાથે ઉપસ્યા લખાણ તોરલદે.
દવ છે દરિયે ને માંહ્ય તો ઠંડક,
લૂંટવી છે આ લ્હાણ તોરલદે.
છે પ્રગટ ને અલોપ પણ એનાં,
શેં શેં દેવા પ્રમાણ તોરલદે.
ક્યાંક ભાળી ઉજાસ આછેરો,
પગને ફૂટ્યાં પ્રયાણ તોરલદે.
- જુગલ દરજી
•
૩. ગીત
- વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
માધવ સાથે જોડી દીધો જનમ જનમનો નાતો
દહીં દૂધના નાવણ દીધા, ચંદન લેપ લગાવ્યા
શણગાર્યા મેં સોળ કળાએ દીપજ્યોત પ્રગટાવ્યા
થાળ ધરીને બેઠી વાટે, ભલે ગુજરાતી રાતો
માધવ સાથે જોડી દીધો જનમ જનમનો નાતો
પંચતત્વની આરત વચ્ચે ખુદને કીધી અર્પણ
સ્વીકારે કે ત્યજે હરિવર! જોગણને શું વળગણ!
પ્રાણ કહો કે પ્રેમ કહો, ના અર્થ કદી બદલાતો
માધવ સાથે જોડી દીધો જનમ જનમનો નાતો
રીત જગતની હું શું જાણું? પઢુ પ્રેમના મંતર
સંત મળે તો જ્ઞાન શબદના મર્મ ઉતારું ભીતર
માડું હું તો કૃષ્ણકથાને ટેવ મુજબની વાતો
માધવ સાથે જોડી દીધો જનમ જનમનો નાતો
- વર્ષા પ્રજાપતિ ' ઝરમર'
•
૪. ગઝલ
- રવિ દવે 'પ્રત્યક્ષ'
રહીને સાથ દરિયાના પનારે, લાજ કાઢી છે,
કે મોજાનો કરી ઘૂંઘટ, કિનારે લાજ કાઢી છે.
તમે જેને કહો છો રાત એ કંઈ રાત થોડી છે?
દિવસના માન માટે અંધકારે લાજ કાઢી છે.
તમે સામે જો આવો તો વિચારો મૌન સીવે છે,
તો એવું લાગે છે જાણે વિચારે લાજ કાઢી છે.
ઊગ્યો છે બીજનો ચાંદો કે ઊભા છો તમે છત પર?
ગમે તે હોય પણ કોના ઈશારે લાજ કાઢી છે?
ઢળી પાંપણ તો સૌને એમ લાગ્યું ઊંઘ આવી ગઈ,
પણ એના સપના જોવા આંખે ભારે લાજ કાઢી છે.
- રવિ દવે 'પ્રત્યક્ષ'
•
૫. ગઝલ
- શબનમ ખોજા
છોડીને ઝાડવાંને ઉડી રહ્યું છે પંખી
આકાશ આંબવાને ઉડી રહ્યું છે પંખી
'ના પાંખની કદર છે, ના જાતમાં છે ક્ષમતા'
મ્હેણું એ ભાંગવાને ઉડી રહ્યું છે પંખી
સૂની પડી ગયેલી પાકટ હવાની કૂખે
ટહુકાઓ સ્થાપવાને ઉડી રહ્યું છે પંખી.
હાંફી ગયા પછી પણ રાખ્યો પ્રવાસ કાયમ,
પોતાને માપવાને ઊડી રહ્યું છે પંખી.
'સ્થળ-ચણનો મોહ ત્યાગી નીકળી શકે તો પામે'-
આ સત્ય પામવાને ઉડી રહ્યું છે પંખી !
- શબનમ ખોજા
•
૬. ગઝલ
- કિરણ જોગીદાસ 'રોશન'
મૂકી ચહેરાંને બાજુ પર, અરીસાને સજાવે છે,
બદલવા રંગ દુનિયાનો અલગ ચશ્મા ચઢાવે છે.
સવારે નીકળે ખુદને કડક ઈસ્ત્રી કરી માણસ,
પછી સાંજે વિખેલી જાત ખીંટી પર ચડાવે છે.
પનોતી થઈ નડે ખુદને; વગોવે છે હથેળીને,
ગ્રહોના નામ પર પોતે જ પોતાને મનાવે છે.
ગમે ના એક પળ, એના વિના લાગી છે એવી લત,
મદિરા જેમ આ માણસ ઉદાસી ગટગટાવે છે.
વ્યથાના શેર પર મહેફિલ જુઓ ગુંજી દુબારાથી
પરાયા દર્દ પર કાયમ જગતને મોજ આવે છે.
- કિરણ જોગીદાસ 'રોશન'
•
૭. એક કવિતા
-કિંજલ જોષી. અમરેલી
માર્ગમાં બસ મહાલવું છે બીજું કંઇ જોતું નથી
તારી સાથે ચાલવું છે બીજું કંઈ જોતું નથી
પળનું પંખી આંગણે આવ્યું છે બસ ઉડી જવા
એક પળ બસ પાળવું છે બીજું કંઈ જોતું નથી
આંખ ખુલે તો નજરમાં, બંધ આંખે સ્વપ્નમાં
એમની સન્મુખ થવું છે બીજું કંઇ જોતું નથી
શું ભર્યું છે ભાવિની ભીતરમાં જાણી શું કરું?
આજને વળગી જવું છે બીજું કંઈ જોતું નથી
કોઈ જો માંગે તો એને બેફિકર આપી શકું
આટલું બસ પામવું છે બીજું કંઈ જોતું નથી
-કિંજલ જોષી. અમરેલી
•